પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬ : તુલસી-ક્યારો

આમ સોમેશ્વર માસ્તરના સંસારનું ગાડું ચાલ્યા કરતું. ભાણા ખડખડ ઘરમાં બિલકુલ નહોતી થતી એમ પણ નહિ. ગાંડી યમુના અને પાછલી પરશાળે બેસી રહેતા મામા, એ બેઉ વચ્ચે ઘણીવાર ચકમક ઝરતો ત્યારે મામા કહી નાખતા કે 'આવી છે મારાં ભાણેજડાંનો જીવ લેવા, તે ભરખી કરીને જ જશે.'

અર્ધ સમજમાં ને અર્ધ બેભાનમાં યમુના પણ ઘર ગજાવી મૂકતી કે 'મારી મૂડીમાયા લઈ લેવા સૌ ભેગાં થયાં છો કાં ને? હું તો નાગણી છું નાગણી !' ને પછી બિભત્સ ગાળો.

વિધવા વહુ ભદ્રા ઉપર વારંવાર એક જુદી જ ફરજ આવી પડતી. અમદાવાદ રહેતા પ્રો. વીરસુતનાં નવાં પત્નીને જ્યારે જ્યારે થોડી કે ઝાઝી માંદગી થઈ આવતી ત્યારે તાબડતોબ ભદ્રા ભાભીને મોકલવાનો તાર પિતા પર પહોંચતો. સોમેશ્વર માસ્તર ઘણું ય લખતા કે ભાઈ, નવી વહુને આંહી મોકલ, તો એમનું સચવાય તે સાથે સૌનું સચવાય. આ ગાંડીનું કાંઈ ઠેકાણું નહિ; રોટલા કરી આપે કે ન કરી આપે. મોટી વહુ વગર મુશ્કેલી પડે: મને તો કાંઇ નથી. હું તો હાથે રાંધી લઉં, પણ ઘરની સાચવણ વીંખાઈ જાય છે, નવી વહુ આંહી આવીને રહે તો હું ચીવટ રાખીને દવા કરાવી શકું, તેમ એને ઘરકામ કરવાનો થોડો વ્યાયામ પણ મળે. ઘર એનું છે, એટલે પોતે ઘરની સાચવણ પણ કરતાં થાય.

પણ વીરસુત જવાબ વાળતો કે 'મારે નવીને પણ ત્યાં મૂકીને સંસ્કારહીન નથી બનાવવી. મારે એને એ ઘરની ધૂળ ઝાડવા-ઝાપટવાનું ભળાવવું નથી. એકને ગુમાવી છે તે ઘણું બધું છે. માટે મોકલવવાં હોય તો ભદ્રાને મોકલજો, નહિતર ઇસ્પિતાલે જ મૂકીશ.'

પિતા લખતા કે 'મારો જીવ સહેજ સંકોડાય છે, કેમ કે ભદ્રા