પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૬૪ : તુલસી-ક્યારો


પડે તો બોલાવજો. હું તો નાખોરાં ઘરડતો હોઉં ત્યારેય સાદ સાંભળી શકું છું. બિલાડીનાં પગલાંય મને ભરનીંદરમાં સંભળાય છે. ને કશી ફીકર નહિ. માણસને માણસનું કામ ન પડે ત્યારે કોનું, ઢોરનું પડે ? સાદ કરજો તમતમારે. મારી ઊંઘની ચંત્યા કરશો નહિ.કહી રાખું છું.'

'ચાલ ભાઈ ચાલ, તને ઠેકાણે પહોંચાડી જાઉં, નીકર ક્યાંય અથડાઇ પડીશ.'

એમ કહીને સોમેશ્વર સાથે ગયા. પોતાને સ્થાને પહોંચીને અંધાએ બનેવીને કહ્યું :

'નરાતર જૂઠ હો દવે જી ! અક્ષરે અક્ષર ગોઠવી કાઢેલો. પણ ભાણાને તો મધ જેવું લાગ્યું હશે ને !'

'જા જા રાક્ષસ ! ભણેલા ગણેલા એ તારા ભાણેજમાંથી મનુષ્યત્વ જ નીકળી ગયેલું કલ્પછ ?'

'કલ્પતો નથી. એ ભણેલો છે એટલે જાતે હત્યા કરી કે બીજા પાસે કારસ્તાન કરાવી શકતો નથી. પણ એના અંતરમાં તો ખૂન જ વરસતું હશે દવેજી ! પૂછો જઇને કરો ખાતરી.'

'પછી ?'

'ફકત કોરટે જતો અટકાવો, આપણે વહુને લઇને વતનમાં પહોંચીએ, પછી જોયું જશે.'

'તારી મતલબ શી છે ?'

'પુત્રવધૂને પાછી સ્વસ્થાને સ્થપાયેલી જોવાની.'

'પણ આ એનું પાપ ?'