લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સસરો : ૨૧

મારી કેડ્યે ન રહે. માથાક્ટ કરાવવી નહિ આ વખતે. બધી જ ચાવીઓ ભેગાં લઈને જાવું હોય તો જાઓ. ને ઘી ગોળ ખાંડ પણ એકાદ મહિનો હાલે એટલાં કાઢી દઈને બાકીનાંને કબાટમાં મૂકી ચાવી સાથે લેતા જાવ. મારાથી એ બધી પંચાતમાં નહિ પહોંચાય. પોતાનું છે તેની સાચવણ પોતે જ રાખવી પડશે. ચાવીઓનો જૂડો મારાથી નહિ વેઠાય. હા, સાથે લઈને જાઓ, બેલાશક !'

દાદાને બોલે બોલે ભદ્રાબાના મુખ ઉપર ઊર્મિઓનાં જે મંડલો પુરાતાં હતાં, ભાવનાનાં કણેકણની જે ઢગલીઓ પડતી હતી, તેનું તો દેવુને એ ટાણે જંગી કોઈ પ્રદર્શન સાંપડી ગયું હતું. એની ડોક ઊંચે જોઈ જોઈ દુઃખવા આવી હતી તો પણ એની જીજ્ઞાસા ખૂટતી નહોતી.

ભદ્રાના રંડવાળ ચહેરા ઉપર ભાવોની ભરતી આવજા કરતી હતી. તેનું એક કારણ હતું. ત્રણેક વર્ષો પર ન્યુમોનીઆએ એકાએક સમળી ઝડપે તેમ ઝડપી લીધેલા સ્વામીની સાથે એનો મેળ બહુ મધુર હતો. સ્વામીની હયાતીમાં જે પ્રેમ અને સન્માન એ આ ઘરમાં પામી હતી તે કરતાં તો અદકેરાં સન્માન સસરાએ એને માટે કુટુંબમાં જમાવી દીધાં હતાં. ઘરેણાં તો માસ્તર સાહેબના ઘરમાં અલ્પ હતાં, પોતાના લગ્નટાણાનાં દાગીના જ વારંવાર ભંગાવી તેના રૂપાંતરમાંથી જ એમણે બે દીકરાનાં લગ્ન કર્યાં હતાં. તેમાં દેવુની બાએ ઘર ખર્ચમાં કોશીર (કરકસર) કરી કરી સસરાની આમદનીમાંથી જે બચત નીચોવેલી તેનું પણ થોડું સોનું રૂપું ઉમેરાયું હતું. દેવુની બાના પિયરના થોડા દરદાગીના તેમજ આણાંના વસ્ત્રોની જુદી પેટી રાખી હતી તેને તો માસ્તર સાહેબે વીરસૂતનો સ્પર્શ સુદ્ધાં થવા દીધો નહોતો, છતાં તે પેટીની ચાવી એમણે ભળાવી હતી ભદ્રા વહુને. ભળાવતી વેળા ભદ્રાની આનાકાનીની એમણે આ શબ્દોમાં ખબર લીધી હતી કે-