૩૬ : તુલસી-ક્યારો
લાગે છે તો સારી,' એ સત્તાધારી પુરૂષ કહેતો હતો; 'પણ...'
'પણ શું?'
'હું મૂંઝવણ અનુભવી રહ્યો છું : કે ચહા સારી લાગે છે તે ખરેખરે જ સારીતૈયાર થઈ છે તેથી, કે તારી એઠી થઈ છે તેથી?'
ભદ્રાના સરવા કાન પર આ વાક્ય ઝીલાયું ભલે, પણ એ બોલાતી વેળાના બોલનારના હાવભાવ આ ઉદ્ગાર બાબતમાં વધુ મહત્ત્વના હતા. એ હાવભાવ કશા જ હાવભાવથી રહિત હતા. ભાસ્કરભાઈ નામના એ સત્તાધારી પુરૂષે ચહાના પ્યાલા ઉપર જ પોતાની દૃષ્ટિ આ વાક્ય બોલતી વખતે સ્થિર રાખી હતી.
કંચનની આંખો ભાસ્કરના બોલતાં મોં સામે તેમજ બોલી લીધા પછીના મોં સામે બે મિનિટ સુધી ચોંટી રહી. ભાસ્કરે એની સામે પોતાની દૃષ્ટિ ઉચકી જ નહિ. એણે તો વધુ કશું જ લક્ષ કંચન તરફ આપ્યા વગર વીરસુતની સાથે જ વાતનો ત્રાગ સાંધી દીધો:
'તારાથી માંદા પડાય જ કેમ ? તારૂં શરીર તંદુરસ્ત રાખવાની જવાબદારી ફક્ત તારી પોતાની જાત પ્રત્યે જ નથી. કંચન પ્રત્યે એ જવાબદારી મુખ્ય છે. એ આવીને મારી પાસે રડે છે. તું બિમાર પડે છે એટલે એની પ્રગતિ પર છીણી જ મૂકાઈ જાય છે કે બીજું કંઈ ? તારી સાથે એ પણ ઘરની કેદી ને એ પણ મનથી માંદી : રો રો જ કર્યા કરે. ઘરમાં તને તાવ ભર્યો ભાળે એટલે પોતે રાંધીને ય ન ખાય. બહાર વળી મને જ્યારે ખબર પડે ત્યારે હું થાળી પહોંચાડું.'
'ને એને પૂછો તો ખરા.' કંચન બોલી ઊઠી, 'એની ઊલટી કેવી ગંધાય છે? પાસે ઊભું ય રહી શકાય છે?' બોલતે બોલતે એ ગદ્ગદ્ થતી હતી. 'જેને ઉપાડવી પડે એને કેવું થતું હશે?'