પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લગ્ન : જૂનું ને નવું : ૫૯


વીરસુતની આ પહેલી પત્ની એટલે આપણા દેવેન્દ્ર-દેવ-ની બા. ગામડાંની હાડલોહી લઈને આવેલી એવી નવયૌવનભરી સ્ત્રી ત્રણજ વર્ષોમાં કેમ મરી ગઈ તેનું એક કારણ દેવેન્દ્રના દાદાજીના મોંમાંથી સહેજ સરી પડેલું આપણે સાંભળ્યું છે. વ્રતો ઉપવાસો પર એ જુવાન પુત્રવધૂ અતિશય ચાલી ગઈ હતી. આટલાં વ્રતો ઉપવાસો કરીને કંચન સરીખી કાયા ઘસતી એ દેરાણી ફક્ત એક ભદ્રાની પાસે જ એક દિવસ માંડ માંડ મોં ખોલી શકી હતી: એણે કહ્યું હતું કે'જરાક વધુ ખવાઈ જાય છે, જરીક પેટ ભરાઈ જાય છે કે તુરત મને, ભાભીજી, કોણ જાણે શાથી શરીરે અતિશય લોહી ચડવા લાગે છે : ને પછી તમારા દેર રાત ને દા'ડો એવા યાદ આવ્યા કરે છે, કે ક્યાંય ગોઠતું નથી. ઊંઘું છું તો સ્વપ્નાંનો પાર રહેતો નથી. સ્વપ્નાં તો ભાભીજી, સારાં ય હોય ને માઠાંય હોય. તમારા દેર પણ, ભાભીજી મને મુઈને પીલપાડા જેવી જોઈ ઝાંખાઝપટ થઈ ગયા'તા. એમણે તો કોણ જાણે કાંઈ સમજાય નહિ એ રીતે મને કહ્યું ય હતું કે હું ભણું છું ત્યાં સુધી તો શરીર કાબૂમાં રાખ ! આ તે દા'ડાથી મને મુઈને વ્રત રહેવાં બહુ જ ગમી ગયાં છે.'

આમ ભૂખી રહેવાનું બહાનું ઊભું કરીને દેવની બા વીરસુતને વળતી જ વેકેશનમાં પોતાના શરીર પરનો કાબુ બતાવી ચિંતામુક્ત કરી શકેલી. તે પછીની વેકેશનમાં તો વીરસુતે એનાં વધુ ગળી ગયેલાં ગાત્રો તરફ જોઈ પોતે કોલેજમાં વિક્રમોર્વશીય નાટક ભણતો હતો તેમાંથી પુરૂરવા રાજાની તપસ્વિની પત્નીવાળો શ્લોક પણ સંભળાવ્યો. ચોથી વેકેશને એ જાણે પેલી હૃષ્ટપુષ્ટ ગામડિયણ પત્નીનો દેહ જ ન રહ્યો; ને કોલેજ-કાળ પૂરો થવાને વાર નહોતી ત્યાંજ દેવની બાના એ ક્ષીણ શરીરનો કાળ પૂરો થઈ ચૂક્યો.

દરમિયાન તો વીરસુતની છાત્રાલયની ઓરડીમાં ભાસ્કરભાઈની આવજા