બે વર્ષથી ઊગતો આવતો આ વીરસુત-કંચનનો જીવનબાગ કેવોક મ્હેકતો હતો તેની તો સુગંધ લઇને જ તે દિવસની રાતે ભદ્રા સુતી હતી.
કજિયાની રાત પૂરી થઈ હતી, પણ કજિયો શું હજી ચાલુ હતો? કજિયાનાં લાંબા મનામણાં એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી? વહેલી ઊઠીને ન્હાઇ પરવારી દૂધ પાણી તૈયાર કરીને ભદ્રા ક્યારની બેઠી હતી. દેરદેરાણી બહાર આવીને તૂર્ત દાતણ-પાણીથી પરવારી લ્યે એટલા માટે આસનીઆં પથારી બે લોટા અને બે લીલાંછમ સીધાં દાતણ પણ તૈયાર રાખેલાં. દાતણ કરવા બેસે કે તૂર્ત ચહા પલાળવા પાણી ક્યારનું ચૂલે ખદખદતું રાખ્યું હતું.
દા'ડો ચડ્યો તોયે બેઉ સળવળતાં નથી. ઓરડો કેમ સુનકાર છે ? માડી રે, કાંઈ સાહસનું કર્મ તો નહિ કરી બેઠા હોય ને બેઉ જણ?
ભદ્રાનો ધ્રાશકો વધતો ગયો. એનાં કલ્પના-ચક્ષુઓ સામે શબો દેખાયાં. એણે ધીરે ધીરે એક બે અવાજ કરી જોયા, પણ ઓરડાની શાન્તિ તૂટી નહિ. બ્હી ગયેલી ભદ્રાએ થોડીવાર વિચાર કર્યા પછી બંધ બારણાં તરફ પગલાં માંડ્યાં ને કાન પણ માંડ્યા. એટલેથી પણ પાકી