પૃષ્ઠ:Van Vruksho.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાવળનો કાંટો એકાએક પેસી જાય તો તે ઊંડે જાય છે. બાવળના કાંટાને કેટલાક લોકો ટાંકણીઓ પેઠે ગામડામાં વાપરે છે. કોઈ વાર છોકરાઓ મોટર કે સાયકલમાં પંચર પાડવા બાવળના કાંટાને રસ્તામાં વેરે છે. બાવળની સૂળોને ગામડામાં ભીંતે કાંઈ ચોડવું હોય તો ખીલી પેઠે વાપરે છે.

બાવળની લાંબી લાંબી શીંગો થાય છે, તેને પરડા કહે છે. પરડાનો સ્વાદ તૂરો લાગે છે. કાઠિયાવાડનાં ગામડાઓમાં લોકો તેનું અથાણું કરે છે. એ અથાણું સારું લાગે છે.

બાવળનો ગૂંદર વધારે મોંઘો અને વધારે ઉપયોગી છે. એ દવામાં પણ કામ આવે છે. શિયાળામાં લોકો પાક કરીને ખાય છે, તેને ગૂંદરપાક કહે છે.

પણ પેલો માસ્તર નિશાળિયાને 'ગૂંદરપાક' આપે છે તે જુદો. એ ગુંદરપાક એટલે તો ઠોંસા અને થપાટ !

બાવળના થડ કે ડાળી ઉપર કુહાડીથી કાપા પાડવામાં આવે છે; તેમાંથી રસ નીકળે છે અને જામી જાય છે. એનું નામ ગૂંદર.

બાવળ ઉપયોગી છે છતાં લોકો તેની નિંદા કરે છે. ગધેડાને કઢોર, કળથીને કધાન અને બાવળને કઝાડ કહે છે. લોકો પણ છે ને કાંઈ !

શું કામ એને કઝાડ કહેતા હશે ? કેમકે એને છાંયે બેસી શકાતું નથી; એની નીચે એટલા બધા કાંટા હોય છે; એને છાંયે અનાજ પાકે નહિ ને ખેતી બગડે.

બાવળને ઝાડે સુગરી પોતાના માળા ખાસ કરીને બાંધે છે. સુગરીને એમ તો અક્કલ બહુ છે. એનું નામ સુગૃહી, સારા ઘરવાળી. એનો માળો સાચે જ સુંદર હોય છે. પણ શા માટે એ કાંટાળા બાવળે જઈને બાંધતી હશે ? પણ એમ તો