કરેલ એટલે આ પરીક્ષા એને ભારે ન પડી. ભુંગળીમાંથી ટીપણું કાઢી ઉકેલી માથું ખંજોળી તે બોલ્યો, ‘પાટી, વતરણું અને જિંકી લઈ આવો એટલે હું ગણિત કરીને કહું.’ સાસુયે પાટી આણી તે ઉપર વીશ લીટા કર્યા ને કહ્યું કે ‘તમે આટલા રોટલા ઘડ્યા.’ સાસુનું સાનંદાશ્રર્ય માર્યું નહિ, જમાઈનાં બધે બેમોહડે ગુણગાન કર્યાં. ટીડા જોષીની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ.
એવામાં પડખે કોઈ કણબીનો ઢાંઢો ખોવાણો હતો એની પટલાણી ટીડા પાસે જોષ જોવડાવવા આવી. ટીડો મૂંઝાણો પણ વિહ્વલતા બીજાંને કળાવા ન દીધી, સ્વસ્થતાનો આડંબર રાખ્યો ને વેઢા ઉપર સિંહ કન્યાને રમાડી કરીને બોલ્યો, “હવણા ચોઘડિયું બરાબર છે નહિ, ને મુહૂર્તનો અવયોગ છે, એટલે કાલ્ય સવારે આવજો ને પ્રશ્નનું ઉત્તર લઈ જજો.” લપાટ મારીને મોઢું રાતું તો રાખ્યું પણ આખી રાત્ય નિદ્રા ન આવી. વેલો ઉઠીને નદીયે નાવો ગયો. વિચારમાં ને વિચારમાં ગામ પાસે આરો હતો તે મેલીને બીજે આરે જઈ ચડ્યો અને શૂન્ય ચિત્તે આમતેમ દૃષ્ટિ ફેરવી ત્યાં તો કીચડ અને કીચડમાં ખુતી ગયેલ બળદ જોયો. ગ્લાનિ તત્કાળ દૂર થઈ અને નિત્યકર્મ કરી પ્રફુલ્લવદને ગામમાં આવ્યો. પટલાણી તો સાસરે માર્ગપ્રતીક્ષા કરતી જ બેઠી હતી તેને કહ્યું કે, ‘તમારો ઢાંઢો ઉપરવાસ્ય આરા પાસે કાદવમાં ખુતી ગયો છે તે જઈને લઈ આવો.’ જોષીને પ્રતાપે બળદ પાછો આવ્યો સમજી પટલાણી રાજી થઈને ટીડાની વહુને કાપડું તથા આંટીવીંટી આપી ગઈ.
ટીડો જોષી ભાગ્યને બળે બે વાર વિપત્તિ તરી ગયો હતો પણ મન તો આકુળ વ્યાકુળ જ હતું. રખે ને વળી કોઈ પ્રશ્ન કરે તો ભુંડા ભોગ થાય એ વાત ચિત્તમાં રમતી હતી. નિત્ય ઉઠીને જાવાનું કરે અને સાસરિયાં આગ્રહ કરીને રોકે. એવામાં એક