લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા કહેવાનો સમય
૧૮૩
 

સાંભળવાનો ખરો વખત બાપુને અફીણ ઊગે ત્યારે. આને આપણે અફીણઊગી વાર્તાઓ એવું નામ આપીએ તો ભારે ગમ્મત આવે.

દરેક ધંધાવાળાઓ જ્યારે ધંધામાંથી નવરા પડે છે ત્યારે વાર્તા કહેવા બેસે છે. ગરાસિયાઓ શૂરા પૂર્વજોની વાતો ખૂબ લડાવે છે. ગવૈયાઓ પોતાના પૂર્વજ સંગીતશાસ્ત્રીઓની ઓછી બડાઈ હાંકતા નથી. હજામને પણ હજામતના કિસ્સાની વાર્તાઓ હોય છે જ. આરબ અને હજામની વાર્તા હજામ વારંવાર સંભારતા હશે. સોનું ચોરવાની કુશળતાની વાર્તાઓ સોની લોકોએ ખાસ કેળવી હશે. આ બધી વાર્તાઓમાં ધંધાની ખૂબીઓ ને ધંધાદારોની મનોવૃત્તિઓનો ચિતાર હોય છે. આવી વાર્તાઓ ધંધાદારીઓ જ્યારે નવરા હોય તથા તેમને અણોજો હોય ત્યારે તેઓ ખાસ કરીને કહેવાનો લાગ શોધે છે, ને પોતાના ધંધાની હોશિયારી કેળવે છે. આવી વાર્તાઓનો સમય અણોજો કે નવરાશનો દિવસ ગણવામાં હરકત નથી. આવી વાર્તાઓનો ‘ધંધાદારીઓની વાર્તાઓ’ એ નામનો નવો વર્ગ પાડી શકીએ.

આ ઉપરાંત ખારવાઓ પોતાની વાર્તાઓ ક્યારે કહે છે તથા માછીમારોનો વાર્તા કહેવાનો કયો વખત છે તે મારી જાણમાં નથી. એટલું તો છે જ કે ઘણી વાર્તાઓને ચોક્કસ સમય ગમે છે જ્યારે ઘણી વાર્તાઓ સ્વચ્છંદી હોય છે; ઘણી વાર્તાઓ પોતાનો સમય બીજા પાસે સ્વીકારાવે છે જ્યારે ઘણી વાર્તાઓ બીજાના સમયને અધીન વર્તે છે. આટલા લખાણથી જાણી શકાશે કે વાર્તાકથનને ખાસ સમય છે પણ ખરો અને નથી પણ ખરો. આટલું વાંચ્યા પછી આ બાબતમાં વાર્તા કહેનારે સ્વતંત્રપણે વિચાર કરી લેવાનો છે.