પ્રકરણ બીજું
વાર્તાની પસંદગી
બાળકોને કેવી વાર્તાઓ કહેવી એ એક અતિ મહત્ત્વનો
પ્રશ્ન છે. જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ થાય નહિ ત્યાં સુધી
વાર્તાકથનનું શાસ્ત્ર પાંગળું જ રહે. વાર્તાઓ અનેક જાતની છે.
જુદા જુદા દેશોની જુદી જુદી વાતો છે. જુદી જુદી આબોહવામાં
રહેનારા અને જુદી જુદી રહેણીકરણીને અનુસરનારા લોકોની
વાતો જુદી જુદી છે. ધર્મમાન્યતામાં એકબીજાથી નોખા લોકોમાં
નોખી નોખી વાર્તાઓ છે. કેટલાએક દેશો પરીઓની વાતો માટે
મગરૂબી ધરાવી શકે છે તો કેટલાએક દેશો ભૂતપ્રેતાદિની વાતોમાં
પોતાનો અચળ વિશ્વાસ પ્રગટ કરે છે; કેટલાએક દેશો વિજ્ઞાનની
વાતોમાં વધારે રસ લે છે તો કેટલાએક દેશો વહેમ ભરેલી
વાર્તાઓને સાચી માને છે; કેટલાએક દેશો ભયંકર વાતોના
શોખીન હોય છે તો કેટલાએક દેશોની વાતોમાં અહિંસાનું તત્ત્વ
અધિક પ્રમાણમાં હોય છે; કેટલાએક દેશોની વાતો પ્રેમ અને
લાગણીથી ભરેલી છે તો કેટલાએક દેશોની વાતો ભક્તિરસથી
ભરપૂર છે. વળી વાર્તાઓ પોતે પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે.