પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ જાતિજ્ઞાનની શરૂઆત થતાં જ પોતે પોતાને અન્ય જાતિથી જાદું માને છે. તેને અન્ય જાતિ પોતાનાથી એટલી બધી ભિન્ન લાગે છે કે તે જાતિના વિચારો તેના મનમાં વધારે ને વધારે ઘોળાયા કરે છે. ત્યારથી પોતે અન્ય જાતિમાં રસ લેવા લાગે છે, તેમાં તેને મોહ થવા લાગે છે, તેનાં રહસ્યો ને ભેદોને તે ઉકેલવા મથે છે. એ જાતિ પોતાની જાતિ સાથે કયા સંબંધ ધરાવે છે, એ જાતિ પોતાની જાતિના વિકાસમાં ને પોતાના હૃદયના ભાવોને તૃપ્તિ આપવમાં કયું સ્થાન ધરાવે છે તે શોધવા તે દોડે છે. આ જાતની મનની વૃત્તિને સામાન્ય રીતે આપણી પ્રેમવૃત્તિ કહી શકીએ. યુવાવસ્થા એ પ્રેમની અવસ્થા છે. જેમ માના ધાવણ અને પ્રેમથી બાલ્યાવસ્થાને પોષણ મળેલું છે તેમ યુવાવસ્થામાં જીવનના સાથીપણાને માટે યોગ્યતા ધરાવનાર કોઈ માતાના જેવા નિર્દોષ અને પ્રેમળ પ્રેમની ભેટ ધરાવનાર વ્યક્તિની અપેક્ષા રહે છે. આ અપેક્ષાનું સાંત્વન સન્માર્ગે થાય, આ અવસ્થાનો મનુષ્ય માતા જેવી જ પ્રેમી વ્યક્તિનો નિર્દોષ પ્રેમ પામી શકે, એ માટે શિક્ષકોએ, માબાપોએ અને ગુરુજનોએ કાળજી રાખવાની છે. અન્ય જાતિ વિષે વિચાર કરવાનો આખો પ્રદેશ કલ્પનાનો છે. આ કલ્પનાના પ્રદેશમાં આપણે સૌ થોડે અથવા વધારે અંશે ભટકેલા છીએ. આજે આપણે એ અવસ્થાને સમજણપૂર્વક વાંચીએ તો આપણને અવશ્ય લાગે કે એ વખતનું આપણું ભ્રમણ મોહક અને આનંદાયક છતાં કેટલું બધું રસ્તાની બહારનું હતું ! માબાપો પોતાના અનુભવોથી, શિક્ષકો પોતાના નિખાલસ સહવાસથી અને સાહિત્ય પોતાના ઉદાત્ત ભંડારથી યુવાનને યોગ્ય માર્ગે દોરે નહિ, તો અનેક યુવતી ને યુવાનોનું ભટકી ભટકીને મરી જવાનું કમભાગ્ય આપણે સહેવું પડે; સરસ્વતીચંદ્ર અને કુમુદ જેવાં કેટલાં યે બસૂરાં મનુષ્યોનો આપણે ભોગ ચડાવવો પડે. ૭૦