પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

ફરીવાર સોપારી અને બદામના ચૂરા ભેગા મળ્યા ને પોલીસ-મુખીએ એનું પ્રાશન કરવાની સાથે જ જુવાનીનાં સંસ્મરણોનો રસાસ્વાદ માણ્યો. પણ અમરચંદ શેઠના અંતરમાં હોળી બળતી હતી : પ્રતાપ દૂધે ધોયા રૂપિયા કાઢીને હજુય એ બાઈને શાનો લૂંટાવી દઈ રહેલ છે? એ કમાની બધી મારી છે. મેં પારકાં લોહી પી પીને મેળવી છે. પ્રતાપ એને આમ ઉડાવશે?

અમરચંદ શેઠે થોડી ઘડીના વિનોદ બાદ વાત છેડી : "તમે તો આપા, અમારા ઘરની સામું આંગળીચીંધણું ન ટાળ્યું તે ન જ ટાળ્યું."

"શી વાતનું?"

"ઓલી ત્રાજવળાંવાળી તેજુડી આંહીની આંહી પડી છે, ને બસ, હવે તો છોકરો જ સૌને દેખાડતી ફરે છે."

"આંહી પડી એ જ ઠીક છે. આપણી નજર બહાર તો નથી. નહિને કોઈક પડખે પડી જશે તો, શેઠ, આ મેડિયુંમાં ભાગ પડાવશે. અમે દાબ્યુંદુબ્યું રાખીએ છીએ એટલો પાડ માનો."

"કોઈ ચડ્યું છે પડખે, હેં? મારા સોગંદ ન કહો તો."

કાઠી પટેલની ચુપકીદી અમરચંદ શેઠને હૈયે ચડી બેઠી. એના મોં પરથી લોહી શોષાઈ ગયું.

"હવે જૂનિયું વારિયું વહી ગઈ છે, શેઠ." લ્કાઠી કરોળિયો બનીને પોતાની જ કલ્પનામાંથી લાળનો ત્રાગડો ખેંચવા માંડ્યો: "હવે તો નવા રાજા ને નવા કાયદા થયા. પછાત વરણને ચડાવનારા વકીલ-બાલિસ્ટરો નીકળી પડ્યા છે હવે. નીચ જાતનાં માનપાન વધ્યાં છે આજ તો."

"હા, હવે ખાનદાનીનો સમો ગયો છે ભાઈ!"

"આજ તો અમલદાર તમારા કાબૂમાં છે, પણ કાલ્ય કોઈક ભૂંડો અમલદાર આવશે ને, તો કૈંક ખાટસવાદીઆ ઈ તેજુડીને પડખે ચડી જઈને તમરી આબરૂને માથે હાથ નાખશે; અમે તો સંબંધીને દાવે ચૂપ બેઠા છીએ."

"કાંઈ મારગ બતાવશો?"