પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
વસુંધરાના વહાલાં-દવલાં
 


"કોણ જાણે ! તે દી અમારી ગાય હતી ને, ઈ કો'ક ફુલેસવાળા છોડી ગ્યા'તા ને માનું ધાવણ ખારું થ ઈ ગ્યું'તું એટલું મને સાંભરે છે."

"ગાયને છોડી ગ્યા એમાં તારી માનું ધાવણ ખારું થઈ જાય ? ઈ તો ગાયનું ધાવણ ખારું થઈ જાય. આ દેવલોય ગાંડો થઈ ગ્યો લાગે છે હે-હે-હે !" એમ કહી ગુલાબડીએ દાંત કાઢયા એટલે તમામે દાંત કાઢ્યા.

"હવે તમે કોઈ સમજતાં નથી ને શીદ હસતાં હશો ? ગાય લઈ ગ્યા એટલે એમ કે કડી કરી ગ્યા, અમારું ઘર વાસી ગ્યા, તાળું દઈ ગ્યા, ને દીવાનો કાકડો સળગાવીને તાળાને માથે દોરી નાખી ગ્યા, રાતો રાતો ધગધગતો રસ નાખી ગ્યા ને ઈ રસને માથે કાંઈક છાપ દાબી ગયા. એવું કાં'ક કરી ગ્યા કે મારી માએ રોયું-કૂટ્યું એટલે ધાવણ ખારું થઈ ગયું. પછી મારો બાપો ને મારી મા બેય જણાં રાતે સૂતાં તે સૂતાં. સવારે બીજા બધા જ ઊઠ્યા, હું ય ઊઠ્યો, પણ ઈ બે જણાં તો સૂતાં જ રિયાં."

"કેવી મજા !" ગુલાબડી કહ્યું: "આંહીં તો સૂતાંય રે'વાતું નથી, નીકર ખીચડી ખાવાય કોણ ઊઠે ? ભૂખ લાગે જ નહિ ને."

"મારી માને મારા બાપને ભૂખ નહિ જ લાગતી હોય?"

"એને તો બેય વાતે મજો, ભૂખેય ન લાગે, ઊંઘતાંય કોઈ ન ઊઠાડે !"

"અને ઈ ઊંઘી ગયાં એટલે મને આંહીં રાખી લીધો ને ? હેં ભૈ ? ખરું ને ભૈ ?"

"ને મારા બાપનેય ઊંઘાડી દીધો છે." ગુલબડી રાજી થઈ.

"ક્યાં ?"

"દાગતરખાને."

"મોટે દાગતરખાને ?"

"તયેં નૈ ? એનો પગ રેલગાડીમાં આવી ગ્યો'તો."

"કેમ કરતાં?"