લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કીલાની આંખમાં ભયાનક ચમક દેખાતી હતી. એણે કહ્યું: ‘પણ તમે તો જીવતા જ રહ્યા છો !’

‘હું જીવતો રહ્યો, ને મર્યો નહીં એની જ આ મોંકાણ છે ને !’ કીલાએ આગળ વાત ચલાવી: ‘હું હવે ઝાઝા દિવસ નહીં જીવું એમ સમજીને મારા બાપે મારા સસરાને કહેવરાવ્યું કે તમારી કન્યા સારુ હવે કોઈક બીજું ઠેકાણું ગોતો. એ દિવસોમાં અમારે ઘેર ત્રણ રજવાડાંનું કામદારું હતું એટલે અમારી સુખસાહ્યબી પણ ઠીકાઠીકની હતી. આવા ઘરનો સંબંધ તોડવાનું મારા સસરાને ગમતું નહોતું ને મીઠીબાઈને તો આ વાત સાંભળીને કાળજે ઘા લાગ્યો. પણ કુદરત જ અમારા ઉપર રૂઠી હશે એમાં કોઈ શું કરે ? અંતે વાટ જોઈ જોઈને નછૂટકે મીઠીબાઈને બીજે વરાવવાં પડ્યાં. અમારા જેવું જ બીજું એક ખાનદાન ખોરડું ગોતીને મીઠીબાઈનું સગપણ કર્યું.

‘પછી ?’ વેવિશાળની વાત આવતાં હવે નરોત્તમે કીલાના પરિણય-પ્રકરણમાં સક્રિય રસ લેવા માંડ્યો.

‘માબાપે સગપણ તો કર્યું પણ મીઠીબાઈનું મન એમાં રાજી નહોતું. હું તો મરવા જ પડ્યો હતો એમાં એ બાઈ બીજું કરે પણ શું ? મારા તો દિવસ ગણાતા હતા—આજે ઊકલી જાઉં કે કાલે ઊકલી જાઉં, કોને ખબર ! મારા જેવા મડદા હારે કોઈ કોડભરી કન્યાને ફેરા ફેરવાય ? સંસારના વહેવાર પ્રમાણે મીઠીબાઈને બીજે પરણ્યા વિના છૂટકો જ નહોતો. માબાપે સારું મુરત જોઈને લગન લખ્યાં, તોરણને ત્રણ દીની વાર રહી ત્યાં તો—’

કીલો એકાએક અટકી ગયો એટલે નરોત્તમે પૂછ્યું: ‘કેમ ? લગનમાં કાંઈ વિઘન આવ્યું કે શું ?’

‘મેં તને કીધું નહીં કે મીઠીબાઈના કરમમાં જ સંસારનું સુખ માડ્યું નહોતું ! તને તો ક્યાંથી યાદ હોય, પણ કાઠિયાવાડમાં એ વખતે ગામેગામ મરકી ફાટી નીકળી’તી. ઘેર ઘેર માણસ મરતાં

મૂંગી વેદનાની મુસ્કુરાહટ
૨૦૯