૩૯
એ વહેલી પરોઢે વાઘણિયામાં ‘વિલાયતી નળિયાંવાળી મેડી’ને નામે
ઓળખાતી ઇમારતને દરવાજે એક ઘોડાગાડી ઊભી હતી.
ગાડીની આગલી બેઠક પરથી ગાડીવાન મંદ અને મીઠા અવાજે પરભાતિયું ગાતો હતોઃ
જાગિયે રઘુનાથ કુંવર
પંછી બન બોલે...
ગાડીવાનની ગોદમાં, ઘોડાની લગામ ઝાલીને બેઠેલો એક કિશોર વારે વારે પૂછ્યા કરતો હતો :
‘વશરામકાકા, ઝટ ગાડી હાંકો ને! મોડું થાશે તો ખેતરમાંથી મોરલો ઊડી જાશે—’
‘બા આવ્યા વિના ગાડી કેમ કરીને હંકાય, બટુકભાઈ!’ ગાડીવાન બાળકને સમજાવતો હતો, ને ફ૨ી ૫૨ભાતિયું લલકારવા માંડતો હતો. બાળક અકળાઈને ઘરની દિશામાં બૂમ પાડતો હતો: ‘બા, હાલો ને ઝટ, ઝાડ ઉપરથી દેવચકલી ઊડી જાશે—’
‘આવું છું, બટુક, આવું છું... જરાક ધીરો થા, બેટા!’ ઘરમાં ગૃહિણી પુત્રને વહાલભર્યો જવાબ આપીને ફરી પતિ સાથે દલીલ કરવા લાગતી હતી.
‘આવું તે ક્યાંય શોભે? મારા દકુભાઈનો દીકરો પરણે ને તમે જ લગનમાં ન આવો તો કેવું માઠું લાગે?’
‘પણ મારે આ ઓચિંતું કામ આવી પડ્યું ને ! ખેપિયો ચિઠ્ઠી આપી ગયો, એટલે મારે અંતરિયાળ જોખ ક૨વા જવું પડશે —’