પૃષ્ઠ:Veranman.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નીતિને નામે
૬૩
 

પરણેલી નથી, એટલે કે રખાત છે. આટલા સારૂ ગોર્કીને તિરસ્કારો, નીચું જોવરાવો. ગોર્કીએ અધર્માચરણ કર્યું છે. એવાનાં સ્વાગત ન હોય.'

“અરે ભાઈઓ !” ગોર્કી કહે છે: “એ મારી રખાત નથી. મારી પત્ની છે. બેશક મેં ધાર્મિક વિધિથી લગ્ન કર્યું નથી, કારણ કે હું ક્રાંતિવાદી મંડળનો જુવાન છું. ધર્મોચ્ચાર હો વા ન હો અમને તેની પરવા નથી. અમારું પરણેતર પુરોહિતે ભાખ્યું જૂઠ લગ્ન નથી. દિલદિલનું મુક્ત લગ્ન છે. એ લગ્નને ન અપમાનો."

પ્રજાનો કહેવાતો શિષ્ટાચાર જાગી ઊઠ્યો. પરદેશી પરોણા સામે બહિષ્કાર ફૂંકાયો; સભાગૃહોમાં ને અખબારોની અંદર ગોરકીના નામે સામે કાદવ ફેંકાયો.

સામાન્ય પ્રજાજનનું તે ઠીક – પણ સાચું દેવાળું ફૂક્યું અમેરિકાના વિદ્વાનોએ, સાહિત્યકારોએ. તેઓએ ગોર્કીથી પોતાનાં મોં સંતાડ્યાં. ધનિકોના એ આશ્રિતો નાઠા. ગોર્કી પ્રત્યે એમણે પીઠ ફેરવી. ભલભલા સાહિત્ય–ધુરંધરોની મૂછનાં પાણી તે દહાડે ઊતરી ગયાં.

“શું કરીએ ભાઈ ! જીવવું તો રહ્યું જ ને ?” સાહિત્યકોએ માથાં ખંજવાળ્યાં.

નીતિને નામે એ વિદેશી યુગલની પાછળ અખબારોએ આક્રોશ અને અટ્ટહાસનાં શ્વાને હુડકારી મુક્યાં. એક હોટેલમાંથી બીજીમાં હડધૂત થતો ગોર્કી આથડ્યો. એનું કાર્ય ધૂળમાં રગદોળાયું. એ પાછો ગયો.