પૃષ્ઠ:Vevishal.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. આમ તો જોવો; છોકરીનું શું થવા બેઠું છે? રૂપ જ કાઢવા મંડી છે. હેં ભાભીજી! આનું તે શું કરશું ! જૂનું વેવિશાળ તોડ્યા વગર એકેય વાતે છૂટકો રહ્યો છે હવે?"

"ગાંડાં તે...કાંઇ... ગાંડાં!" જેઠાણીએ મલક્તે મોંએ આંખો તાણી: "જાવ, ભલાં થઇને કામે લાગો. છોકરી ક્યાંક સાંભળશે."

"હાલ્યને સુશીલા!" ભાભુએ સ્નાન પછીની શોભતી સુશીલાને કહ્યું: "મોટર ઊભી છે ને? તો હાલ્ય કેરીની ખબર કાઢતાં આવીએ."

એમ કહીને એણે સુશીલાને સાથે મોટરમાં ઉપાડી, ભૂલેશ્વર જઇ કેરી લીધી, ને પછી પૂછ્યું: "દવાખાનું આંહીંથી કેટલુંક છેટે છે?... આ રિયું. હાલો, હું થાતી આવું. તું તારે બહાર મોટરમાં જ બેઠી રહેજે, હું ઊભી ઊભી વહી આવીશ."

"ભલે," કહી સુશીલાએ માથા પરથી ખસેલી સાડી પાછી ઢાંકી. એણે કંટાળો કે ઉત્સુકતા બેમાંનું કશું જ ન બતાવ્યું..

શૉફરને મોટર ઇસ્પિતાલની બહાર થોભાવવા કહીને અંદર જતાં ભાભુ સહેજ પાછાં ફર્યાં, સુશીલાને કહે કે "ચાલ્યને જરા, મને છેટેથી ઓરડો તો દેખાડી જા, બાઈ!"

"ઓ ઓરડો," સુશીલાએ ધડકતી છાતીએ નીચેનો વૉર્ડ ચીંધાડ્યો, પણ પછી "આંહીં સામા ખૂણામાં જ..." એટલું કહેતી સ્તબ્ધ બની ગઇઃ સુખલાલવાળું બિછાનું તો બહારથી દેખાતું હતું, પણ એ ખાલી કેમ હતું? 'કૉટ' ગાદલા વિનાનો કેમ હતો? ભંગી ત્યાંની ભોય લૂછતો કેમ હતો? અને આવા હેબત ખવરાવનારા દૃશ્યથી ઊલટા પ્રકારની એંધાણી દેતો વૉર્ડની નર્સોનો આનંદજન્ય કોલાહલ શાનો હતો?

એ ખાલી બિછાનું અને લીલા ગાભા વડે લુછાતી ભોં દેખતાં સુશીલાને હૈયાંસોંસરી જે એક છૂપી હેબત નીકળી ગઇ તેનું ફક્ત ક્ષણવારનું દ્દશ્ય ભાભુએ સુશીલાના ભયભીત આંખે દીઠું. એમણે પૂછ્યું : ”કેમ બેન, આટલી ફડકી ગઇ?"

"ના, કંઇ નહીં ભાભુ, ચાલો બતાવું."