પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
ચપલા ચરિત્ર ચંદ્રિકા

બચ્યા એમ ધારીને મનમાં મેં ઈશ્વરની પ્રાર્થના કરી અને ઈશ્વરનો અતિશય આભાર માન્યો. પરંતુ હું તરુણ અને વળી વિષયમાં લંપટ થએલો હોવાથી ભાવિ દુર્દશાની ભીતિ ન રાખતાં સાયંકાળે સંકેત સ્થાનમાં અશ્વોને તૈયાર રાખી તે સુંદરીના આગમનની માર્ગ પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો. છેવટે તે આવી લાગી અને અમે બન્ને અશ્વારૂઢ થઈ ત્યાંથી પલાયન કરીને ભૃગુપુર - ભરૂચમાં આવી પહોંચ્યાં, અને ત્યાં તેને મારા એક મિત્રના ગૃહમાં રાખીને મેં કહ્યું કે;-“ મારે તો અત્યારે ને અત્યારે જ વડોદરે જવું પડશે; કારણ કે, આવતી કાલે સાંજે તારા પતિના આવ્યા પછી તારી દાસીના મુખથી આ બધો ભેદ પ્રકાશમાં આવી જશે અને તે કદાચિત આપણું પૂઠ પકડશે, તો મોટી પંચાતમાં આવી પડીશું. એટલા માટે હું ત્યાંની સર્વ વ્યવસ્થા કરી આવું ત્યાં સુધી તું અહીં સુખપૂર્વક રહે. અહીં તને કોઈ પણ પ્રકારનું દુ:ખ થવાનું નથી.” આમ કહીને હું ત્યાંથી તરત પાછો નીકળી બીજે દિવસે સવારમાં દશ વાગતામાં તો પાછો વડોદરામાં આવીને હરતાફરતો દેખાવા લાગ્યો.

સાંજે તેનો પતિ આવ્યો અને પોતાની સ્ત્રીના પલાયનની વાર્તા સાંભળી દાસીને મારકૂટ કરવા લાગ્યો એટલે તેણે મારૂં નામ આપી દીધું, અને તેથી ઘરેણાં માટે તેણે મારા પર સરકારમાં ફરિયાદ નોંધાવી. એથી સરકારનાં માણસો એ મારા ઘરનો ઝાડો લીધો, પણ મુદ્દાની એક પણ ચીજ ન નીકળવાથી તે બિચારાને ચૂપ થઈને બેસી રહેવું પડ્યું.

વડોદરામાં આવીને હું પાછો મારી નોકરીમાં દાખલ થઈ ગયો અને ત્યાર પછી થોડા દિવસમાં અમારી ટુકડીનું અન્યત્ર જવાનું નક્કી થયું એટલે બે દિવસની રજા લઈ ભરૂચ જઈને એક જગ્યા ભાડે લઈ તે સુંદરીના નિવાસ અને નિર્વાહની સર્વ વ્યવસ્થા કરી આપી મારા મિત્રને તેની સંભાળ રાખવાની ભલામણ કરી દીધી અને હું મારી નોકરી પર ચાલ્યો ગયો.