પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જિંદગીઓના કબાલા
૨૧૧
 

 ‘એ તો છે જ ને બહેન ! ચંપાનાં ઘરણપાણી દલુભાઈ હારે લખ્યાં જ હશે ને !’

‘હા. ઘરણપાણી વિના કાંઈ થોડું થાય છે ?’

‘પણ કેવો જોગેજોગ જડી ગયો ! મારા બાપ મને કાગળ ઉપર કાગળ લખ્યા કરતા’તા કે ચંપા સારુ સારો મુરતિયો ધ્યાનમાં રાખજે પણ હું મૂઈ સાવ અકલ વગરની તે દલુભાઈ જેવા કલૈયાકુંવરને ભૂલીને આડાંઅવળાં ફાંફાં મારતી’તી ! હવે તો મારા બાપને લખું એટલી જ વાર !’

‘અલી, પણ ઝટ લખજે હો ! સારાં કામ આડાં સો વિઘન...’

‘એમાં મને કહેવું ન પડે બહેન !’ નંદને કહ્યું. અને પછી થોડી વાર વિચાર કરીને પૂછ્યું : ‘પણ હેં બહેન મને તમે ખરેખર આ ઘરની ધણિયાણી બનાવી દેશો ?’

‘ખરેખર નહિ તો શું ખોટેખોટ ?’

‘પણ કેવી રીતે ? મને તો કાંઈ સૂઝતું નથી. પછી તો તમે જાણો —’

‘તને તો કાંઈ જ નહિ સૂઝે. દલિયોય તને ક્યાં સૂઝતો’તો ? તારામાં એટલી રતિ જ નથી. નહિતર જો સૂઝતું હોય તો તો સાવ આકડે મધ છે – ને પાછું મધમાખી વિનાનું અકબંધ ઉતારી લેવાય એમ છે. પણ આવડવું જોઈએ.’

‘આવડતવાળાં તો તમે બેઠાં છો ને હાજરાહજૂર !’

‘બાઈ, ગોર તો બહુ બહુ તો પરણાવી દિયે, એ કાંઈ ઘરસૂતર થોડું હલાવી દિયે ? હું તને બહુ બહુ તો રસ્તો ચીંધાડું કે આમ નહિ ને આમ કર, પછી તો તારામાં પહોંચ જોઈએ...’

‘તમે રસ્તો ચીંધાડો એટલે બસ પછી એમાં તમારે કહેવાપણું હું નહિ રહેવા દઉં. કાંઈક જુક્તિ સુઝાડો.’

‘જુક્તિ સુઝાડું તો ખરી, પણ એનું મહેનતાણું ન જડે તો ?’ અમરતે શંકા વ્યક્ત કરી.