પૃષ્ઠ:Yugavandana.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઊઠ! તુજ પાંખના ગગન-આઘાતથી
કમ્પશે તાર પ્રાત:પ્રભાના:
કોટિ કિરણો વતી વિશ્વ-વીણા થકી
ગુંજશે નવલ આલોક-ગાણાં.

તાહરા વેગ-વંટોળલે સિંધુના
ઊછળશે નીલ દૂધલ તરંગો;
રુદ્રની સાથે અભિસાર રમવા જતી
ઘોર વાવાઝડી દૈ છલંગો –

છૂટશે ઘેલડી મુક્ત અંબોડલે
સપ્ત સિંધુ તણે ઓ કિનારે;
પ્રિયમિલન કાજ પાગલ બની સિંધુ તુજ
પાંખ-ઝંકાર પડઘા ઉચારે.

એ ગગન-પંથની વાટ વચ્ચે તને
પારધી કો’ ન શકશે ડરાવી,
સાંભળી બાણ-ટંકાર સંશય તણા,
ભાઈ ! દેજે ન શ્રદ્ધા ગુમાવી.

પંખી ! નિર્ભય નિરુદ્વેગ જાજે ધસ્યો,
મૃત્યુ-અંધાર પડદા વિદારી –
તિમિરને પાર : જ્યાં અમર ધ્રુવ-તારલો
ઝળહળે નીરખતો વાટ તારી.

♣ યુગવંદના ♣
૧૩૮