પ્રતિમાઓ/જીવન-પ્રદીપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હાસ્ય : પહેલું અને છેલ્લે પ્રતિમાઓ
જીવન-પ્રદીપ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૩
મવાલી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


જીવન-પ્રદીપ

ભૈરવીના આલાપ શરૂ કરતી ગાયિકાના ગળામાં જેમ એકાદ માખી પેસી જાય, પૂર્ણિમાના રાસ ચગાવવા શણગાર સજતી સુંદરીઓના ઉલ્લાસને વરસાદની ઓચિંતી ઝડી ધૂળ મેળવી નાખે, અથવા તો, રસિયાં જનોની ભાષામાંથી ઉપમા શોધીએ તો, ચુંબન ચોડવા જતાં મોંમાં અકસ્માત છીંક આવી પડેઃ એવા જ પ્રકારની ખાનાખરાબી તે દિવસના મંગલ પ્રભાતે એ નગરના મહાન એક ઉત્સવમાં એક રખડેલ આદમીએ કરી નાખી.

ઉત્સવ હતો એક સ્મારક-ક્રિયાનો. નગરના ચોકમાં ભવ્ય ત્રણ બાવલાં ખુલ્લાં મુકાવાનાં હતાં. સારું યે શહેર ત્યાં ઠલવાઈ ગયું હતું. ઊમટી આવેલા માનવસાગરની વચ્ચોવચ પચાસેક ફૂટની ઊંચી એક બેઠક ઉપર સંગેમરમરની ત્રણ પ્રતિમાઓ ઊભી કરવામાં આવી હતી. એક શાંતિની પ્રતિમા, બીજી સમૃદ્ધિની, ને ત્રીજી સ્વાધીનતાની. એના ઉપર ઓઢાડી રાખેલ બૂંગણની દોરી ખેંચવાની તૈયારી હતી. એક પછી એક એમ ત્રણ ધનપતિઓએ ઊંચી વ્યાસપીઠ પર ચડીને આ ભવ્ય અવસરને છાજતાં ભાષણો આપ્યાં. જે બાનુના મુબારક હસ્તે આ ઉદ્દઘાટન-ક્રિયા કરાવવાની હતી તેમણે પણ લળી લળી, મોંના વિધવિધ મલકાટ સાથે પોતાના અહોભાગ્ય માટે આભારની વાણી સંભળાવી. પ્રતિમાઓ બંધાવનાર સજ્જનોએ ઘોષણા કરી કે 'આ નગરને આ ત્રિમૂર્તિ અર્પણ કરીને અમે કૃતાર્થ થઈએ છીએ', અને પછી હજારો પ્રજાજનોના તાળી-ગગટાડ વચ્ચે જે વેળા એ બાનુના મુબારક હસ્તે ખેંચાતી હર-દોરીએ પેલું ગંજાવર બૂંગણ ઊંચે ઉપાડ્યું ત્યારે – હાય ! એ વચલી, સમૃદ્ધિની પ્રતિમાના આલેશાન ખોળાની અંદર એક મનુષ્ય ઘસઘસાટ ઘોરતો પડ્યો હતો. તેને દેખી આખી મેદનીનાં ઊજળાં હાસ્ય અર્ધા ઊઘડીને ભાંગી ગયાં. શી ક્રૂર હાંસી વિધાતાની ! દેશની સમૃદ્ધિના આરસપૂતળાને ખોળે એક ચીંથરેહાલ, બદસિકલ, બોકો, બેકાર માનવી ! ટૂંટિયાં વાળીને ઘોરતો પડ્યો છે. અબઘડી જાણે કે એ મહિમા, પ્રતાપ અને ઇતિહાસી ગૌરવથી મંડિત પ્રતિમા સળવળી ઊઠશે અને આ અપશુકન દેનાર પામરને પોતાના પંજામાં ઉઠાવીને ગરોળીની પેઠે ચેપી દઈ, લટકાવી, ફગાવી દેશે !

રાતની કડકડતી ટાઢમાં ઓઢણ-પાગરણ વગર ભટકતો આ મનુષ્ય કશા ય વિચાર વગર એ ભૂંગણ નીચે પસીને પ્રતિમા–સુંદરીના ખોળામાં પોઢી ગયો હતો ! મીઠી હૂંફ વળી ગઈ હતી. તડકા ચડી ગયા હતા છતાં જાગવાની કશી જરૂર માની નહીં હોય. પણ ભૂંગણ ઊપડી ગયું, પવનનો સુસવાટો વાયો, અને ખીજેલા લોકોએ નીચે ઊભીને સંભળાવેલી ગાળો એને કાને પડી, ત્યારે એની આંખો ઊઘડી, એ ઊઠ્યો.

પ્રથમ તો એણે માન્યું કે આ એકત્ર થયેલ મેદની એને પોતાને જ કશુંક આપી રહી છે. એવી સમજણથી એણે પણ સહુને સલામ કરી. સલામો એણે એક ગૌરવશાળી અગ્રેસરની છટાથી ઝીલી. પણ એણે જોયું કે સલામો કરનારા લોકોના હાથ એની સામે તો મુકીઓ ઉગામી રહ્યા છે. આ તે મુક્કીઓ છે કે સલામો છે, એ સમસ્યા ન સમજાયાથી એણે લોકોની સામે કંઈક સવાલો કર્યા. પરંતુ લોકો એનો શબ્દ ન સાંભળી શકે, કે ન તો પોતે લોકોના બબડાટ સમજી શકે, એટલી બધી ઊંચાઈ ઉપર એનું બિછાનું હતું.

પછી પોતે ઊંચે નજર કરી ત્યારે એને સૂઝ પડી કે પોતે કોઈક સુંદરીની ગંજાવર પ્રતિમાની છાયામાં ઊભો છે.

પણ પ્રતિમા એટલી તો હૂબહૂ હતી, કે આ બેકાર એને જીવતી સમજીને એની બેઅદબી બદલ ક્ષમા માગતો માગતો શરમિંદો બનીને એના ઉન્નત ખોળામાંથી નીચે ઊતર્યો. પણ અર્ધે ઊતરતાં જ એને લાગ્યું કે એની પીઠ પરના લેંઘામાં કશુંક પરોવાઈ ગયું છે. જાણે એને કોઈએ પરોવીને અધ્ધરથી જ ઊંચે ટાંગી દીધો છે. જાણે પોતે કોઈક ખીંટી ઉપર ટીંગાઈ ગયો છે.

એણે લટકાતી દશામાં પછવાડે નજર કરી. એ ખીંટી નહોતી, પણ આરસની લાંબી તરવાર હતી. વાત એમ હતી કે વચલી ભવ્ય પ્રતિમાની સન્મુખ સહેજ નીચે બેસણે બીજી જે પ્રતિમા બેઠી હતી, તે હતી સ્વાધીનતાની પ્રતિમા: એક મહાવીર પોતાની ઉઘાડી સમશેર એ મુખ્ય પ્રતિમાની સન્મુખ ધરીને ચૂંટણભર બેઠેલો હતો.

ખળભળી ઊઠેલ લોકસમુદાયને આ બેહૂદું દ્રશ્ય દેખીને તો અપમાનની અવધિ થઈ ગઈ લાગી. લોકોની દશા કેટલી લાઈલાજ હતી ! મુકરર મુહૂર્તના મંગળ ચોઘડિયે ઉદ્‌ઘાટનની ક્રિયા તો રસમ મુજબ ચાલુ જ હતી. ધર્મગુરુઓના પાઠ બોલાયે જતા હતા. તે મુજબ પ્રજાને તો પૂતળાં સામે નમન કર્યે જ જવાં પડતાં હતાં. ને પેલો મુફલિસ પણ સ્વાધીનતાની મૂર્તિની સમશેરમાં ટીંગાતો ટીંગાતો નમન કરી રહ્યો હતો. ક્રિયામાં ભંગ પાડીને કોઈ આ હેવાનને હેઠો ઉતારવા જઈ શકતું નહોતું. સહુનાં મોં ઉપર ગાંભીર્યભર્યો ભક્તિભાવ અને ખિજવાટ એક સામટા તરવરતા હતા.

હદ થઈ ગઈ. મુફલિસ મહામહેનતે એ મહાવીરની સમશેરમાંથી પોતાના લેંઘાને કાઢી લઈ પછવાડે ઊતરી પડ્યો, વાડ્યના સળિયા વટાવી બહાર નીકળી ગયો ને રફુચક્કર થઈ ગયો.

[2]

રાજમાર્ગોની પગથી ઉપર આંટા મારીમારીને એ દહાડા વિતાવતો હતો. હાથમાં એક જ્યેષ્ટિકા રાખતો. લાકડીનો ટેકો દઈને એ વારેવારે ઊભો રહેતો. ઘણી વાર દૂરથી અનેક વટેમાર્ગુઓ એને પોતાને સલામ કરતા હોય એવો ભાસ એને થયા કરતો. વસ્તુતઃ એ સલામો કરનારાં ને ઝીલનારાં મનુષ્યો બીજાં જ હતાં. પણ તેઓનો દોષ એ હતો કે તેઓ બહુ બહુ દૂરથી સલામો લેતાં-દેતાં. ખાસ કરીને વધુ રમૂજ તો એ થતી કે રસ્તાની એક બાજુએ ચાલી જતી નવયૌવનાઓ સામી પગથી પર પસાર થતા પોતાના કોઈ પ્રેમિકોને દેખી મોં મલકાવતી. આ રખડુ માણસ એ મોં મલકાટને પોતાના કરી સ્વીકારી લેતો. સામે પોતે પણ વેવલું સ્મિત ઉછાળતો. પણ પછી એ સુંદરીઓના ચહેરાને ફૂંગરાતા દેખી અચરજમાં પડી જતો. પોતાની ભૂલ એને સમજાતી નહીં. સુંદરીઓનો પ્યાર શું આટલો બધો અચોક્કસ હશે ! કે શું એ રોષ-ભ્રૂકુટિ પણ પ્યારની જ છૂપી સંકેત-ભાષા હશે ? આટલી બધી ચાલી જાય છે. તેમાંની પ્રત્યેક શું એના વહાલને એકલે જ હાથે કબજે કરી રાખવાની સ્વાર્થી લાગણીને કારણે ઇર્ષ્યાથી એકદમ ગુસ્સે થતી હશે શું ? પ્રણયની દુનિયા, અહો, કેટલી બધી વિકટ, નિગૂઢ, ને ભીડાભીડથી ભરેલી ! મારા રૂપ અને યૌવન માટે કેટલી ઝૂંટાઝૂંટ ! હું કોને સ્વીકારું ને કોને તરછોડું !

આ ગંભીર સમસ્યા વિચારતો એ થોડે થોડે ચાલીને પાછો પોતાની પ્રિય જ્યેષ્ટિકાને ટેકે થંભી જતો. કદાચ સર્જનહારને એ ઠપકો પણ દેતો હશે કે મને તેં આવડું બધું રૂપ શીદને પહેરાવ્યું, અભાગિયા !

[3]

નાની-શી ટોપલીમાં થોડાંક ફૂલો લઈને એક જુવાન છોકરી રસ્તા પરને એક ઓટે રોજ બેસે છે. બેઠી બેઠી ધીરે અવાજે બોલ્યા કરે છેઃ “ગુલાબનાં ફૂલ લેશો, શેઠ ? આ ગુલાબનાં ફૂલ લેશો કોઈ ? આ તાજાં ગુલાબનાં ફૂલ!”

ઠબ ઠબ જ્યેષ્ટિકા કરતો રઝળુ નીકળ્યો, તેને કાને પણ ધ્વનિ પડ્યો: “આ ગુલાબ લેશો, શેઠજી ?"

પોતે ઊભો રહ્યો. આસપાસ જોયું. બીજો કોઈ આદમી ત્યાં નહોતો. ત્યારે આ ફૂલવાળીએ કોને કહ્યું 'શેઠજી' ?

આગળ ચાલ્યો. માલણનું મોં એના તરફ વળ્યું. અવાજ આવ્યો : "શેઠજી, આ ગુલાબ લેશો ?"

ફરી વાર એણે ચોગમ નજર કરી. ખાતરી થઈ કે 'શેઠજી' શબ્દ વડે સંબોધાનાર એ પોતે જ હતો.

રાંડ ફૂલવાળી શું ઠેકડી કરતી હતી ? મારા આવા દીદાર દેખાતી છતાં મને 'શેઠજી' શીદ કહેતી હશે ? લાકડીને દમામભેર ભોંય ઉપર પછાડી એ રાતો પીળો બનીને છોકરી તરફ ફર્યો. તો યે છોકરીની ઉઘાડી આંખો અનિમેષ તાકી રહી છે. છોકરીના હાથમાં એક ગુલાબ છે. એના મોં ઉપર ફૂલ વેચાવાની આશા છે. સહેજ મલકાટ મારતા એ ચહેરામાં એકાદ પૈસાની ઓશિયાળ છે. મશ્કરીનું કોઈ ચિહ્ન, નથી.

મુફલિસને કૌતુક થયું. એ નજીક આવ્યો. માલણે ફરીથી પૂછ્યું: “એક ગુલાબ લેશો, રૂડા શેઠજી!”

આંખોનું મટકું માર્યા વગર સામે ને સામે એ નિહાળી રહી છે. પણ જાણે કે એ તાકી રહી છે મુફલિસના પગના ધબકારા ઉપર – ચહેરા પર નહીં. એની આંખોના ડોળા ફરતા નથી.

મુફલિસને બહુ વારે સમજ પડીઃ માલણ આંધળી છે. આજ જીવનમાં પહેલી જ વાર મુફલિસે પોતાના પ્રત્યે એક અણભંગ સ્મિત નિહાળ્યું. પહેલી જ વાર એ 'શેઠજી' બન્યો. ગુલાબનું ફૂલ એણે પહેલી જ વાર પોતાના તરફ રજૂ થતું દીઠું. પહેલી વાર એણે એક એવી સૃષ્ટિમાં પ્રવેશ કર્યો કે જ્યાં બાહ્યલા લેબાસના ભેદાભેદ વગર, સુંદર- અસુંદર ચહેરાના વિવેકથી રહિત, મીઠી સમાનતાનો સૂર ઊઠે છે કે 'ફૂલ લેશો, શેઠજી ?'

મુફલિસે પોતાનું ગજવું તપાસ્યું. અંદરથી એક પાવલી નીકળી. પાવલી એણે ચૂપચાપ માલણની હથેળીમાં મૂકી અને માલણના હાથમાંનું ગુલાબ ઉપાડી લીધું.

હસતી માલણે પ્રભાતના પ્રથમ વેચાણનું આ ધન પોતાની આંખો સાથે ચાંપ્યું. અને કહ્યું, 'જરા ઊભા રહેશો? હમણાં બીજું ઘરાક આવે એટલે છૂટા કરાવીને પંદર પૈસા પાછા આપું. આજ પે'લી બોણી તમારી થઈ ખરી ને, એટલે મારી કને પરચૂરણ આવ્યું નથી હજી'.

'પે'લી બોણી એ શબ્દ મુફલિસના કાનમાં કોઈ મીઠી રાગિણી સમો પડ્યો. થોડી વાર એ થંભી ગયો. આંધળી માલણ હજુ પાવલી હાથમાં રાખીને જ બેઠી છે. મુફલિસ પોતાના ગુલાબને નાક વડે જાણે ખાઈ જવા ચાહતો હોય તેટલા જોસથી સૂંઘે છે. આંધળી બોલીઃ “તમને ખોટીપો કરાવ્યો, શેઠજી! નસીબદાર માણસને અત્યારના પો'રમાં –"

ત્યાં તો મુફલિસ જાણે પાણી પાણી બની ગયો. એને ઓચિંતો એક ભાવ સ્ફુરી ઊઠયો. ફાટેલાં ખાસડાં જરીકે ખખડાટ ન કરે તે માટે પગમાંથી કાઢીને હાથમાં લીધાં. બિલ્લીપગલે એ પાછો પાછો ગયો. દૂર જઈને પછી એક ઓથ લઈને ઊભો રહ્યો. ઊભાં ઊભાં ચેષ્ટા નિહાળી. આંધળી માલણ હજુ જાણે સામે જ ઊભેલા શેઠજીની સામે પાવલી રાખીને વાતો કરતી હતી કે ‘તમને બહુ ઊભા રાખ્યા. આ લ્યો આ પાવલી. સાટે કાલે છૂટો પૈસો આપી જજો. હું તો રોજ અહીં જ બેસું છું. આ લ્યો, તમે કયાં ચોર છો ? તમારો પૈસો ખોટો થાય નહીં. આ લ્યો !'

આંધળી માલણ ! તેં પાવલી આપવા લંબાવેલો હાથ તો હવામાં જ રહી ગયો ! સામો હાથ ધરનાર ત્યાં નહોતો – હતો છતાં નહોતો ! પાવલી તારી પાસે જ રહી. તું શાને વિચારે ચડી? કેમ ચમકી ઊઠી ? પાવલી તો તારા હાથમાં છે છતાં તને જ જાણે કોઈક છેતરી ગયું હોય એવા ભાવ તારા મોં ઉપર શીદ ફૂટી નીકળ્યા ! આમ કયાં સુધી તે પાવલી આપતી જ બેસી રહીશ ?

રાજી રાજી થતો. મુફલિસ ચાલ્યો ગયો. તે દિવસના પ્રભાતનું ભૂખ્યું જઠર એણે ગુલાબની ખુશબો વડે ભરી લીધું. પોતે એક આંધળી માલણ પાસે 'શેઠજી' બની આવ્યો, એવો સંતોષ એના મોંને એકલું એકલું, બસ, હસાવતો જ રહ્યો.

[4]

અંધારી રાત અને ઊંડી નદીનો નિર્જન આરોઃ સુખી માણસને પણ આપઘાતના મનસૂબા કરાવે. એવું એ સ્થળ અને એનો એ સમય લક્ષ્મીની છાકમછોળ વચ્ચે આકુલ બનેલો. એક ધનિક સુરાપાનના નશામાં ત્યાં આવી ઊભો, અને શૂન્ય જીવનને જળમાં પધરાવવા સારુ એણે ગળામાં એક રસી નાખી. રસીને બીજે છેડે એણે એક મોટો પથ્થર બાંધ્યો. એને સ્ત્રી ત્યજી ગઈ હશે. બાળકો નહોતાં. હતી કેવળ દોલત. દોલત એની છાતીએ ચડીને એને ગૂંગળાવતી હતી. દોલતે એને ગાંડપણ દીધું હતું. સુધરાઈ ખાતાના નિસ્તેજ બળતા દીવા નજીક એણે ડૂબી મરવાની તૈયારી કરી. નરી દોલત મનુષ્યને જીવન જીવવા દેવા માટે બસ નથી થતી. જીવન તો માગે છે સંસારની સુંવાળી સ્નેહગાંઠો, અથવા તો એને જોઈએ છે. કોઈક એકાદ ધૂન, લગની, મસ્તી, આમાંના તમામ વિસામાથી રહિત આ ધનપતિને દારૂના નશાએ નદીનાં પાણીમાં પધરાવી દીધો.

આપણા મુફલિસનું રોજિંદું હવાખાનું અહીં જ હતું. અહીં પડેલા એક ભાંગલા બાંકડા ઉપર એ આસાએશ લેતો, ને અહીં થતી આત્મહત્યાઓનાં સંભારણાં એને મજા આપતાં. ઉપલી દુનિયામાં સહુકોઈનો સતાવ્યો એ અહીં આવી બેસતો. કેમકે ગળાકાપુઓ પણ આ સ્થળથી થરથરીને એની એકાંતને ભાંગવા ઢૂકતા નહોતા.

પોતાના નિત્યના આરામસ્થાનમાં પ્રવેશતાં એણે જ્યારે આ ધબાકો સાંભળ્યો ને એક જીવતા જણને ડૂબતો દેખ્યો, ત્યારે એને ખૂબ માઠું લાગ્યું.પછવાડે કૂદી પડીને એણે એ ડૂબતાને બહાર કાઢ્યો. દુભાઈને કહ્યું: “ભલા આદમી, બીજે કયાંય નહીં ને અહીં તને જળસમાધિ લેવાનું સૂઝ્યું ! અહીં તને કોણે ઠેકાણું બતાવ્યું? કોઈક માણસને નિરાંતે સૂવા પણ ન દ્યો તમે? તમે તે કેવાં લોકો છો?

“નહીં બસ મને મરવા દે. મારે મરવું છે. તું ન અટકાવ.” શ્રીમંત એના હાથમાંથી છૂટવા પછાડા માર્યા.

“ભાઈ, તારે મરવું હોય તો તે સારી વાત છે. મને વાંધો નથી. પણ અહીં મારી સૂવાબેસવાની જગ્યાએ નહીં. અને પછી નિરાંતે ઊંઘ ન આવે, તારું મૂડદું અહીં પડ્યું હોય એટલે પોલીસ પણ મને સતાવે. માટે અહીં તો તને નહીં મરવા દઉં.”

તે દિવસે એને પહેલી જ વાર એક બીજો સંતોષ થયો કે પોતે એક માનવીને આપઘાતના પાપ ઉપર ઉપદેશ આપી શક્યો છે. ધનવાનને પણ આજે પહેલી જ વાર પ્રતીતિ થઈ કે પોતાની ઈસ્કામત ઉપર ટાંપીને બેઠેલ પિત્રાઈઓ, સગાંસંબંધીઓ અને ધૂર્તોની સૃષ્ટિ વચ્ચે એક એવો માનવી છે કે જે એને જીવવાનું કહે છે. શરાબના નશામાં આવી દોસ્તીની ઊર્મિ જરા વિશેષ ઊછળી પડે છે. 'ભાઈ ! દોસ્ત ! મારા દિલજાની !' એવાં સંબોધનો દેતો એ શ્રીમંત આ મુફલિસને કંઠે ભેટી પડ્યો. ને પોતાની જોડે બંગલા પર આવવા વિનંતી કરી.

મુફલિસને છેક પુલ ઉપર ગયા પછી યાદ આવ્યું કે પ્રભાતે ખરીદેલું એનું ગુલાબ તો નીચે બાંકડા પર પડ્યું રહ્યું હતું. એણે પાછા જઈને ગુલાબ લઈ લીધું. પંદર-સોળ કલાક સુધી સૂંઘીસૂંઘીને છેક ચૂસી નાખેલું ફૂલ હજુ પણ જતું કરવાનું એનું દિલ નહોતું. એની ચીમળાયેલી પાંદડીઓમાં એક કંઠની માધુરી ભરી હતી. મુફલિસની એ વેવલાઈ કવિની કવિતા જેવી બની ગઈ હતી.

'દિલજાની ! અય દિલજાની દોસ્ત !' કહી કહી, આ નવા મિત્રને કંઠે હાથ નાખી શ્રીમંતે પોતાના ઘરમાં ઠીક ઠીક દારૂ ઢીંચ્યો. બેઉ જણાએ નૃત્યાલયમાં જઈ રંગરાગ માણ્યો, ને પ્રભાતે જે વેળા ધનવાન મિત્રને એની મોટરમાં નાખી, અગાઉ કોઈક વખતનો શોફર આ મુફલિસ એને ઘેર લઈ આવ્યો, ત્યારે એણે હાથમાં ફૂલછાબ લઈને વેચવા જતી પેલી આંધળી માલણને દીઠી. એની છાબમાં ગુલાબની બે મોટી મોટી ગેંદો હતી. ધનપતિ અંદર ગયો એટલે પોતે માલણ તરફ દોડ્યો.

"ફૂલવાળી !”

“તમે ગઈકાલવાળા શેઠ?” આંધળીએ અવાજ ઓળખ્યો: “અરે શેઠ, તમે પાવલી આપીને કયાં ચાલ્યા ગયા'તા?”

“કંઈ ફિકર નહીં. એવી પાવલી તો મારે ઘેર રોજ સંજવારીમાં વળાય છે."

"લ્યો આજનું ફૂલ.” માલણે સ્પર્શની આંખો વડે તપાસીને શુક્ર બૃહસ્પતિના મોટા તારા જેવડું ગુલાબ કાઢ્યું.

મુફલિસે ગજવાં તપાસ્યાં. દમડી પણ નહોતી. “રહે, ઊભી રહે. હું આવું છું.” કહેતો એ પોતાના લક્ષ્મીવંત દોસ્તના ઘરમાં પેઠો. દોસ્ત હજુ દારૂના નશામાંથી છૂટો નહોતો થયો ત્યાં સુધી દોસ્ત જ હતો. કહ્યું: “દોસ્ત, તમારા સારુ સુંદર ફૂલો લાવું. થોડા પૈસા આપો.” 'બેશક, બેશક દિલજાની ! ફૂલો લઈ આવ, દિલજાની ! આ લે, આ લે ! કેટલા ?” દસ રૂપિયાની નોટ મુફલિસના હાથમાં પડી.

એ બહાર દોડ્યો. ફૂલવાળીની બન્ને ગેંદો તેણે ઉઠાવી લીધી. આંધળી ભયભીત બની. આવું સામટું ઘરાક કદી મળ્યું નહોતું. ત્યાં તો એના હાથમાં નોટનો કાગળિયો સરક્યો. મુફલિસે કહ્યું: “લે આ દસ રૂપિયાની નોટ.”

"ઓહો, પણ હું આટલા બધાના છૂટા ક્યાં કરાવું, શેઠજી?”

"છૂટા નથી કરવાના. લઈ જા દસેદસ.”

“દસ રૂપિયા?”

“મૂંગી મર, મારે શી કમીના છે રૂપિયાની કહું છું કે લઈ જા.”

આંધળી ઊભી થઈ રહી. એના મોં ઉપર કરુણતાની પુનિત નિતાર પથરાઈ ગયો.

“તારે હવે ઘેર જવું છે ને?” મુફલિસને પોતાની શેઠાઈ સ્થાપિત કરવાનો વિચાર આવ્યો. “ઊભી રહે, હું તને મારી 'કાર'માં બેસાડીને તારા ઘર પર છોડી દઉં.”

એટલું કહેતો એ દોડ્યો, ને ધનપતિ દોસ્તના દ્વાર પર ઘરના મહેતાને એ ફ્લોની ગેંદ સોંપી, બહાર ઊભેલી મોટરમાં આંધળી માલણને ઊંચકી લીધી, મોટર દોડાવી મૂકી.

હેબત પામી ગયેલી માલણનું મોં સિવાઈ ગયું હતું. આખી વાટમાં એનાથી કશું બોલી ન શકાયું.

એક કંગાલ લત્તામાં એનું કાતરિયું હતું. ઉતારી વિદાય લેતાં લેતાં. માલણને એણે પૂછ્યું: “તને ઘેર પાછો ક્યારે મળવા આવું?”

“તમારી મરજી થાય ત્યારે.”

મોટર લઈને એ જ્યારે પાછો દોસ્તને ઘેર પહોંચ્યો ત્યારે એને અંદર પ્રવેશ કરવાની રજા ન મળી. બંગલાના નોકરે એને સંભળાવ્યું કે “શેઠજી કહે છે તને એ ઓળખતા જ નથી. શેઠજીને દારૂ ઊતરી ગયો છે.”

“પણ આ મોટર –"

“હા, એ મોટર મૂકીને તું તારે રસ્તે પડ. નહીં તો પોલીસને સ્વાધીન કરવો પડશે તને. હવે શેઠને દારૂ ઊતરી ગયો છે.”

આખી રાત શેઠનો દિલજાની બનીને બંગલાના ચાકરોની સલામો ઝીલનાર મુફલિસ એ પ્રભાતે બંગલામાં પેસવાના ત્રણ વારના પ્રયત્નોમાં નોકરોના હડસેલા પામીને ફૂટપાથ પર પટકાયો. પછી એના અંત:કરણની કળ ઘણી વારે ઊતરી, ત્યારે એને સમજણ પડી કે પોતે શેઠસાહેબનો દિલજાની નહોતો, પણ દારૂનો દિલજાની હતો, ધનપતિનું એક રાત્રિનું રમકડું હતો.

એને પહેરાવેલા નવા પોશાક પણ નોકરોએ ઉતારી લીધા. એ જ જયેષ્ટિકા, ફાટેલો એ જ લેંઘો, અને એ જ ગાભા ગાભા થઈ ગયેલું કૂડતું એનાં સંગાથી રહ્યાં. કોઈ તત્ત્વવેત્તાના દમામથી એણે રસ્તા પર પગલાં ભર્યા. અને માલિકનો એણે અહેસાન માન્યો કે ઓ પ્રભુ, પેલી માલણને તેં અંધી બનાવી છે તે ઠીક કર્યું છે. નહીં તો હું એની સમક્ષ ફરી શી રીતે ઊભી શકત!

[5]

આંધળી માલણ જ્યાં રોજ ફૂલો વેચવા બેસતી તે ઓટા પર જવાની અને ત્યાં પોતાનો શેઠ-પાઠ ભજવવાની તો હવે મુફલિસને આદત જ પડી ગઈ છે. ત્યાં જઈને ગુલાબ લીધા વગર એને કશો ધંધો-મજૂરી સૂઝતાં જ નથી. એકાદ-બે કલાકની મજૂરીમાંથી બે આના એ રળી લ્યે છે. એકાદ આનાના દાળિયાધાણી ખાઈને એક આનો રોજ ફૂલનો આપે છે. આખો દિવસ ગુલાબને ચૂસીચૂસીને સૂંધ્યા કરે છે. રાત્રિએ સૂએ છે પેલા આપઘાતિયા નદી-ઘાટને બાંકડે. હમણાં હમણાં એની શાન્તિમાં ભંગ પાડવા ત્યાં કોઈ આવતું નથી.

પણ છેલ્લા બે દિવસથી ઓટો ખાલી પડ્યો રહે છે. આંધળી દેખાતી નથી. બેઠક બદલી તો નહીં હોય? મુફલિસ આખા નગરમાં ભમી વળ્યો. ક્યાંય આંધળી ફૂલવાળીને દીઠી નહીં.

એને ઘેર ગયો. એના મેડાની પાછલી બારીએ એઠવાડની એક કોઠી ઉપર ચડીને એણે અંદર ડોકિયું કર્યું. આંધળી ફૂલવાળી ગોદડાના ગાભામાં સૂતી હતી. તાવમાં લોચતી હતી. ઘેનમાં ને ઘેનમાં એનો એક બોલ સંભળાતો હતો: 'શેઠજી ! શેઠજી !'

મુફલિસ જ્યાં ઊભો હતો ત્યાં પોતાનું સમતોલપણું ન સાચવી શકયો. એઠવાડની કોઠી ગબડી પડી. પોતે પલળ્યો. ભોંયતળિયાની નીચે પણ બીજાં ઘર હતાં, તેમાંના એક ઘરમાં બધો એઠવાડ રેડાયો. એટલે એ ભૂગર્ભના એક વાસીએ બહાર નીકળીને એને ગાળો દીધી.

પણ એ બધું તો એણે એક ફિલસૂફને છાજતી ખામોશીથી સહી લીધું ફરીથી પાછો એ કોઠી પર ચડી મેડાની બારીએ ટીંગાયો. આંધળીની પથારી પરથી ચાલ્યા જતા દાક્તરના છેલ્લા બોલ એણે પકડી લીધા: 'સંભાળ રાખજો. દવાદારૂ ને શેક બરાબર કરજો. કેસ ગંભીર છે.'

એંશી વર્ષની એક ઘરડી ડોશી દાક્તરના આ બોલ સામે બાઘી બનીને ઊભી થઈ રહી હતી. ત્યાં બીજું કોઈ નહોતું. તાવના પૂરા ઘેનમાં પડેલી કન્યા લોચતી હતીઃ “શેઠજી ! શેઠજી ! શેઠજી ! ગુલાબ લ્યો.”

આંધળીની સૃષ્ટિમાં મનુષ્યોના બે જ વર્ગો હતા શું? – એક પોતેઃ અને બાકીના તમામ શેઠજી !

મુફલિસ ઊતરીને ચાલ્યો ગયો. હું એનો શેઠજી છું એ ખુમારી એના હૃદયમાં ફાટી ઊઠી. એણે રઝળુ જીવન છોડી દીધું. શહેરની મ્યુનિસિપાલિટીમાં એણે ઝાડુવાળાની નોકરી લીધી. કચરાની હાથગાડી ફેરવતો એ આખો દિવસ રસ્તા પરની ઘોડાંગધેડાંની લાદ, કૂતરાંની ઊલટી, ફૂટેલાં ઇંડાં, કેળાંની છાલ, બીડીનાં ખોખાં, ને ઝરૂખાવાસીઓનાં ખાધેલાં. ફળોની ફોતરીઓ ઉસરડતો હતો. એ મજૂરીના પૈસા રોજ આંધળીને ઘેર પહોંચતા.

થોડે દિવસે આંધળીને આરામ આવ્યો, પણ નબળાઈ હજુ ઘણી હતી. દાદીમાં હવે એને મૂકીને ફૂલ વેચવા જઈ શકતાં હતાં. અને રોજ સંધ્યાએ દાદીમાના ગયા પછી જ મુફલિસભાઈ છાનાછપના મેડા પર પેસતા. આંધળી પુત્રીનો જીવનાધાર શેઠજી આ દાદીમાની નજરે કદી ચડ્યો નહોતો દાદી અને દીકરી બેઉના કલ્પના-જગતમાં જ એની આકૃતિ અંકાઈ રહી હતી, કોઈ પરીકથા માંહેલા વર કુમારની પેઠે, અંધારભુવનના રાજેન્દ્રની માફક, જાણે કે એનું રહસ્યાગમન થતું હશે, અરુણવરણું કોઈ પારિજાતક લઈને એ જાણે પોતાના રથમાંથી ઊતરતો હશે, અને અંધ પુત્રીને સૃષ્ટિના અપરંપારનું અદ્ભુત વહાલ કરતો હશે ! એનું નામ-ઠામાં ઠેકાણું એ જાણીબૂજીને જ જણાવતો નહીં હોય. આવી આવી કોઈ પુરાતન પરીવાર્તાને પોતાના ઘરમાં ભજવાતી સમજીને હર્ષઘેલડાં બનતાં દાદીમાં ફૂલો વેચવા ચાલ્યાં જતાં, ને એક દિવસ પુત્રીનો આ તારણહાર રહસ્યપટને ચીરી નાખી પોતાની આંખો સામે ઊભો રહેશે એવી આશાએ જીવન ટકાવતાં.

“દાદીમા !” આંધળીએ પોતાને ચૂમતી ડોશીના ગાલ પર હાથ પસારતાં ચમકીને પૂછ્યુંઃ “કેમ તમારા ગાલ ભીના છે?”

"કંઈ નહીં, બેટા, એ તો મને પરસેવો થયો છે.”

એમ કહી એક સંધ્યાએ ડોશીએ છાબડી ઉપાડી. બહાર નીકળીને એણે બાકીનું રુદન પૂરું કર્યું.

આંધળીનો દુર્બલ દેહ બેઠો છે. એકલો, એનાં પગલાંના ધ્વનિ પર કાન માંડીને, એના હાથના સુખ-સ્પર્શની આશાએ ભર્યો. ઓહોહો ! આંધળીના જગતમાં શી સુંદરતા ખડી થઈ હતી ! કેટલી ભવ્ય આત્મવંચના !

રોજની પેઠે, દિવસ બધાના ઝાડુકામની દુર્ગંધને હાથ-મોં પરથી ધોઈ નાખી, મ્યુનિસિપાલિટીનાં કપડાંને બદલે પોતાના જૂના ગાભા પહેરી 'શેઠજી' આવ્યો. રોજની પેઠે આજે પણ ભેટ લાવ્યો હતો. ફાટેલી કોથળીમાંથી એણે. એક મોસંબી, એક સફરજન, એક કાકડી ને એક માછલી બહાર કાઢ્યાં.

"જો ! આ સફરજન મારા પોતાના જ બાગમાં પાકેલું.”

એમ કહીને એણે આંધળીનો હાથ લઈ ફળ ઉપર ફેરવ્યો. પૂછ્યું, "કેમ, કેવું સરસ ?”

"બહુ સરસ, આવું લીસું, સુંવાળું ને મીઠું સફરજન તમારા બાગમાં થાય છે?” જાણે આંધળીની આંગળીઓ ફળને ચાખતી હતી.

ન થાય ત્યારે ? કેટલાં ખાતર પુરાવેલ છે મેં ! મને વેચાઉ ફળ ખાવાં ગમે જ નહીં ને!” શબ્દ શબ્દ શેઠજીની સાહેબી ગુંજી ઊઠી.

"ને જો આ કાકડી, આ મોસંબી, બધાં જ મારી વાડીનાં.” પ્રત્યેક ફળ ઉપર આંધળીના હાથ ફરી ચૂક્યા.

"ને જો આ મચ્છી ! મારા પોતાના જ તળાવમાંથી મારી બંદૂક વડે જ મેં શિકાર કર્યો. મારા જેવી નિશાનબાજી અમારા આખા ગામમાં કોઈને ન આવડે.”

"ઓહોહો !" આંધળીની કલ્પનાભોમમાં હવે તો તસુ પણ ખાલી. જગ્યા નહોતી રહી. હવે તો જાણે વધુ કંઈ સાંભળતાં કલ્પનામાં ચિરાડ પડી જશે !

મમતા અને અહેસાનમંદી બતાવવાનું શ્રેષ્ઠ સાધન બે આંખો જ છે. પણ આંખની વાણી જેની પાસે નથી તે શું કરે? જીભ વાપરે ? ના, ના, જીભનું ઉચ્ચારણ કનિષ્ઠ છે. આંધળીએ જીભવાચા છોડી હતી. ફક્ત એના હાથ જ આ તારણહારના હાથ ઉપર ફરતા હતા. હથેળીમાં જાણે એને આંખો ઊઘડતી હતી.

“આ તારા નામનો કાગળ અહીં પડ્યો છે." મુફલિસે ત્યાં પડેલું એક કવર ઊંચક્યું.

"દાદીમાએ તો મને કંઈ કહ્યું નહીં. કોનો છે કાગળ? વાંચો જોઉં!” મુફલિસે માંડ માંડ શબ્દો બેસાર્યા; લખ્યું હતું:

“મેડા નં...ની ભાડૂત બાઈ ! ત્રણ મહિનાનું ચડત ભાડું આજ સાંજ સુધી તો નહીં ચૂકવી જાઓ, તો કાલે સવારે મેડો ખાલી કરાવવામાં આવશે.”

આંધળી સમજી, ઘરધણીની એ નોટિસ હતી. પોતાની લાંબી માંદગીને કારણે મેડાનું ભાડું ચડ્યું હતું. 'શેઠજી'ના મોકલ્યા પૈસા તો દવામાં જ ગયા હતા. દાદીમાને ફૂલની ખપત કરતાં આવડતું નહોતું. દાદીમાના ભીના ગાલની સમસ્યા સમજાઈ ગઈ.

આંધળીનાં નેત્રોમાંથી ધાર વહેતી હતી. આંખોમાંથી દ્રષ્ટિ ઓલવાય છે, પણ પાણી કેમ નથી સુકાતાં? અંધાપો આપનાર દેવ બહુ ક્રુર મશ્કરી હશે.

“પણ તું રોવા શું બેઠી એમાં?” મુફલિસનો ગુંજતો અવાજ એના મોંની સિકલ પરની મૂંઝવણને છેતરતો હતોઃ “હવે ભાડાની રકમમાં તે શું બળ્યું છે? આજ સુધી બોલી કાં નહીં? આપણે ઘેર કયાં કમીના છે? હમણાં જ હું જઈને લઈ આવું છું. ને આ જો !”

રસ્તા પરથી ઝાડુ કાઢતાં વીણેલું એક છાપું એણે બતાવ્યું:

“જો, આમાં છાપ્યું છે કે – ગામનો મોટો દાક્તર જનમઅંધાપાને પણ ટાળે છે. તું તૈયાર થઈ જા. આપણે એની પાસે જઈ આવવું છે. હું ભાડાના રૂપિયા લઈને હમણાં જ આવું છું.”

પણ ઝડપથી બહાર નીકળેલા પગનું જોર એક જ પળમાં ચાલ્યું ગયું. ભાડાના રૂ. 50ની લૂમ કોઈ પણ ઝાડ પર લટકતી હોય એવું એણે ન દીઠું. મ્યુનિસિપાલિટીના ડીપો ઉપર એ પહોંચ્યો અને એને રૂખસદ મળી હોવાના ખબર આપવામાં આવ્યા ત્યારે જ એને ભાન થયું કે પરગજુપણાની દુનિયામાંનો એક અંધારિયો મેડો કંઈ મ્યુનિસિપાલિટીની શાખા નથી. એની રોટલી ગઈ હતી.

પણ રોટલીની વાત તો હજુ સવારે છે. અત્યારે તો આંધળી છોકરીના મેડાના ચડત ભાડાનો જ પ્રશ્ન છે. ભૂત-ભવિષ્યને ભૂંસી નાખી કેવળ ચાલુ વર્તમાનમાં જ જીવનાર કો' તત્ત્વવેત્તા સમો મુફલિસ નગરમાં આંટા મારવા લાગ્યો. રાતના દસેક વાગ્યે એક ઝગઝગતી રંગભૂમિને દરવાજે આવી પહોંચ્યો. અંદર મુક્કાબાજીનો જલસો થવાનો હતો.

અંદરથી એક આદમી બહાર આવ્યો. એણે પૂછ્યું: “અમારી એક જોડી તૂટે છે. તારે ઊતરવાની છે મરજી? જીતનારને રૂ.100નું ઈનામ મળશે.”

“હા. એક શરતે, મને બહુ મુક્કા ન મારવા, હું જાણીબૂજીને હારીશ. રૂ. પચાસ-પચાસ આપણે બેઉ વહેંચી લઈશું.”

મુક્કાબાજીની રમત ખૂનખાર છે. લોહીના કોગળા કરાવે છે. નાકકાનનાં હાડકાં તોડી નાખે છે. એક રમતમાં મનુષ્ય સો વાર મૃત્યુનો કિનારો ભાળી જાય છે. માયકાંગલા શરીરવાળો એ મુલિસ અખાડાની અંદર લંગોટ પહેરવા પેઠો ત્યારે ત્યાં સજ્જ થતાં કદાવર, પલીત ખેલાડીઓને દેખી એનું લોહી થીજી ગયું.

જેની સાથે ઈનામની અરધોઅરધ વહેંચણીનો કરાર કરેલો તે ખેલાડીને કોઈક અકસ્માતને કારણે આ મુફલિસ ભાઈની જોડીમાંથી ખેસવવામાં આવ્યો. એને બદલે મુફલિસે એક બીજા જણને દીઠોઃ મનુષ્યાવતારમાં કેટલાક દીપડા જન્મે છે તેવો વિકરાળ અને ખૂનભર્યો.

"કાં દોસ્ત ! આપણે બે જણા ભાગે પડતું વહેંચી લઈશું ?” મુફલિસે પ્રસ્તાવ મૂક્યો.

જવાબમાં દીપડા-સ્વરૂપ પ્રતિસ્પર્ધીએ ડોળા ઘુરકાવ્યાઃ “હું ઈનામ સારુ નથી આવતો અહીં. ઇજ્જત સારુ આવું છું.”

તે દિવસના જલસાએ મુફલિસને મરણતોલ કરી મૂક્યો. અરધી રાતે એણે ડગલાં ભર્યા ત્યારે પ્રભાતે ચૂકવવાના રૂ. 50માંથી એકાદની કરકરિયાળી કોર પણ નહોતી દેખાતી.

[6]

"કોણ, મારો દિલજાની તો નહીં?” કહીને એની બાજુએ લથડિયાં લેતાં એક આદમીએ એની સામે જોયું.

એ હતું શરાબખાનાનું દ્વાર, ને એ ગૃહસ્થ હતા પેલા શરાબી શ્રીમંત. દારૂએ એને એના દોસ્તની પિછાન દીધી. દોડીને એ દિલજાનીને ગળે ભેટી પડ્યો.

મદિરાનાં વખાણ સાવ જૂઠાં તો નથી જણાતાં.

“અરે જિગર ! અરે મારા કલેજાના ટુકડા !” શ્રીમંત-હર્ષઘેલો થયો: “તું ક્યાં હતો? મને મૂકીને તું ક્યાં ગયેલો?”

"તમારા માણસોએ ધમકાવીને કાઢેલો; તમારા કહેવાથી !”

“મારા કહેવાથી? હોય નહીં. હું કહું નહીં હું સાચો હું તો અત્યારે જ હોઉં છું ! સવારને પહોરે તો, યાર, હું ગુમસાન બની જાઉં છું. મને માફ કર. ચાલ ઘેર ચાલ, મારા જિગર ! ચાલ મારા કલેજા.” ઘેર જઈને ફરી વાર શ્રીમંતે સુરા ચડાવી. મુફલિસે પોતાના દુઃખની વાત કહી. આંધળી માટે એણે ભાડાની રકમ માગી.

“પણ ત્યારે તું કેમ માગતો નથી? કેટલા જોઈએ? બોલ, બોલ, આ. લે, આ એક-બે-ત્રણ –” દારૂ ચડ્યો હતો.

સો સો રૂપિયાની દસ નોટો એણે ગણી આપી. લઈને મુફલિસ નાઠો. નોકરો એની પૂંઠે પડ્યા. પોલીસને જાણ કરી. દરમિયાન મુફલિસ ભાઈ આંધળીને મેડે ચડી ગયા હતા.

"જલદી હાથ ધર.” આંધળીની હથેળીમાં એણે એક પછી એક નવ નોટો ગણી લીધી. “આમાંથી રૂ. 50 ભાડાના, ને બાકીના રૂ. 850 પેલા દાક્તર કને જઈ આંખો સુધરાવવાના.”

આંધળીના મોંમાં ઉચ્ચાર નહોતો. દેખતી દુનિયામાં, પોતાના અંધારજગતને ઊંબરે આ શું કૌતુક બની રહ્યું છે! આભી બનીને એ બેઠી રહી. નોટોનાં કાગળિયાં હજુ એણે ઝાલ્યાં નહોતાં.

“કેમ? કંઈ ઓછું પડે છે? લુચ્ચી જાણી ગઈ કે? કેમ કરીને જોઈ ગઈ તું?”

એક નોટનો કટકો એણે પોતાના ઉપયોગ માટે ખિસ્સામાં સરકાવ્યો હતો. તે એણે બહાર કાઢ્યો અને આંધળીની હથેળીમાં મૂકી દીધો: “આ લે, હવે તો મેં કશુંજ છુપાવ્યું નથી હો ! તારી આંધળી આંખો પણ કટારી જેવી છે, ખરું ને? કોઈકના ગજવામાં, છેક કલેજા સુધી પેસી જાય છે, ખરું કે? બહુ દુત્તી છે ! આંધળાં બધાં ભારી કાબેલ હોય. ખરું કે?”

આંધળીએ આ બધા પ્રલાપનો જવાબ આપવા સારુ પોતાનો હાથ “શેઠજીના હાથ પર ફેરવવા લંબાવ્યો, અહીં તહીં બધે જ આંગળાં પસારી વળી. પણ ત્યાં કોઈ નહોતું. 'શેઠજી’ તો અહેસાનમંદીનો એક સુખસ્પર્શ પામવા પણ નહોતો રોકાયો.

હજાર રૂપિયાની નોટો ઉપર આંસુનાં ટીપાં ટપ ટપ અવાજ કરતાં હતાં. પાછળ છુપાઈને ઊભો હશે, ટગાવતો હશે, એવી ભ્રમણાથી આંધળીનો હાથ પછવાડે પણ વીંઝાતો હતો. હવામાં જ એને અફળાવું રહ્યું હતું

પ્રભાતે જ્યારે પોલીસ એ મુફલિસને પકડીને શ્રીમંતના ઘરમાં લઈ ગઈ ત્યારે ટટ્ટાર છાતીએ ને રૂવાબી ચાલ ચાલતો એ અંદર પહોંચ્યો.

'દિલજાની દોસ્ત' ઊંઘતો હતો. એને ઢંઢોળીને મુફલિસે જગાડ્યો, કહ્યું: “બોલી નાખો દિલજાની દોસ્ત ! આ હજાર રૂપિયાની નોટો તમે મને રાજીખુશીથી જ આપી છે કે નહીં?”

"કોણ છે આ બેવકૂફ?” 'દિલજાની દોસ્તે' નોકરો તરફ ફરીને પૂછ્યું.

"કેમ કોણ છે?" મુફલિસે યાદ દીધું :“હું તમારો જિગરજાન, તમારા કલેજાનો ટુકડો.”


“આ માણસને હું ઓળખતો નથી” શ્રીમંતે પોલીસને જણાવ્યું. મદિરા ઊતરી ગઈ હતી.

મુફલિસને લાંબી ટીપ મળી.

[7]

રસ્તાના ચોકની એક બાજુએ ફૂલોની દુકાન શોભતી હતી. કાચનાં બારીબારણાં વાટે હજારો ફૂલોની ગેંદો, માલાઓ, વેણીઓ, ગજરાતોરા, અને લગ્નસરાના પુષ્પ-મુગટો હસતા હતા. રંગો અને ખુશબો જાણે વાચા ઉચ્ચારી રહ્યાં હતાં. બે-ત્રણ દાસીઓ અંદર ઘૂમતી હતી. 85 વર્ષના એક ડોશી એક આરામ ખુરસી પર બેઠાં હતાં અને એક સુંદર કાળી ખુરસી પર બેસીને ઘરાકોની વરધી નોંધતી એક જુવાન સ્ત્રી આ ફૂલની દુકાનને ગૌરવ આપતી હતી.

ધનિકોની અને રસિકોની રોનકદાર મોટરગાડીઓ ત્યાં ઉપરાઉપરી અટકતી અને ફૂલોની ખરીદી કરનારા ફૂલભોગીઓ ઊતરી પડતા. એમાંના અનેક ઘરાકોની મુખાકૃતિ ઉપર એ ફૂલ-હાટની અધિષ્ઠાત્રી તાકીતાકીને જોઈ રહેતી. જાણે એનું કોઈ ખોવાયું હતું.

એમ તો એ દુકાનના તારીખિયા ઉપરથી કેટલી યે તારીખોનાં પતાકડાં ઊખડી ઊખડીને હવામાં ઊડી ગયાં, ને કેટલીયે મોટરો ધીરે અવાજે ત્યાં અટકી અટકીને પાછી ઊપડી ગઈ.

સજા ભોગવીને જેલની બહાર આવેલા મુફલિસનાં પગલાં યંત્રની પેઠે ચાલ્યાં જતાં હતાં. એનો લેબાસ ધૃણા ઉત્પન્ન કરે તેવો હતો – પણ તે તો દેખતાં લોકોને પોતે જેને મળવા જતો હતો તે તો હતું અંધ માનવ. સંકોચ વિના તેણે કદમ ઉપાડ્યા.

જૂની પિછાનવાળા ઓટા પાસે એ આવી પહોંચ્યો. ઓટા પર કોઈ નહોતું. ફૂલવાળી, ફૂલછાબ કે ફૂલની એક પાંદડી સુધ્ધાં નહોતી. ઓટો ઘણા કાળથી ઉજ્જડ પડ્યો હોય એવું દેખાઈ આવ્યું.

થોડી વાર એણે ત્યાં ઓટાની સામે આમતેમ ટેલ્યા કર્યું, પણ કોઈ આવ્યું નહીં. માંદી હશે? મારી તો નહીં ગઈ હોય? બીજે ક્યાંય બેઠક બદલી હશે? શું થયું હશે?

દૂર ઊભેલો પોલીસ એની ચેષ્ટાને તપાસી રહ્યો છે. છાપાં વેચતાં બે ફેરિયા છોકરાઓ ચણીબોરના ઠળિયા ભૂંગળીમાં ભરીને એને તાકીને મારી રહ્યા છે. ઠળિયા એના ગાલ ઉપર જોરથી ચોંટતાં જ એ પછવાડે જુએ છે. ફેરિયા છોકરા બીજી બાજુ ફરીને બૂમ મારે : 'સમાચાર !' 'પ્રજાહિત !' ‘ગડગડાટ!' 'બડબડાટ!' જગતને રમૂજ અને પરિહાસનાં પાત્રોરૂપ આ વિવિધસ્વરી ભિખારી ફેરિયા છોકરાઓ તેને પણ પણ ઠેકડીએ ઉડાવવાનું યોગ્ય પાત્ર સાંપડ્યું હતું. મુફલિસની અવદશાનો ચિતાર આપવા માટે આ એક જ બીના બસ થતી હતી.

મોં ઉપર ચોંટી જતા બોરના ઠળિયાને ઉખેડી દૂર કરતો અને એ મશ્કરા છોકરાઓની સામે ખીજે બળતો મુફલિસ ભારે પગલે આગળ ચાલ્યો.

ચોકના ખૂણા પરની પગથી ઉપર એ પહોંચ્યો ત્યારે જમીન પર ગટરની અંદર એણે એક ફૂલ પડેલું દીઠું. દેખીતી રીતે જ એ ફૂલ કોઈ દુકાનના વાસીદામાં જ નીકળેલું હતું. એની પાંખડીઓ કરમાઈ ગઈ હતી, પરંતુ મુફલિસને આજે ઘણા મહિનાની તલબ એકઠી થઈ હતી. ફૂલને તેણે ગટરમાંથી ઉઠાવી લીધું, નાક વતી સૂંઘતો નહીં પણ જાણે કે ચૂસતો ચૂસતો એ ત્યાં ઊભો રહ્યો. એના માથામાં જાણે કોઈ માદક ખુશબો ચઢી રહી છે.

થોડી વારે એણે પછવાડે જોયું; ને જોતાં જ એ દંગ થઈ ગયો. ભરચક ફૂલોની દુકાન દીઠી. ખુશબોના તો જાણે છંટકાવ થતા હતા. એના મોંને જાણે એ સુગંધિત હવાની ઝલક ભીંજવતી હતી.

એણે ફરીથી જરા ટીકીને જોયું. ફૂલોની દુનિયા વચ્ચે એક મોં દેખાયું.

એ જ એ મોં? ક્યાંથી હોય? કોઈક ભળતો ચહેરો? એ જ – એ જ – એ જ.

એ અહીં ક્યાંથી? કોઈની દુકાનમાં નોકર રહી ગઈ? કેવાં સ્થિર નેત્રે બેઠી છે? મહિનાઓ પહેલાં દીઠી હતી તેવી જ અંધ, છતાં અનંતને પાર જોતી બે આંખો. મટકું ય નથી મારતી.

ત્યાં તો એણે ઉદ્દગાર સાંભળ્યો: “દાદીમા, આજ મારી ડાબી આંખ ફરકે છે. મને એમ થાય છે કે જરૂર આજ એ આવશે.”

એ આવશે ! કોણ આવશે? મુફલિસે એ દુકાન તરફ પગલાં માંડ્યાં. એ હર્ષઘેલી થઈ હોઠ પલકાવી રહેલ છે. એના હાથનું ચીમળાયેલું ફૂલ હમણાં જાણે છેક નાકની અંદર પેસી જશો.

ધીરે ધીરે છેક ફૂલોના જૂથની પાસે જઈને એ ઊભો. બોલતો નથી. નિહાળે છે. ધારીધારીને નિહાળે છે.

ફૂલવાળી પણ આ ગાંડા ભિખારીની હર્ષચેષ્ટાઓને જોઈ રહી. એને તો રોનક થયું છે. પોતે વાટ કોની જોઈ રહી છે અને મેળાપ કોનો થયો છેઃ કલ્પનાની સુંદર સ્નેહમૂર્તિ ક્યાં ને ક્યાં આ એક ગાંડાની ઈસ્પતાલમાંથી નાસી આવેલાના દીદાર! વિધાતા પણ ઠીક ઠેકડી કરી રહી છે.

“દાદીમા!” ભિક્ષુકના ચહેરા પર કોઈ અજબ વેવલાપણું દેખીને ફૂલવાળીએ ડોશીને કહ્યું: “જુઓ તો ખરાં ! કેવો વિજય વર્તી રહ્યો છે મારા રૂપનો આમ તો જુઓ ! આ શેઠજી મારા ઉપર એનું વહાલ ઢોળી રહેલ છે – હી-હી-હી-હી” એ ધીરું ધારું હસી. સાંભળીને મુફલિસ ખસિયાણો પડી ગયો. એના મોં પરની વેવલાઈમાં કરુણતા ભળી. એના ફૂલમાંથી પાંખડીઓ ખરતી હતી. એ જોતો હતો પેલી બે આંખોને. શું એ આંખો ભાળે છે?

એક પછી એક એના ફૂલની બધી જ પાંખડીઓ ખરી પડી. મુફલિસના હાથમાં માત્ર સળી જ બાકી રહી છે, છતાં હજુ એ સૂંઘતો અટકતો નથી. એનું જોવાનું હજુ પૂરું થયું નથી. ભોંઠામણ, હર્ષોન્માદ અને કૌતુકની ઊર્મિઓ એના ચહેરા પર એકઠી મળી છે.

“તારે ફૂલ જોઈએ છે, અલ્યા !” ફૂલવાળીએ એના સામે અનુકમ્પિત દ્રષ્ટિ કરી: “તું તો બહુ ફૂલનો શોખીન જણાય છે, અલ્યા ! લે હવે એ સળી નાખી દે, ને આ લે આ તાજું ગુલાબ !” - દિવસોનો ક્ષુધાતુર જેમ રોટલાનો ટુકડો પકડવા હાથ લંબાવે તેટલી અધીરાઈથી એણે ફૂલ લેવા હાથ લંબાવ્યો. પણ પાછો ખંચકાયો. હાથ એણે પાછો ખેંચ્યો.

"લે, લે અલ્યા, હું તને ટગવતી નથી, સાચેસાચ ફૂલ આપું છું.”

ફૂલ લઈને એ ઊભો થઈ રહ્યો. હજુ એની મીટ ફૂલવાળીના મોં પરથી ઊખડતી નથી.

“કેમ હજુ ઊભો છે, અલ્યા? તું ભૂખ્યો છે? પૈસો જોઈએ છે તારે? આ લે પૈસો.”

ફૂલવાળીએ પૈસો આપવા હાથ લંબાવ્યો. એ દેખીને મુફલિસ પોતાને જાણે કોઈ અંગારા ચાંપવા આવતું હોય તેવા ત્રાસથી પાછો હટ્યો. દૂર જઈને ઊભો રહ્યો. એની આંખોમાં જાણે બે દીવા બળતા હતા.

“કેમ? કેમ નાઠો, અલ્યા? આ લે પૈસો, સાચે જ પૈસો આપું છું.” એમ કહેતી એ ઊભી થઈ. લપાઈએ ઊભેલા મુફલિસને તો આ હાંસીની હદ થઈ ગઈ. એ ઊભો હતો ત્યાં જ થીજી ગયો. એને જાણે કોઈ સોટા મારવા ચાલ્યું આવે છે.

“આ લે પૈસો.”

મુફલિસે હાથ સંકોડી લીધા. ફૂલવાળીએ એનો હાથ પકડીને હથેળીમાં પૈસો મૂક્યો. મૂકતાં જ, હાથનો સ્પર્શ થતાં જ, ફૂલવાળીને રોમે રોમે ઝણઝણાટી ઊઠી, સ્પર્શની વાચાએ એને સાદ દીધો. ઝાલેલો હાથ એનાથી છોડી ન શકાયો. હાથ જાણે ચોંટી ગયો. એનાથી એટલું જ બોલી શકાયું: “તમે ? તમે જ ? પાછા આવી પહોંચ્યા?”

મુફલિસે માથું હલાવ્યું. સજળ એનાં નેત્રો હજુ તાકી જ રહ્યાં છે. એના મોંમાંથી પણ સામો આટલો જ બોલ પડયોઃ “તું તું દેખતી થઈ ?”

ફૂલવાળીએ માથું હલાવ્યું. ત્યારે જીવન-પ્રદીપોમાં આંસુનું તેલ પુરાતું હતું. હસ્તમિલાપ હજુ ભાંગ્યો નહોતો. બેઉની વચ્ચે એક તાજું ગુલાબ હસતું હતું.

Œ