પ્રભુ પધાર્યા/કિન્નો
← ફો-સેંઈના નૃત્યમાં | પ્રભુ પધાર્યા કિન્નો ઝવેરચંદ મેઘાણી |
પતિ પલાયન → |
આવતો હતો ! ઘેર પહોંચીને થોડી નિરાંત વળી, પતિ ઊંઘતો હતો. બારણું ઉઘાડીને પાછો પતિ તો ઘસઘસાટ નસકોરાં ખેંચવા લાગ્યો. નીમ્યાએ માન્યું કે નહીં નહીં, આ તો ન હોય એ કામો કરનારો ! એવું કર્યા પછી ઉંઘ આવે કદી?
તોપણ મન ન રહ્યું. માંઉ-પૂને ઢંઢોળીને જગાડ્યો. પેલા ખૂનની વાત કરી. પતિ તો સાંભળતો સાંભળતો પાછો ઘોંટવા મંડ્યો. ફરી ઢંઢોળી, ચૂમી ભરી, પૂછ્યું: 'કહો તો ખરા ! તમે તો નથી કર્યું ને!" જવાબમાં એ, જરાક હસીને પાછો ઊંઘવા લાગ્યો. નીમ્યા સમજી ગઈ, અંદરથી કંપી ઊઠી. પણ ઘૂંટડો પી ગઈ, બસ વાત એટલેથી જ પતી ગઈ. બર્મી પોલીસે પણ આ ખૂનને ગાજર કે ચીભડું સમારવા કરતાં કશી જ વધુ મહત્તા આપી નહીં.
એ ખૂન અણપકડાયું જ રહ્યું. પણ તે પછી માંઉ-પૂ વધુ ને વધુ એદી બનીને બેસી રહેવા લાગ્યો; પરસાળમાં ચટાઈ પર પડ્યો પડ્યો સેલે ફૂંક્યા કરે, એનાં ધૂમ્રગૂંચળાંમાં અનેક સર્પાકારો, સિંહાકરો, હાથી-મોરલાના આકારો કલ્પી કલ્પી ઘેનઘેરી આંખોએ નિત્ય નિહાળ્યા જ કરે. ને એ કોઈને પૂછે કે તમે ક્યાં જાઓ છો ને શું કરો છો, ન કોઈ એને કહે કે તું કંઈક ધંધે લાગ. બુઢ્ઢી હજી પણ મચ્છી વેચવા જતી હતી. બુઢ્ઢો પણ પારકી રાખેલી થોડી-સી જમીનમાં કમોદનું વાવેતર કરાવવા જતો હતો. ને નીમ્યા બાળકને પીઠ પર બાંધી લઈ બજારે જતી. પોતે ટાઢતડકો વેઠતી, નબળાઈના સાંધા દુખતા, પોષણ તો કેવળ ભાત મચ્છીનું જ હતું, છતાં દુઃખ કે પીડા શી ચીજ છે તેનો વિચાર કરવા બેસવાનો તો આ બ્રહ્મી સ્ત્રીમાં સંસ્કાર જ નહોતો. પતિ અપાંઉ-શૉપમાં જઈ કઈ ચીજ ગીરો મૂકી આવ્યો છે તેનો પ્રશ્ન એ કરતી નહીં. પતિ ક્યાં જાય આવે છે તેની નજરે એ રાખતી નહીં. પતિ નવી લુંગી-એંજીના કે ઘાંઉબાંઉના પૈસા ક્યાંથી કાઢે છે એ પણ પૂછતી નહીં. રાતે પતિને મોડા ઘેર આવવાની ટેવ પડી, તો તે પણ એણે સ્વાભાવિક જ સમજી લીધું. રાતના બે કે ત્રણ બજ્યે આવીને એ બારણું ઠોકતો ઠોકતો બોલાવે કે 'નીમ્યા એ...!' એટલે સામો 'શિંય'(જી) એવો ટહુકો પડ્યો જ હોય, દાદર પર ફના (ચંપલ) સરકી જ હોય, અને શાંતિથી દ્વાર ઊઘડ્યાં જ હોય. બીજી વાર કદી સાદ કરવો ન પડે, અને બીજો કોઈ શબ્દ તે બાદ પણ સંભળાય નહીં. નિઃસ્તબ્ધ રાત્રિના નિર્જન પહોરે બસ એ જ ટહુકો અને એ જ પડઘો:
"નીમ્યા એ...!"
"શિંય !"
પાડોશીઓએ બીજું કશું કદી સાંભળ્યું નહીં, આવા તો મહિનાઓ પર મહિનાઓ ગયા. રાતે બાળક ઊંઘી ગયું હોય તો પોતે બેઠી બેઠી પતિનાં ફાટેલ કપડાં સાંધવાનું પ્રત્યેક બ્રહ્મી નારીનું પાંચમું કર્તવ્ય બજાવ્યા જ કરતી હોય.
બીજું એક સુખ આ બ્રહ્મી સમાજમાં એ હતું, કે કોઈ પણ સગુંસાગવી કે પાડોશી આવીને એવી આધીપાછી નહીં કરે, કે તારો વર અમુક કાકા(મલબારી)ની હોટલમાં ગપ્પાં ટીચતો હતો અથવા અમુક કોઈ બેઆબરૂદાર ગલીમાં રાતે રઝળતો હતો.
કોઈ જો આવતું તો તે હેમકુંવરબેન. એમને નીમ્યાના દેહની દશા દેખી ઊંડું લાગી આવતું. અને બેકાર પુરુષનું ઘેર બેઠા રહેવું, પોતે કાઠિયાવાડી હોવાથી, એને ખૂબ ખટકતું. એણે બે વાર ટાકોર પણ કરી કે એ તદ્દન બેઠો શું રહે છે? તારી એને દયા નથી આવતી? આવે ડૉક્ટર પાસે, તો હું એને કશાક કામે લગાડી દઉં. અને રાતે તો તારે એને બહાર ભટકતો અટકાવવો જ જોઈએ. તું તો બ્રહ્મી સ્ત્રી છે, અમારા જેવી પરવશ નથી."
"સાચું," નીમ્યાએ જવાબ વાળ્યો; અમારી સ્ત્રી તરીકેની સ્વતંત્રતાની એ જ ખૂબી છે. અમે પરણતાં પહેલાં ગમે તેને પસંદ કરીએ, માબાપની સામે બંડ કરી ઊભાં રહીએ; પણ લગ્ન બાદ વાત જુદી બને છે. એ મારી આડે આવે તો એને હું પીંખી નાંખું. પણ તે સિવાય તો એનું મૂંગું ને પૂરું પાલન કરવાનો જ અમારો સંસ્કાર છે." "પણ આમ ક્યાં સુધી?"
"બેમાંથી એકના મૃત્યુ સુધી."
"બહુ કહેવાય."
"તમને કેમ બહુ લાગી આવે છે? મને તો કશું જ થતું નથી."
"તારા શરીર પર એની અસર છે."
"મન પર જરીકે નથી. ને શરીર તો અમારાં કયે દા'ડે તમારા સરખાં અડીખમ ભાળ્યાં'તા!" કહેતાં નીમ્યા હસી.
"પણ આ કઈ લતે ચડી ગયો છે તે તો..."
"ચૂપ!" નીમ્યાએ નાકે આંગળી મૂકી. "એ મારો પ્રદેશ નથી. મને કશું જ યાદ કરાવશો નહીં." દરેક વાક્યે એનું હાસ્ય વિરામચિહ્નની ગરજ સારતું હતું. "હું ક્યાં જાઉં છું ને શું કરું છું એ મારો વર કદી નથી પૂછતો; તો એને એવું પૂછવાનો મારો કયો અધિકાર છે?"
"તારાં બા આવું કાંઈ નથી પૂછતાં?"
"અમારા બેની બાબતમાં બીજું કોઈ માથું મારી શકે જ નહીં. એ અમારો કુલચાર છે."
હેમકુંવરબહેન અને ડૉ. નૌતમ વચ્ચે આ વિશે રાતના વાળુ પછી લંબાણથી વાતો થતી. ડૉ. નૌતમ એક જ સાર કાઢતા, કે જે પ્રજા જે રીતે પોતાના જીવનની ગડ્ય બેસાડતી હોય, તેને તે રસ્તેથી પગલું પણ ચુકાવવાનો આપણો હક નથી. હક તો નથી, પણ એમાં એ પ્રજાનું હિત પણ નથી. પરિવર્તન કદી આવવાનું હશે તો એના ને એનામાંથી જ કોઈક ક્રાંતિ જાગશે. આપણે તો આપણો એક પણ વિચાર એમના દોષમાં સુધારો કરવારૂપે એને કાને નાખવો જ નહીં."
"પણ આ ભાયડો..."
"જો ઘેલી ! ધાર કે એ ગાંડો અથવા અપંગ હોત તો?"
"તો પત્નીએ એને પાળવો પડત."
"ત્યારે એમ જ સમજવું કે મનપ્રાણનાં પણ ગાંડપણા હોય છે." "પણ આ તો આખી પ્રજાનું ગાંડપણ છે."
"હા, તો એ લોકો પોતાના સમગ્ર પુરુષવર્ગને ક્યાં ગોરાઓની કે ગુજરાતીની ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવાં ગયાં છે? એ કરતાં તો, ઓરતજાત પોતે જ જો અહીં વધુ બળશાળી, વહુ સ્વતંત્ર, અને આર્થિક રીતે સ્વાલવંબી છે, તો તેની ફરજ છે કે નબળી મરદ જાતનું પાલન કરવું."
"પણ કોઈ દિવસ એને ભાન પણ ન કરાવવું?"
"કહું છું કે ના. જે દિવસ આ પુરુષોને એ ભાન થશે, તે દિવસ સ્ત્રીઓની સ્વતંત્રતા પણ તૂટી પડશે. હમણાં જે રળે છે તેનો જ હાથ માથે રહી શકે છે. બાકી હું તને કહું? હું જો તને પરણ્યા પહેલાં આંહીં આવ્યો હોત તો આંહીંની જ એકાદ રળતી વહુનો વર બનીને હળવોફૂલ રહેત."
"હજુય કરોને અડપ ! શું બગડી ગયું છે?"
"તને તો દી-કઢણો ને રળી દેનારો આ મળી ગયો એટલે એમ જ કહેને !" એમ કહેતાં એણે પાસે સૂતેલા બાબલાનો બરડો થાબડ્યો.
"સ્વાદ નહીં આવે સ્વાદ, બાઈડીનું રળ્યું ખાવામાં."
"તને મારું રળ્યું ખાવામાં જરીકે ઓછો સ્વાદ આવતો જોતો નથી. રળી બતાવ ને બાઈ, પછી જો, કે કેવા સ્વાદથી બેઠો બેઠો દિવસો ગાળું છું. સાઉં કહું છું. ઓછામાં ઓછા સાત જન્મોનો તો થાક લાગ્યો છે. તારા ગળાના સોગંદ." એમ કહેતાં એણે એ સોગંદનું સાક્ષાત સ્વરૂપ ગળે હાથ મૂકીને સરજાવ્યું.
"જોયું ને ! રળી ખવરાવનાર છો એટલે કે?" એમ કહીને હાથણીએ પોતાની બેઉ સૂંઢોનો પતિને ગળે હાર પહેરાવ્યો.
આમ આ નાનકડું બાબુ-કુટુંબ જ્યારે સુખ-સોડમાં સૂતું હતું, તે વખતે પીમનાના એક ફૂટપાથ પર નાનકડો બનાવ બની રહ્યો હતો.
એક ચીનો દુરિયાન વેચતો બેઠો હતો. દુરિયાન એક ખાસ એકલા બ્રહ્મદેશનું જ વિશિષ્ટ પ્રકારનું ફળ છે. એનું કદ નાળિયેર જેવું, ને એનું બહારનું કલેવર બરાબર શેળા જેવું કાંટાદાર! એને ચીરીને ખોલો એટલે અંદરથી પાંચેક દળદાર ચીરિયાં પડે, એમાંથી નાની પેશીઓ પડે, અને એનો પીળો ગરભ અમૃતનો આસ્વાદ આપે. એની સોડમ ઘણાને ખરાબ લાગે છે, પણ એ તો બ્રહ્મદેશીઓના ઘેનઘેરા લહેરી સ્વભાવને વધુ ઘૂંટી આપતી માદક સોડમ છે.
આવું મીઠું ને મોંઘુ દુરિયાન અનેક માણસો ખરીદી ખરીદી રાત્રીને ઠંડે પહોરે ખાતાં હતાં. તે વખતે એક માણસ થોડે દૂર ઊભીને ટરપરટોયાં મારતો હતો.
એને પણ દુરિયાન લેવું હતું. એ ગજવું તપાસતો હતો. એણે પૈસા ગણ્યા. પાસે આઠ જ આના હતા.
"ધી દુયેન્દી ભેઝેલે?" એણે ચીના પાસે જઈ દુરિયાનનો ભાવ પૂછ્યો.
"તૌ-મા." ચીનાએ તોરથી બાર આનાની કિંમત કહી.
"પણ આ તો નાનું છે. આઠ આને આપીશ?"
"ત્વા ત્વા, મીં મસા નાઈબુ! (જા જા હવે, તું દુરિયાન ખાઈ રહ્યો!) ભરો મા કયી ભૂદલા?" (કોઈ દિવસ ભાળ્યું છે દુરિયાન)
"શું કહે છે?" ઘરાકની ખોપરી ફાટી. "આ દુરિયાન મારી બ્રહ્મદેશની પેદાશ. અને તું ચીનો ઊઠીને મને એમ પૂછી શકે કે મેં દુરિયાન ભાળ્યું છે!" એમ કહેતાક ને ઘરાકે દુરિયાન ઉપાડી ચીનાના નાક પર ઝાપટ્યું. ચીબલો ચીનો વધુ ચીબો બન્યો, કાંટાળા દુરિયાને એના નાક-મોં ચીરી નાખ્યા. મારનાર ઘરાક ઘડીપલમાં પલાયન થઈ ગયો અને ઘેર જઈ એણે સાદ પાડ્યો: "નીમા.....એ!"
"શિંય!" પ્રલંબિત ઉચ્ચારણવાળો અદભૂત મીઠો 'જી'કાર પ્રાસ પુરાવતો સામે સંભળાયો.
સો સો દુરિયાનો પણ એ 'શિંય'ની મીઠાશને પૂરી પાડવા અશક્ત હતાં.
છતાં માંઉ-પૂનું મન હજુય ઝંખતું હતું કે પોતે નીમ્યાને માટે દુરિયાન ન લાવી શક્યો!