પ્રભુ પધાર્યા/બાબલો
← ઝેરનું જમણ | પ્રભુ પધાર્યા બાબલો ઝવેરચંદ મેઘાણી |
હુલ્લડ → |
બજાર સાવ નજીક હતી. એક ઝવેરી બ્લૉકની પછવાડે જ ઢો-સ્વેની દુકાન્ હતી. ત્યાં દુકાને બેસતી નીમ્યા વારંવાર આ હેમકુમંવરબેનના રાભડા બાળકને તેડી લઈ જવા લાગી.
દુકાને દુકાને બેસતી બ્રહ્મી યુવતીઓ આ બાળકને દેખે કે તુરત 'કાંઉલે તૈલ્હારે !' (કેવો રૂપાળો બાળક !)નાં રટણ કરવા લાગે. એકબીજી બાળકની ઝૂંટાઝૂંટ કરે, અને બાળક પાછો ઘેર આવે ત્યારે એના ગળામાં કાં તો સોનાની એકાદ ચેઇન પડી હોય, કાં એના કાંડામાં એકાદ કડું પડ્યું હોય. રમકડાંનો તો પાર ન રહે.
એક દિવસ તો હેમકુંવરબહેનનું હૈયું અધ્ધર આકાશે ચડી ગયું. બાબલાને લઈને નીમ્યા કોણ જાણે ક્યાં ચડી ગઈ. ગોતાગોત થઇ પડી. પત્તો મળે નહી. નીમ્યાને આટલા વખતથી ઓળખવા છતાં બાબલાની બાનો જૂનો ભય પાછો જીવતો થયો. છોકરાને ભરખ્યો હશે આ કામરૂ ત્રિયાએ ? કે ઢાંઉ (મોરલો) બનાવી દીધો હશે ? કે શું એનો જીવ બર્મીઓના પ્યારા પશું સીં(હાથી)ના ખોળિયામાં મૂકી દીધો હશે ? હાય રે, પોપટ બનાવીને પાંજરામાં તો નહીં પૂરી દીધો હોય !
ડો. નૌતમની મોટરે દોટાદોટ મચાવી મૂકી, મોટર નદીકિનારા ખૂંદી વળી.
નીમ્યા તે વખતે બાબલાને લઈને એક ફ્યા-ચાંઉમાં (મઠમાં) પેઠી હતી. એક ફુંગી પાસે એ બાબલાના સાથળ પર છૂંદણું મંતરાવવા મથતી હતી.
"ફયા !" એણે વિનંતી કરી, "આને મારા મામાને હતું તેવું બિલાડીનું જ છૂંદણું પાડી દેજો હો !"
"તારા મામા કોણ ?"
"સયા સાન થારાવાડીવાળા -"
નીમ્યાએ આ નામ લેતાં જ ફુંગી ચમકી ઊઠ્યા. એણે કહ્યું : "બાઇ, તું જા અહીંથી."
"કેમ ? એ છૂંદણાના પ્રભાવથી તો મારા મામા સયા સાન બિલ્લીપગા બન્યા હતા. આખી સરકારને એણે હંફાવી હતી. કોઈ એ બિલ્લીપગાને પકડી નહોતા શકતા. ખબર છે?"
"અરે છોકરી ! એનું નામ અહીં ન ઉચ્ચાર. ગવરમેન્ટ અમારા ચાંઉ ચૂંથી નાખશે."
"ઠીક, તો કંઈ નહીં, ઠોં પેલાયબા." (એક ચૂનાની મંતરેલી ગોળી આને ખવરાવો કે જેથી આ વહાલું બાળક એવું વીર બને કે તેને કોઈની ધા ન લાગે.)
એમ વાત કરતી હતી તે વખતે પાછળથી એના બરડા પર કાંઇક સંચાર થયો. કટ એવો અવાજ થયો : પાછી ફરીને જુએ છે તો એક બીજો ફુંગી હાથમાં મોટી કાતર લઈને ઊભો હતો ને એ રોષભર્યો તિરસ્કારભર્યો હસતો હતો.
"શું કર્યું ?" કહેતાં નીમ્યાએ પાછળ હાથ ફેરવ્યો, એની એંજી કપાયેલી હતી !
"શરમ નથી આવતી ?" ફુંગી ઠપકો દેવા લાગ્યા. હજુ પણ પરદેશી પાતળાં વાયલ પહેર છ? આ છોકરું કોઈક લોકટોળામાં તારી એંજી પકડીને ઊભું હશે, તો એંજીનો છેડો ફાટી જઈ એના હાથમાં રહેશે, ને તું તો ક્યાંઈ આગળ ચાલી ગઈ હોઇશ ! બર્મી ઓરતો ! પરદેશી પાતળાં વસ્ત્રોને ત્યાગો. ઢો ભમા ! (આપણે બ્રહ્મદેશી છીએ.)"
નીમ્યા ચૂપચાપ લજવાતી ઊઠી ગઈ. બ્રહ્મી સ્ત્રી બીજાં બધાં પાસે સિંહણ સરીખી, પણ ફુંગીઓ આગળ મિયાંની મીની બનતી. કાતર લઈને ફુંગીઓ તેમની એંજીઓ કાપતા. પ્રદર્શનોમાં એવાં ચિત્રો બતાવતાં હતાં કે બ્રહ્મી સ્ત્રી પરી બનીને કોઈ સાથેના પ્યારમાં ઊડી જતી હોય, ને બાળક નીચે ઊભું ઊભું રોતું હોય; એના હાથમાં માની તકલાદી એંજીનો તૂટેલો ટુકડો બાકી રહ્યો હોય; વિદેશી વસ્ત્રોનો બ્રહ્મી બહિષ્કાર આટલી આકરી હદે પહોંચી ગયો હતો.
બાબલાને લઈને એ તો ઉપડી એક ફોટાગ્રાફરને ત્યાં. "મારા બાબલાની જલદી તસવીર પાડી આપો. એવી તસવીર ઉતારો કે જોનાર છક થઈ જાય."
"ચાલો જલદી. બેસો ઝટ અહીં, હવે બરાબર ધ્યાન રાખો. ઓ.કે. પાડી લીધી. બસ ઊઠો." બર્મી ફોટોગ્રાફરે લબડધબડ કામ પતાવ્યું.
"શું ધૂળ ઓ.કે. !" નીમ્યા છેડાઇ પડી. "હજૂ તો છોકરાને સરખો બેસાડ્યો પણ્ નથી, હજુ હું પૂરી તૈયાર પણ થઇ નથી, ત્યાં બસ ઓ.કે. ! તમે રોયા બર્મી ફોટોગ્રાફરો તે છબી પાડો છો, કે મશ્કરી કરો છો ?"
એવા પાંચ-પચીસ બોલ પકડાવીને નીમ્યા બાબલાને લઈ ત્યાંથી સીધી પહોંચી જાપાની ફોટોગ્રાફર પાસે.
લળી લળીને મીઠા આદરબોલ ઉચ્ચારતા જાપાની સ્ટુડિયોવાળાએ શાંતિથી નીમ્યાની અને બાળકની બરદાસ્ત માંડી. પ્રથમ તો એણે બાબલાના હાથમાં બિસ્કિટ પકડાવી દીધી. પછી એણે નીમ્યાની સામે અનેક 'પોઝ'ના નમૂના મૂકીને વિનયથી પૂછ્યું : "આમાંથી તમને કયો પોઝ ગમશે ?" પછી એની પાસે અનેક પ્રકારનાં વસ્ત્રો-પોશાકો પાથર્યાં. "કહો, આમાંથી કોઈ એક પોશાક પહેરીને પડાવશો ?" "આ બેઠક ગમશે ?" "આ ઝાડનાં કૂંડાં મૂકું?" "લ્યો, આ રમકડાં એના ખોળામાં મૂકો." "વાહ રે ! માને બાળક બેઉ કેવાં સુંદર છે ! આવાં મા-બાળક તો ભાગ્યે જ અમને બરદાસ્ત કરવા મળે છે," વગેરે વગેરે.
પોતે મા ને આ પોતાનું બાળક, એ વાતનો તો નીમ્યાને મીઠો નશો ચડ્યો. પોતે આની મા નથી એટલું કહેવાનું પણ એને મન ન થયું. સાચી માસ્વરૂપ બની જઈને જ એણે જુદા જુદા પોઝ પડાવ્યા અને જ્યારે એ ડૉ. નૌતમને ઘેર ગઈ ત્યારે હર્ષઘેલી બની હતી. પણ હેમકુંવરબહેને એના હર્ષનો કેફ બેચાર શબ્દોમાં જ ઉડાડી મૂક્યો.
તે વખતે તો નીમ્યા ક્ષમા માગીને ચાલી ગઈ, પણ વળતા દિવસે એણે જાપાની ફોટોગ્રાફર પાસેથી તસવીરો લાવીને હેમકુંવરબહેનને ઝંખવાણાં પાડી દીધાં.
"હું તમને કહું છું ને !" નીમ્યા બકવા લાગી : "કે અમારા બરમા ફોટોગ્રાફરો તો રદ્દી છે રદ્દી. આ જાપાની લોકો ખરેખર અમારા મિત્રો છે. મારો કો-માંઉં (મોટો ભાઇ માંઉં) સાચું જ કહેતો હતો કે આ જાપાનીઓ આપણા સાચા મિત્રો છે. બાબલો પણ કેવો ડાહ્યો ! સમજતો હતો કે પોતે છબી પડાવે છે. બરાબર્ ડાહ્યોડમરો બનીને બેઠો હતો. મારી ગોદમાં બરાબર ફિટોફિટ સમાઈ જાય છે, હો ! અન્ એજાપાની ફોટોગ્રાફરો તો બચાડા ભુલાવામાં જ પડી ગયા કે આ મારું કાંઉલે છે. હી-હી-હી"
"તને તારું કાંઉલે ગમે ?" હેમકુંવરે હાંસી કરી.
"હા...આ...આ ! કેમ ન ગમે ? બહુ ગમે. મારા કાંઉલેને તો હું મારા મામા જેવો બહાદુર બનાવીશ. એની જાંઘે તો હું બરાબર મારા મામાના જેવું જ બિલ્લી-છૂંદણું પડાવીશ."
"કોણ પાડે ?"
"અમારા ફુંગીઓ પાડે. મંતરી આપે. પછી એ બિલ્લી જેવો દોડે, કોઈના હાથમાં ન આવે, કોઈના હાથે ન મરે. હું તો બાબલાને ય પડાવવા ગઈ'તી. પણ પાડી ન આપ્યું."
"હાય હાય ! આને તું છૂંદણું પડાવવા ગઈ'તી ! હેમકુંવરબહેન ચોંકી ઊઠ્યાં.
"નહીં ત્યારે ?" મારા મામા સયા સાન જેવો એને શૂરવીર કરવો હતો. પણ્ ફુંગી માન્યા નહીં. અમારા ફુંગીઓ તો જબરા કામરૂ ! આવાં આવાં કામણ જાણે. મામાને એમણે જ અજિત બનાવ્યા'તા. કાંઈ ફિકર નહીં. હવે તો મારો કો-માંઉ (મોટો ભાઈ માંઉ) ફૂંગી બન્યો છે ના ? એની પાસે છૂંદણું મંતરાવશું."
"માંઉ શું ફુંગી બન્યો?"
"હા જ તો. ઘેરથી સટકી ગયો છે. તે યાંગંઉ-મ્યો જઈ ફુંગી બન્યો છે, છૂપો ફુંગી હાં કે ? કોઈને ખબર નથી. મને જ જણાવ્યું છે.:
આમ નીમ્યાની વાતોને થોભ નહોતો. ડૉ. નૌતમ દરદીઓને રઝળતાં મૂકીને વારંવાર નીમ્યાની વિવેચના આલોચના સાંભળવા ઘરમાં આંટા મારતા હતા, અને એની કલ્પના ભૂતકાળમાં જઈ જઈ જોતી હતી: પિતા જ્યારે અહીં હશે ત્યારે આજની બુઢ્ઢી ડો-સ્વે પણ આવડી જ હશે. પિતાની જોડે આવી વાતો કરતી હશે, આવું જ માધુર્ય રેલાવતી હશે, આવી જ નિછાવર બનતી હશે. હું જો આ ઢો-સ્વેનો જ પુત્ર હોત, તો શું વધુ સારો, વધુ રૂપાળો, વધુ સુકુમાર ન બન્યો હોત! પિતાનાં છાનાં હૃદયસંવેદનોને નૌતમ પોતાના અંતરમાં અનુભવી રહ્યો. એનું દિલ એકલું એકલું બોલવા લાગ્યું:
'પેટે પાટા બાંધીને પણ બચત કરી પોતાના દેહ શણગારવા વસાવેલાં આભરણોને બ્રહ્મી રમણીઓ પારકા બાળક પર ન્યોછાવર કરતી. બાળકને લાડ લડાવવામાં જે અગાધ સુખની પળો તેમને સાંપડી જતી તેને મુકાબલે સોનાં-હીરા શા હિસાબમાં હતાં ! ને બાળક સમ અમૂલ્ય નિજ આભરણને પૃથ્વીકોટે પહેરાવતા ફ્યાજી (પ્રભુ) પોતે જ શું ઉડાઉ નહોતા? બ્રહ્મી નારીઓના કંઠની અવ્યક્ત વાણીને ઉકેલીએ તો આવા કોઈક ભાવો એમાં રમતા લાગે.
હેત અને નિછવરપણાની આ છોળો બ્રહ્મી નારીને હૈયે કોણે મૂકી? હજાર ખોળલાવાળી જળભરપૂર ઇરાવદી નદીએ? ટીંબરનાં ને ઘાસના અઢળક જંગલો વેરનારી સભરભર વનશ્રીએ? કમોદના અગણિત પાક આપતી વસુંધરાએ? કે બુદ્ધ ભગવાને ?
'ફ્યાને માલૂમ!'
૯
હુલ્લડગામેગામની ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા.
ફ્યાજીનાં મંદિરો ફરતાં પાંચ-પાંચ દસ-દસ મઠોનાં ઝૂમખાં આવેલાં હતાં. પ્રત્યેક મઠમાં ફુંગીઓની મોટી સંખ્યા રહેતી. પીતવસ્ત્રધારી, મુંડન કરાવેલા, કરાલકાલ ફુંગીઓ.