પ્રભુ પધાર્યા/લગ્નના બજારમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૩

લગ્નના બજારમાં


"ઓહોહો ! ભાઈ, આજકાલ તો તમારા ભાવ બહુ પુછાવા લાગ્યા છે." ડૉ. નૌતમે રતુભાઈને સત્કારતાં ખબર આપ્યાં: "આપણાં મનસુખલાલ અને એનાં પત્ની મા-ત્વે બે વાર તો આંટા ખાઈ ગયાં. કહો, હવે શો વિચાર છે!"

"શાનો?"

"એના જમાઈ બનવાનો." "મને લાગે છે કે હું દિવસે દિવસે સૌને માટે આંહીંનું 'ડસ્ટબીન' (કચરો નાખવાની સુધરાઈની પેટી) બનતો જોઉં છું." રતુભાઈએ હસીને જવાબ આપ્યો.

તુરત હેમકુંવરે ટકોર કરી : "વાહવા ! વાહવા! આમ તો સ્ત્રીજાતિનું ઘણું ઉપરાણું લ્યો છો, પણ અંદરથી એને કચરો જ માનતા લાગો છો."

"કચરો છે? મનસુખલાલની બર્મી છોકરી શું કચરો છે, હેં રતુભાઈ ! કેવી ફક્કડ છોકરી છે!" આટલું બોલીને ડૉ. નૌતમે તુરત પત્ની સામે જોઈ લીધું ને ટોળ કર્યું: "ભૂલી જવાયું હો! માફ કરજે. પારકી છોકરીનાં વખાણ પોતાની બૈરીની હાજરીમાં ન કરવાં જોઈએ."

"ને પાછો આટલો મોટો વારસો!" હેમકુંવરબહેને રતુભાઈને લાલચ બતાવી.

"હા, એ એક મોટું આકર્ષણ ખરું." રતુભાઈએ લહેર કરી.

"એ આકર્ષણની વાત ભલે છોડીએ, રતુભાઈ!" હેમકુંવરબહેને વાતને વિસ્તારવા માંડી : "પણ આ તો મોટું કર્તવ્ય બજાવવાનું છે. મનસુખલાલ તો હામ ભીડીને કહે છે કે ગુજરાતી કોઈ ન સ્વીકારે તો ઘેર જાય, હું બરમા જોડે પરણાવી દઈશ. પણ એ માર્ગ વિકટ છે. બાઈ જ પોતાની છોકરીને બર્મી સંસારમાં ધકેલવા નારાજ છે. બાવીશ વર્ષનું એનું પરણેતર, એકવીશ વર્ષની દીકરી, ઉછેરી આખી ગુજરાતી ઢબે, માંસમચ્છીને તો દીઠાં ન સહી શકે: એને વનસ્પત્યાહારી તો ઠીક, પણ ભણેલગણેલ બરમોય કોણ જડે? આખો ઉછેર જ જુદો થઈ ગયો. બર્મી સંસ્કારમાં ઉછરેલી છોકરી શ્રીમંત હોય તોય ગરીબને અને ભણેલી હોય તોય અભણને જઈ શકે. પણ આ થોડું એમ કરી શકે છે?"

"એ પણ એક વિચિત્ર વાત નથી." રતુભાઈએ હેમકુંવરબહેન સામેથી ડૉ. નૌતમ પ્રત્યે વળીને કહ્યું, "કે દરેક માણસ જુવાન થાય અને પાંચ પૈસા કમાતો થાય કે તરત એને લગ્નના બજારમાં ઊભેલો ગણવામાં આવે છે?" "ખોટું શું છે?" ડૉ. નૌતમ બોલ્યા : "દરેક 'નૉર્મલ' માણસનું તો એમ જ માનવું ઘટે."

"નૉર્મલ એટલે?" રતુભાઈએ પૂછ્યું.

"શરીરથી સામાન્ય રીતે સશક્ત અને મર્દાઈવાળો, વૃત્તિથી અમિતભોગી, મનથી પ્રફુલ્લિત અને મગજથી વિચારશીલ."

"તે ઉપરાંત શું કોઈ એવો સંજોગ નથી કે જે માણસને 'નૉર્મલ' હોવા છતાં પરણવાને નાલાયક ઠરાવે ?"

"શો સંજોગ?"

"કોઈ પ્રબળ આઘાત લાગ્યો હોય, કોઈ ભયાનક સામાજિક અત્યાચાર એની આડે ઊભો થયો હોય."

"એટલે શું તમે હિંદની પરાધીનતાની વાત કરો છો? ગાંધીજી લડત સળગાવવાના છે તેની કાંઈ નડતર આવે છે?"

"ના રે ભાઈ, ના, એવી મોટી બાબતો તો કોઈને પરણતાં કે મરતાં રોકતી નથી. લડતોની વચ્ચેય લગ્ન, અને કારાવસની અંદર પણ પ્રસૂતિ થઈ શકે છે."

"તો શું ગુલામ દેશમાં ગુલામ સંતાનોની વૃદ્ધિ કરવાથી ડરો છો?"

"એમ પણ નહીં, એમાં તો હું ઊલટાનો માનું છું. જેમ ગુલામો ઉમેરાય છે તેમ લડવૈયા પણ વધે છે ના!"

"તો પછી એવી શી 'ઍબ્નૉર્મલ સિચ્યુએશન' (અસાધારણ સ્થિતિ) તમને નડી છે?"

"લ્યો નૌતમભાઈ, આ વાંચો." એમ કહીને રતુભાઈએ પોતાના ગજવામાંથી ટપાલમાં આવેલો એક લાંબો કાગળ આપ્યો.

વાંચતા ગયા તેમ ડૉક્ટરનાં ભવાં ચડઊતર કરતાં ગયાં. થોડી વાર મોં લાલ થયું. થોડી વાર આંખો મિંચાઈ ગઈ. એકધારી મુખછટા ન રહી શકી.

"આને વંચાવું?" એણે વાંચીને પછી રતુભાઈને પૂછ્યું. "જરૂર."

હેમકુંવરે પણ કાગળ વાંચ્યો -

પૂજ્ય શિરછત્ર કાકા,

માંડ માંડ આટલું લખું છું. મારી બા મને લઈને જેતપુરથી આંહીં આવી છે. એના ધરમગુરુ પાસે પરાણે મને ચોથા વ્રતની બાધા લેવરાવી છે. મને મહારાજ આગલા ભવની વાતો સંભળાવે છે તે મારાથી સાંભળી જતી નથી. મને પરાણે શાસ્ત્રોનું ભણતર ભણાવે છે. મારું મન તો તમે જાણો છો. મારા બાપુએ મરતાં મરતાં તમને સોંપી છે. તમારી હાજરી નહીં તેટલામાં મારી બાએ મારું નસીબ ફોડી નાખ્યું. સામા માણસને ક્ષય હતો એ શું મારી બા નહોતી જાણતી ? પંદર જ દિવસનું પરણેતર - ને હવે આંહીં શાસ્ત્રોનું કેદખાનું - ને માથે સાધુના ચોકીપહેરા. કાકા, તમે ત્યાં બેઠા આનંદ કરતા હશો. યાદ કરજો, મારા બાપુએ - તમારા સગા મોટાભાઈએ - મરતાં મરતાં મારો હાથ તમને સોંપ્યો હતો.

લિ. છોરુ તારાનાં પાયલાગણ.

કાગળ વાંચીને એની ફરી ગડીઓ વાળતાં હેમકુંવરબહેનને ઘણી મહેનત પડી. અને પછી વરવહુએ એકબીજા સામે ચાવી ચડાવેલાં યાંત્રિક પૂતળાં પેઠે જોયા કર્યું. રતુભાઈ તે વખતે પોતાની ડાયરીમાં કેટલીક વ્યાપારની નોંધો ટપકાવી રહ્યો હતો. એ પૂરી કરીને પોતે ગજવામાં સ્વસ્થપણે મૂકી, પેન ઉપલા ગજવામાં ગોઠવી, પછી ઊઠીને કહ્યું : "લો ત્યારે, હવે અત્યારે તો જાઉં છું."

કાગળ હેમકુંવરબહેને એના સામે લંબાવ્યો તે એણે કશો જ ઉશ્કેરાટ બતાવ્યા વગર લઈ ફરી વાર કાળજીથી ગજવાની નોટમાં ગોઠવીને મૂક્યો.