બાળકમહિમા
બાળકમહિમા ગિજુભાઈ બધેકા |
પુસ્તક : માબાપોને, પ્રકરણ : ૨. |
બાળકમહિમા
બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે.
બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે.
બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે.
બાળક માનવકુળનો વિશ્રામ છે.
બાળક પ્રેમનો પયગમ્બર છે.
બાળક માનવશાસ્ત્રનું મૂળ છે.
બાળપૂજા એ પ્રભુપૂજા છે.
બાળકોને ચાહો ને તમે જગતને ચાહી શકશો.
પ્રભુને પામવો હોય તો બાળકને પૂજો.
પ્રભુએ જો કોઈ અતિ નિર્દોષ વસ્તુ પેદા કરી હોય તો તે એક બાળક જ છે.
બાળકની પાસે રહેવું એટલે નિર્દોષતાનો સહવાસ સેવવો. માતાઓ અને પિતાઓ ! તમે બાળકનું નમણું હાસ્ય જોયું છે? એમાં તમારાં સઘળાં દુઃખોને ડૂબી જતાં તમે કદી અનુભવ્યાં છે? બાળક ખડખડ હસતું હોય છે ત્યારે એના મોંમાંથી નાનાં નાનાં ફૂલો ખરે છે એમ તમે જાણો છો?
બાળકને રમાડતાં તમે કેવાં કાલાંઘેલાં બનો છો એ તમે સમજો છો ? તમને ભારેમાં ભારે કિંમત આપે તોપણ એવાં કાલાં તમે કદી થાઓ ખરાં ? તમારા એ સ્વર્ગીય ગાંડપણનો તમે વિચાર કરો તો તમારા વિષે તમે શું ધારો ?
શોક કોણ ભુલાવે છે ?
થાક કોણ ઉતારે છે ?
વાંઝિયામેણું કોણ ભાંગે છે ?
ઘરને કિલકિલાટથી આનંદિત કોણ કરે છે ?
માને ગૃહિણી કોણ બનાવે છે ?
પિતાને સંસારની લડતોમાં જંગબહાદુર કોણ કરે છે ?
કોઈએ બાળકને કદરૂપું કહ્યું જાણ્યું છે ? બાળક, બાળક મટી આદમી થાય છે ત્યારે જ તે કદરૂપું બને છે. કદરૂપો નર કે કદરૂપી નારી એટલે વિકૃત બાળક.
બાળકને જે નથી રમાડતું તે સહૃદયતાનો દાવો કરી શકે ?
બાળકને તમે જુઓ અને તમે તેને તેડો પણ નહિ ત્યારે તો તમે પ્રેમી છો એવો તમારો દંભ એક ક્ષણભર પણ ન ટકી શકે. પ્રેમમાં બીજે દંભ ચાલે પણ બાળક પાસે ન જ ચાલે. બાળક તો પ્રેમની આરસી છે. રાજા કે રંક, મૂર્ખ કે વિદ્વાન, ગરીબ કે તવંગર, બાળકની પાસે કોણ નથી નમ્યું ? એનો પ્રેમ લેવા કોણ વાંકું નથી વળ્યું ?
દાંત વિનાનું નાનું એવું મોઢું બાળક ઉઘાડે છે ત્યારે જાણે ગુલાબનું ફૂલ વિકસ્યું !
બાળક સવારે ઊઠે છે ત્યારે તેને મન દુનિયા નવી લાગે છે. દુનિયાને પણ બાલક રોજ ને રોજ નવું જ લાગે છે. રોજ સવાર પડે અને માની સોડમાં એક કમળ ખીલે.
શિયાળાની આખી રાત માને ચોંટી ચોંટીને માની ગોદમાં ભરાઈ રહેલું બાળક માને કેટલું મીઠું લાગતું હશે ?
બાળક જયારે પોતાની નાની નાની ટાંટુડીઓ હલાવે છે ત્યારે એને કેટલી કસરત થાય છે કે હવામાં તે એકંદર કેટલું ચાલે છે એનો આપણે વિચાર કરીએ છીએ કે તે જોવામાં માત્ર તલ્લીન જ થઈ જઈએ છીએ ?
ભાંખોડભેર થવા માટે બાળક જે પ્રયત્ન કરે છે તેમાં અને દુનિયાનું રાજ્ય લેવા માટે સુલતાનો જે પ્રયત્નો કરે છે તેમાં કંઈ ફેર લાગે છે ? બાળકનો પ્રયત્ન કેટલો નિર્દોષ છે ! સુલતાનોનો કેટલો દોષપૂર્ણ અને ભયંકર છે !
નાગપૂજાનો યુગ ગયો છે, પ્રેતપૂજાનો યુગ ગયો છે, પથ્થરપૂજાનો યુગ ગયો છે અને માણસપૂજાનો યુગ પણ ગયો છે. હવે તો બાળપૂજાનો યુગ આવ્યો છે.
નવા યુગને કોણ ઘડશે ?
જનતાનો પ્રવાહ અસ્ખલિત કોણ રાખશે ?
આગામી યુગનો સ્વામી કોણ છે ?
ભૂતકાળની સમૃદ્ધિને વર્તમાનની વિભૂતિ ભવિષ્યને ખોળે કોણ ધરશે ?
નિરાશા શબ્દ બાળકના કોશમાં નથી. બાળકને ચાલવાને માટે પ્રયત્ન કરતું જુઓ; કદી તે થાકે છે ? એનો ઉદ્યોગ અને ખંત કોને અનુકરણીય ન હોય ?
બાળક ચાલવાનો પ્રયત્ન કરતાં પડે છે ત્યારે એને કોઈ મારતું કેમ નહિ હોય ?
તેને હારેલું જોઈને પણ હસવું કેમ આવે છે ? તેને ઇનામ કે લાલચ આપી કોઈ હસાવી શકશે ? હાસ્ય એ બાળકની મોટામાં મોટી મોજ છે.
હાસ્ય ગૃહને અને હૃદયને બન્નેને અજવાળે છે.
ઊંઘતા બાળકનું હાસ્ય પરીઓની પાંખોના તેજના ચળકાટ જેવું છે.
બે હોઠ આમ ઊઘડે એટલે વિશ્વને ભરી દે તેટલું બાળકનું મીઠું હાસ્ય !
ઘોર અંધારી રાતે પણ બાળકના હાસ્યમાં માતાનો બધો ભય ભરાઈ જાય.
બાળકના હાસ્યમાં અમૃત તો નહિ હોય ?
માતા તો એનાથી જ ધરાયેલી રહેતી હશે.
બાળક અરધી રાતે ઊઠે અને ઘરનાં બધાં અરધી રાતે ઊઠે. બાળક રમે ને સૌ રમે. બાળક હસે તો સૌ હસે જ. ઘરડાંઓ પણ બાળક સાથે હસવાનો લાગ લઈ લે.
મોટાં બાળકો નાનાં બાળકો સાથે હસીને બાળપણ સંભારે; જુવાનો બાળકના હાસ્યમાં< નાહીને પ્રેમજીવનની તૈયારી કરે; માતા પિતા તો બાળકના હાસ્યમાં નવો અવતાર જ કરી લે.
બાળક દેવલોકમાંથી ભૂલો પડેલો મુસાફર છે.
એ તો ગૃહસ્થોનો મોંઘો મહેમાન છે. એની શુશ્રૂષા ન આવડે તો ગૃહસ્થાશ્રમ ઊંધો જ વળે.
લક્ષ્મી તો બાળકના કંકુ જેવા રાતા પગલે ચોંટેલી છે.
પ્રેમ તો એના પ્રફુલ્લ વદને છે. એના કાલાકાલા બોલમાં કવિતા વહે છે. એ દૈવિ કવિતા આ માનવી-દુનિયામાં લાંબો વખત નથી રહેતી એ જ ખેદની વાત છે !
એની વાણીમાં કોઈએ વ્યાકરણના દોષો કાઢવાનું જાણ્યું છે ?
એની સાથે વાત કરવામાં તો મોટાંઓ પણ ખુશીથી વ્યાકરણજ્ઞાનના કડક નિયમોનો પણ ત્યાગ સ્વીકારે છે; અને અવૈયાકરણી ભાષા બોલવા ઘણી વાર તો નિષ્ફળ પ્રયત્ન કરે છે.
વ્યાકરણબદ્ધ વાણી જ્યારથી બાળક બોલે છે ત્યારથી તેની વાણીની મીઠાશ ઘટે છે.
બાળક જેમને વહાલું ન લાગતું હોય તે માત્ર ઈશ્વરના દુશ્મન છે. અભાગિયા જ "આ તો ગંદું બાળક !” કહી તેની સામે જોતા નથી. બાળક તો તેના તરફ પણ લાંબા હાથ કરે છે.
શીદીભાઈને તો શીદકાં વ્હાલાં હોય જ; પ્રભુગામીને પણ શીદકાં વહાલાં હોય. ઘણાઓ બાળકોથી દૂર જ નાસે છે. આપણાથી તેમને પામર કેમ કહેવાય ?
બાળક માતાપિતાનો આત્મા છે.
બાળક ઘરનું ઘરેણું છે.
બાળક આંગણાની શોભા છે.
બાળક કુળનો દીવો છે.
શિક્ષક થવું હોય તો બાળકોને જ અનુસરો. માનસશાસ્ત્રી બનવું હોય તો બાળકને જ વિલોકો.
જીવનશાસ્ત્રના અને માનસશાસ્ત્રના સિદ્ધાંતો બાળક પળેપળ કહી રહ્યું છે. તત્ત્વશાસ્ત્રીઓ પણ બાળકમાં બ્રહ્માંડ ભાળી શકે છે.
બાળક પોતાની ઝીણી આંખોથી આપણી તરફ જુએ છે ત્યારે તે શું જોતું હશે ? એની આંખનું તેજ આપણામાં ઉજાસ કાં નહિ ભરતું હોય ?
બાળક પાસે અરધો જ કલાક રહો અને તદ્દન તાજા થઈ જશો. કેમ જાણે બાળક આરામનો 'બાગ' હોય !