બીરબલ વિનોદ/ઓર ક્યા?

વિકિસ્રોતમાંથી
← એકાદશી વ્રત બીરબલ વિનોદ
ઓર ક્યા?
બદ્રનિઝામી–રાહતી
રામનામને બદલે મ્હારૂં
નામ લખો
 →


વાર્તા ૧૨૨.

ઓર ક્યા?

એક દિવસ બીરબલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયો હતો, તે બાબતની બાદશાહને ખબર મળી ગઈ, એટલે જ્યારે તે દરબારમાં આવ્યો કે તરતજ બાદશાહે તે શું શું જમી આવ્યો હતો એ પૂછવા માંડ્યું. બીરબલે પ્રથમ તો ત્યાંના દેખાવનું અતિશયોક્તિ પૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું, અને ત્યાર પછી ત્યાં જમવાના પદાર્થોનું વર્ણન શરૂ કર્યું. બાદશાહ શાંત ચિત્તે તે સાંભળોતો અને વચ્ચે વચ્ચે જ “ઓર ક્યા ?” એ પ્રશ્ન કરતો. એવામાં એકાએક એક મહત્વનું કામ આવી પડવાથી તે લીસ્ટ અર્ધુંજ રહ્યું.

કામકાજમાં બાદશાહ તે વાત વિસરી ગયો અને ચાર છ મહીના જેટલો દીર્ઘ કાલાવધિ પણ ગુજરી ગયો. એક દિવસે બાદશાહને તે વાત યાદ આવી જતાં તેણે બીરબલની સ્મરણશક્તિની પરિક્ષા લેવા ખાતર સવાલ કર્યો “અરે, બીરબલ ! ઓર ક્યા ? ” બીરબલે તરતજ જવાબ આપ્યો “હુઝૂર! ઓર ક્યા? કઢી !

બાદશાહ તેની અજબ તીવ્ર સ્મરણશક્તિથી ઘણોજ આશ્ચર્ય પામ્યો અને તેને એક મોતીની માળા ઈનામ આપી. અન્ય કેટલાક ખુશામતીયા દરબારીએ એમ ધાર્યું કે “બાદશાહને કઢી ઉપર ઘણોજ પ્રેમ છે, અને તેથીજ બીરબલે કઢી નામ લેતાજ બાદશાહે તેને મોતીની માળા ઈનામ આપી. માટે આપણે પણ જો કઢી તૈયાર કરીને બાદશાહ આગળ રજુ કરીશું, તો બાદશાહ એકાદ જાગીર બક્ષીસ આપી દેશે.” બધાએ આ વિચાર કરી બીજે દિવસે ઘણી જ સારી છાશની કઢી બનાવી અને મજુરો પાસે ઉપડાવી લઈ ચાલ્યા. શાહી બાગના દરવાઝેથી મઝૂરોને વિદાય કરી બધા દરબારીયો પોતપોતાને માથે કઢીનું વાસણ ઉપાડી બાદશાહની રૂબરૂ હાઝર થયા. તેમને આવા વિચિત્ર ઢંગથી આવેલા જોઈ બાદશાહે પૂછ્યું “શું છે?” પેલાએ ઝટ દઈને ઉત્તર વાળ્યો “હુઝૂર ! અપને માટે કઢી લઈ આવ્યા છીયે.”

આ જવાબથી બાદશાહ ઘણોજ ક્રોધ ભરાયો, તેણે સિપાહીઓને હુકમ કર્યો કે “જેને માથે કઢીનું પાત્ર હોય તેને બેડીયો પહેરાવી દો. આ લોકો બીરબલની સ્હામે થવા માગે છે. બીરબલે મ્હને કાલે “કઢી” શબ્દ કહી સંભળાવ્યું, એટલે આ લોકો પણ ઈનામની લાલચે આ સ્વાંગ ધારણ કરીને આવ્યા છે. પરંતુ, બીરબલે જે ઉત્તર આપ્યો હતો તેની મતલબજ જુદી હતી.”

બાદશાહને આવી રીતે ગુસ્સે થયેલો જોઈ બધા ગભરાયા અને છેવટે બાદશાહના અત્યંત કાલાવાલા કરી છુટકારો મેળવી શક્યા.