બીરબલ વિનોદ/ડાહીમાના દીકરા
← નઝરે જાયેલી વાત પણ ખોટી પડે |
બીરબલ વિનોદ મૂર્ણ શિરોમણિ બદ્રનિઝામી–રાહતી |
ચોબાની હાઝરજવાબી → |
વાર્તા ૯૮
મૂર્ખ શિરોમણિ.
દિલ્હી નગરમાં એક નિર્ધન, કપર્દિકાહીન બ્રાહ્મણ રહેતો હતો, જે પોતાનું ગુઝરાન ભીખ માગીને ચલાવતો હતો. તેણે મહેતાજીનું મોઢું પણ જોયેલું નહીં અને સાવ અભણ હોવા છતાં, તેના મનમાં પોતાને લોકો પંડિતજી કહીને બોલાવે એવી અભિલાષા રહેતી. મૂળે મૂર્ખનો સરદાર એટલે એ અભિલાષામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી ચાલી. તેણે એક દિવસે એવો વિચાર કર્યો કે “જો બીરબલ પાસે જઈ હું કાંઈ સલાહ લઈશ તોજ મ્હારી એ પુરાતન અભિલાષા પરિપૂર્ણ થશે.”
વિચાર થતાં જ તેણે માથે પગ મૂકી બીરબલના ઘર તરફ દોટ કાઢી, પણ ત્યાં પહોંચતાં બીરબલ દરબારમાં હોવાની ખબર મળી એટલે ત્યાંજ બેસી રાહ ન જોતાં સીધા દરબાર તરફ કૂચ કરી. અડધે રસ્તે જતાં બીરબલ જોડે ભેટો થયો. તેને જોતાં જ ગોર મહારાજે હાથ જોડીને અરઝ કરવા માંડી "હજૂર ! હું વિદ્યાબિદ્યા તો ભણ્યો નથી, પણ મને લોકો પંડિત કહે એવી કઈ જુક્તી બુક્તિ આપ બતાવો તો પરભુ આપનું ને આપના બૈરી છોકરાનું કલ્યાણ કલ્યાણ કરી નાંખશે. મ્હારા ગરીબ બ્રાહ્મણની આટલી અરજ આપ જરૂર સાંભળો બાપજી !”
બીરબલે જોયું કે “છે તો મૂર્ખાનો સરદાર, વગર ભણ્યે ગણ્યે પંડિતની પદ્વિ જોઈએ?” તેણે વિચાર કર્યો કે "લાવ, એનેયે બનાવીએ તો ખરા !? ”
બીરબલ કંઈ બોલે તે પહેલાં તો અધીરા બની ગયેલા બ્રાહ્મણ મહારાજે બાફી માર્યું “ભાઈશાબ ! ગમે તેમ કરીને પણ કોઇ જુક્તિ શોધી બતાવો. પરભુ આપનું કલ્યાણ કરશે. ”
બીરબલે કહ્યું "મહારાજ ! અધીરા ન બનો. સાંભળો, આપની અભિલાષા અત્યારે ને અબ ઘડીયેજ પૂર્ણ થઈ જાય એવી સહેલી અને સરળ યુક્તિ હું તમને બતાવું છું. જાવ, તમે અહીંથી થોડે દુર જઈને ઉભા રહો અને પછી તમને કોઈ પંડિત કહીને બોલાવે એટલે તેને મારવા માટે દોડજો.”
પેલો મૂર્ખનો સરદાર તો બીરબલને હાથે પગે લાગી, અનેક આશિર્વાદ આપી ત્યાંથી થોડે છેટે જઈને ઉભો રહ્યો. આ તરફ બીરબલે ત્યાં રમતા કેટલાક છોકરાઓને કહ્યું “પેલો માણસ સ્હામે ઉભો છે તે પંડિત કહેતાં ચિરડાય છે, માટે એને પંડિત કહીને બોલાવશો તો લગાર ગમ્મત પડશે."
છોકરાઓને ઓ એવાં રમકડાં જોઈએ જ. તેઓ તરતજ પેલા બ્રાહ્મણ સ્હામે જઈ “પંડિત ! પંડિત !” કહીને તેને બોલાવવા લાગ્યા. બીરબલના કહેવા પ્રમાણે બ્રાહ્મણ તે છોકરાઓને મારવા દોડ્યો, એટલે બીજા લોકોએ પણ તેને ગાંડો ધારી "પંડિત ” કહી સતાવવા માંડ્યો. તેમને પણ પેલો બ્રાહ્મણ મારવા દોડ્યો. બે ચાર દિવસમાં તો આખા દિલ્હી શહેરમાં તે પંડિત તરીકે પ્રખ્યાત થઈ ગયો.
ત્યાર પછી એક દિવસ બીરબલને તેની દયા આવતાં પોતાની પાસે બોલાવી કહ્યું “મહારાજ ! હવેથી તમે ચિરડાશો નહીં અને કોઈ પંડિત કહે તો પણ તમારે તેની પાછળ દોડવું નહીં.”
બ્રાહ્મણે તે પ્રમાણે જ કર્યું, છતાં પણ લોકોએ તો તેને પંડિત શબ્દથી જ બોલાવવા માંડ્યો અને એવી રીતે તેના મનની અભિલાષા પૂર્ણ થઈ.