બીરબલ વિનોદ/તેરીભી ચુપ મેરીભી ચુપ

વિકિસ્રોતમાંથી
← બીરબલનું જીવનચરિત્ર બીરબલ વિનોદ
તેરીભી ચુપ મેરીભી ચુપ
બદ્રનિઝામી–રાહતી
ફરીયાદ ! ફરીયાદ ! ફરીયાદ ! →


બીરબલ વિનોદ.

વાર્તા ૧.

તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ.

બાદશાહના દરબાર સુધી બીરબલના પહોંચવા વિષે અનેક વાર્તાઓ પ્રખ્યાત છે, જે અમે આ પુસ્તકમાં વાંચકો સ્હામે રજુ કરી છે. તેમાંની આ એક વાર્તા એવી છે. જેમાં સત્યતાનો અંશ, એવા આદર્શ પુરૂષોની બાબતમાં લખાયલી હોવાથી અમને તો જણાતો નથી, છતાં પણ તેમાં- થીએ કેટલુંક જ્ઞાન મળી શકે એમ છે, એટલે એ વાર્તા નીચે અમે રજુ કરીયે છીયે. જોકે એ ઉપરથી બાદશાહ અથવા બીરબલના ચારિત્ર્ય ઉપર આપણાથી આક્ષેપ ન જ કરાય.

એક દિવસે ગણગૌરી ત્રીજનો મ્હોટો હીંદુ તહેવાર હોવાથી દિલ્લી શહેરના શોકીન સ્ત્રીપુરૂષો, ન્હાના મોટાઓ વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરી, ભારે ઠાઠમાઠથી જુદી જુદી જાતના વાહનો પર સ્વાર થઈ અથવા પેદલજ પોતાના મિત્રમંડળ સાથે હસતા, રમતા, તરેહતરેહની વાતો કરતા, નાચતા, કૂદતા રમણિય ઉપવનમાં આવેલા દેવાલય સ્થાને ભેગા થવા લાગ્યા. દેવાલયમાં ગૌરીના દર્શન કર્યા પછી બ્હાર આવી ઘટાદાર વૃક્ષોની છાયામાં બધા અનેક પ્રકા- રની રમત ગમત કરતા હતા. પુરૂષો પેઠે સ્ત્રીઓ પણ એક બાજુએ છુટથી રમત ગમતમાં મસ્ત બની હતી. નવ- વિકસિત્ કુસુમ-કલિકા સમાન જોબનવંતી સુંદરીયો પોતાના મનોહર કંઠે એવાં સુંદર પ્રકારે ગાતી કે જે સાંભળી બીચારી કોકિલા લજ્જિત બની પોતાના કંઠને ધિક્કારતી. કયાંક ભાંગ લસોટવામાં આવતી હતી, તો કયાંક રસિક પુરૂષો પણ અનેક પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા. કયાંક વળી શેતરંજ અને ગંજીફાના દાવ લાગતા હતા તો કયાંક મલ્લયુદ્ધ જામ્યું હતું. એક તરફ ઘોડદોડની શરત ચાલતી હતી ત્યારે બીજી બાજુએ ઇંન્દ્રસભાનો ખેલ ભજવાતો હતો. દિવસને જતાં શી વાર લાગે? જોતજોતામાં રાત્રિનો સમય આવી પહોં- ચવાથી સૌ કોઈ આનંદને હીંડોળે હીંચકા ખાતા ખાતા શહેરમાં દાખલ થવા લાગ્યા. એવા સમયે બાદશાહ પોતાના રીવાજ મુજબ વેષ બદલી નગરચર્ચા જોવા અર્થે શહેરમાં નીકળ્યો હતો અને બજારો અને શેરીઓમાં ફરતો હતો. મુખ્ય મુખ્ય મહોલ્લાઓને નાકે ઉભો રહી ત્યાં ચર્ચાતી વાતો સાંભળતો હતો. એવામાં એક ચાલાક છબીલી, ચતુર છેલાને શોધવા, આવતા જતા પુરૂષો તરફ જોતી હતી, તેની નજર એકાએક બાદશાહ ઉપર પડતાં બાદશાહને આંખથી ઇશારો કરી પોતા પાછળ આવવાની તેણીએ સૂચના કરી. એ નેત્રપલ્લવી ભાષાનો ઉપયોગ થતાંજ ચતુર બાદ- શાહ ચેતી જઈ શો ચમત્કાર બને છે એ જાણવા માટે એની પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી આસ- પાસ કોઈને ન જોવાથી પેલી સ્ત્રીએ બાદશાહ પાસે આવીને કહ્યું “મારી શેઠાણીના પતિ ઘણા દિવસથી વિદેશ પધાર્યા છે એટલે તે કામપીડાથી અત્યંત વ્યાકુલ બની છે અને આપ જેવા કોઈ ચતુર પુરૂષને મળવા આતુર છે, માટે આપ પધારી તેનો કામાગ્નિ શાંત કરો.” એમ વાત કરતાં મુકામે આવી પહોંચ્યા એટલે દાસીએ બાદશાહને પહેલે મજલે ઉભો રાખી ઉપર શેઠાણીને ખબર આપી. શેઠાણીએ પ્રસન્ન થઈ જણાવ્યું કે “એ ચતુર પુરૂષને નીચે બેસાડો, હું લગાર અહીંયા વ્યવસ્થા કરી અંદર બોલાવું છું.” દાસીએ બાદશાહને કહ્યું “આપને જ્યાં ઠીક લાગે તે સ્થાને થોડીવાર બેસો, હું આપને માટે અંદર ગોઠવણ કરી બોલાવવા આવું છું.” એમ કહી તે અંદર ગઈ, ત્યારે શેઠાણીએ પૂછયું “કયાં બેઠો છે?” દાસીએ કહ્યું “મારા ઢોળીયા ઉપર બેઠો છે?” એ સાંભળી પેલી ચતુર શેઠાણી દિલગીર થઈ કહેવા લાગી “ એ પુરૂષ ચાલાક નહીં હોય. લે, આ દુધનો કટોરો એને આપી એ દૂધ કોનું છે એમ પૂછજે.” દાસીએ કટોરો બાદશાહને આપી એજ પ્રમાણે પૂછયું એટલે બાદશાહ “ગાયનું હશે અગર ભેંસનું" કહી પી ગયો. દાસીએ શેઠાણીને આ બનાવ કહી સંભ- ળાવ્યો. એથી તે સમજી ગઈ કે આવનાર પુરૂષ ભોટ છે. તેણે ફરીવાર પરિક્ષા કરવા માટે ગુલાબના ફુલથી ભરેલી છાબ દાસી સાથે મોકલાવી એટલે બાદશાહે તે છાબ લઈ પલંગ ઉપર ઠલવી પાછી આપી. દાસીએ અંદર જઈ તે હકીકત કહી એટલે શેઠાણીએ પોતાનું કપાળ કૂટી કહ્યું “શું આવો નરપશુ મ્હારા સહવાસ યોગ્ય છે? લે આ છેલ્લી પરિક્ષા. આ અતલસના તાકાની ઘડી ઉઘાડી મસળી નાંખી એને પાછી ઘડી કરી આપવાનું કહે.” બાદશાહે ઘણીએ માથાફોડ કરી પરંતુ ઘડી ન થવાથી કંટાળી જઈ તે તાકાને તેણે જમીન પર ફેંકી દીધો. દાસીએ તાકો ઉપાડી લઈ શેઠાણીને એ સમાચાર જઈ કહયા. એટલે તે ગુસ્સે થઈ બોલી ઉઠી “ એ મૂવા બેવકૂફના સરદારને ધકકા મારી બ્હાર કાઢ અને પાછી બજારમાં જઈ, બરાબર પરિક્ષા કરી કોઈ ચતુર નરને શોધી લાવ.” આ હુકમ મળતાંજ દાસીએ બાદશાહને ઘરની બહાર કાઢી મૂક્યો અને પોતે પાછી બજારમાં ગઈ. બાદશાહ એથી વિચારમાં પડી ગયો, તે મનમાં કહેવા લાગ્યો “કેવા ઉમંગથી તે મને અહીંયાં લઈ આવી હતી અને એવું તે શું કારણ બન્યું જેથી આવા કઠોર અપમાન સહિત મને પાછો બ્હાર કાઢયો? અવશ્ય, એમાં કાંઈ ભેદ હોવો જોઇયે. માટે લાવ, ચુપકીથી દ્વાર ઉઘાડી અંદર સંતાઈ જાઉં અને હવે બીજો કેવો ચતુર નર આવે છે અને તેના શા હાલ થાય છે એ તો જોઉં?!” એમ મનમાં વિચાર કરી તે પાછો પેલા મકાનમાં છુપી રીતે દાખલ થઈ એવે ઠેકાણે સંતાઈ બેઠો જ્યાંથી બધું દેખાઈ આવે.

આ તરફ દાસી બજારમાં જઈ લેકોને બારીકીથી નિહાળતી હતી. બીરબલ પોતાના મિત્રમંડળ સાથે મેળા- માંથી રાત્રિ વિશેષ જવાથી પાછો ફર્યો. શહેરમાં દાખલ થતાં જેમ જેમ પોત પોતાના મકાનો આવતાં ગયાં તેમ તેમ મિત્રો છુટા પડતા ગયા. છેવટે બીરબલ પોતે એકલો પોતાના ઘર તરફ ચાલ્યો જતો હતો, તેવામાં પેલી દાસીએ તેની પાસે જઈ કહ્યું “તમે લગાર મારી સાથે આવો.” બીરબલ તેની સાથે થોડે દુર ગયો એટલે દાસીએ પ્રથમ મુજબ તેને પણ શેઠાણીનો અહેવાલ કહી સંભળાવ્યો. રસિક તો રસ લુંટવા માટે સદા તત્પર જ હોય એટલે બીરબલ જેવો વિહારી શેની ના પાડે? તેણે 'હા' કહી એટલે દાસી તેને તેડી ગઇ અને પ્રથમની પેઠે જ તેને પણ પહેલે માળે થોડીવાર બેસવાનું કહી પોતે અંદર ગઈ પણ બીરબલ ત્યાં જે ઢોળીયો પડેલો હતો તે ઉપર ન બેસતાં ઉભો જ રહ્યો. એ વાત શેઠાણીના જાણવામાં આવતાં તે ચેતી ગઈ કે "એ પુરૂષ ખચિત કોઈ ચતુર પુરૂષ જ છે.” એટલે તેણે પ્રથમની પેઠે દુધનો કટોરો મોકલાવી સવાલ પૂછાવ્યો. ત્યારે બીરબલે સમજી જઈ તરત કહ્યું “મારૂં દુધ બ્રાહ્મણનું છે.” આ સંદેહ ટાળતાં જ તે છબીલી શેઠાણી બહુજ ખુશ થઈ અને ફુલની છાબ મોકલાવી. બીરબલે તે છાબ- માંથી બે ફુલ ઉપાડી લઈ દાસીને કહ્યું “તારી ગુણીયલ બાઈને કહેજે કે તારા અને મારા સિવાય આ છાની વાત બીજો કોઈ પણ જાણનાર નથી.” બીરબલે એટલી ખાત્રી આપવા છતાં તે શેઠાણીને પુરતો સંતોષ ન થયો, તેણે પેલો અતલસનો મસળી નાંખેલો તાકો મોકલાવ્યો. બીરબલે તે તાકાની બરાબર ઘડી બેસાડી કહ્યું “જા, તારી ચતુર શેઠાણીને કહે કે વાત ઉઘાડી નહીં પડવા પામે, માટે મુંઝવણ નકામી છે અને જો કદાચ દૈવયોગે વાત ઉઘાડી પડે તો એ તેને ઢાંકી દેવાની મારામાં શક્તિ છે, માટે ચિંતા રાખશો નહીં. "દાસીના મુખે એ પેગામ સાંભળતાં જ તે રમણિક સુંદરી પેલા ચતુર શિરોમણિને ભેટવા અત્યંત ઉત્સુક બની અને બ્હાર આવી, નમ્રતાથી અભિવંદન કરી, બીરબલનો હસ્ત ગ્રહણ કરી અંદર લઈ ગઈ અને તેને પલંગ પર બેસાડી સ્મિતહાસ્ય, હાવભાવ, કટાક્ષ અને અનહદ પ્રેમ સાથે આલિંગન ચુંબન આપી મનને કાંઈક શાંતિ વળતાં બીર- બલને અંદરની બાજુ આવેલા પોતાના મદનભુવનમાં લઈ ગઈ અને આખી રાત્રિ અત્યંત આનદમાં ગાળી. સ્હવાર પડતાં બીરબલને નિરૂપાયપણે ત્યાંથી જવાની રજા મળી. પેલી શેઠાણીએ તેને ઘરની ડહેલી સુધી વળાવી, કાંઈ અપ- રાધ અથવા બેઅદબી થઈ હોય તેની માફી માગી, પ્રણામ કરી કહ્યું “હે પુષ્પધન્વા! તમારી આ પ્રેમદાસીને પુનઃ કયારે પધારી દર્શન દેશો? જો, જો, ભૂલી ન જતા ?! આ તન, મન અને ધન આપના ચરણોમાં મ્હેં સમર્પ્યું છે, માટે કોઈ પણ પ્રકારની જુદાઈ ન રાખતાં જે કાંઈ ઈચ્છા હોય તે બેધડક ફરમાવશો. મનમાં લગારે શંકા લાવો તો તમને મારા સમ છે.” આવો પ્રેમાલાપ કરી પ્રેમીજનો વિખૂટાં પડ્યાં, બિરબલે પોતાના મકાન પ્રતિ પ્રયાણ કર્યું અને શેઠાણી પોતાના આનંદભુવનમાં પરવરી.

બીરબલનાં આવવા બાદ જે જે બનાવો બન્યા તે સઘળા છુપી રીતે બાદશાહે પોતાની નજરે નિહાળ્યા હતા, અને તે આશ્ચર્ય સાથે ખેદયુક્ત બની વિચાર કરતો. હતો કે જે પ્રમાણે એ બ્રાહ્મણે પોતાની ચતુરતા બતાવી તે પ્રમાણે મ્હેં પણ જો બુદ્ધિબળ વાપરી ચાતુર્યપરિક્ષામાં સફળતા મેળવી હોત તો એ હુર જેવી કોમલાંગી ચતુરી શેઠાણીનો સહવાસ મેળવી શક્યો હોત. પરન્તુ, ખેર,. “ લશ્કરકા ભેદ પાયા કે આગેસે ગદ્ધા આયા. મ્હેં તો પ્રથમ કોળીયેજ મક્ષિકાપાત” જેવું કર્યું, હવે તો જે બન્યું તે ખરું, પણ એ ચતુર બ્રાહમણ કયાં રહે છે તે જોઈ, તેને દરબારીયોમાં શામેલ કરી, તેની સાથે પ્રીતિ સાંધી એની પાસેથી ચાતુર્યતા શીખવી જોઈએ. એ વિચાર કરતો. બાદશાહ બીરબલની પૂંઠે પૂંઠે તેના મકાન સુધી ગયો અને બીરબલ જે મકાનમાં દાખલ થયો તેની બરાબર નિશાની એ હતી કે મકાનની સ્હામે ચંપાનું ઝાડ હતું. તે ઉપરાંત બીજી પણ કેટલીક નિશાનીયો યાદ રાખી બાદશાહ પોતાના મહેલમાં ગયો, પરંતુ ચેન પડ્યું નહીં. ખુદાની બંદગી કરી, રાજ્ય રીતિ પ્રમાણે ખાનપાન અને મુખવાસ કરી બાદશાહે એકાંત મહેલમાં બેઠક કરી પોતાના હજુરી નોકરોને બીરબલના મકાનની ચોક્કસ નીશાનીયો બતાવી કહ્યું “એ ઘરમાં એક જુવાન બ્રાહ્મણનો છોકરો રહે છે તેને તરત જ બોલાવી લાવો.” એ હુકમ મળતાંજ હજુરીયાઓ ઝડપથી એ બ્રાહ્મણ (બીરબલ) ને ઘેર પહોંચ્યા અને બીરબલને કહ્યું “જહાંપ- નાહ અબ ઘડીજ આપને બોલાવે છે, માટે જલ્દી ચાલો.”

“બાદશાહનો હુકમ સાંભળતાં જ બીરબલના હોંશ- કોશ ઉડી ગયા, તે વિચારવા લાગ્યો “બાદશાહે મ્હને શા માટે તેડાવ્યો હશે? શું રાત્રે પ્રથમ આવનાર પુરૂષ કોઈ રાજકર્મચારી હતો ? અને એ વાત બાદશાહ સુધી પહોંચી ગઈ હશે? હશે, ગમે તે હોય, તે બધું ત્યાં ગયા પછી પોતાની મેળે જ જણાઈ આવશે. ईश्वरेच्छा बलियसी જો દી પાંસરો હશે તો પાસા સવળા પડશે, માટે ગભરાવાની જરૂર નથી."

એ વિચારમાં ને વિચારમાં બીરબલ હજુરીયાને ઉત્તર આપી ન શક્યો, એટલે મીયાંનો મીજાજ હાથથી ગયો. સાત રૂપીયાનો પગાર છતાં “શીપાઈ"ની ઉપાધિ પામેલા અત્યારે પણ ક્યાં પોતાનો તોર દેખાડતા નથી? જમાદાર સાહેબ નાક ભવાં ચઢાવી કહેવા લાગ્યા “કેમ, સાંભળો છો કે નહીં ? વાર લગાડવાની નથી, કાંઈ અમારે તમને કહેવું પડે એ ઠીક ન કહેવાય. માટે તાકીદે ચાલો, નહી તો પછી મુશ્કો બાંધી લઈ જવા પડશે.”

બીરબલે કહ્યું “ખાનસાહેબ! એટલા બધા કેમ અકળાવ છો? કપડાં પહેરી અત્યારે જ તમારી સાથે આવું છું.” કહી બીરબલે ઘરમાં જઈ કપડાં પહેર્યા અને ઈશ્વરનું સ્મરણ કરી હજુરીયાઓની સાથે બાદશાહ સ્હામે જઈ હાજર થયો. બાદશાહે તેને પોતાની પાસે બેસવા ફરમાવ્યું.

બીરબલ રાજ્યરીતિ પ્રમાણે બેઠો. બાદશાહે આનંદિત ચ્હેરે પુછ્યું “તમારું નામ શું છે?" બીરબલે કહ્યું “જહાંપનાહ ! મારું નામ બીરબલ છે.”

"વારૂ બીરબલ! કાલની રાત્રિ ક્યાં અને કેવા પ્રકારે તમે ગુઝારી?"

"હુઝૂર! કાલે તો હું મેળામાં ગયો હતો અને ત્યાં ભાંગ વગેરે ખૂબ પીધી, અને ખૂબ નાચરંગ જોયો. તે પછી રાત વધારે વીતતાં મારા મિત્રમંડળ સાથે શહેરમાં પાછો ફર્યો અને ઘેર ગયો. પણ નીશો વધારે ચઢેલો હોવાથી ઘેર જતાં જ પલંગ પર પડ્યો અને એવી બેભાનાવસ્થામાં સૂઈ રહ્યો કે હમણાં જ થોડી વાર પહેલાં ઉંઘમાંથી જાગ્યો અને એવામાં તો આપનો હજુરી બોલાવવા આવ્યો એટલે આપની હુઝરમાં આવી હાઝર ગયો.”

આ ઉડાઉ જવાબ સાંભળી બાદશાહ ક્રોધે ભરાયો તેણે કહ્યું “કેમ, તું મને પણ છેતરવા માગે છે? શું, તને ખબર નથી કે આ ઈન્સાફી રાજ્ય છે? માટે સાચે સાચું કહી દે, નહીં તો હમણાંજ હાથીના પગ તળે છુંદાવી નાંખીશ.”

આ સાંભળતાંજ બીરબલ ચેતી ગયો કે સતની બધી બીના બાદશાહ જાણી ગયો છે, તેમજ પ્રથમ આવનાર પુરૂષ બાદશાહ પોતેજ હોય તો તે પણ બનવા જોગ છે. તેણે મનમાં કહ્યું “હવે હાથી આગળ પૂળો પડ્યો છે, ગભરાવાથી ફાયદો નથી. “ જાકે રાખે સાઈયાં માર ન સકિ હે કોય.” તેણે દૃઢતાપૂર્વક હીમ્મત લાવી કહ્યું “નામદાર જહાંપનાહ! જે અસલ વાત હતી તે તો આ- પની આગળ કહી સંભળાવી, એથી વિશેષ હું તો જાણતો નથી.” આ જવાબ સાંભળતાંજ બાદશાહે અત્યંત ક્રોધિત થઈ સીપાહીનેબોલાવ્યો અને હુકમ ફરમાવ્યો કે “આ બ્રાહ્મણ ને મહેલની પાછળના ભાગના ઝરોખામાંથી ઉંધે માથે લટ- કાવી દો અને જ્યારે તે મને કંઈ વાત કહેવાનું કબુલ કરે એટલે તેને મારી પાસે લાવજો.

હુકમ થતાં જ યમરાજ સહોદર સીપાહીઓએ બીર- બલને લઈ જઈ બારીએથી નીચે ઉંધે માથે લટકાવી દીધો. આ બનાવ રાત્રિવાળી પેલી રસિક શેઠાણીએ પોતાના ઝરો- ખામાંથી જોયો અને તે ઉંધે માથે લટકેલા પુરૂષને તેણે ચોક્કસ રીતે પોતાના હૈયાના હાર બીરબલ તરીકે ઓળખી લીધો. તે વિચારમાં પડી ગઈ કે “એના ઉપર અચાનક આફત આવી પડવાનું કારણ શું? શું પેલો પ્રથમ આવ- નાર પુરૂષ બાદશાહ અથવા કોઈ દરબારી હોવાથી બધો ભેદ ખુલ્લો થઈ ગયો હશે? ગમે તેમ હોય, પણ એને તો આ આફતમાંથી ઉગારવો જોઈએ.” એમ વિચારી તેણે દાસીને કહ્યું “રૂપીયાનો એક ટોપલો ભરી પણે રાજમહે- લની બારીએ પેલો માણસ લટકાવેલો છે તેની નજીક જઈ ટોપલી ઠલવી પછી પાછા ભરી લાવ.” દાસીએ તે પ્રમાણે કર્યું એટલે બીરબલ પોતાની પ્રિયાનો સંદેશો સમજી ગયો, કે એટલા રૂપીયા ખરચવાથી છુટકારો થતો હોય તો તેમ કરો. એટલે બીરબલે સીપાહીયોને કહ્યું “મારે જહાંપ- નાહને એક વાત કહેવી છે. સીપાહીઓએ તેને ઉપર ખેંચી બાદશાહ આગળ રજુ કર્યો. બીરબલે હાથ જોડી કહ્યું “જહાંપનાહ! મુજ બેગુનાહને શા માટે આમ શિક્ષા કરવામાં આવે છે? ખુદાની ખાતર મને જતો કરો હું આપની આગળ નજરાણું રજુ કરીશ.”

બાદશાહે એથી ગુસ્સે થઈ કહ્યું “હજી પણ તું તારી બદમાશી બતાવે છે ત્હારાતો એવાજ હાલ થવા જોઈયે.”

પાછો વળી બીરબલને એ ઝરોખામાંથી લટકાવવામાં આવ્યો, તે જોઈ પેલી સ્ત્રીએ સોનામહોરો, હીરામાણેક વગેરેના ટોપલા ભરી પૂર્વની પેઠે દાસીને મોકલી સંજ્ઞા જણાવી. બીજીવાર બીરબલે બાદશાહ આગળ તદબીર, ચલાવી પણ કાંઈ ન વળ્યું. છેવટે પેલી સુંદરીએ દહીંની ગોરસી દાસી સાથે મોકલાવી, દાસી તે ગોરસી બીરબલની નજર આગળ ઠાલવી ચાલી ગઈ. એટલે બીરબલે ત્રીજી વાર સીપાહીયોને પોતાને ઉપર ખેંચી લેવા જણાવ્યું. સીપાહીયોએ તેને ઉપર ખેંચી બાદશાહ આગળ હાજર કર્યો. બીરબલે દુ:ખી ચ્હેરે જણાવ્યું “ સરતાજ! કલ શબકો મેં મેલેમેંસે વાપિસ મકાનકી તરફ આ રહા થા, ઉસ-. વક્ત એક ઓરતને આકર મુઝે ઈશારા કીયા, મેં ઉસ્કે પીછે હો લીયા. થોડી દૂર જાકર ઉસ એારતને કહા કે “મેરી બેગમ (શેઠાણી) કા ખાવિંદ કઈ અર્સેસે પરદેસ ગયા હય,

જીસ્સે વોહ બહોત બેતાબ હય, ઈસ્લીયે તુમ ચલકર ઉસ્કે જોશે શેહવતકો ઠંડા કરો.” યે સુનકર મેં ઉસ્કે સાથ ગયા, મકાનમેં દાખિલ હુવા તો ચરાગ જલ રહાથા, એક ચાર પાઈ ભી બિછી હુઈ થી જીસ્પર મેં બેઠ ગયા. વોહ ઓરત અંદરકે કમરેમેં ગઈ ઓર થોડી દેર બાદ દૂધકા કટોરા લેકર આઈ ઓર બોલી “દૂધ કિસકા હય!” મેંને કહા “ભેંસકા હોગા યા ગાયકા.” યે કેહકર વોહ દૂધ મેંને પી લીયા. બાદમેં વહ ઓરત ફૂલોંસે ભરી હુઈ ટોકરી લાઈ ઓર મુઝે દી, મેંને ઉસી ખટીયા પર ફુલ ડાલ લીયે ઓર લેટ ગયા. તીસરી બાર વોહ અતલસકા તાકા મસલા હુવા લેકર આઈ ઓર ઉસકી ઘડી ઠીક કર દેનેકો કહા. મેંને બહોત કુછ કોશિષ કી, લેકિન ફુઝૂલ આખિર ગુસ્સેમેં આકર વોહ તાકા ફેંક દીયા, યે સબ બાતેં સુનકર ઉસ લોંડીકી માલિકા બહોત બરહમ હુઈ ઓર ચિલ્લા ઉઠ્ઠી “ અયસે ગધ્ધેકો કહાંસે પકડ લાઈ હય ? ધકકે મારકર મૂઝીકો બાહર નિકાલ દે.”યે હુકમ પાતે હી લોંડીને મુઝે' અયસે ઝોરસે ધક્કા મારા કે મેં ઝીનેસે નીચે ગિર ૫ડા, બહોત કુછ ચોટ લગી, ખૂનભી નિકલ આયા; લેકિન કયા ઈલાજ થા ?

“ઈશ્કબાઝી બુતપરસ્તી હરકસેરા કાર નેસ્ત,”

'લેને ગઈ પૂત ઓર ખો આઈ ખસમ યે મસલ મેરે હાલપર ચસ્પાં હો ગઈ. બંદા પરવર! રાત તો ઇસતર્હસે ગુઝરી ઓર સુબ્હસે ઉલ્ટે સર લટકાયા ગયા. સચ હય ૨ંડીયોંકે યાર સદા ખાર, કાંટોકા બિછોના ઓર ઉપર જુતીયોંકા માર- આ સાંભળી બાદશાહ એકદમ બોલી ઉઠ્યો “વાહ બીરબલ, વાહ ! ! ખૂબ હિકમત લડાઈ ! તેરી તો નહીં, મગર મેરી તો યે ગત ઝૂરૂર હૂઈ ઓર તૂને તો રાતભર ખૂબ એશકી બહાર લૂટી.

આ સાંભળી બિરબલે કહ્યું “જહાંપનાહ ! ઝૂટ ક્યૂં બોલતે હંય ? આપકી યે ગત બનાનેકી કિસ્મેં તાકત હય?”

“બસ, બીરબલ ! કુછ કેહનેકી બાત નહીં. ખુદા કે વાસ્તે અબતો તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ કર, વર્ના લોગ વાકિફ હોંગે તો નાહક મઝાક ઉડાયેંગે ઓર મકાનમેંભી તકરાર ખડી હોગી. મગર તેરી ચાલાકી ઓર અકલમંદી દેખકે મેં બહોત ખુશ હુવા હૂં ઓર તુઝકો હરવક્ત અપને પાસહી રખ્ખુંગા. અબ તૂ યહીં રહાકર ઓર સલ્તનતકે કારોબારમેં કાબિલ હોજા. આજસે મેં અહદ કરતા હું કે મેં તુજસે કોઈ જુદાઈ ન રખ્ખૂંગા ઓર એક અઝીઝ દોસ્તકે તોરપર હમેશાં નિભાઉંગા.”

બીરબલ પોતાનું અહોભાગ્ય થયું જાણી બે હાથ જોડી શાહને કહેવા લાગ્યો “બંદાપરવર ! આપ જો હુકમ ફરમાયેં ઉસકી તા’મીલકો બંદા હરવક્‌ત બસરો ચશ્મ હાઝિ़ર હય.”

આવી રીતે બાદશાહ અને બીરબલ વચ્ચે મૈત્રી સંબંધ થયો, ત્યાર પછી બીરબલ સર્વ પ્રકારે સ્મૃધ્ધિવંત થયો અને ધીમે ધીમે બાદશાહના દરબારમાં સૌથી વિશેષ માનીતો અને અકક્લમંદ લેખાયો.