લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/સાકરનો હીરો

વિકિસ્રોતમાંથી
← દિલ્હીમાં કાગડા કેટલા? બીરબલ વિનોદ
સાકરનો હીરો
બદ્રનિઝામી–રાહતી
ચંપક અને ભ્રમર →


વાર્તા ૬૬.

સાકરનો હીરો.

એક દિવસ રાત્રિને સમયે બીરબલ વેષ બદલી નગર ચર્ચા જોવા નીકળ્યો હતો. રસ્તે જતાં તેણે કોઈનો રૂદન ધ્વનિ સાંભળ્યો. એ ધ્વનિ પાસેની પર્ણકુટીમાંથી સંભળાતો હતો. ત્યાં બીરબલ ગયો અને બારણું ખખડાવ્યું, એટલે એ ધ્વનિ બંધ થઈ ગયો અને થોડીવાર પછી એક સાઠ વર્ષની વયના ઘરડા ડોસાએ બારણું ઉઘાડયું. બીરબલે કહ્યું “ભાઈ ! હમણાં અહીંયાથી રડવાનો અવાજ સંભળાતો હોવાથી હું તે વિષે ખુલાસો મેળવવા અત્રે આવ્યો છું.”

પ્રથમ તો અંધારી રાત અને વળી ઘરમાં દીપક સુદ્ધાં બળતો ન હોવાથી પેલો ડોસો બીરબલને ન ઓળખી શક્યો તેણે કહ્યું “ભાઈ ! રડનાર તો હું પોતેજ હતો અને મારું દુઃખ અવિનાશી પરમાત્માને સંભળાવતો હતો, પણ તે તને સંભળાવવામાં કાંઈ સાર નથી ! માટે કૃપા કરીને એ વિષે કાંઈ પણ પૂછતો ના.

બીરબલે કહ્યું “ભાઈ ! તું મને કહેતો ખરો, જેથી હું યથાશક્તિ તારા તે દુઃખને ટાળવાની કોશિશ કરું?!”

“ભાઈ એક તો અંધારું છે અને વળી મારા ઘરમાં દીવો સુદ્ધાં નથી એટલે ઘડપણની આંખો તારો ચહેરો જોઈ શકતી નથી. માટે તું તારું નામ બતાવ એટલે પછી હું મારું દુઃખ તારી આગળ કહી સંભળાવીશ.”

બીરબલે વિચાર્યું કે “મધરાત થવા આવી છે, વળી મને ઉંઘ પણ આવે છે, તેમજ એ વૃદ્ધને, હું કોઈ ચોર હોઈશ, એવો ખ્યાલ ન આવે એટલા માટે એને સ્હવારમાં મારે ઘેર તેડાવવો વધુ યોગ્ય થઈ પડશે, તેણે ડોસાને કહ્યું “કાકા ! તમે અત્યારે રડવાનું બંધ રાખો અને કાલે સ્હવારે દીવાનને ત્યાં આવજો. મારું નામ બીરબલ છે.” એટલું કહીને બીરબલ ચાલતો થયો. ડોસો તો બીચારો બીરબલ નામ સાંભળી દંગજ થઈ ગયો. પ્રથમ તો એ તેને ચોરજ ધારતો હતો, પણ જયારે “બીરબલ”નામ સાંભ- ળ્યું, ત્યારે તેની અજાયબીનો પાર ન રહ્યો. બીરબલ રાત્રિને સમયે વેશ બદલી નગરચર્ચા જોવા નીકળે છે એ વાત તે સારી પેઠે જાણતો હતો.

બીજે દિવસે સ્હવારના પહોરમાંજ ડોસો બીરબલના મકાનપર ગયો, બીરબલે તેને પોતા પાસે બોલાવી પોતાને એહવાલ જણાવવા કહ્યું.

ડોસો બોલ્યો “મહારાજ ! હું એક હુન્નરી માણસ છું, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે વિશેષ મહેનતનું કાર્ય કરી શકતો નથી. આપ એતો જાણો જ છો કે વિદ્યા અને લક્ષ્મીને હડહડતું વેર છે ! એટલે બહુધા જ્યાં વિદ્યા હોય ત્યાં લક્ષ્મીનો અભાવજ હોય છે અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં વિઘા ભાગ્યેજ વાસ કરે છે. છતાં પણ એથી દિલગીર ન થતાં હું માનું છું કે “ હુન્નર એક સાચો કીમતી હીરો છે અને આપના જેવા પરિક્ષક-કદરદાનો તેને પારખવા માટે મોજૂદ છે. નામદાર ! મારો એકનો એક પુત્ર, કે જે મને રળી ખવડાવતો હતો, તે પણ પંદર દિવસ થયાં આ સંસારમાં મને રઝળતો મૂકી પરલોક સિધાવ્યો એટલે મારી ઘણીજ કઢંગી અને લાચાર અવસ્થા થઈ પડી છે. ગઈ કાલે મારે ત્રીજો અપવાસ કરવો પડ્યો હતો, એથી કંટાળી હું રડીને રડીને, પરમાત્મા પાસે પ્રાર્થના કરતો હતો. જો આપ મને થોડીક સહાયતા અપાવો તો, હું આ પનો જન્મોજન્મ હ્રુણી રહીશ અને ઈશ્વર તમારી સદા જય કરશે ! ”

બીરબલને તેની ઘણીજ દયા આવી. તેણે તેને આશ્વાસન આપી પોતાના નોકર સાથે ખાવાનું મંગાવી તેને ખવડાવ્યું અને થોડાક રૂપીઆ આપી કહ્યું “કાકા ! તમે એક કારીગર પુરૂષ છો, માટે હું તમને આ પંદર દિવસનું ખર્ચ આપું છું.... તમે સાકરના એક મોટા કકડાને લઈ તેનો કારીગરીથી એવો આબેહુબ હીરો બનાવો કે કોઇ પારખી ન શકે, પછી ચૌદમે દિવસે રાત્રે અહીં આવજો.” એમ કહી તેને ઘેર જવાની રજા આપી. ડોસો બીચારો બીરબલને દુઆઓ દેતો ઘેર ગયો અને ઘેર જતાં જ તેણે પોતાને બતાવાયલું કાર્ય શરૂ કર્યું અને પોતાના હુન્નરનો એવો તો ઉપયોગ કર્યો કે, બરાબર પરિક્ષા કર્યા વગર કોઈ તેણે બનાવેલા હીરાને પારખી ન શકે. ચૌદમે દિવસે રાત્રે બીરબલને ઘેર ગયો એટલે બીરબલે પૂછયું “મ્હેં તમને કહ્યું હતું તે કામ તમે પુરૂં કરી શક્યા કે નહીં ?”

આ સવાલ સાંભળતાંજ ડોસાએ ખીસામાંથી પેલો હીરો કાઢી બીરબલને આપ્યો. બીરબલ તેની કારીગરી જોઈ દંગજ થઈ ગયો, અને તેણે જાણી લીધું કે એકવાર ઝવેરી લોકો પણ ભૂલથાપ ખાઈ જાય એવું એણે કામ કર્યું છે. તેણે ડોસાના હુન્નરના વખાણ કરી પોતાને ત્યાં જ રાતના સુવાડયો અને સ્હવારમાં વહેલો બાદશાહના ન્હાવાના સમયે તેને મહેલમાં લઈ ગયો. બાદશાહે પૂછ્યું “ ઓહો બીરબલ ! આજે તું આટલો બધો વ્હેલો કેમ આવ્યો?

બીરબલે કહ્યું “જહાંપનાહ ! આજે સ્હવારના પહોરમાંજ આ માણસ એક ઉત્તમ હીરો લઈ મારે ત્યાં આવ્યો, તે હીરો આપને લાયકનો જાણી હું એને આપની હુઝૂરમાં લઈ આવ્યો છું.” બાદશાહે કહ્યું લાવ, તે હીરો જોંઊં?! ” ડોસાએ તરતજ ખીસામાંથી કાઢી આપ્યો. બાદશાહ હીરો હાથમાં લઈ તેની સુંદરતા જોઈ ખુશ થઈ ગયો અને કહ્યું “બીરબલ ! આ હીરો અત્યારે તો તારી પાસે રાખ અને પેલા માણસને બે કલાક પછી દરબારમાં આવવાનું જણાવી દે.” બીરબલે કહ્યું “નેકનામ ! મારે ડ્ આજે કેટલુંક અગત્યનું ખાનગી કામ કરવાનું હોવાથી કદાચ ત્યાં વાર લાગી જાય એટલે બીચારો વહેપારી પાછો જાય. તેમજ વળી મારી પાસેથી ક્યાંક ખોવાઈ જાય તો મારે લેવા ના દેવા થઈ પડે. માટે હાલ તરત તો આપ આપની પાસે જ રહેવા દો

આ સાંભળી બાદશાહે તે હીરો પોતાની કમ્મરની ઓટમાં રાખી લીધો. બીરબલ રઝા લઈ ઘેર ગયો અને પેલા કારીગરને પણ કેટલીક યુક્તિ સમજાવી બાર વાગે કચેરીમાં જવા કહ્યું. બપોરે દરબાર ભરાતાં પેલો ઝવેરી આવી પહોંચ્યો અને બીરબલને પોતાના આવ્યાની વર્દી મોકલાવી. બીરબલે તેને અંદર આવવાનો હુકમ આપતાં બાદશાહને કહ્યું “નામદાર ! પેલો હીરાવાળો ઝવેરી આપની હઝૂર આવ્યો છે, માટે હવે શું કરવું છે?”

બાદશાહને તો તે હીરાની યાદીજ ઉતરી ગઈ હતી. જે વખતે તે સ્નાનમંજન કરી વસ્ત્ર બદલવામાં રોકાયો હતો તે પ્રસંગે તેને હીરાનો ખ્યાલ જ ન રહ્યો, તેમજ પાણીનો સ્પર્શ થતાં હીરો (સાકરનો) પ્રવાહી રૂપ ધારણ કરી ચૂક્યો હતો. બીરબલે જ્યારે ઝવેરી આવ્યાની ખબર આપી ત્યારે બાદશાહને યાદી આવી, તેણે નોકરને હમ્મામખાના (સ્નાનગૃહ)માં તપાસ કરવા મોકલ્યા, બીરબલ પણ સાથે ગયો; પરંતુ ત્યાં હીરો હતો જ ક્યાં જે મળી શકે? ઘણી તપાસ કર્યા બાદ બધા પાછા ગયા અને બાદશાહને જાહેર કર્યું જહાંપનાહ ! બહુજ તપાસ કર્યા છતાંપણ હીરો હાથ ન લાગ્યો. ”

બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! આપણે એનો હીરો ખોયો, માટે તું એને ગમે તેમ કરીને સમજાવી કીમત ચુકવી આપ.”

બીરબલે પેલા ઝવેરીને પોતા પાસે બોલાવી કહ્યું “ભાઈ ! તારો હીરો અમે રાખી લીધો છે, માટે તેની કીંમત કેટલી છે એ કહે.” ડોસાએ કહ્યું નામદાર ! એના મેં તો ત્રણ હઝાર રૂપીઆ આપ્યા હતા. નામદાર ઈરાનના શાહને મેં એ હીરો બતાવ્યો ત્યારે તેમણે ત્રણ હઝારે માગણી કરી, પણ એથી મને કાંઈ નફો મળે તેમ ન હોવાથી મહા પ્રતાપાન્વિત અકબરશાહ બાદશાહને ભેટ કરી યોગ્ય પુરરકાર મેળવવાની લાલચે અહીં આવ્યો હતો. પછી તો આપ જે આપો તે ખરું.” બીરબલે કહ્યું “ઠીક છે, ત્યારે તને પચાસ મહોરો નફાની આપીશું. બે “નારે સાહેબ ! આપશ્રીની પાસેથી તો જેટલું માગું તેટલું ઓછું છે, છતાં માત્ર બે હજાર રૂપીયા નફાના લીધા વગર હીરો હું આપવાનો નથી. જો નામદાર આલમપનાહને એ હીરો પસંદ પડયો હોય અને પાંચ હઝાર રૂપીયા આપવાની મરઝી ન હોય તો ભલે, હું મારા તરફથી ખુદાવિંદને ભેટ કરવા તૈયાર છું.

બીરબલ બોલ્યો “ એમ મફતની ભેટ અમે લેતા નથી. ચાલ ખેર, ચાર હઝાર રૂપીયા પર માંડવાળ કરી નાંખ.” ડોસો એકનો બે થયોજ નહીં, તેને તો બીરબલે શીખવીજ રાખ્યો હતો. તેણે કહ્યું “સરકાર ! બે હઝારથી એક કોડી ઓછી લઈશ નહીં.”

બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! એ શું કહે છે?” બીરબલ ખુલાસો કરતાં બોલ્યો “જહાંપનાહ ! એણે ત્રણ હઝાર રૂપીયામાં એ હીરો ખરીદયો હતો અને બે હઝાર રૂપીયા નફાના માગે છે. મેં એક હઝાર આપવાનું કહ્યું, પણ એ તો સાફ ના પાડે છે.”

બાદશાહે ઉદાર મનથી કહ્યું “બીરબલ ! શા માટે તકરાર કરે છે, બીચારો ગરીબ માણસ છે, એટલે આશા રાખી આવ્યો હશે. માટે આપણે તેને રાજી કરવો જોઈએ.” એમ કહી તેણે ખઝાનચીને પેલા ઝવેરીને પાંચ હઝાર રૂપીયા આપવાનો હુકમ કર્યો.

બીરબલને મનમાં હઝારો આશિર્વાદ આપતો ડોસો ઘેર ગયો અને તે દિવસથી બીરબલની સલાહ મુજબ વર્તવા લાગ્યા, તેમજ અનેક સારાં સારાં કામ કરી પોતાનું નામ અમર કરી ગયો.