લખાણ પર જાઓ

ભણકારા

વિકિસ્રોતમાંથી
ભણકારા
બ. ક. ઠાકોર
છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્




ભણકારા

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
- પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહની!

શબ્દાર્થ

[ફેરફાર કરો]

  • દ્રુમ = વૃક્ષ
  • સુહાવે = શોભે
  • વારિ = જળ
  • કાંતિ = તેજ

  • જ્યોત્સ્ના = ચાંદની
  • અલિ = ભ્રમર
  • પદે = પગલે
  • લવું = લવારા કરવા

  • સ્વર્ગંગા = આકાશગંગા
  • રજત = ચાંદી
  • ફેન = ફીણ
  • વિમલ = શુદ્ધ