મહાદેવભાઈનું પૂર્વચરિત/ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ

વિકિસ્રોતમાંથી
← એક આકરી કસોટી મહાદેવભાઈનું પૂર્વચરિત
ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ
નરહરિ પરીખ
અમદાવાદમાં વકીલાત →




૧૨
ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ

એલએલ. બી.ના અભ્યાસ દરમ્યાન તેમણે ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં નોકરી કરી. તેમાં મળેલી તાલીમ તેમની ભવિષ્યની કારકિર્દીમાં બહુ ઉપયોગી થઈ પડી. છાપાંઓ તથા પુસ્તકોમાં જે ભાગ સરકારની દૃષ્ટિએ વાંધાભરેલો લાગવાનો સંભવ હોય તેના અંગ્રેજી તરજુમા કરી ઉપરી અધિકારી પાસે નિર્ણયને માટે મૂકવાનું તેમનું કામ હતું. વળી આવા અક્ષરશઃ તરજુમા ઉપરાંત આખા લેખન અને કેટલીક વાર આખા પુસ્તકનો સારાંશ તેમને અંગ્રેજીમાં આપવાનો આવતો. બાપુજીનો પત્રવ્યવહાર સંભાળવામાં તથા એમનાં સાપ્તાહિકો ચલાવવામાં મદદ કરવામાં, એક ભાષામાંથી બીજી ભાષામાં ઝડપથી છતાં ચોક્કસ અને સુંદર અનુવાદ કરવાની તેમની જે હથોટી હતી તથા લાંબા પત્રો અને લેખોમાંથી મુખ્ય મુખ્ય મુદ્દા તારવી કાઢી પ્રામાણિક રજૂઆત કરવાની તેમની જે ખૂબી હતી તેનો પાયો આ ઑફિસમાં તેમણે અઢી કે ત્રણ વર્ષ કામ કર્યું તે દરમ્યાન નંખાયો એમ આપણે જરૂર કહી શકીએ.

ઑફિસમાં બીજા માણસો આખો વખત કામમાં રોકાયેલા રહેતા ત્યારે મહાદેવ પોતાને હિસ્સે આવેલું કામ દોઢબે કલાકમાં પૂરું કરી નાખતા અને કોઈ કોઈ વાર બીજાને મદદ કરતા અથવા પોતાનું ખાનગી વાચન કરતા. તે વખતના ઓરિયેન્ટલ ટ્રાન્સ્લેટર મિ. શમસુદ્દીન કાદરીનો તેમણે ખાસ પ્રેમ સંપાદન કર્યો હતો અને આસી. ઓ. ટ્રા. મિ. સંજાણા, જેઓ પાછળથી ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં ‘થ્રુ ઇન્ડિયન આઈઝ’ના લેખક તરીકે જાણીતા થયા, તેઓ જોકે ઉંમરે એમના કરતાં થોડા મોટા હતા છતાં તેમના ખાસ મિત્ર બન્યા હતા. શિષ્ટ અને પ્રસિદ્ધ ગણાતા ગુજરાતી ગ્રંથોનું કડક વિવેચન અને અંગ્રેજી સાહિત્યનું અનુશીલન એ તેમની મૈત્રીનું બીજ હતું. બિલકુલ ભૂલ વિનાનું અંગ્રેજી લખવાના આગ્રહમાં બંને સમાનધર્મી હતા.

શ્રી મોહનલાલ પડ્યાનું ‘વનસ્પતિની દવાઓ’ એ પુસ્તક, જેમાં દવાઓ તરીકે બૉમ્બ બનાવવાના અનેક નુસખા આપવામાં આવ્યા હતા તે વિષે ‘પ્રતિબંધ મૂકવા લાયક’ એવો રિપોર્ટ કરવાનું મહાદેવના નસીબે આવ્યું હતું. મોહનલાલ પંડ્યાને સત્યાગ્રહની લડતના સૈનિક તરીકે આખું ગુજરાત ઓળખે છે. પણ બાપુજી હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં તેઓ ત્રાસવાદી પંથના હતા અને બૉમ્બ બનાવવા પ્રયત્નો પણ એમણે કરેલા. માંડલે જેલમાં લખેલું તિલક મહારાજનું ‘ગીતારહસ્ય’ એમની ઑફિસમાં તપાસણી (સેન્સોરશિપ) માટે આવેલ ત્યારે એ હસ્તલિખિત પ્રથમ જોવાનું ભાગ્ય પણ એમને સાંપડેલું.

કચ્છમાં ફરી આવ્યા

બીજી એલએલ. બી.ની પરીક્ષામાંથી ઊઠી ગયા પછી એ માંદા પડી ગયેલા. ટર્મ તો ભરવાની હતી નહીં એટલે ઑફિસમાંથી લાંબી રજા લઇ હવાફેર માટે કોઈ સારી જગાએ જવાનો વિચાર કરતા હતા. એટલામાં એક શ્રીમંત કચ્છી કુટુંબ થોડા મહિના માટે દેશમાં જવાનું હતું તેના એક છોકરા માટે ટ્યૂટરની શોધ ચાલતી હતી, તેનો અને મહાદેવનો ભેટો થઇ ગયો. મહાદેવે એ લોકે સાથે સ્પષ્ટ વાત કરી લીધી કે હવાફેર એ મારો પ્રધાન ઉદ્દેશ છે એટલે છોકરાને નક્કી કરેલો વખત ભણાવવા સિવાયનો બાકીનો બધો વખત મારો પોતાનો રહેશે, તમારા વેપારધંધાને લગતું અથવા બીજું કશું કામ મને સોંપી શકાશે નહીં. એ શરતનું પાલન ચુસ્તપણે કરવાના હો તો સાથે આવું. કહેવાની જરૂર નથી કે આ શરતના પાલનનો સવાલ જ ઊભો ન થયો. મહાદેવે આખા કુટુંબનાં દિલ જીતી લીધાં અને છોકરો તો એમના ઉપર આશક થઈ ગયો.

મોરલેના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’નો અનુવાદ

ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા ત્યારે ઘણું કરીને ૧૯૧૩માં મુંબઈની ગુજરાત ફૉર્બ્સ સભા તરફથી લૉર્ડ મોરલેના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ એ પુસ્તકનો અનુવાદ કરવા માટે રૂપિયા એક હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલું. મહાદેવ એ હરીફાઈમાં ઊતર્યા અને ત્રણ કે ચાર પાનાંનો અનુવાદ નમૂના તરીકે પરીક્ષકોને મોકલી આપ્યો. આ હરીફાઈમાં સાહિત્યના ક્ષેત્રમાં જાણીતી થયેલી અને સાક્ષર ગણાતી એવી કેટલીક વ્યક્તિઓ પણ હતી. છતાં મહાદેવનું નમૂનાનું ભાષાંતર પરીક્ષકોએ પાસ કર્યું. અને તેમને એ કામ સોંપવામાં આવ્યું. સાહિત્યમાં બિલકુલ જાણીતા નહીં એવા એક નવા ગૅજ્યુએટને, બીજી જાણીતી વ્યક્તિઓ હરીફાઈમાં હતી છતાં એક ગહન ગણાતા પુસ્તકના અનુવાદ માટે પસંદ કરવામાં આવ્યા તેથી ઘણાને નવાઈ લાગેલી. ત્યાર પછી ૧૯૧૪માં સુરતમાં સાહિત્ય પરિષદ ભરાયેલી તેમાં અમે ગયેલા. અમે ફરતા હોઈએ ત્યાં મહાદેવ તરફ આંગળી કરીને કેટલાક બોલતા કે “‘કૉમ્પ્રોમાઈઝ’વાળો મહાદેવ હરિભાઈ દેસાઈ તે પેલો” એ અમારા સાંભળવામાં આવેલું. આ અનુવાદ અમદાવાદમાં વકીલાત માટે રહેલા તે વખતે તેમણે પૂરો કરેલો. પણ આશ્રમમાં દાખલ થયા પછી આખો જ ખૂબ સુધારેલો. એના આરંભનાં કેટલાંક પ્રકરણો સુધારવામાં કાકાસાહેબે પણ ઠીક મદદ કરી હતી. સને ૧૯રપમાં ‘સત્યાગ્રહની મર્યાદા’ એ નામે નવજીવન તરફથી એ પુસ્તક પ્રસિદ્ધ થયું છે.