લખાણ પર જાઓ

માબાપોને/લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ?

વિકિસ્રોતમાંથી
માબાપોને
લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ?
ગિજુભાઈ બધેકા
બાળકમહિમા →


લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ?

જેમ બીજમાં વૃક્ષ છે, તેનાં ફૂલો અને ફળો છે, તેમ જ બાળકમાં સંપૂર્ણ મનુષ્ય છે.

યુવાવસ્થા એ બાલ્યાવસ્થાનો વિકાસ માત્ર છે. બાળક અવસ્થાનો મધ્યાહ્‌ન એટલે યુવાવસ્થા. મનુષ્યની બધી અવસ્થાઓ કાળભેદે બાળકની જ જુદી જુદી અવસ્થાઓ છે.

બાળક માનવજાતનું મૂળ છે અને મૂળથી જ તેની પ્રગતિનો પ્રવાહ જીવનલક્ષ સાધીને જ વહે છે.

બાલ્યાવસ્થામાં એ પ્રવાહ બળવાન છતાં નાનો છે; એ મંદ બને છે. જુદા જુદા પ્રવાહપટો અને ભિન્ન ભિન્ન ગતિ ધારણ કરતો આ પ્રગતિપ્રવાહ આખરે તો સાગરમાં જ જઈને મળે છે.

અને છતાં બાળક અત્યાર સુધી અવગણાયેલું છે, હડધૂત થયેલું છે, અપમાનિત થયેલું છે, અથડાયેલું છે.

આમ કરી મનુષ્યે પોતાનું જ અપમાન કરેલું છે, પોતાનો જ ઉપહાસ કરેલો છે. પોતાની જ પ્રગતિ રોકી છે.

આજનો યુવાન, અસંતોષી યુવાન, અવ્યવસ્થિત યુવાન, ફાંફાં મારતો યુવાન એ ગઈ કાલનું હડધૂત થયેલ, જ્યાં ત્યાં ફેંકાયેલ, જેમ-તેમ કેળવાયેલ બાળક છે ! યુવાન આજે જેવો છે તેવો ગઈ કાલે તે બાળક હતો.

આજના યુવાનને માથે કોઈએ દોષ નથી મૂકવાનો. દોષ તેને માથે મૂકવાનો છે કે જેઓએ બાળકોને કનડ્યાં છે, જેમની વધતી શક્તિને રોકી છે, જેમની કલ્પના અને ક્રિયાના વિકાસમાં પથરાઓ નાખ્યા છે. જેઓ પોતાના જ ટૂંકા અને શુદ્ર સ્વાર્થમાં અને જીવનની ગડમથલમાં રોકાઈ બાળકને સમજ્યા નહિ, તેઓ જ આજના પાંગળા યૌવનના, નિઃસત્ત્વ અને નિર્વીર્ય યુવકના ઘડનારા હતા; અને તેથી જ આજના યુવાનોના તેઓ દ્રોહી છે ! તેઓ યુવાવસ્થામાં યૌવનને માણવામાં બાળઉછેરને ભૂલી ગયા. તેઓને યૌવનના કાવ્યમાં બાળકનું ભવ્ય કાવ્ય સમજાયું નહિ, અને તેમણે તે સાંભળ્યું પણ નહિ. તેઓએ બાળકને નહિ પણ તેની માતાને વિકસાવવામાં શક્તિ ખર્ચી નાખી; તેની સામે જોવામાં બાળક તરફ જોવાનું ભૂલી ગયા. તેમણે આજના યુવકોની આપણને ભેટ આપી છે, અને આજના યુવકો સંબંધેના જટિલ પ્રશ્નો માટે આપણે તેમના જ આભારી છીએ. તેમણે બાળકોની દરકાર રાખી હોત તો ? તેમણે યુવાનીનાં સુખો ભોગવતાં પણ બાળકના સુખની ખોજ કરી હોત તો ? તેઓ પોતાનાં સુખોનું બલિદાન આપી બાળકોના સુખ માટે ખપી ગયા હોત તો ? તો તો દુનિયા ક્યારનીયે સ્વર્ગ જેવી સુખમય બની હોત, અને બાળઉછેર કે યુવાનનો એક પણ પ્રશ્ન ન રહેત.

પણ એ બધું તો બની ગયું. કોને ઠપકો દેવો અને કોને ન દેવો ? સવાલ તો એ છે કે હવે શું કરવું ? ક્યાંથી શરૂ કરવું ? કોણે શરૂ કરવું ?

હું કહીશ કે બાળકોથી જ શરૂ કરવું. બાળઉછેરથી જ માંડીને મનુષ્યઉછેર અને ઉદ્ધારનું કામ આરંભવું. એ નાની કુમળી અવસ્થાથી જ બાલજીવનને હાથમાં લેવું, અને તેના વિકાસને સંપૂર્ણ અને શુદ્ધ ગતિ આપવા માંડવી.

અને એ કોણે લેવું ? એ યુવાને લેવું – બેશક યુવાને લેવું. જેને ઘેર બાળક છે તે યુવતીએ લેવું. મા અને બાપ રૂપી યુવક યુવતી જ બાળઉછેરનાં અને બાલવિકાસનાં ખરાં અધિકારી છે અને ખરાં જવાબદાર છે.

આજનો યુવાન ચારેકોરથી મુંઝાયેલો છે. એક તરફથી તેને અભ્યાસ કરવાનો છે, બીજી તરફથી તેને પેટ પણ ભરવાનું છે; અને જેના ઉપર કુદરત અને સમાજે કૃપા કરી છે તેને વધારામાં વળી એક પત્નીનું પોષણ અને સંરક્ષણ કરવાનું છે, એક કે વધારે બાળકનું પોષણ અને શિક્ષણ પણ કરવાનું છે. સમાજે અને રૂઢિએ આ સ્થિતિમાં આજે યુવાનને મૂક્યો છે; અને યુવાન પોતાનું સઘળું હીર આ ચતુર્વિધ મુશ્કેલીઓને પહોંચી વળવા ખર્ચા ખર્ચીને અશક્ત, નિસ્તેજ અને નિરાશ બની જવા આવ્યો છે.

એટલે જ અભ્યાસ પૂરો થયા પછી જ ગૃહસ્થાશ્રમ માંડવાનું જૂના લોકોનું વિધાન અનુભવમાંથી આવ્યાનું જણાય છે. એટલે જ બાળલગ્નો એ ભયંકરમાં ભયંકર કુરૂઢિ છે એ સહેલથી સમજી શકાય છે. એટલે જ સ્વાશ્રયની કેળવણી મળેલી ન હોવાથી યુવાન નાણાંની સંકડામણ ભોગવીને પાતળો પડે છે, અને એટલે જ સ્વાશ્રય વિનાની કેળવણી પામર છે એ પ્રત્યક્ષ થાય છે; અને એટલે જ લગ્નનાં સુખોની વાંછના કરનાર યુવક-યુવતીએ કેટલી તૈયારીએ લગ્નમાં પડવું જોઈએ તેનો ખ્યાલ આપવાને આ પરિસ્થિતિ બહુ કીમતી પાઠ છે.

પણ હમણાં શું કરવું ? હમણાં અપરિણીત યુવક-યુવતીઓ પરણવાના લહાવામાંથી દૂર રહે. આજ દિવસ સુધી રૂઢિને નામે માબાપોને દોષ ચડાવી યુવક-યુવતીએ લગ્નસંસ્થાનો લાભ લીધો. હવે તેઓ પ્રેમને નામે પુનઃ એ જ રૂઢિ એટલે ઝટ ઝટ પરણવાના કામને સ્વીકારશે તો તેઓ આત્મવંચના કરે છે એમ સમજવું; અને તેઓને તેનાં ફળો ભોગવવાં જોઈશે. સ્ત્રીએ અને પુરુષે બન્નેએ લગ્ન કરતાં પહેલાં તૈયારીના મંડપો નાખવા જોઈશે. બાળક પ્રેમનું પરિણામ થશે; પ્રેમનો પરિપાક થશે. બાળકને ઉછેરવા સંવર્ધવા પાછળ જીવન સર્વસ્વ આપી દેવું પડશે; જીવનને યજ્ઞ ગણવો પડશે. પ્રેમ વડે બાળકસેવા રૂપી ઉત્સવો કરવા જોઈશે. એ બધું સમજ્યા પછી જ તેમણે લગ્નનાં પગલાં માંડવાં જોઈશે.

આજ તો લગ્ન એ ધુમ્મસમાં પગલું મૂકવા જેવું એક પગલું છે. અશુદ્ધ-શુદ્ધ ભાવના અને ઢાંક્યા સ્વાર્થોથી પ્રેરાઈ યુવાન યુવતીઓ પ્રેમને નામે લગ્નની ગ્રંથિ બાંધે છે, તે આવતી કાલે માત્ર શિથિલ કરવા કે તોડવા માટે છે. એ લગ્નગ્રંથિનાં બંધનો દૃઢ રહે અને તે દૃઢતા ભાવિ પેઢીને સંવર્ધવા અને સંસ્કારવા માટે વપરાય, તેની તો થોડાને જ કલ્પના છે; અને પરવા તો કોઈને જ નહિ હોય.

એટલે જ લગ્ન કરે તે પહેલાં યુવાન ચેતે. પોતે ભરણપોષણ કરવા સમર્થ હોય તોપણ ચેતે. બંને સશક્ત અને ઉંમરલાયક હોય તોપણ ચેતે. બંને ત્યારે જ લગ્ન કરે કે જ્યારે તેઓ બાળકોને ઉછેરવા સંબંધે લાયક થાય. બાળઉછેર માટે પોતાના મનની અને બુદ્ધિની તૈયારી તેઓ કરી લે.

બાળકો આજે અકસ્માત લાગે છે, દંપતી-જીવનમાં અણસમજુ સ્ત્રીપુરુષને આડખીલી રૂપ પણ લાગે છે ! તેઓ તેથી જ તેમને દૂર ઇચ્છે છે; તેમનું આગમન ઇચ્છતાં નથી. તેમને તેની કિંમત તો સમજાતી જ નથી અને સમજવા માટે ખાએશ પણ નથી. બે બાળકનું ઘર આજે યુવક યુવતી માટે ભારે મુશ્કેલીનું સ્થાન થઈ પડ્યું છે. જંજાળ રૂપ બની ગયું છે !

પણ બાળકો અકસ્માત નથી. જેટલાં લગ્ન અકસ્માત એટલાં જ બાળકો અકસ્માત કહેવાય. અજાણપણે પણ બાળકો કુદરતની સાહજિક પ્રેમપ્રેરણાની અમૂલ્ય બક્ષિસ છે. દુનિયાની તમામ સમજુ પ્રજાએ અને માબાપોએ એ ખુદાઈ બક્ષિસને વહાલથી ખોળે ધરી છે, છતાં આજના યુવાનો તેનાથી અકળાય છે. કેળવણીથી અને સામાજિક તથા ધાર્મિક વિચિત્ર વાતાવરણથી તેઓ બાળકોને ભાર રૂપ સમજવા લાગ્યા છે; અને પરિણામે તેઓ બાળકો સાથે અધોગતિને પામતા જાય છે.

બાળકો એ જીવનસુખની પ્રફુલ્લ તેમ જ પ્રસન્ન ઊઘડતી એવી કળીઓ છે. માબાપનાં હૃદયનાં એ પવિત્ર અને નિર્મળ પ્રતિબિંબો છે. પણ જ્યાં અને ત્યાંથી ખોટા અને સાચા આદર્શોનો મોટો ખીચડો ખાનાર માબાપો પોતાનાં જ હૃદયોને પોતે પિછાની શકતાં નથી. પોતાના જ જીવનની સંભાળ લેવામાં તેઓ દુર્લક્ષ રાખે છે. પોતે જ પોતાને ધિક્કારે છે. પોતે બાળકોને નિંદે છે, વઢે છે, લડે છે, ‘હાય, હવે તેમાંથી કેમ છૂટીએ ?’ તેવો પણ કોઈ વાર ઉદ્‌ગાર કાઢે છે ! કાકા, દાદા કે બા બાપાને સોંપીને રખડવા, ભમવા, આનંદવિહાર કરવા, ભણવા, નાચવા, કૂદવા નીકળવાની હોંશ કરે છે અને ફાંફા મારે છે. પણ બાળકોએ આવી ઘરમાં કુમકુમ પગલાં માંડી લક્ષ્મી આણી છે; કાલાઘેલા બોલ આણીને જીવનશાસ્ત્ર તેમ જ શિક્ષણશાસ્ત્ર અને પ્રેમજીવનની ગવાહી આણી છે. એ બધું જોવા અને જાણવાને બદલે યુવાન અને યુવતી નવલકથાઓમાં અને નાટકો અને સિનેમાઓમાં રસ લેવા દોડે છે; સભાઓ સંભાષણોમાં ભાગે છે; મેળાવડા અને ખાણીપીણીમાં દોડે છે; અને વારે વારે તેમને બાળકો આડાં આવે છે.

કમનસીબ માબાપોનાં કમનસીબ બાળકો !

છે, બેશક માબાપોને માટે જીવન છે; સુંદર અને પ્રેમમય જીવન છે. અને હોવું જોઈએ. પરંતુ તે જીવનનું કેન્દ્ર બાળક છે, તે જીવનનું કાવ્ય બાળક છે, તે જીવનનાં સુગંધ અને સૌન્દર્ય બાળક છે, તે જીવનનું સુખ બાળક છે. તેની આસપાસ પોતાના જીવનના લહાવા તેમણે ગોઠવવાના છે. બાળક સાથે ગૂંથાયેલું પ્રેમજીવન પ્રેમનું ઘન સ્વરૂપ છે, શુદ્ધ અને સાત્ત્વિક સ્વરૂપ છે. કારણ કે એમાં ત્યાગનું સુખ છે.

પણ આ જીવન માટે તૈયારી જોઈશે; અને તે તૈયારી સ્ત્રી યા પુરુષે કરી લેવી જોઈશે. લગ્નસંસ્થાના સભ્યો થનારે તેની અવગણના કરાશે નહિ. ઉપરથી અવગણના કરી આખરે લગ્નજીવનમાં પડનારાંઓ ભૂલની સાથે પાપ પણ કરશે. બાળકો વિનાનાં રહેવાના કોડ રાખી ગૃહસ્થાશ્રમને કૃત્રિમ રીતે ચલાવનારાં આખરે બાળકોને ઝંખશે, અને કૃત્રિમતાના પ્રાયશ્ચિત્ત રૂપે જ્યારે વંધ્યત્વ મળશે ત્યારે પોતાને જ શાપ દેશે.

આ સ્થિતિ આવે તે પહેલાં જ હરેક યુવક-યુવતીઓ જેમ શરીરશાસ્ત્રનો, ઇતિહાસ અને ભૂગોળનો, રાંધણકળા અને આભૂષણકળાનો પરિચય કરી લે છે, તેમ જ બાળઉછેર અને શિક્ષણશાસ્ત્રનો પરિચય તે કરી લે.

ઘણાં એમાં શરમાય છે; પણ એ ખોટી શરમ છે. આગળ કોઈ માંદું પડશે એમ ધારી નર્સનું કામ શીખવામાં શરમ નથી. આગળ કામ આવનારી કોઈ વિદ્યા શીખવામાં શરમ ન જોઈએ, તેમ આ બાળઉછેરની વિદ્યા શીખી લેવામાં શરમ ન જોઈએ.

ત્યારે હવે કોઈ પણ યુવક કે યુવતી માતપિતા થવા માટે શી તૈયારી કરશે ? શું શું વાંચશે ? ઘર કેવું તૈયાર કરશે ? પોતે અને પોતાનું શરીર તથા મન કેવાં તૈયાર કરશે ? અને છેવટે પોતાનું આખું વાતાવરણ કેવું બનાવી લેશે ?

એક મહેમાન આવે છે ત્યારે આપણે થોડીએક હંગામી તૈયારી કરી લઈએ છીએ. એ તૈયારી તત્કાલ પૂરતી જ હોય છે. તેમાં કદાચ વાંધો ન લઈએ. પણ આપણે ત્યાં જે કાયમી મહેમાન આવે છે તેને માટે તો આપણે લાંબી અને કાયમી તૈયારી કરવી જોઈએ; વિચારપૂર્વક અને સન્માનભરી તૈયારી કરવી જોઈએ. એ મહેમાન આપણું અંગ છે; આપણી વંશવેલીને વધારનાર છે, આપણા કુળનો દીપક છે, માનવજાતિનાં પુનિત પગલાં અનંત વિકાસમાં આગળ વધારનાર એક વ્યક્તિ છે. એ બધો ખ્યાલ આપણામાં હોવો જોઈએ, અને એટલા માટે આપણી તૈયારી ભવ્ય જોઈએ.

પ્રત્યેક યુવાન અને યુવતી કંઈ નહિ તો એટલા માટે પોતાના શરીરને તંદુરસ્ત અને સશક્ત બનાવી લે કે એ જ શરીર તેને ત્યાં અવતરવાનું છે. જેવાં મા અને બાપ શરીરસંપત્તિમાં હશે તેવાં બાળકો થવાનાં. એટલું જ નહિ પણ શરીરસંપત્તિથી સુખી માબાપો જ બાળકોને સારી રીતે સાચવી શકશે અને પોતે બાળકોના સુખનો લહાવો લઈ શકશે. આજની માંદલી માતાઓને બાળક કેવળ ભાર અને દુઃખ રૂ૫ છે. એ દુઃખથી આપણે દુઃખી થઈએ તોપણ એ દુઃખનાં જવાબદાર માબાપો જ છે.

લગ્નજીવન શરૂ કર્યા પછી પણ માબાપો પોતાના શરીરને સાચવીને તેનાં સુખો ભોગવે તો તેઓ બાળકને આશીર્વાદ રૂપ થશે. જેઓ પોતાના પ્રાણને વિના વિચારે વધારે પડતો વાપરી નાખશે કે વેડફી નાખશે તેઓને પોતાના જીવનના આનંદોના દિવસો ટૂંકાવવા પડશે. સુખ ભોગવવા માટે પણ સુખને સંયમથી ભોગવવાની આવશ્યકતા છે.

બાળક-અતિથિનું સ્વાગત કરવા માટે આપણે મનથી પણ તૈયાર થવું જોઈએ. એટલે કે આપણે જાણવું જોઈએ કે નાના બાળકનો ખોરાક શો હોઈ શકે, તેને દાંત આવે કે રોગો થાય ત્યારે તાત્કાલિક શા ઉપાય કરવા, તેને ભાષા બોલવાનું ક્યારે આવે છે અને આપણે તેને કેવી રીતે મદદ કરીએ, તેની વિકાસ કરવાની રીત શી છે અને આપણે તે રીતમાં કેવી રીતે આપણું સંરક્ષણ અને સહાય આપવી વગેરે. આપણે જાણવું જોઈશે કે બાળક કેવા પ્રકારની શક્તિ સ્વતઃ ધરાવે છે, કેવી જાતનું શિક્ષણ માગે છે, કેવી જાતનો મનોવિકાસ ચાહે છે. આપણે જાણવું જોઈશે કે બાળકની કલ્પનાશક્તિ, ક્રિયાશક્તિ, પ્રેરણા, સ્વયંચેતના વગેરે કેવાં છે અને કેટલાં છે. આ બધું આપણે જાણવું જોઈશે. આને લોકો માનસશાસ્ત્ર કહે છે. આ માનસશાસ્ત્રના બાલશિક્ષણને લગતા સામાન્ય સિદ્ધાંતોનું જ્ઞાન હરેક માતપિતાને અવશ્ય જોઈએ જ. આ માટે તેમણે ચોપડીઓ વાંચવી જોઈએ; બાળઉછેરની શાળાઓ અને ખાનગી ઘરોની મુલાકાત લેવી જોઈએ.

બાળક વિષેના આપણા અનેક વહેમોને માબાપે શુદ્ધ કરવા જોઈશે. નવો યુવાન અને યુવતી પણ જૂના વહેમ અને ચીલે બાળકોને ઉછેરશે તો દુનિયાને આગળ વધવાની આશા છે નહિ. યુવાન અને યુવતી પોતાને આગળ વધેલાં માનતાં હશે તો પણ તેમનો તે ભ્રમ લાંબો વખત ટકશે નહિ.

બાળઉછેર અને શિક્ષણના વહેમો અનેક છે. માતાની કે દેવની માનતામાંથી યુવાન-યુવતી કદાચ છૂટ્યાં હશે, પણ બાળકોને ઉછેરવાની જંગલી કુરૂઢિઓમાંથી બચવું મુશ્કેલીભર્યું છે. અને તે જ રૂઢિએ નવાં માબાપો બાળકોને ઉછેરવા નીકળશે. તે વખત આવે તે પહેલાં તેઓ જ્ઞાનપૂર્વક સમજી લે કે બાળકો પોતાની મેળે વિકસનારી અદ્ભુત ચેતનશક્તિઓ છે.

બાળકનો જીવાત્મા સ્વતંત્ર છે અને પોતાના નિશ્ચિત ધ્યેય તરફ તે ધસવા માગે છે. તે આપણી પાસે પોતાના ઈષ્ટ કાર્ય માટે પરિસ્થિતિ માગે છે, નિર્વિઘ્નપણું માગે છે.

નવાં માબાપો સમજી લે કે બાળક કાંઈ માટીનો પિંડો નથી કે મીણનો લોંદો નથી કે તેનો જેવો ઘાટ ઘડવા માગશે તેવો ઘાટ ઘડાશે. બાળક સચેતન વ્યક્તિ છે. તે પોતાનો ઘાટ પોતે જ ઘડનાર છે; અને તેની પ્રકૃતિના ગુણધર્મ પ્રમાણે તે પોતાને ઘડી પણ શકે છે. માબાપોએ તેમાં આડે ન આવતાં તેના કાર્યમાં મદદ કરવા માટે બાળકની બારીક પ્રવૃત્તિનું અવલોકન કરી તેને પડખે ઊભા રહેવાનું છે.

યુવાન માબાપો સમજી લે કે મારવાથી કે ઈનામથી બાળકો સુધરી શકતાં નથી પણ ઊલટાં બગડે છે. મારથી બાળકમાં ગુંડાઈ આવે છે, ઈનામથી તે વ્યભિચારી બુદ્ધિનું થાય છે; અને એ બંનેથી તે ગુલામ થાય છે.

નવાં માબાપો જેમ પોતે સાચા સ્વાતંત્ર્યની ઝંખના રાખે છે, તેમ જ બાળક પણ તેની ઝંખના અને માગણી કરે છે; અને માબાપની, માબાપના આચારોની, માબાપની કુળપરંપરાની બેડીઓમાંથી મુક્ત થવા માગે છે. માબાપે તેમને તેમાંથી મુક્ત પણ કરવાં જોઈએ.

ટૂંકમાં બાળકો — આપણાં મોંઘામૂલાં અતિથિઓ — આપણી પાસેથી સાચું સ્વાતંત્ર્ય, સહાનુભૂતિ ભરી સહાય અને બાળવિકાસ સંબંધેના પ્રયોગસિદ્ધ જ્ઞાનની આશા રાખે છે. આપણે તેને માટે તૈયાર થઈએ.

જ્યારે આપણે આ તૈયારીએ બાળકોના આગમનને માટે લાયક બની તેના સત્કાર માટે રાહ જોતાં ઊભાં રહેશું ત્યારે જરૂર આપણે ત્યાં વિભૂતિઓ અવતરશે, અને આપણા વાતાવરણમાં તે અદ્ભુત વિકાસ સાધશે, તથા આપણું અને દુનિયાનું કલ્યાણ કરશે.

તે વખતે આપણને આપણી યુવાની, લગ્નજીવન અને લગ્નસુખની ધન્યતા સમજાશે !