મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ગવર્નર પાસે ત્રણ માગણી

વિકિસ્રોતમાંથી
← અનુભવ ત્રીજો : કોટડીમાં મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : ગવર્નર પાસે ત્રણ માગણી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : જેલમાં મળેલું કામ →


ગવર્નર પાસે ત્રણ માગણી.

અગિયાર વાગ્યા પછી ડેપ્યુટી ગવર્નર આવ્યા. તેની પાસે મેં ત્રણ માગણી કરી. ચોપડીઓની, મારી સ્ત્રીની માંદગીને લીધે તેને કાગળ લખવાની પરવાનગીની તથા એક બેસવાની બાંકડીની. પહેલીને વિષે 'વિચારીશ,' બીજીને વિષે 'કાગળ લખજે', ત્રીજીને વિષે 'ના' આમ જવાબ મળ્યા. મેં જ્યારે ગુજરાતીમાં કાગળ લખીને આપ્યો ત્યારે તેની ઉપર શેરો થયો કે મારે કાગળ અંગ્રેજીમાં લખવો. મેં કહ્યું, મારી ઓરત અંગ્રેજી જાણતી નથી. મારા કાગળ તેને દવા જેવો થઈ પડે છે. તેમાં કંઈ નવું કે ખાસ લખવાનું હોતું નથી. છતાં મને પરવાનગી ન મળી. અંગ્રેજીમાં લખવાની પરવાનગીનો મેં ઉપયોગ કરવાની ના પાડી. મારી ચોપડીઓ મને તે જ દહાડે સાંજના આપવામાં આવી.

બપોરના ખાવાનું આવ્યું તે પણ બંધ દરવાજે કોટડીમાં ઉભાં ઉભાં ખાવું પડ્યું. ત્રણેક વાગે મેં નહાવાની પરવાનગી માંગી. નહાવાની જગ્યા મારી કોટડીથી સવાસો ફૂટ છેટી હશે. દરોગો કહે "ઠીક છે, કપડાં ઉતારીને (નાગો થઈને) જા." મેં કહ્યું, "એમ કરવાની કંઈ જરૂર છે? હું મારાં કપડાં પડદા ઉપર મૂકીશ." ત્યારે તેણે તેમ કરવા રજા આપી; પણ કહ્યું, "વખત ન લગાડતો" હજુ મારૂં શરીર લૂછવાનું બાકી હતું, ત્યાં તો ભાઈસાહેબે રાડ પાડી, "ગાંધી, તૈયાર થયો કે?" મેં કહ્યું. "હમણાં તૈયાર થઈશ." હિંદીનું મ્હોં જોવાનુંય ભાગ્યેજ મળતું હતું. સાંજ પડી એટલે દોઢ કામળી અને કાથાની ચટાઈ સૂવાને મળ્યાં, ઓશિકું કે પાટિયું ન હતાં. જાજરૂ જવું તે પણ એક દરોગો ચોકી કરવા ઉભતો. તે વળી મને ઓળખે નહિ તો બોલે:- "સામ, હવે નીકળ," સામને તો પાયખાનામાં વખત પૂરો લેવાની બૂરી આદત; તે સામ એમ કેમ ઉઠે? અને ઉઠે તો તેની હાજત પૂરી કેમ થાય? કોઈ વેળા દારોગો નહિ તો કાફરો આમ ઉભી ડોકિયાં કરે અથવા "ઉઠ ઉઠ"નું ગાન કરે.