મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કવાયત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ પહેલો : વાંચન મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : કવાયત
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : મુલાકાત →


કવાયત.

જેલમાં વાંચવામાં આખો દિવસ નહિ ગાળી શકાય. અને તેમ બને તોપણ તે નુકશાન કારક નીવડે એમ જાણમાં હતું. તેથી મહામુશીબતે દારોગાની પાસેથી કસરતી કવાયત શીખવાની પરવાનગી ગવર્નર પાસેથી લીધી. દારોગો બહુ ભલો હોવાથી અમને ઘણી ખૂશીથી સાંજ સવાર કવાયત આપતો. તે ઘણીજ ફાયદાકારક હતી. લાંબી મુદત તે કવાયત ચાલુ રહી હત તો અમને બધાને બહુ ફાયદો થાત. પણ જ્યારે ઘણા હિન્દી એકઠા થયા ત્યારે દારોગાનું કામ વધ્યું. ને ફળિયું સાંકડું પડ્યું. આવા કારણોથી કવાયત બંધ રહી. તોપણ મિ. નવાબખાન સાથે હતા એટલે તેની મારફતે થોડીઘણી પણ ઘરઘરાઉ કવાયત ચાલતી હતી.

વળી ગવર્નરની પરવાનગી મેળવીને અમે સીવવાના સંચાનો ઉપયોગ કરવાનું કામ પણ લીધું હતું. તેમાં કેદીઓનાં પાકીટ કરવાનું શીખતા હતા. મિ. ટી. નાયડુ તથા મિ. ઈસ્ટન આવા કામમાં હોંશિયાર હોવાથી તેણે તો તુરત શીખી લીધું. મને ધડ બેસતાં વખત ગયો. હજુ પૂરૂં શીખવાયું નહિ તેવામાં કેદીઓ એકદમ વધી પડ્યા એટલે તે કામ અધૂરૂં રહ્યું. આ ઉપરથી વાંચનાર જોઈ શકે છે કે માણસની ઇચ્છા હોય તો જંગલમાં મંગળ કરી શકે છે. આમ એક પછી એક એમ કામ શોધીને કર્યા કરત તો કોઇ કેદીને જેલનો વખત ભારે નહિ લાગત; પણ તે પોતાના જ્ઞાનમાં ને શક્તિમાં વધારો કરીને બહાર નીકળત. એવા દાખલા જોવામાં આવ્યા છે કે કેદમાં સારી નિયતવાળા માણસોએ બહુ ભારે કામો પણ કર્યા છે. હોન બનિયને કેદમાં અતિ દુઃખો વેઠીને દુનિયામાં અમર થયેલું "પિલિગ્રીમ્સ પ્રોગ્રેસ" નામનું પુસ્તક લખ્યું. તે પુસ્તકને અંગ્રેજો બાઇબલથી બીજે દરજ્જે ગણે છે. મિ. તિલકે મુંબાઇની જેલમાં નવ માસમાં પોતાનું "ઑરાયન" નામનું પુસ્તક લખ્યું; એટલે જેલમાં કે બીજી જગ્યાએ સુખપામીએ કે દુઃખ, સારા થ‌ઇએ કે કે નઠારા, તેનો આધાર ઘણે ભાગે આપણા પોતાના મન ઉપર રહે છે.