મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : ધર્મનો અભ્યાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ પહેલો : મુલાકાત મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : ધર્મનો અભ્યાસ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : અંત →


ધર્મનો અભ્યાસ.

કેદીઓને ધર્મનો અભ્યાસ મળવો જોઈએ એમ આ જમાનામાં પશ્ચિમના મુલકમાં બધી જગ્યાએ રિવાજ જોવામાં આવે છે. તેથી જોહાન્સબર્ગની જેલમાં કેદીઓને સારૂં ખાસ દેવળ છે. આ દેવળ ખ્રિસ્તીઓને સારૂં છે. દેવળમાં માત્ર ગોરા કેદીઓનેજ જવા દે છે. મેં મિ. ફોરટુનને તથા મારે સારૂં ખાસ માંગણી કરી. પણ ગવર્નરે જણાવ્યું કે તે દેવળમાં માત્ર ગોરા ખ્રિસ્તી કેદીઓજ જઈ શકે. દરેક રવિવારે આ દેવળમાં ગોરા કેદીઓ જાય છે ને ત્યાં જૂદા જૂદા પાદરીઓ ધર્મનું શિક્ષણ આપે છે. કાફરાઓને સારૂ પણ ખાસ પરવાનગી લઈ કેટલાક પાદરીઓ આવે છે. કાફરઓને સારૂ દેવળ નથી. તેથી તેઓ જેલના મેદાનમાં બેસે છે. યાહુદીઓને સારૂ તેઓના પાદરી આવે છે.

પણ હિન્દુ મુસલ્માનને સારૂ તેવું કંઈ જ નથી, હકીકતમાં હિન્દી કેદી ઘણા હોતા નથી. છતાં ધર્મને સારૂ કેદમાં કશું સાધન નથી એ હિન્દી કોમને હિણપણ લગાડાનારૂં છે. આ બાબત બંને કોમના આગેવાનોએ વિચાર કરી બંને ધર્મ ગુરુનું શિક્ષણ એક હિન્દી કેદી હોય તેને પણ આપવા વિચાર કરવો ઘટે છે. આવું કામ કરવાને મોલવી તથા હિન્દુ ધર્મગુરુ સ્વચ્છ દિલના હોવા જોઈએ. નહિ તો શિક્ષણ તે શૂળરૂપ થઈ પડવાનો સંભવ છે.