મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં મુસલમાન ભાઇઓના રોજા

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : કેદ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલમાં મુસલમાન ભાઇઓના રોજા
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : હિંદીઓ માટે જુદું રસોડું →


જેલમાં મુસલમાન ભાઇઓના રોજા.

અમે જેલમાં પહોંચ્યા ત્યારે મિ. દાઉદ મહમદ, મિ. રૂસ્તમજી, મિ. આંગલીઆ જેનાથી લડતનો બીજો ભાગ શરૂ થયો તે, મિ.સોરાબજી અડાજણીઆ તથા બીજા હિંદી ભાઇઓ પચીસ સુધી હતા. રમજાન મહિનો ચાલતો હતો તેથી મુસલમાન ભાઈઓ રોજા રાખતા હતા. તેમને ખાસ પરવાનગીથી સાંજના મિ. ઈસપ સુલેમાન કાજી તરફથી ખાવાનું આવતું હતુ. તેથી રોજા બરાબર રાખી શકાતા હતા. જો કે બહારની જેલોમાં બત્તીની સગવડ નથી હોતી, છતાં રમજાનને લીધે બત્તી અને ઘડીઆળ રાખવાનો હુકમ આપવામાં આવ્યો હતો. સહુ મિ. આંગલીઆની પાછળ નીમાજ પઢતા જતા. રોજાવાળાઓને પહેલા દિવસોમાં કામ સખત આપેલું પણ પાછળથી તેઓને મજુરીનું કામ સોંપવામાં નહિ આવતું.