મિથ્યાભિમાન/અંક ૧લો/પ્રવેશ ૨. જીવરામભટ્ટનો પ્રવેશ

વિકિસ્રોતમાંથી
←  રંગલાનો પ્રવેશ મિથ્યાભિમાન
જીવરામ ભટ્ટનો પ્રવેશ
દલપતરામ
બે ભરવાડોનો પ્રવેશ →



પ્રવેશ ૨ જો
(જીવરામભટ્ટ[૧] આવે છે.)
(ગાનારા નીચે મુજબ ગાય છે)
"જીવરામભટ્ટ આવ્યા, જોજો ભાઇ જીવરામભટ્ટ આવ્યા,
"લાકડિ કર લાવ્યા, જોજો ભાઇ જીવરામભટ્ટ આવ્યા."

રંગલો—તાથેઇ, તાતાથેઇ ભલા.

જીવ૦—(ઉભા રહે છે.)

રંગલો—કેમ છે, જીવરામભટ્ટ ?

જીવ૦—(ડોક વાંકી કરીને) કોણ એ !

રંગલો—જાઓ મારા સાહેબ, નથી ઓળખતા કે શું ?

જીવ૦—કાંઇ ઓળખાણ પડી નહિ.

રંગલો—આપણે નજદીકના સગા છીએ, તો પણ તમે ઓળખતા નથી, એ કેવી વાત છે?

જીવ૦—આ અમારા સસરાના ગામની સીમમાં તે અમારૂં નજદીકનું સગું કોણ છે ? શું તું અમારો સાળો છે ?

રંગલો—તમારો સાળો તો તમારી વહુનો ભાઇ હોય તે.શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—

चोबोला छंद
हिंगळानो रंग रातो होय, ने कोयलानो रंग काळो;
भोजो भगत एम भणे जे, वहुनो भाइ ते साळो. ८
તાથેઇ તાથેઇ તાતાથેઇ ભલા.

જીવ૦—ત્યારે તું અમારો સસરો થાય છે?

રંગલો—સસરો તો વહુનો બાપ હોય તે.માટે તમારી વહુને પૂછી જોજો કે હું એનો બાપ છું?

જીવ૦—(ગુસ્સે થઇને) ત્યારે તું અમારો શો સગો થાય છે?

રંગલો—આપણે બે ભાઇઓ છીએ, ભાઇઓ !

જીવ૦—શું અમારો બાપ તેજ તારો બાપ કે ?

રંગલો—ના,ના, એમ નથી. એથી ઉલટું છે.

જીવ૦—ત્યારે શું મશીઆઇ ભાઇ, મોળાઇ ભાઇ, પીતરાઇ ભાઇ, નાતભાઇ, કે ગામભાઇ? કેવો ભાઇ થાય છે?

રંગલો—અરે! એ તો બધા દૂરના સગા કહેવાય, અને આપણે તો અડીને સગા છીએ.

જીવ૦—અડીને ?

રંગલો—હા, અડીને. એક તસુનું પણ છેટું નહિ.

જીવ૦—અડીને સગા તે કેવા?

રંગલો—આપણે બંને "સગા" મિજાજભાઇ છીએ. હવે ઓળખ્યો કે નહિ?

જીવ૦—મિજાજભાઇ કોને કહેવાય?

રંગલો—જેઓના મિજાજ મળતા આવે તે મિજાજભાઇ કહેવાય. કદાપિ સગા માના જણ્યા ભાઇઓ હોય, પણ તેઓના મિજાજ મળતા ના આવે,તો લડીને કપાઇ મરે છે.પણ પરનાતવાળા સાથે કે પરદેશી સાથે મિજાજ મળતો આવે, તો જીવજાન દોસ્તી બંધાય છે. માટે જગતમાં મિજાજભાઇની સગાઇ જેવી બીજી એકે સગાઇ નથી. કહ્યું છે કે—

शार्दूलविक्रीडित वृत
जोगी जोगिनी पास वास वसशे, भोगीज भोगी कने,
बंधाणी जनने जरुर जगमां बंधाणि साथे बने;
पापी पापि विषेज प्रीत करशे,धर्मिष्ठ धर्मी विषे,
मिथ्या सर्व सगाइ भाइ भवमां,स्वाभावि साची दिसे ९
मित्रो होय स्वभावमांहि मळता,ते मित्रता आदरे,
साचा संकटमां सहाय करशे,कुर्बान काया करे;
धीरे[૨] धान्य धनादि, धाम, धरणी, हेते हसावे हसे,
एनो मातपिताथकी अधिक तो, विश्वास आवी वसे. १०

જીવ૦—હા, એ તો ખરી વાત છે.

રંગલો—હવે તમારે કયાં જવાનું છે?

જીવ૦—અહાહા!! આજ તો સાસરે જઇને સાસુના હાથની રસોઇ જમવી છે, અને આડોશીપાડોશીની બાયડીઓ કહેશે કે (કુદીને હાથના લટકા કરીને) જીવરામભટ્ટ આવ્યા! જીવરામભટ્ટ આવ્યા ! વાહ ! સાસરિયાનું સુખ !

शार्दूलविक्रीडित वृत
सौ आपे सनमान, दान, वळि ज्यां, मिष्टान्न मेवा मळे,
सासू स्नेह सहीत शब्द उचरे, त्यां ताप त्रैणे टळे;
साळानी वहु साळियो, हळिमळी, हेते करे हास्य रे,
स्वर्गावास समान सर्व सुख तो संसारमां सासरे. ११

રંગલો—સાસુ હોંશીલી હશે!

જીવ૦—અરે સાસુએ હોંશીલી જોઇએ, અને આપણામાં પણ કાંઇ રૂપ, રંગ અને ગુણ જોઇએ; ત્યારે સાસુને વહાલા લાગીએ !

રંગલો—રૂપ ને રંગ તો તમારામાં પરજાપતિના હાથી જેવાં છે. વારૂ. આગળ ચાલો। મારે પણ તે ગામ તરફ આવવું છે.

જીવ૦—(આગળ ચાલતાં થોડાંક પગલાં ભરી મનમાં)અરે રામ! આ બે જુદા રસ્તા ફાટ્યા તેમાં મનસાપુરીનો રસ્તો કયો હશે? હવે જો કોઇને પૂછીએ તો અજ્ઞાની ઠરીએ.

રંગલો—ભટ્ટ, કેમ ઊભા રહ્યા?

જીવ૦—આ બે રસ્તા ફાટ્યા.એક આમ જાય છે, અને એક આમ જાય છે.તેમાં મનસાપુરીનો રસ્તો કયો હશે?અમારે કયે રસ્તે જવાનું? તે તું જાણતો હોઊં તો કહે જોઇએ.

રંગલો—તમે રસ્તો ભૂલી ગયાથી પૂછો છો કે મારી પરિક્ષા લેવા પૂછો છો?

જીવ૦—અમે તો કંઇ રસ્તો ભૂલી ગયા નથી ; પણ તું જાણે છે કે હુંજ ડાહ્યો છું ત્યારે તું રસ્તો જાણતો હોઊં તો કહે જોઇએ.

રંગલો—તમે નથી ભૂલ્યા ત્યારે તમારે પૂછવાની શી ગરજ છે? જાઓને એજ રસ્તો.

इंन्द्रवज्रा वृत
प्रीछे न पोते,पण पूछ्वाथी,लाजे दिले शिष्यपणेथवाथी
पूछे गुरु थै मनमर्म लेवा,मिथ्याभिमानी नर दंभि एवा.

જીવ૦—એમાં તું શું કહેતો હતો? આજ રસ્તો છે તો. અમે ક્યારે અજાણ્યા છીએ?

રંગલો—ઠીક છે[૩]જાઓ.(રંગલો પડદા ઓથે સંતાઇ જાય છે.)

જીવ૦—(આગળ ચાલતાં)અરે! આ તો ખેતરાઉ જણાય છે.ચાલ જીવ, પાછા ફરીએ.(પાછો ફરે છે.)અરે આ તો જાળાં અને કોતરાં આવ્યાં. પેલો રસ્તો પણ હાથથી ગયો.(ત્રણ ચાર વાર આઘો જઇને) અરે આ ઠેકાણેથી મિજાજભાઇ

અને આપણે જુદા પડ્યા હતા, તે આ જમણે રસ્તે ગયો અને, આપણને તે લુચ્ચે ડાબે રસ્તે ચડાવ્યા. આપણે તેને શિષ્યભાવે પૂછ્યું નહિ તેથી તેણે અવળો રસ્તો બતાવ્યો. વારૂ,આપણે એટલા હેરાન થયા એજ કે કાંઇ બીજું ? પણ વળી બંદા કોઇના શિષ્ય થાય કે? (મુછે હાથ નાખે છે.)(વળી આગળ ચાલીને વિચાર કરે છે.)અરે પ્રભુ! હવે શું કરીશું? મેં તો જાણ્યું હતું કે દહાડા છતાં સસરાને ઘેર જઇને બેસીશું.પણ ઠગે અવળો રસ્તો બતાવ્યો, તેથી વગડામાં ચાર પાંચ ગાઉ ગોથાં ખાધાં. છેવટે રસ્તો તો જડ્યો, પણ હવે દહાડો આથમવા આવ્યો, અને ગામ તો હજી દોઢ ગાઉ રહ્યું છે. કોઇ માણસ આટલામાં જણાતું નથી, પેલો મિજાજભાઇ પણ જતો રહ્યો. આજે પૂરી ફજેતી થવાની. હવે કોઇ દહાડો એકલો સાસરે આવું નહિ. કોઇ સાથે હોય તો તેનો હાથ ઝાલીને ચાલ્યા જઇએ તે કોઇ જાણે નહિ. આજ સુધી તો આપણે એવી હોંશિયારીથી આપણું કામ ચલાવ્યું છે કે હજી સુધી જગતમાં કોઇને ખબર પડી નથી કે જીવરામભટ્ટ રાતે દેખતા નથી, પણ આજ ફજેતી થાય એવું જણાય છે.

——<૦>——


  1. ઘરડો, ધોળી દાઢી,ખંભે ખડીઓ,તુંબડું—દોરી,હાથમાં લાકડી,દેખાતો દરિદ્રી,ગાનારાના તાળ પ્રમાણે પગલાં માડતો વૃધ્ધની પેઠે ચાલતો આવે.
  2. જુગારી જુગારીને ધીરે છે.
  3. જે ગામમાં કેરીઓ મળે જ નહિ; તે ગામનો બ્રાહ્મણ ક્યાંઇકથી કેરીઓ લાવ્યો હતો. રસ કાઢીને પત્થરના વાટકામાં ભર્યો.પછી સ્ત્રીને કહ્યું કે આજ તો રસ રોટલી કરવી છે. તે તને ન આવડે તો પડોશણ ગુજરાતની છે તેને પુછીને કરજે.એમ કહી ગયાને પછી, તે સ્ત્રીએ પડોશણને પૂછ્યું કે મને રસ રોટલી આવડે તો છે, તો પણ પૂછું છું કે રસમાં લોટ નાખીને તેની રોટલીઓ કરવી, એમજ રસ રોટલી થાય કે નહિ? પડોશણે હા કહી. પછી પેલી એ તેમ કર્યું ને પછી પડોશણનો વાંક કાઢ્યો.