મિથ્યાભિમાન/પૂર્વરંગ

વિકિસ્રોતમાંથી
←  सूत्रधार कृत्य મિથ્યાભિમાન
પૂર્વરંગ
દલપતરામ
રંગલાનો પ્રવેશ →



(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.)

--<૦>--
રાગ બિહાગ.
"બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ-"
એ રાગનું પદ છે.



મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન;
મન મિથ્યા અભિમાન ધરે તે, નર કહીએ નાદાન, મનવા૦ - ટેક.

મિથ્યાભિમાને માન મળે નહિ, ગને ન કોઇ ગુણવાન;
ઉલટું અધિક અપમાન મળે ને, જરૂર ઉપજે જાન - મ૦ ૧

મિથ્યાભિમાન તે દુઃખનુંજ મંદિર, સુખનું નથી રે સંસ્થાન;
નથિ નથિ તેમાં સ્વાદ કે શુભ ફળ, નથિરે ધનનું નિધાન - મ૦ ૨

માટે તું મિથ્યા માન મૂકીને, કર ગોવિંદગુણ ગાન;
તત્ત્વ વિચારી તારા હિતનું કહું તે, કથન ધરી લે કાન - મ૦ ૩

નમ્રપણા રૂપી નિર્મળ જળમાં, સ્નેહ સહિત કર સ્નાન;
તેના પ્રતાપથી તારા અંતરમાં, પ્રભુની પડશે પિછાન - મ૦ ૪

મિથ્યાભિમાનનું મૂરખ થઈને, તું નવ રાખીશ તાન;
મિથ્યાભિમાનથી મહા પ્રભુ તને, દેશે નહિ સુખદાન - મ૦ ૫

માન મૂકીને માન કહ્યું તો, ઘર હરિપદનું ધ્યાન;
સારમાં સાર તો તેથી નથી બીજું, સંસારમાં તે સમાન - મ૦ ૬

માન રૂપી વિષપાન તજીને, કર પ્રભુગુણ પયપાન;
મિથ્યાભિમાનમાં મોહિત થઇને, તું ન કરીશ તોફાન- મ૦ ૭

નમ્રપણા પર નિશદિન તારૂં, કર તન ધન કુરબાન;
ભોળપણાથકી ભ્રમિત થઇને, ભૂલીશ નહિ કદિ ભાન - મ૦ ૮

નમ્રપણા થકી નાથ રિઝે એમ, કહે છે પુરાણ કુરાન;
મિથ્યાભિમાન તો મહાભયંકર, સળાગતું છે સમશાન - મ૦ ૯

મિથ્યાભિમાનિના મનમાં ભલે કદી, ગમે તેવું હોય જ્ઞાન;
તોપણ તેને તૃણની જ તુલ્યે, જાણે છે સકળ જહાન - મ૦ ૧૦

મિથ્યાભિમાનનું મૂળમાંથી કદી, થાય ખેદાન મેદાન;
દશમુખ, દુરજોધન, આદિકનું, સૃષ્ટિમાં ન રહ્યું સંતાન - મ૦ ૧૧

નમ્રપણામાં નિત્ય રહે નર, મનાય એજ મહાન;
નમ્રપણા થકી નિર્ભય પદનો, જગપતિ થાય જમાન - મ૦ ૧૨

મિથ્યાભિમાનથી મુઆ કમોતે, ખાનખાનાં સુલતાન;
મિથ્યાભિમાની માણસ મનમાં, હઠ ધરી થાય હેરાન - મ૦ ૧૩

મિથ્યાભિમાન તો મુઆ પછી પણ, નરકનું જાણ નિશાન;

જુના ગ્રથોમાં જુઓ તપાસીને, અનેક છે આખ્યાન - મ૦ ૧૪
--<૦>--

આ નાટકમાં જ્યારે ફૂરસદ મળે ત્યારે ઉપલા પદમાંની બે ચાર લીટીઓ ગાવી. અંક પૂરો થતાં ગાવાનું સાત વાર આવશે, માટે દરએક પ્રસંગે બબ્બે ચરણ ગાઇને ૧૪ ચરણ પૂરાં કરવાં.)

--<૦>--