મિથ્યાભિમાન/પ્રસ્તાવના
મિથ્યાભિમાન પ્રસ્તાવના દલપતરામ |
રંગભૂમિ વ્યવસ્થા → |
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબની તરફથી સને ૧૮૬૯ના જુલાઈના બુદ્ધિપ્રકાશમાં, ગુજરાત શાળાપત્રમાં, મુંબાઇના રાસ્ત ગોફ્તારમાં, સન્ડે રિવ્યુમાં, ડાંડીઆમાં, સુરતના ગુજરાત મિત્રમાં અને અમદાવદના વર્તમાન પત્રોમા એક જાહેર ખબર છપાઈ કે, -
"કોઈએક પ્રકારની વિદ્યા, ધન, ગુણ પોતામાં ન છતાં તે મારામાં છે એવો ઢોંગ કરે, તે મિથ્યાભિમાની કહેવાય. તે મિથ્યાભિમાન વિષે હાસ્ય રસમાં નાટકરૂપી નિબંધ, "બુદ્ધિપ્રકાશ" જેવડાં ૫૦ પૃષ્ઠનો પાંચ મહિનાની મુદતમાં લખી મોકલશે, તેમાં સૌથી સરસ નિબંધ લખનારને કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશી તરફનું રૂ. ૧૦૦) નું ઇનામ આપવામાં આવશે." તે જાહેરખબર ઉપરથી આ નાટક મેં રચીને મોકલ્યું.
વાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખેલો હોય, તે કરતાં નાટકરૂપી નિબંધથી, તથા તેજ નાટક કરી દેખાડવાથી માનસના મનમાં વધારે અસર થાય છે; જેમકે ચહેરાપત્રક ઉપરથી કોઇ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય છે તે કરતાં ફોટોગ્રાફી છબી જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે; તેમજ નાટક છે - તે ફોટોગ્રાફી-છબી જેવું છે.
મિથ્યાભિમાનીના અવગુણ દેખાડવામાં હાસ્યરસ જ જોઈએ, માટે નિબંધ રચાવનાર ગૃહસ્થે યોગ્ય રસ પસંદ કર્યો છે. મેં સાંભળ્યું છે કે તે ગ્રહસ્થ કચ્છના મોટા સંઘ સાથે ગોકુળ, મથુરા, કાશી વગેરેની જાત્રા કરવા ગયા હતા. તે સંઘમાં તથા તીર્થક્ષેત્રોમાં ધન, વિદ્યા અને ધર્મના મિથ્યાભિમાનીઓ તેમના જોવામાં ઘણા આવ્યા, તેથી વળતાં તેમણે ધાર્યુંકે અમદાવાદમાં જઇને મિથ્યાભિમાનીઓને શિખામણ લાગે એવું મશ્કરીભરેલું નાટક સારા વિદ્વાન પાસે ઈનામ આપીને રચાવું, કે જેથી લોકોનું ભલું થાય.
પછી તેમણે અમદાવાદમાં આવીને એક વિદ્વાનને કહ્યું કે તમેજ સૌથી સરસ પુસ્તક રચી શકશો એવી મારી ખાત્રી છે, માટે આ ઈનામ લઇને રચી આપો. પછી તે વિદ્વાને તેમને સલાહ આપી કે સોસાઈટીની મારફતે જાહેરખબર છપાવશો તો મુંબાઇ, સુરત વગેરે હરકોઇ ઠેકાણેથી સરસ નાટક લખાઇ આવશે. આ ઉપરથી તેમણે તેમ કર્યું.
આપણા દેશના ભવાયા લોકો નાટક કરે છે તેમાં બિભત્સ શબ્દો બોલે છે, તેથી તે સારાં માણસોને જોવા લાયક નથી, માટે સુધરેલાં નાટકનાં પુસ્તકોની ગુજરાતી ભાષામાં ઘણી જરૂર છે.
સંસ્કૃત તથા વ્રજ ભાષાના સાહિત્યના ગ્રન્થોમં નાટકનાં દશ રૂપક કહ્યાં છે :-
श्लोक
૧.....૨..........૩...૪..........૫
नाटकं सप्रकरणं , भाण: प्रहसनं डिम:
૬.......૭....૮...૯...૧૦
व्यायोगसमवाकारौ वीथ्यंकेहामृगा दश ॥१॥
અર્થ-નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવાકાર, વીથી, અંક અને ઇહામૃગ એ દશ. તેમાંનું આ નાટકનું રૂપક प्रहसन છે. કહ્યું છે કે, 'प्रहसने कल्प्यमितिवृत्तं, पाषंड-प्रभुतयो नायका हास्यरस, प्रधानं।'
અર્થ- પ્રહસનમાં કલ્પિત વાર્તા, પાખંડી વગેરે પાત્રો અને હાસ્યરસ મુખ્ય હોય.
હવે હાસ્યરસનું લક્ષણ લખું છું. સ્થાયીભાવ, વિભાવ, અનુભાવ અને સાત્વિકભાવ, એ ચાર વાનાં હોય ત્યારેજ હરેક રસ સંપૂર્ણ થાય છે. જેમ દંપત્તિની રતિ , તે શૃંગારરસનો સ્થાયીભાવ છે, તેમ હસવા લાયક પ્રકૃતિ તે હાસ્ય રસનો સ્થાયીભાવ છે; અને હસવા જેવી સ્વનિષ્ઠ કે પરનિષ્ઠ એટલે પોતાનામાં કે બીજામાં, ચંચળતા, નિર્લજ્જતા, વિકૃતવેષ વિકૃતવાણી, મિથ્યા પ્રલપન, વ્યંગદર્શન, મૂઢતા, દૂષણકથન તથા છળકરણ એટલાં વાનાં હાસ્યરસના વિભાવ છે. રસની ઉત્પત્તિનાં કારણો તે વિભાવ કહેવાય.
ઓઠ, નાક કે કપાળ ચળે, અથવા દ્રષ્ટિ કે માથું ઊંચુ નીચું થાય તે હાસ્ય રસના અનુભાવ છે, અને
श्लोक
स्तंभ: प्रलयरोमांचौ, स्वेदो वैवर्ण्यवेपथू:।
अश्रुवैस्वयमित्यष्टौ सात्त्विका: परिकीर्तिता: ॥२॥
અર્થ- અક્કડ થઇ જાય, લીન થઇ જાય, રૂંવાટા ઉભાં થાય, પરસેવો વળે, ડોળા ફરી જાય, ધ્રૂજ છૂટે, આંસૂ પડે અને સ્વરભંગ થાય એ આઠ સાત્વિક ભાવ કહેવાય.
હાસ્યરસ ચાર પ્રકારનો છે. નેત્ર કપોળ વિકસે અને લગાર દાંત દેખાય તે" हसितं" નામે હાસ્ય; અને તે ઉત્તમ છે.
નેત્ર કપોળ સંકોચાય , મધુર શબ્દ થાય અને બધા દાંત દેખાય તે "विहसित " નામે હાસ્ય છે.
ઊંચે સ્વરે ખડખડ હસે, ડોક વાંકી થઇ જાય, કેડ લચકાય અને હથ સંકોચાય, તે "अतिहसितं "
હસીને બોલે, પડી જાય, આંસુ આવે, માથું ધુણે, તાળી દે, તે "उपहसितं " એ છેલ્લા બે પ્રકર અધમ છે. વળી ઉત્તમ મધ્યમ, અને અધમ જાતનાં માણસોના ઉપર લખેલા દરેકને ચચ્ચાર ભેદ ગણતાં હાસ્યના બાર ભેદ થાય છે.
હાસ્યમાં બીભત્સનો ભાવ મિશ્રિત હોય તે " हास्यारसाभास" કહેવાય. એ સર્વે પ્રકારના ભેદ આ નાટકમાં છે. જે બીભત્સક્રિયા કરીને, કે બીભત્સ બોલીને, એટલે ગાળ દઇને, ટુંકારા કરીને લોકોને હસાવે, તે વખાણવા યોગ્ય હાસ્યરસ નહિ, પણ હાસ્યરસાભાસ કહેવાય; અને હાસ્યરસના વખતની દ્રષ્ટિનું નામ હ્રષ્ટા છે.
આ અષ્ટાંકી નાટકમાં મુખ્ય તો મિથ્યાદ્રષ્ટિ અભિમાનનો ચિતાર આપેલો છે; પણ તેમાં મિથ્યા ધનાભિમાન, લેખકગુણાભિમાન, ધર્માભિમાન, વિદ્યાભિમાન, યૌવનાભિમાન, કુલાભિમાન, રૂપાભિમાન અને મિથ્યાજ્ઞાનાભિમાન આદિકના દાખલા પણ આપેલા છે.
મારા લખવામાં ભૂલ આવે જ નહિ, એવું મિથ્યાભિમાન હું રાખતો નથી, માટે ભૂલચૂકની વિદ્વાનો પાસે માફી માંગું છું.
હાસ્યરસના નાટકમાં પાત્રો એવાં જોઈએ કે પોતપોતાના ગુણને મળતો પોશાક, તેની વાણી અને વાક્ય બોલતાં અંગના ચાળા પણ તેવાજ કરી જાણે , કે જેથી જોનારાઓને હાસ્યરસ ઉઅપજે, અને પોતે તો દાંત દેખાડે નહિ. જ્યાં પાત્રોને હસવાનું લખ્યું હોય ત્યાં જ હસે.
રસગ્રંથમાં હાસ્યરસનો રંગ શ્વેત, અને દેવ, કુબેરભંડારી લખ્યો છે. મિથ્યાભિમાન મોટો દુર્ગુણ છે, તેનો નાશ કરવા સારુ જે ગૃહસ્થે આ પુસ્તક રચાવ્યું, તેનો ઉપકાર સર્વે લોકોએ માનવો જોઇએ. હરેક માણસ સર્વે પ્રકારનું જ્ઞાન મેળવી શકે નહિ, એવો ઇશ્વરી નિયમ છતાં, કેટલાક લોકો સુંઠનો ગાંગડો મળવાથી ગાંધી થઈ બેસે છે, તે મિથ્યાભિમાની કહેવાય. સોનીથી દરજીનું કામ થઈ શકે નહિ, અને સોયનું કામ તરવારથી થઇ શકે નહિ. તેમજ મોટા વિદ્વાનોએ સર્વે કળા જાણવાનું અભિમાન રાખવું નહિ; કેમકે જેનું કામ જેથી થાય. કહ્યું છે કે -
*शैल्छंद [૧]
सदा सोयनुं सोयथी काम थाय
+कृपाणे[૨] कहो के करी शुं शकाय?
करी शुं शके आंखनुं काम कान?
धरे मानवी मूर्ख मिथ्याभिमान
જેમ નાટકમાં કહેલો જીવરામભટ્ટ અનુષ્ટાન કરવાને બહાને રોજ રાતે ઘરમાં પેસીને સૂઈ રહે છે, તેવી જ રીતે આ વખતના મિથ્યાધર્માભિમાનીઓ ઊપરથી લોકોને ધર્મનો ઢોંગ બતાવે છે, અંદરખાને પોલેપોલું રાખે છે. આજના પંડિતો વિષે કહ્યું છે કે -
અર્થ- છાને ખૂણે વામ માર્ગ પાળે, લોકો દેખતાં શિવની પૂજા કરે, અને સભામાં ભાગવતની કથા વાંચવા જાય ત્યાં વૈષ્ણવનો વેશ રાખે છે; ને વાદ વદવામાં જીવરામ ભટ્ટના જેવા વાચાળ હોય છે. તેમજ મિથ્યાધનાભિમાનીઓ, મિથ્યાવિદ્યાભિમાનીઓ પણ જીવરામ ભટ્ટની પેઠે ખાલી ઢોંગ કરીને લોકોને જણાવે છે કે, અમે ધનવાન છીએ, અમે વિદ્વાન છીએ. પણ તે સર્વેએ સમજવું કે છેલ્લીવારે જીવરામભટ્ટની ફજેતી થઇ, તેવીજ ફજેતી હરેક પ્રકારના મિથ્યાભિમાનીની થયા વિના રહેતી નથી. માટે આગાળથી જ સમજીને મિથ્યાભિમાન રાખવું નહિ. સુપાત્ર માણસ જેમ જેમ ગુણ મેળવતો જાય , તેમ તેમ નમ્રતા વધારે રાખતો જાય, અને હલકા માણસો જ છકી જાય છે.
ઠકકર ગોવિંદજી ધર્મશીનો પત્ર
[ફેરફાર કરો]કચ્છ - માંડવી. તા. ૮ મી. નવેમ્બર સને ૧૮૭૦. મુવકર, મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સેક્રેટરી, અમદાવાદ.
આપનો કાગળ ચાલતા માસની તા ૨ જીનો લખેલો આવ્યો. તેની પહોંચ કબૂલ કરતાં જણાવવાની રજા લઉં છું કે મારા તરફ પાંચ નિબંધ આવ્યા, તેમાંથી "ભૂંગળ વિનાની ભવાઈ" એ નિશાનીવાળું નાટક મને પસંદ પડ્યું, તે આપને લખી જહેર કર્યું. તેમાં જુજ પાનાં વાંચતાંજ મને એમ જણાયું કે આ કોઇ વિદ્વાનનું લખાણ છે અને જેમ જેમ આગળ વાંચતો ગયો, તેમ તેમ મારા વિચારોને મજબુતી મળતી ગઇ. તેમાં જ્યારે પાને ૪૪ મે' જરાવસ્થા વિષે દ્વિઅર્થી છપય વાંચ્યો ત્યારે નિશ્ચય થયો કે આ રચના કોઇ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે, કેમકે થોડાં વર્ષો ઉઅપ્ર અહીંના માસ્તર ચતુર્ભુજ શિવજીએ મને સરસ કવિતા રચના વિષે એક પોતાનું જોડેલ કવિત વંચાવ્યું હતું, તે એ કે,
कવિ કૈયે તેજ જેના કથાનને છબિ જાણે,
રविના પ્રકાશ પેર હણે અંધકારને;
નીરदથી નીર ઝરે, વીર હાથ તીર ખરે,
ભેદે દિल ભૂમિ એવા શોધે શબ્દસારને;
સ્વદેશનું पરમેશ પાસે હિત માગે સદા,
વાણી છે શિક્ષિत અને પ્યારી નર નારને;
ગાયે અહોનિશ राમ, સત્ય જે સુંદરશ્યામ,
ચતુર કરે પ્રણાम કાવ્ય સરનારને.
(એની પહેલી લીટીનો પહેલો, બીજીનો બીજો, એમ ચઢતો અક્ષર લેતાં કવિ દલપતરામનું નામ નીકળે છે.) એ મુજબ આ આખા નિબંધમાં આદ્યંત એ પ્રકારની જ છુટક કવિતા મારા જોવામાં આવતાં મને તે નાટક દુરસ્ત લાગ્યું.
વિશેષ સોસાઇટીએ પણ મારું પસંદ કરેલ નાટક બહાલ કર્યું અને વળી કવીશ્વર દલપતરામની કલમથી લખાયેલ છે, એવું આપે જણાવ્યું; તો હવે તે રસયુક્ત હોય તેમાં હું કાંઇ આશ્ચર્ય સમજતો નથી. એ નાટકનો પ્રથમ છપાવ્યાનો હક્ક મેં આગળ લખ્યો છે તેમ તેના રચનારને જ આપશો, અને રૂ. ૧૦૦) તેની હકદારીથી ઈનામ આપી બીજા રૂ. ૫૦)ની હુંડી મેં આ સાથે બીડી છે, તેમાં લખ્યા રૂપિયા કવીશ્વર દલપતરામને શાલના કરીને આપશો, તથા જ્કણાવશો કે, નાની રકમ ઉપર જરા પણ નજર ન પહોંચાડતા એ નાટકના ગુણોથી મારા મોહની નિશાની તરીકે અંગીકાર કરશો. તે સારા કાગળ તથા સફાઇથી તરત છપાવવા વાજબી ભાસે તો તજવીજ કરાવશો, અને તે છપાઇ બહાર પડે ત્યારે મારે માટે નકલ ૫૦ મોકલશો. તેની કિંમત હું આપીશ, એજ વિનંતી.
લી૦
ઠક્કર ગોવિંદજી વિ. ધરમશીની
સલામ