મીઠી માથે ભાત
મીઠી માથે ભાત લોકગીત |
મીઠી માથે ભાત
ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ
નવાણ છે નવ કોશનું ફરતા જંગી ઝાડ
રોપી તેમાં શેલડી વધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ
મીઠી ઉમર આઠની બહેન લડાવે લાડ
શિયાળો પુરો થતા પાક્યો પુરો વાઢ
વાઘ,શિયાળ,વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી ઝુકી રહી છે ઝુંડ
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભુંડ
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર
બાવળના નથબૂતડી તુર્ત કર્યા તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજું કામ
સાધન ભેળું સૌ થવા તવા તાવડા ઠામ
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી પડતું ટાઢું ભાત
કહે મા : મીઠી ળે હવે ભાત આપું
કીકો લાવ મારી કને જા તું બાપું
હજી ઘેર આતા નથી તું જ આવ્યા
ભૂખ્યા એ હશે વાઢ કામે થકાયા
ભલે લાવ બા જાઉં હું ભાત દેવા
દીઠા છે કદી તે ઉગ્યા મોલ કેવા
મીઠી કેળ શી શેલડી તો ખવાશે
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે
કહી એમ માથે લઇ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી ટૂંકી વાટ ઝાલી
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ
ગણે ન કાટા કાંકરા દોડે જ્યમ મૃગ બાળ
ડુંગર ઝાડી ગીચમાં કોડે કુદતી જાય
સામો વાઢ ઝઝૂમતો જોતા તે હરખાય
હમણાં વાડી આવશે હમણાં આપું ભાત
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી બાળા થઇ બેહાલ
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ
મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ
વૃક્ષ ઉભા વિલા બધા સૂની બની સૌ વાટ
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર
રાત રડે છે રાનમાં આંસુડે ચોંધાર
પહોંચી ઘર પાંચો કરે મીઠી મીઠી સાદ
મારે તો મોડું થયું રોંઢો ન રહ્યો યાદ
પટલાણી આવી કહે મોકલી છે મેં ભાત
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ
કહા ગોત કરવી હવે ?ગઈ હશે પગવાટ
બની ગયા એ બાવરા બંને મા ને બાપ
ગયા તુર્ત ને ગોતવા કરતાં કાઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાપ ફિક્કે મુખ
ઝાંખા સરવે ઝાડવા દારૂણ જાણે દુઃખ
મીઠી-મીઠી પાડતા બુમ ઘણી મા બાપ
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
વળતા આગળ પગ મહી અટવાયું કઈ ઠામ
તે તો ઘરની તાંસળી ભાત તણું નહિ ઠામ
ખાલી આ કોણે કરી ? હસે સીમના સ્વાન
મીઠી કાં મેલી ગઈ ? બોલે નહિ કઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય
મીઠી કેરી ઓઢણી પોકે-પોકે રોય
હા મીઠી તું ક્યાં ગઈ? આં શું ઝમે રૂધિર
ઉત્તર એનો નાં મળે બધુંય વિશ્વ બધિર
નિરાશ પાછા એ વળ્યા કરતા અતિ કકળાટ
મીઠી-મીઠી નામથી રડતા આખી વાટ
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત
તોપણ દેખા દે કદીમીઠી માથે ભાત.