મેઘાણીની નવલિકાઓ ખંડ ૧/૨. બેમાંથી કોણ સાચું?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧. ચંદ્રભાલના ભાભી મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
બેમાંથી કોણ સાચું?
ઝવેરચંદ મેઘાણી
૩. બબલીએ રંગ બગાડ્યો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


બેમાંથી કોણ સાચું?


તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?

લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો તમે કોઇ પણ કલ્પી શક્શો. પોતાની પત્નીનું એવું કમોત કોને ન ઉશ્કેરી મૂકે? રોમેરોમ શૂળા પરોવાય.

શેઠની રજા લેવા પણ હું નહોતો ગયો. એનું મોં જોવામાં પણ મેં પાપ માન્યું. એણે મને મોટર મોકલી સ્ટેશને પહોંચાડવા,તે મેં પાછી કાઢી. એ મને વિદાય આપવા આવ્યા, પણ એના લાંબા થયેલા હાથમાં મારો પંજો નહોતો મૂક્યો.

એણે શું મને આટલા માટે જ પોતાનો સેક્રેટરી નીમ્યો હતો? મારી અણઆવડત એ શું એટલા માટે જ દરગુજર કરતા હતા? ઓહ-ઓહ... એ બધું યાદ કરૂં છું ત્યારે મને ઝાળ લાગે છે. એ ભડકા આખી દુનિયાને ખાક કરવા પૂરતા થઇ પડે તેમ છે.

હું મારા વતનમાં આવ્યો. પણ મોં કોઇને નહોતો બતાવી શક્યો. છાનોમાનો જ હું ઘરમાં પેસી ગયો. ત્રણ દિવસ સુધી તો મને ભાન નહોતું રહ્યું કે દુનિયા ફરે છે કે થંભી ગઇ છે.દિવસ અને રાત્રિ પોતાનો ક્રમ સાચવે છે કે શું એકલા રાત્રિને જ વિશ્વનું રાજ સોંપાઇ ગયું છે!

ચોથે દિવસે મને સાન આવી. મેં મારો સામાન ઉખેળ્યો. લાહોરના શેઠનું મંત્રીપદ યાદ કરાવે તેવી જે જે ચીજ, છાપેલાં નોટ પેપર, મુલાકાતનાં કાર્ડ, શેઠનાં આપેલાં પ્રશસ્તિપત્રો, વિલાયતની મુસાફરી વખતના ટ્રંકો પર ચોડેલાં લેબલ,શેઠે મને પ્રત્યેક નવા વરસે આપેલી યાદગીરીઓ, એ તમામને હું ત્યાં ને ત્યાં વિસર્જન દેતો ગયો.એના પ્રમાણપત્રોને તો મેં મારી બત્તીમાં સળગાવ્યાં તે વખતે મને એમ જ થયું કે જાણે હું શેઠને પોતાને જ સળગાવી રહ્યો છું. એના કાગળો નહોતા જલતા - એના શરીરના જાણે ટુકડા સળગતા હતા.

તે પછી મેં મારી પત્નીની પેટીઓ પીંખી નાખી. ઓહ! એમાં મેં શું દીઠું! મારા જુવાન માલિકે એના જન્મદિવસે અને અમારા લગ્નદિવસે ભેટ કરેલાં સંભારણાં: એ સાડીઓ ને એ મોતીમાળાઓ, એ બધાં મને સાપ-વીંછી સમ ડંખતાં હતાં. એને અડકતાં જાણે મારી આંગળીઓ કોઇ વાઘદીપડાનાં દાંતો વચ્ચે ભીંસાતી હતી. વીજળીનો પ્રચંડ પ્રવાહ જાણે મારા દેહને જકડી લેતો હતો. મને શું શું થતું હતું તે તો કોઇપણ ભાષાશક્તિના સીમાડા બહારની વાત છે. ઓ ભાઇ વાર્તાકાર! ઓ કવિ! મારી મનોવેદનાને આલેખવા તમે કોઇ ન બેસતા. દુઃખીના દુ:ખને તમે શબ્દમાં ન ઉતારી શકો તો ફિકર નથી; એ દુઃખની તમે હાંસી કરશો નહિ.એ દુઃખને તમે તિરસ્કાર દેશો નહિ. એને તમારી ફોગટ શબ્દબાજીમાં ઝીલી હળવું પાડશો નહિ. એ જ્યાં છે ત્યાં જ છો રહ્યું.

ટ્રંકો ઉખેળતાં મને એક નાની દાબડી જડી. દાબડીના ઢાંકણ પર મારી અને મારી પત્નીની સજોડે પડાવેલી છબી મઢી હતી. એ જ એ છબી, જે મારા જુવાન શેઠને અતિ ઘણી ગમી હતી; જેની એક નકલ એ પિશાચના ઓરડામાં ત્યારે લટકતી હશે એ વાત યાદ આવતાં મારા કલેજાના હજાર ટુકડા થતા હતા. એ મેં પાછી કાં માગી ન લીધી? એને હવે વધુ વાર કલંકિત ન કર, દુષ્ટ! એટલું પણ હું એને કાં ન કહી શક્યો? એમ થતું હતું કે હજુ ત્યાં એના ઓરડામાં છૂપો પ્રવેશ કરીને હું એ તસ્વીરને તોડી આવું.

એ દાબડી અગાઉ મેં કદી પણ નહિ દીઠેલી. હેમુ એ એમાં શું સંધર્યું હશે? મારા કાગળો? હા લાગે છે તો એ જ. મને શેઠ જ્યારે જ્યારે મુસાફરીએ મોકલતા ત્યારે ત્યારે મેં હેમુને લખેલા, દરરોજના એક-એકને હિસાબે લખેલા એ કાગળો. હેમુ એને જીવનના કેટલા ઊંડાણમાં ગોપવી ગઇ!

કાગળનું પરબીડિયું સાદા દોરા વડે નહિ, પણ મંગળસૂત્ર વડે બાંધેલું હતું. મંગળસૂત્રનું ચગદું જેમ એની ગૌર છાતી પર વિરાજતું તેવી જ છટાથી પરબીડિયાપર પહેરાવેલું હતું એણે. હેમુ! ઓ મારી હેમુ!

પણ મારા હાથ તો પાણી પાણી થઇ ઉઠ્યા, મેં પરબીડિયું ખોલીને જોયું તો એ કાગળો મારા નહોતા! ઓહ ઓહ! એ મારા નહોતા. એ હતા એ રાક્ષસના. એના જ હસ્તાક્ષરો; ખડમાંકડી જેવા એના જ એ અક્ષરો. મિલના શેઠિયાને, કરોડપતિના ખડમાંક્ડી જેવા એના એ જ અક્ષરો. મિલના શેઠિયાને,કરોડપતિના જુવાન વારસદારને, દુર્જનને સારા અક્ષરો ક્યાંથી લખતાં આવડે?

"મારી વહાલી! હા-હા-હા, પ્રભુ! એ વાંચતાં મારી આંખો નીકળી પડે છે. એ શબ્દો જાણે કે અવાજ કાઢે છે.એ અવાજ મારા તાળવાને ફાડી નાખે છે. લખનાર કોઇક, વાંચનાર કોઇક, છતાં મારા માથાની ખોપરી ફાટફાટ કેમ થાય છે?

એક, બે ,ત્રણ...કેટલા,ક્યારે લખાયા?હેમું ક્યાં ગઇ હતી ત્યારે લખાયા? કોના સરનામે લખાયા? શું એ કવર મારાં ગણાઇને હેમુ પાસે પહોંયાં હતાં? મારાં ગણાઇને? ઓહ! ઓહ! ઓહ!

ને એક-એકના જવાબો હેમુએ એને લખ્યા હશે? મારાં જ આપેલાં સુગંધી કવરો એ કાગળોને પોતાના કલેજામાં બેસાડીને લઇ ગયાં હશે? ટપાલની પેટીઓ પાપના ભારથી ફાટી કેમ ન પડી? આગગાડી એ બોજાને ઉપાડી શી રીતે શકી?

મને કોઇકોઇ વાર શંકા તો ગઇ હતી, પણ મેં તરત હેમુને વીનવી-વીનવી પૂછ્યું હતું:"હેમુ, મારી હેમુ, મને કહે તો ખરી, સાચે સાચું બોલ! શંકાનો કીડો મને કોરી ન ખાય તે માટે બોલ."

જવાબમાં હેમુની આંખો બોર બોર આંસુ વહાવતી. એનાં ભવાં મને મારવાના જમૈયા હોય તેવા વળાંક લઇ લેતા. એના હોઠમાંથી ધુમાડા ઊઠતા.

ને હું એના ખોળામાં માથું ઢાળીને કહેતોઃ "મને ક્ષમા કર. મારી એ શંકા તો મારાં જીવનનું મોટામાં મોટું પાપ છે."

એ જ હેમુ આ કાગળ સંઘરનારી કે? ભર્તૃહરિનો યુગ શું એક અને અનંત છે કે? સાહિત્યની વાતો જૂઠી નથી કે? ઓહ દુનિયા! એણે જૂઠું બોલીને ઝેર પીધું. એણે મારી સગી આંખે જોયેલું પાપ-દ્રશ્ય મજાકમાં ઉડાવી દીધું. એણે મને એટલે સુધી ટોણો મારી લીધો કે "તમે પોતે જ શું મને આમાં નહોતા ધકેલી રહ્યા? તમારે જ દૈવતવિહોણા છતાં ઊંચે ચઢવું હતું. હું તમારે ચઢવાનું પગથિયું બની."

આ સાચું હશે? મારું દિલ શું અરધી હા નથી પાડતું?

પાછલી રાતનો એ કાળામાં કાળો પહોર હતો. અંદરને બહાર બધે કાજળ કાજળ હતું. રાત્રિ જાણે વિશ્વ-કાલિકાની કાજળઆંજી એક આંખ હતી.

અચાનક મારા અંતરમાં ઉજાસ પેટાયો. કાગળોનું પરબીડિયું જાણે મારું તારણહાર બન્યું. કોઇ ક્યાંયથી જોતું નથી ને? હું ઘરમાં ચોતરફી તપાસ કરી આવ્યો. કોઇ નહોતું. એ મોટો પડછાયો તો સુધરાઇના ફાનસના કાચ પર બેઠેલી એક ઢેઢગરોળીનો જ મારા ઘરની ભીંતે પડી રહ્યો હતો. ચૂં-ચૂં તો ઉંદરો જ કરતા હતા.

કોણ બોલ્યું? કાંઇ નહિ. હું પોતે મનમાં મનમાં કંઇક બોલતો હતો.તેનો જ અવાજ મને મોટો લાગેલો.

કરોડ રૂપિયાનાં જવાહીરો ચોરનાર પણ જેટલી સાવધાની રાખીને નહિ ચાલ્યો હોય તેટલી સાવધાનીથી જઇને મેં પરબીડિયાંને છુપાવ્યું. ત્રણ વાર તો મેં એને છુપાવવાની જગ્યાઓ બદલી. રખે કોઇને હાથ પડે! વેરની વસૂલાતનું હથિયાર મને વિધાતાએ જાણે કે હાથોહાથ આપ્યું; નહિ તો છેલ્લાં પાંચ વર્ષો... ઓહ! ઓહ! પાંચ વર્ષોની મારી નોકરી દરમિયાન, એ પાંચેય વર્ષોનો આવો સંબંધ ચાલુ હશે; ઘણા કાગળ લખાયા હશે; તેમાંથી આ એક જ પરબીડિયું કેમ અણસેવ્યું રહી જાય?

પાપ પોકારે છે. પાપ લોઢાના થાંભલા ફાડીને પણ ડોકિયું કરે છે.પાપની જીભ કોઇથી રૂંધાતી નથી.

રાતના એ જ વખતે મેં લાહોર કાગળ લખ્યો; એનાં નોટપોપર પર નહિ, સાદા જ કાગળમાં. મારી પાસે કેવા પુરાવા, એના હસ્તાક્ષરના જ, મોજૂદ છે તેની મેં એને મોઘમ ધમકી મોકલી.

લખ્યા પછી મને વિચાર આવ્યોઃ આમ શા માટે? એને લખવાનું શું પ્રયોજન? એનો નાશ કરવાની જ વાત છે ને? તો તો સવારની વહેલી ગાડીમાં જ મુંબઇ કાં ન પહોચું? મજૂરોની હિમાયત કરનારાં વર્તમાન ઑફિસોમાં જ કાં ન પહોચું? મજૂરોની હિમાયત કરનારાં વર્તમાનપત્રોને માટે એક મિલમાલેકની સામે આટલો મસાલો શું ઓછો છે?

પણ તો પછી મને સ્વયંસ્ફુરણા કેમ આ પ્રકારની થઇ? કશુંક કારણ - કોઇ વિધિસંકેત...

હા,હા, સમજાયું. એ નરાધમને બદનામ કરવાનું તો છે જ છે;પણ તે પહેલાં એને દંડી શા માટે ન લેવો? આજે હું ચૂક્યો તો મારો ક્યાં પત્તો લાગશે? હું ક્યાં બીજી કોઇ રીતે ઠેકાણે પડવાનો છું? રૂ.૧૦૦ની પણ નોકરી મને કોણ આપવાનું હતું? ને એક વખતનો પાંચસો રૂપિયાનો દરજ્જો ભોગવનાર હું હવે ક્યાં જઇ ઊભો રહીશ? એણે સેંકડોને લૂંટ્યા છે, તો આ જ હું એ સેંકડોનો બદલો કેમ ન લઉં? કાગળ મેં ટપાલમાં નાખ્યો.

મારો કાગળ પહોંચ્યો ને તાર-ટપાલની દોડાદોડ થઇ રહી. સંદેશા આવ્યા કે "ન મૂંઝાઓ. એક વાર અહીં આવી જાવ. તમારૂં અસલનું સ્થાન સંભાળી લ્યો. રૂપિયા પાંચસો આ સાથે સામિલ છે" વગેરે વગેરે. હું ન ગયો. મારો બદલો એમ કેમ વળી જાય? હું મૌન સેવીને જ બેઠો રહ્યો. મને ખબર હતી કે ત્યાં શા ફફડાટો ચાલશે.

પાંચ જ દિવસ થયા,ને રાત્રિએ મારૂં ઘર શોધતા શોધતા એ કોણ આવી રહ્યા હતા? મારા જુવાન શેઠના ખુદ કાકા! એક કરોડપતિને મારે ઘેર રાતનાં ઠેબાં ખવરાવવાની સત્તા આપનાર એ પરબીડિયાંનો કેટલો ગુણ! કેટલી પ્રભુકૄપા!

શેઠના કાકા પ્રભુભક્ત હતા, પવિત્ર નર હતા, પ્રાતઃસ્મરણને યોગ્ય હતા. એના પર મને ઇતબાર હતો. એની એક આંખમાં જુવાન ભત્રીજા પ્રત્યેનો ધિક્કાર જલતો હતો ને બીજી આંખ મારા પ્રત્યેક કરગરીને રડતી હતી.

એણે મૂંગે મોઢે જ પોતાની પાઘડી ઉતારીને મારા પગમાં મૂકી. પોતાના શ્વેત વાળની પૂણીઓ પ્રત્યે એણે આંગળી ચીંધાડી.

-ને હું એમની જોડે લાહોર ગયો. ઑફિસમાં મને કાકાસહેબ લઇ ગયા ત્યારે જુવાન માલિક મોં નીચું ઢાળીને બેઠા હતા. કાકાસાહેબે એ માથાં પર પોતાની મોજડી મારી તો પણ એ માથું ઊંચું નહોતું થતું. અમને બંનેને એકલા છોડીને કાકાસાહેબ બાજૂના ખંડમાં ચાલ્યા ગયા; મને એ કહેતા ગયા, કે "બચ્ચા,તારા જાનનો હામી હું છું ,હો કે?"

જુવાન શેઠે મને ગરીબડા શબ્દોમાં કહ્યું:"ગઇ ગુજરી ભૂલી જાઓ, ભાઇ! મારા મોં પર જૂતો લગાવો. મેં ન કરવાનું કૃત્ય કર્યું છે. મને ઇશ્વર પણ સંઘરશે નહિ."

એનાં નેત્રો ભીંજાયાં. ને મારું પણ હૃદય ભીંજાયું.

મેં એને કહ્યું,"હું જાણું છું. તમે કંઇ હૃદયથી દુષ્ટ નહિ હો. તમારા સંયોગોએ જ તમારું ભાન ભુલાવ્યું હશે. મારે કંઇ વેર વાળવું નથી. હું તો તમારી ઇન્સાનિયતને તક આપવા તૈયાર છું." વગેરે વગેરે.

એમણે મને કહ્યું: "નોકરી માટે નહિ, પણ મને તમારી સોબત મળે ને હું દુઃખ વીસરૂં એટલા ખાતર પણ અહીંનો ચાર્જ સંભાળી લ્યો."

મેં કહ્યું:"સાહેબ, મને મારા ભાવિનો શો ભરોસો?"

"ભાવિનો ભરોસો કેટલોક માગો છો?"

"પચીસ હજાર."

શેઠે ચેકબુક લીધી. મોં મલકાવ્યું. ચકચકિત ફાઉન્ટનપેન ખોલીને હાથો ચડાવ્યો. એક પર એની ટાંકે શબ્દો ટપકાવ્યાઃ"પચાસ હજાર."

મારી સામે જોયુઃ"બસ?"

"ઉપકાર;" કહીને મેં પેલું પરબીડિયું ગજવામાંથી કાઢ્યું. કાઢીને જ્યાં એમની સામે ધરૂં છું ત્યાં તો કેબિનનું બારણું આસ્તે આસ્તે ઊઘડ્યું. ચપરાસી રસૂલ દાખલ થયો. એના હાથમાં પણ એક પરબીડિયું હતું. એની સામે જુવાન માલિકે મોં મલકાવીને પૂછ્યું: "ક્યા હય, રસૂલ?"

"ચિઠ્ઠીકા જવાબ હે, સા'બ!" કહીને એણે પોતાના ગજવામાંથી છૂરી ખેંચી શેઠના પેટમાં પહેરાવી દીધી.

"અરે! અરે!" મારાથી બોલાઇ ગયું. મારી સામે શેઠની છેલ્લી જીવનપળો તરફડતી હતી.

"ખામોશ!" રસૂલે મારી સામે ચુપકીદીની ઇશારત કરી કહ્યું: "મેં ભાગ નહિ જાતા. ખામોશ રખ કે પુલિસકો બુલાવ!"

આખી ઑફિસનો સ્ટાફ રસૂલને ઘેરી વળ્યો. સૌને એણે એક જ વાર કહી દીધું:"આજ મુંહમેં રમઝાન હયઃ મુઝકો મત છૂના, ભાઇલોક!"

શાંતિથી એ ત્યાં ઉભો રહ્યો. પોલીસે આવીને રસૂલનો, લાશનો, પચાસ હજારના ચેકનો, મારા પરબીડિયાંનો ને છૂરીનો કબજો લીધો.

છૂરીના ફળા ઉપર એણે એક ચિઠ્ઠી પરોવેલી હતી.પોલીસે એ વાંચી.એ ચિઠ્ઠીમાં મરનાર શેઠના હસ્તાક્ષરોનું લખાણ હતું. એ લખાણ રસૂલની ઓરત પરના પ્રેમપત્રનું હતું.

હું ગભરાયો. મારા ગજવામાંથી મેં ટેબલ પર કાઢેલું મારી પત્ની પરના શેઠના પ્રેમપત્રનું પરબીડિયું પણ પોલિસે હાથ કર્યું.મને પણ રસૂલ સાથે પકડી ગયા. જતે જતે હું વિચારતો હતોઃ

કોણ સાચું? કોનો માર્ગ સાચો? મારો કે રસૂલનો?


*