મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૧૬. કેશુના બાપનું કારજ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫. ભનાભાઇ ફાવ્યા મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
૧૬. કેશુના બાપનું કારજ
ઝવેરચંદ મેઘાણી
૧૭. 'લાડકો રંડાપો' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


કેશુના બાપનું કારજ


કંકુમાનું મોં કાળા સોગિયા સાડલાના ઘૂમટામાંથી બોલતું હતું. એ મોઢાનો અવાજ જાણે કબરના ખાડામાંથી આવતો હતો. એના હાથમાં ટપાલનું પત્તું હતું. "ભાઈ, આ વાંચ ને, બાપુ: શું લખ્યું છે ભાઈજીએ ?"

બાવીસ વરસના દીકરાનો મિજાજ ફાટી ગયો હતો. એ બોલ્યો: "બીજું શું લખ્યું હોય ! ભાઈજીને અને ગામની ન્યાતને તો ઝટ મારા બાપના લાડવા ખાવા છે. હજુ ચાર દિ‘ થયા. હજુ ચિતા તો બળે છે મારા બાપની, ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્યાં છે કારજ ખાવાનાં !"

"પણ તું વાંચ્ય તો ખરો !"

કેશુ કાગળ વાંચે છે:

"ભાઈ કેશવલાલ તથા અમારાં ગંગાસ્વરૂપ વહુ બાઈ કંકુને માલમ થાય જે માધભાઈનો ઘાસ ઘણો મોટો લાગ્યો છે. અમારી છાતી ભાંગી ગઈ છે. અમે સાંભળ્યું છે કે તમે ત્યાં આકોલામાં જ માધાભાઈની ઉત્તરક્રિયા કરવાનં છો. તો, વહુ, આ બહુ અઘટિત ગણાશે. કેશુની વહુનો ખોળો પણ ત્યાં દેશાવરમાં જ ભરી નાખેલો, તેનું મેણું ન્યાત અને કુટુંબમાં હજી બોલાય છે. તમારે અહીં દેશમાં આવીને કારજ કરવું જોવે. હજુ તમારે દીકરા-દીકરી પરણાવવાનાં છે. આપણું નામ વગોવાય છે. ગામમાં હલાતું નથી. અમારા માધાભાઈ જેવો દસ હજારની આબરૂવાળો જીવ -"

"હં, દસ હજારની આબરૂ !" કેશુએ કાગળ વાંચતાં વાંચતાં ધીરજ છોડી. "મારા બાપે મરતાં લગી પણ દસ હજારનો ભરમ સાચવી રાખ્યો એ પાપ મારે ભોગવવું રહ્યું. અંત સુધી ઓશીકા હેઠ હિસાબની ચોપડીઓ દબાવી રાખી. મોટાં ખોરડાં લેવાની વાતો કરી. ખોટેખોટી આબરૂ સારુ થઈને થઈને આજ લગી તરકટ હાંક્યું. ને હવે એનાં પરિણામનો વારસો મારે વેઠવો."

"ચોપડીમાં માંડેલું કાંઈ ન નીકળ્યું, હેં ગગા !"

"કાંઈ જ નહિ."

"તું શું સમજ ! નક્કી ધારશીકાકો એ નામની એક ચોપડી ઉપાડી ગયો. એ જ ત્યાં અંત ટાણે બેઠો‘તો."

"અરે બા ! બોલો મા ! બોલો મા !"

"ઠીક, કાંઈ નહિ. આપણે કાંઈ ઘેર જઈને કારજ કર્યા વિના છૂટકો છે !"

"પણ અહીં પચીસ-પચાસ રૂપિયા વાવરો ને નાતીલાં જમાડી લ્યો, તો શો વાંધો છે !"

"બાપુ ! તું પરણીને બેઠો છો. તારા બાપે ઈ દસ હજારનો ભરમ રાખ્યો, તો તારું ઘર બંધાણું. પણ હજુ બે બેન્યો અને નાનેરો ભાઈ બાકી છે. અને કારજ કરશું નહિ તો નાતીલાં નાક કાપી લેશે. ભરમ પણ ઊઘડી જાશે."

"બા ! વહુને હજુ હમણાં જ કસુવાવડ થઈ ગઈ છે. આ મુસાફરીનો હડદો - ને ત્યાં રોવાકૂટવાં -"

"રોવાકૂટવાં તો કરવાં જ જોવે ને, ભાઈ ! સો પેઢીનો ચાલતો આવતો ધરમ કાંઈ, વઉ ચાર ચોપડી ભણીને આવી છે તેટલા સારુ, લોપાય છે ? અને હું તો આજ છું ને કાલ નહિ હોઉં. પછી કટંબકબીલામાં આભડવા, મોંવાળવા જવું તો એને જ પડશે ને ! હજુ તો એને સરખો રાગ કાઢીને રોતાંય આવડતું નથી ! મોં વાળવામાં તો ઘડીક થાય ત્યાં છાતી દુખવા આવે છે. એ બધું આવે અવસરે જ શિખાય છે ના ! જો ને, પ્રેમજીકાકાની વહુ હજી પરણીને ચાલી આવે છે ત્યાં તો મનેય ટપી જાય એવું મોં વાળે છે."

"પણ, બા, મારી પાસે ભાડાની જોગવાઈ જેટલુંય નથી. ને મારી નોકરી જાશે."

"મારી પાસે એક ગંઠો ને વહુની એક મગમાળા છે. ઈ ક્યાંક મેલીને પૈસા ઉપાડીએ. બાકી, તારે બાપે મરતાંમરતાં જીભ કચરી છે કે, મારી વાંસે મેશુબ અને જલેબીની નાત કરજો, એટલે એની સદ્‌ગતિ તો કર્યે જ મારે છૂટકો છે."

કેશુ બે ઘડી વિચારમાં પડી ગયો. બાપને અને બાને આખો જન્મારો કૂતરા-બિલાડાનો જ સ્નેહસંબંધ હતો. પણ બાપ મૂઆ પછી બા બિચારાં બાપના જીવની સદ્‌ગતિ સારુ મથે છે !

કેશુ ઊઠ્યો. ઘરમાં ગયો. રાતી ટીબકીવાળા કાળા સોગિયા સાડલામાં સ્ત્રીનું લોહી વિનાનું શ્વેત, માંદલું અને શોકાતુર મોં મીઠું દેખાતું હતું. એ કાંઈ બોલતી નહોતી. બાના વેણ એણે સાંભળ્યા હતાં. એટલે ડોકમાંથી મગમાળા કાઢીને હાથમાં લઈને જ એ ઊભી હતી. પણ એના કલેજામાં સ્ત્રીના આ અવાચક અધીનતા એટલી કરુણ લાગી કે એણે મગમાળા દેવાની ના પાડી હોત તો પોતાને વધુ ગમત.

"તું આ એકાદ મહિનાનો કુટુંબવાસ સહન કરી લઈશ ને ? રોતાંકૂટતાં આવડશે ?"

"મહેનત કરીશ." ફિક્કા મોઢામાંથી હસતો જવાબ નીકળ્યો.

કેશુ, એની સ્ત્રી, બા, બે બહેનો ને એક ભાઈ સ્ટેશને ગયા. સાડાપાંચ ટિકિટોનો ખોબો એક રૂપિયાની જ્યારે ટિકિટની બારી પર કેશુએ ઢગલી કરી, ત્યારે કેશુને થોડીક કમકમાટી આવી ગઈ. ત્રણ દિવસની મુસાફરી દરમિયાન સહુ બાઘોલાં જેવાં બેસી રહ્યાં. બાનું ને ભાભીનું કાળા ઘૂમટામાં દટાયેલું મોં બાળકોને બિહામણું લાગતું હતું. છોકરાં જરીકે હસતાં કે આનંદથી વાતો કરતાં એ બાથી સહેવાતું ન હતું. વહુએ એક વાર છૂટો શ્વાસ લેવા સારુ બારીમાં ડોકું રાખીને ઘૂમટો ઊંચો લીધેલો કે તરત બાએ ટપારેલું કે, "માડી ! ચાર દિ‘ તો સમતા રાખીએ ને ! કાગડો-કૂતરો નથી મૂઓ : સસરો હાલ્યો ગયો છે."

તે પછીથી આખી મુસાફરીમાં વહુએ ઉધરસનાં ઠસકાં છેક ગળે આવેલાં તે પણ ચાંપી રાખ્યાં હતાં. કેશુ મોટે મોટે સ્ટેશને ગરમ ભજિયાં લાવીને બાને આગ્રહ કરી કરી આપતો. ખાતાં પહેલાં બા થોડુંક રડતા હોય એવું જણાતું. ભજિયાં આવે ત્યારે છોકરાં બાના મોં સામે દયામણી આંખે તાકી રહેતાં, ને બા ખાય ત્યાર પછી, હસવા-આનંદવાનું ન બની જાય તેની સંભાળ રાખી, ખાતાં. એક સ્ટેશને કેશુ એની તાવલેલી સ્ત્રી સારુ બે મોસંબી લઈ આવ્યો. તે પછીથી બાએ ભજિયાં ઠેલ્યાં હતાં.

ગામને પાદર જ્યારે કુટુંબ આવી પહોંચ્યું ત્યારે "કંકુમા આવ્યાં !" "કેશુભાઈ આવ્યો !" એવા હર્ષનાદ કરતાં છોકરાં એકઠાં થઈ ગયાં અને ગામમાં ખબર દેવા દોડ્યાં ગયાં. છોકરાંને માધાબાપાના કારજનો દિવસ શીતળા-સાતમ, ગણેશચોથ કે દિવાળીના પડવા કરતાં વધુ પ્યારો હતો. તે દિવસે રવિવાર ન હોય તો સારું: છૂટ્ટી લઈ શકાય એ ઝંખના છોકરાં ઝંખી રહ્યાં હતાં. ન્યાતમાં કોણકોણ માંદું છે એની દાક્તર કરતાં નિશાળિયાઓ કનેથી વધુ ચોક્કસ ખબર મળી શકતી. પૂતળીમાનો દા‘ડો ગયાને પંદર દિવસ થઈ ગયેલા, તેથી છોકરાંઓ બહુ જ કચવાતાં હતાં. હવેલીમાં આવનારી સ્ત્રીઓ પણ જ્યારે આમ સાંભળતી કે પશા દેવાણીની દાદીને તો પાંચ દિ‘ થયાં દરદમાં ઘટાડો થતો આવે છે, ત્યારે તેઓ ચિડાઈ ઊઠતી કે, "ડોશી તો અવગતણી છે. ડાબલો સંતાડ્યો છે તે જીવ જાતો નથી. ભોરિંગ જેવી છે, બાઈ ! એના લાડવા ખાવાનું નામ જ લેશો માં કોઈ. જેમ જેમ આપણે મરતી વાંછશું તેમતેમ ઈ ડાકણ્યની આવરદા વધતી જાશે."

હવેલીમાં આમ વાતો કરતી બાઈઓને છોકરાંએ ખબર આપી કે કંકુમા ને કેશુ આવી પહોંચ્યાં છે. સાંભળીને સહુની નાડ્યમાં જીવ આવ્યો.

દિવસ આથમ્યો. કંકુમાના હાથ ઝાલીને એને રોવડાવતાં રોવડાવતાં તેમ જ પો‘રે-પો‘રે પછાડીઓ ખવરાવતાં ન્યાતીલાનાં બૈરાંઓ જ્યારે ઘેર લઈ જતાં હતાં, ત્યારે શેરીએ ઊભેલી નાનીમોટી સ્ત્રીઓ-સાસુઓ, વહુઓ, દીકરીઓ, વિધવાઓ ને નાની બાળકીઓ નિહાળી નિહાળી જોતી હતી. એક વાત ઉપર સર્વે શેરીઓનો સરખો જ મત પડ્યો કે, "કેશુડાની વહુને તો, મૂઈ, ડિલનો વળાંકો જ ક્યાં છે ! ગળામાંથી રાગ કાઢે તો એના બાપના જ સમ !"

"આ તો ઓલી ભણેલી ને ? અંહં, ગોંડળ રાજની નિશાળમાં ભણેલી. કે‘ દિ‘ મોળાકતેય નહિ રહી હોય. નાનપણે દેદો કૂટ્યો હોય તો આજ ડીલ વળે ને !"

"બળ્યાં ઈ ભણતર, બાપ ! કુળનો જૂનો ધરમ, રીતભાત, ચાલચીલ - બધાં માથે મીંડું મુકાઈ જાય છે."

"મેં તો મારી પાતડીને એટલા સારુ જ કકા-બારખડી કરાવીને જ ઉઠાડી લીધી." પાર્વતીની બા ચેતી ચૂકેલાં હતાં.

"પણ હવે છાજિયાં લેતી વખતે આ ભણેલીનું શું થશે ?"

"જોયા જેવું થાશે: ધાવશેર લેશે ધાવશેર ! છાજિયાંની છટા તો એવા તિતાલી હાથમાં હોય જ શેની ?"

ચાર વરસ ઉપર કેશુ જ્યારે પરણીને પાછો આવતો હતો ત્યારે ગામમાં વાત ઊડેલી કે એ ચાર અંગ્રેજી ચોપડી ભણેલીને સામૈયામાં ઉઘાડે મોઢે બેસારીને કેશુડો ગામ સોંસરવો નીકળવાનો છે. તે વખતે પણ શેરીએ શેરીનું નાકું છલોછલ હલક્યું હતું. બાઈઓ ઉપરાઉપરી ખભા ઝાલીને જોવા મળી હતી. પણ આ ફજેતીથી ડરી ગયેલો કેશુ લોકોને અચંબામાં ગરકાવ કરતો, ’દિકરો આમન્યામાં રહ્યો ખરો !’ એવી શાબાશી પામતો પોતાની ભણેલીને બેવડે ઘૂમટે ઢાંકીને ઘેર લઈ આવ્યો હતો. તે દિવસે શેરીએ-શેરીએ નિરાશા છવાઈ હતી. પણ આજ કેશુની ભણેલીનું નિરિક્ષણ કરવાનો અવસર આવવાથી તે દિવસનો વસવસો કાંઈક સંતોષાયો ખરો. નાની નવલીની રાંડીરાંડ ફઈએ તો નવલીનો કાન આમળીને એમ પણ કહ્યું કે, "આમ જો આમ, આડા સેંથા લેવાની સવાદણ્ય ! પારકે ઘેર જઈશ તે દિ‘ તારાયે આવા હાલ થશે. સૌ ઠેકડી કરશે. મને સંભારજે તે દિ‘."

એ બધું દીવાટાણે તો પતી ગયું. હવે કારજનો કયો દિવસ ઠરે છે તેની વાટ જોતાં સહુ બેઠાં.

[2]

ઘણાં વર્ષોનું અવાવરુ ઘર પડ્યું હતું. તે ત્રણ નાનાં ભાંડરડાં ઝાડવાઝૂડવા લાગ્યાં. એક બાજુ કેશુએ પુરુષોને માટે પાથરણું પાથર્યું, અને બીજી બાજુ બા તથા વહુ એક પછી એક આવતાં સ્ત્રીઓનાં ટોળાંની સાથે મોં વાળવા લાગ્યાં. પોતે આવેલ છે એ વાત અછતી ન રહી જાય તેટલા સારુ દરેક કુટુંબની બાઈઓ જુદાં જુદાં જૂથ બાંધીને આવતી હતી. દરેકની સામે બાને નવેસરથી રડવું પડતું. અને દરેકની ઉપર પોતાના અંતરના ઊભરાતા પતિ-પ્રેમની ઘાટામાં ઘાટી છાપ પાડવા સારુ વધુમાં વધુ ધડૂસકારા કરી કૂટવું પડતું, લાંબામાં લાંબું રુદન-સંગીત કરવું પડતું, અને માધાબાપા કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા એ આખીયે છયે મહિનાના મંદવાડની કરુણ કથા માંડીમાંડીને, જમાવટ કરીને, નિસાસા મૂકી મૂકીને, ’અરેરે !’ના ઉદ્‌ગારો ઉચિત સ્થાને કાઢીકાઢીને અવાજને ટાણાસર ગળગળો કરીને, કોઈ કાબેલ કળાકારની જુક્તિથી વર્ણવવી પડતી હતી. પડખામાં બેઠેલાં વહુ રીતરિવાજમાં આવાં અણઘડ કેમ રહી ગયાં છે તેનો, વહુને દુઃખ ન લાગી જાય તેવો, ખુલાસો પણ કેશુની બાને સહુ પાસે આપવો પડતો.

મોડી રાતે પહેલા દિવસનો મામલો પૂરો થયો ત્યારે બેસી ગયેલ સાદે અને લોથપોથ થાકી ગયેલ શરીરે બાએ કેશુની પાસે આવીને કહ્યું : "ભાઈ, જોજે હો: ઉતાવળો થઈ આપણો ભરમ ઉઘાડો પાડીશ મા ! જગતમાં બધું ભરમે-ભરમે જ ચાલે છે. સારા ઘરનું મરણું છે. એટલે ઘણાં કાણિયાં કારજે આવશે. એમાં ક્યાંક બેમાંથી એક બેનને ઠેકાણે પાડી દેવી છે. પણ તું ભરમ ખુલ્લો કરીશ મા !"

એ જ ટાણે ખડકીમાં લાકડીનો ઠબઠબાટ સંભળાયો. અને "કેશુ ઘરમાં છે કે ?"ની બૂમ પડી. માએ કહ્યું : "ગગા, જા જા. પીતાંબર ભાઈજી આવેલા છે. રાતના નહિ ભાળે. તું દોરી લાવ્ય." ફળિયામાં દીવો નહોતો, કેમકે ખડકી મજિયારી હતી.

પીતાંબર ભાઈજીની અવસ્થા 65 વર્ષની હતી. આવીને એણે કેશુનો હાથ ઝાલ્યો. "દિકરા ! અટાટની પડી, હો ! માધાભાઈની દેઈ પરદેશમાં પડી ! માંડ્યું હશે ના !" એવું કહી ભાઈજી રડી પડ્યાં. કેશુને ભાઈજીના આ રુદને ખાતરી કરી આપી કે પોતે નિરાધાર નથી.

"બેટા ! તારી મા ઘરમાં છે ને ? મારા વતી ખરખરો કરજે. એ તો બહુ સારું છે કે તારા જેવો દિકરો ભગવાને દીધો છે. દેશાવરમાં તારે સારી પાયરી બંધાણી છે. શું વરસના હજાર-બારસે તો મળતા હશે ને, ભાઈ !"

કેશુ ઉતાવળો બનીને ઊંધું વાળશે એ બીકે માએ અંદર કમાડ આડે બેઠાંબેઠાં બેઠે અવાજે છતાં ભાઈજી સાંભળે તેમ કહ્યું કે, "ગગી, કહે ભાઈજીને, કે તમારે પુન્ય-પ્રતાપે બધી સરખાઈ છે. સાચા પરતાપ ઘરડાના. ખાતાંપીતાં છૈયે."

"હા ! દીકરો કર્મી ખરો. ને વળી બીજું પણ પડે તો ખરું જ ના ! ખરીદી કરવામાં, મુસાફરીમાં, વેચાણમાં, બોણીમાં નોખો કસ તો રે‘તો જ હશે ના ! માણસ કંઈ અમસ્થા કાળાં પાણી થોડાં વેઠે છે ?"

"તમે શું ધાર્યું છે, વહુ ?"

"ગગી, ભાઈજીને કહે: મેશૂબ ને જલેબી."

કોઈ ગહન પ્રશ્ન પોતાની સામે આવી પડ્યો હોય તેમ ભાઈજી વિચારે ચડી ગયા. માએ પૂછાવ્યું : "કેમ ચૂપ રહ્યા ? કાંઈ કહેવું છે ?"

"કહેવાનું તો આટલું, કે શું શું કરવું તેની કુલમુખત્યારી તમારી છે. પણ મેં આંહીં આખી અવસ્થા કાઢી નાખી છે. ઇજ્જતઆબરૂની આ વાત છે. હજી છોકરાં વરાવવાં-પરણાવવાં બાકી છે. મારો માધોભાઈ પડી-પેપડીનો ખાતલ નો‘તો એય સૌ જાણે છે. વળી એ બાપડો કામીને મેલી ગયો -"

કેશુની ધીરજ ન રહી : "પણ શું મેલી -?"

મા વખતસર વહારે ધાયાં: "તો ભાઈજી કહે તેમ. મારે મોળું દેખાવા દેવું નથી. મારે તો પે‘લું ને છેલ્લું આ ટાણું છું. મારું મોત તો વળી કેશુ સુધારે ત્યારે ખરું !"

"તયેં, વહુ, સો રૂપિયા વધુ કડવા કરી નાખીને સાટા ને મોહનથાળ ઉમેરો એટલે પચાસ ગાઉ ફરતો ડંકો વાગી જાય !"

"ગગી !" બાએ સંભળાવ્યું: "ભાઈજીને કહે કે આંહીં ઓરડામાં આવે. પેટછૂટી એક વાત કહેવી છે."

પીતાંબર ડોસા અંદર જઈને બેઠા. બોલ્યા: "મારામાં વિશ્વાસ રાખજો. મારું પાણી મરે નહિ. જે કહેવું હોય તે કહો. જે આંટીઘૂંટી હોય એનો આપણે ઉકેલ કરીએ."

"ત્યારે, ગગી, ભાઈજીને કહે, કે તમારો ભાઈ ગમે ત્યાં ક્યાંક બધું ઠેકાણાસર મેલીને તો સૂતા છે; પણ ચોપડાનો હેરફેર થઈ ગયો છે. ઠેકાણાની ખબર નથી. અટાણે નાણું હાથવગું નથી. ઈ બધું હાથ આવે ત્યાં સુધીની જોગવાઈ જો હમણાં થઈ જાય તો હું તમારા ભાઈનું મોત હરકોઈ વાતે ઊજળું કરવા તૈયાર છું."

"અરે રામ ! વહુ ! દીકરા ! વખત ખરાબ છે. અગાઉના જેવો અમારો કાળ હવે રહ્યો નથી. બીજે ક્યાંક વેણ નાખવા જાયેં એમ મારું ધ્યાન પડતું નથી. ઘરમેળે સમજીએ તો જ ઠીક."

"તો એમ."

"કહું ? દુઃખ નહિ લગાડો ને ? મારે કાંઈ અવિશ્વાસ નથી. પણ વે‘વારે વાત કરવી પડે છે, આ ખોરડું હું થાલમાં રાખું - હું પોતે જ રાખું. પાંચસો રૂપિયા ગણી આપું. મારે કાંઈ ખોરડું જો‘તું નથી. ખોરડાનાં બટકાં ભરાતાં નથી. તમે તમારે રહો છો તેમ રહો. ફક્ત તમે ને કેશુ દસ્તાવેજ કરી આપો. વેળા કઠણ છે. મારા છોકરાં માંડી વાળેલ છે. સાત પેઢીની શરમ ઘડીવારમાં ધોઈ નાખે તેવા છે એટલે જ હું દસ્તાવેજનું કહું છું. કહેતાં તો ઘણીય જીભ કપાય છે."

થોડી વાર સુધી તો ઘરમાં જાણે કોઈ શબ પડ્યું હોય તેવી શૂન્યતા પ્રસરી રહી. પીતાંબર ભાઈજીએ પાછું કહ્યું: "ને, વહુ, દીકરા, એક મુદ્દાની વાત મને સાંભરી આવે છે. પણ પાંચમે કાને વાત પોં‘ચવી ન જોઈએ."

"છોકરાંવ ! તમે મેડી માથે જાવ !" એમ કંકુમા છોકરાંને દૂર કરી, ઘૂમટો રાખી બેઠાં. પીતાંબર ભાઈજીએ આજુબાજુ જોઇ, લાંબી ડોક કરી રહસ્ય ઉચ્ચાર્યું કે, "વાત પેટમાં રાખજો. હું બધુંય સમજું છું. સહુની બાંધી મૂઠી જ સારી: ઉઘડાવવી એ ખાનદાનનું કામ નથી. મારે કે‘વાનું એ છે કે બર્માવાળા બબલો શેઠ આંહીં મધુસૂદન મા‘રાજના દર્શને આવેલ છે. હમણાં જ ઘરભંગ થયા છે. કરોડપતિ છે. અવસ્થા કાંઈ બહુ નથી. મારાથી પાંચ વરસ નાનેરા છે. તમારી વિમુડીનું ત્યાં કરીએ. નામ નથી પાડવું, પણ મોંમાગ્યા આપે એમ છે. શરીર કડેધડે છે. એક દાક્તર ને એક વૈદ તો હારે ફેરવે છે. કારજ બરાબર ઊજળું કરીએ. મધુસૂદન મા‘રાજની પધરામણી ઘેર કરાવીએ. વિમુને હાથે જ મા‘રાજને ચરણે રૂપિયા એકાવન મેલાવવા. બબલો શેઠ ભેળા આવે. કન્યાને જોઈ લ્યે. પછી તો હું છું જ ના ? ઘેર બેઠે ગંગા ! બોલો: છે ઊલટ ?"

ઘણી વારે એક ઊંડો નિઃશ્વાસ મૂકીને કંકુમાએ ડોકું ધુણાવ્યું.

પીતાંબર ભાઈજીએ ઘરનું થાલ-ખત કરાવી લઈને કારજમાં જો‘તા માલતાલની વેતરણ માંડી. કેશુ આ રહસ્ય-ગોષ્ટિ વખતે મેડા ઉપર હતો. એની વહુને તાવ ચડેલો, તેથી માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકતો હતો. એને લાગતું હતું કે જાણે આ ઘર નથી, પણ કોઈને ફાંસી દેવાનું ઠેકાણું છે.

આવા તકલાદી શરીરવાળી વહુ પોતાને તકદીરે ક્યાંથી આવી ! બાની સાથે એક વર્ષ ખૂણો પળાવવા એ આંહી શી રીતે રહી શકશે ! ઘરમાં તો આજથી રોજેરોજ ધડાપીટ અને મોં ઢાંકવાં શરૂ રહેશે. મામા-માશીઓ પણ આજુબાજુથી કાણ્યે આવશે. એ બધાંનાં રાંધણાંમાં આ રોગીલી સ્ત્રીની શી ગતિ થશે ! આ ભણેલી છે, એટલે જૂની રીતભાતો જોતી-જોતી સળગી જશે. એવા વિચાર કરતો કેશુ પોતાં મૂકતો હતો, ત્યાં બાનું કાળા સાળુમાં વીંટાયેલું ડોકું દાદર પર દેખાયું. પોતે કાંઈક ગુનો કરતો હોય તેમ કેશુ ચોંકીને ઊભો થઈ ગયો.

"અટાણથી મેડીએ ચડીય ગયાં, માડી ! એમાં શેનાં ઠરીએ !" એટલું કહીને એ ડોકું નીચે ઊતરી ગયું.

તે વખતે વહુ તાવમાં બેશુદ્ધ હતી. કેશુએ એને હડબડાવીને કહ્યું :

"ભલી થઈને ઊઠ ને ! જરાક કઠણ થા ને ! અત્યારે આમ પડવાનો વખત છે ?"

વહુએ આંખો ઉઘાડી. કેશુએ ફરી કહ્યું :

"અત્યારે આમ પડવાનો વખત છે ?"

વહુ ઘેનમાં ને ઘેનમાં આંખો મીંચી ગઈ.

બા દિલથી દુષ્ટ નહોતાં. બાની દયામાયાનાં બિંદુ શોષી જનાર દાનવ હતો સમાજ. એણે ફરીવાર મેડી નીચેથી પૂછ્યું : "કેશુ ! વહુને ગરમ ઉકાળો પાવો છે, ભાઈ ! મારી પાસે ચપટીક ચીંથરીમાં બાંધ્યો છે. ચૂલો કરું ?"

"કાંઈ નહિ, બા; રાત કાઢી નાખીએ."

[3]

અગિયારમા દિવસની તૈયારીને ઓળખાવવા માટે ’હડેડાટ’ એ એક જ શબ્દ પૂરતો થઈ પડશે. હડેડાટ મોટા તાવડા, કડાયાં, તપેલાં, ચોકીઓ, પાણી ભરવાના ઢોલ ને દાળ ઉકાળવાનાં દેગડાં ન્યાતને ડેલે હાજર થયાં. ઘીના ડબા ખરીદાયા. અનાજના કોથળા, ખાંડની બોરીઓ, કેસર, એલચી વગેરે માટે દોડાદોડ થઈ રહી. માધાકાકાની સાથે જેઓને દસ વરસથી બોલ્યા વહેવાર પણ નહોતો, અને કંકુમાને પૈસાનું શાક પણ જેઓ નહોતા લાવી આપતા, તે જ કુટુંબીઓ આજ સવારથી ભાઈ કેશુની પડખે ખડા થઈ ગયા. "દીકરા, જે કામ હોય તે ચીંધજે, હો ! ખડે પગે હાજર છીએ." "અરે, એમ ચીંધવા વાટ શી જોવી ? હાથોહાથ કરવા માંડીએ !" "લ્યો, હું ઘીના ડબા ખરીદી આવું : કૂરિયા જેવું ઘી !" "ખાંડ અમારા ભાણેજની દુકાને અસલ માલ છે." "જો ન્યાતના મોઢામાં સારો સબડકો દેવો હોય, તો તુરદાળ ફૂલાભાઈને હાટે વન નંબર છે." એમ લાગતાવળગતાને ખટાવવાની જિકર થવા લાગી. કેશુભાઈને પૂછવા પણ કોઈ રોકાતું નથી. પીતાંબર ભાઈજી બધો આંકડો પરબારા જ ચૂકવવાના છે. બા બિચારાં સારો અવસર થોડાક સારુ બગડી જાય એ બીકે ચૂપચાપ છે. તે સિવાય એને તો આજ, કાલ ને પરમનો દિવસ - એ ત્રણ તો છાતી છૂંદી નાખવાના દિવસો છે. એને ક્યાં ફુરસદ હતી ? મહેમાનોનાં ધાડાં ઊતરવા લાગ્યાં હતાં.

રાતના બાર વાગતાં સુધી બજાર જાગતી હતી. છોકરાંને પણ પિતાઓ જાગરણ કરાવતા હતા. અધરાતે સાદ પડ્યો કે, "હાલો લાડવા વાળવા. ઘાણ થઈ ગયો છે."

પચાસેક જણાં ભેળાં થઈ ગયાં. "એલા કંદોઈ ! માલ કેવોક બનાવી જાણછ ! જોજે હો, છૂટે હાથે વાવરજે: હાથ ચોરતો નહિ. કેશુની શોભા વધે એમ કરજે." એમ કહી કહી કાકા-બાપાઓ માલની ચાખણી પર ચડ્યા. છોકરાંને ઠાંસોઠાંસ ખવરાવ્યું, અને ખોઈમાં પણ મીઠાઈ પકડાવી ઘેર વિદાય કર્યાં કે "માળાં રેઢિયાળ ! સમજે જ નહિ કાંઈ ! જાવ, હવે ફરી આવ્યાં છો તો કાન ખેંચી કાઢશું." પછી ડેલા સુધી જઈને ધીરેથી કહેતા કે "સવારે પાછી વે‘લી આવજે. હો નવલી ! ઘેર શિરાવતી નહિ."

કેશુના મોંમાં જીભ નહોતી રહી, કેમકે એક વાર એનાથી કહેવાઈ ગયું હતું કે, "કૂરજીકાકો કામમાં તો મદદ કરાવતા નથી, ને નાસ્તામાં સહુથી મોખરે આવે છે." બસ, આટલા વેણથી કૂરજી એવો તો રિસાયો હતો કે, કુટુંબ આખું વીફરેલું. કૂરજી બોલતો જતો હતો કે, "પૂળો મૂકોને એના કારજમાં ! નવી નવાઈનો પરદેશથી રળી આવ્યો છે ! મને ચોર કહ્યો ! હું શું એના લાડવા ચોરી ગયો ! એ શાહુકાર ને હું ચોર ! એનાં સાટાજલેબીમાં કીડા પડજો કીડા !"

અવસર બગડી જાત. પણ કંકુમા મોંમાં ખાસડું લઈને કૂરજીકાકાને મનાવી લાવ્યાં. કેશુની જીભ ચૂપ નહિ રહે એમ સમજીને પીતાંબર ભાઈજીએ એને "વહુ માંદાં છે, માટે જા : ત્યાં પાસે રહે" એમ કહી ઘેર મોકલી દીધો.

પછી હડેડાટ વરો હાલ્યો.

"બા ! તમારી પાસે કાંઈ ખરચી છે ? એકાદ -બે રૂપિયા આપો ને ! આ માંદી સારુ જૂનાગઢથી મોસંબી મંગાવવી છે."

"ખરચી તો મારી પાસે હવે ન મળે, ભાઈ ! કારજમાં ચીજવસ્તુ જોવે તે સહુ બે આના ચાર આના કરી કરી લઈ ગયા. પાછું આ કાણિયાં સહુ આવ્યાં છે, તેનાં ગાડાંના બળદ સારુ ને ઘોડા સારુ ખડ-ખાણ મારી ખરચીમાંથી જ લેવાણાં છે."

"ત્યારે શું કરશું ! પીતાંબર ભાઈજી પાસે જાઉં ?"

"બેટા, અટાણે ત્યાં કારજની જણશો લાવવાનો દેકારો બોલતો હશે, ને તું અટાણે ઘરણ ટાણે સાપ કાં કાઢી બેઠો ?"

"બા, વહુના નાકની ચૂંક છે. ક્યાંક મેલીને રૂપિયા લઈ આવું ?"

"ભાઈ, સૌભાગ્યની ચૂંક તે ક્યાંય વેચાતી હશે ? તું જરાક તો સમજ ! અને અટાણે ભરમ ફોડવા કાં ઊભો થયો ? બધુંય કર્યું કારવ્યું ધૂળ થઈ જાશે. આ છોકરીઓ રઝળી પડશે. એક દી ખમી ખા. ઈશ્વર સારાં વાનાં કરશે. વિમુડીનાં ભાગ્ય ઊજળાં હશે, તો તારે મોસંબી મોસંબી જ વરસી રે‘શે !"

"એવું તે શું છે, બા ? ફોડ તો પાડો !"

બાએ બબલા શેઠની વાત ઇશારે સમજાવી. કેશુનો શ્વાસ ઊંચે ચડી ગયો.

દરમિયાન ડેલે સહુના જીવ અધ્ધર થઈ ગયા છે. ન્યાતનાં હજાર માણસ થાળી ઉપર બેસી ગયાં છે. પીરસવાની તૈયારી છે. તે વખતે રંગમાં ભંગ પડી જાત. પણ ડાહ્યા આગેવાનોએ અણીને ટાણે ઉગાર કરી લીધો. વાત આમ હતી: ખબર આવ્યા કે કુટુંબમાં ધના ઓઘડનો જુવાન દીકરો ક્ષયની પથારીએ અંતકાળ છે. આગેવાનો એકબીજાની સામે ટગરટગર જુએ છે, ત્યાં તો એનું કાળું મોઢું લઈને બીજો એક જણ આવ્યો, ને કહ્યું કે "મામલો ખલાસ છે."

"ઠીક, હવે ચૂપ !" ભવાન અદાએ આંખનો મિચકારો કર્યો. "હવે ધનાને જઈને કહી આવો કે ભલો થઈને વાત દાબી રાખે. એની વહુ છે ડાયલી; માંડશે રાગડા તાણવા. માટે કે‘જો કે મૂંગી મરી રહે ને મડદું ઢાંકી રાખે. કે‘જો - ચૂંચાં ન કરે: નીકર નાત આખીના નિસાપા લાગશે. અને માંડો ઝટ પીરસવા. એલા મઘરા બાંઠિયા, ઝટઝટ કાકડી વઘારી નાખ. તેલ સમાયે મૂક્ય. ક્યાં તારા બાપનું વરે છે ! ઝટ મરચાં વઘારિયાં કરી નાખ. એલા, કઢીને હવેજ કર્યો કે નહિ ? ઓલ્યા ઓધા કંદોઈને કહો - ઝટ ઝટ ચાલાકી રાખીને ભજિયાનાં ઘાણ ઉતારે !" એમ ચીવટથી કામ લેવાયું. અદા ખડી ચોકી રાખીને ઊભા રહ્યા. સહુને તાણ કરી કરી ખવરાવ્યું. કેટલાયનાં મોંમાં બટકાં દીધાં. એવો તો મો‘રો રાખ્યો કે કોઈને ગંધ પણ ન આવી કે કુટુંબમાં કંઈક માઠું બની ગયું છે.

"હાં, હવે ઝટ બોલાવો બાયડિયુંને ! અને ઓલ્યા મૂરખા ધનાને કહેતા આવજો કે હમણાં પ્રાણ-પોક ન મૂકે: ખબરદાર જો ઘરમાં કોઈ રોયું-કૂટ્યું છે તો !"

સ્ત્રીઓની પંગત પણ પતી ગઈ. અદા ખડી ચોકીએ જ ઊભા છે.

"હા, હવે દઈ આવો પીરસણાં ! દરબારમાં, કામદાર સા‘બને ત્યાં, ફોજદાર સા‘બને ત્યાં, અને કારકુનોને ઘરેઘરે, જ્યાં ન ખપે ત્યાં સીધાં ભરો."

એ પણ પતી ગયું. અદાનો તા‘ જ આટલું કરાવી શકે.

"પતી ગયું ? કોઈ ભૂખ્યું નથી ના ? તો બસ: હવે ભલે ધનો પ્રાણપોક પડાવતો."

"વરાનું કામ છે, ભાઈ ! છાતી રાખીયેં તો જ હેમખેમ પાર ઊતરે. અકળાયે કાંઈ કામ આવે ?"

સાંજ ટાણે સમગ્ર કુટુંબ ને ન્યાતના પુરુષો ધનાના છોકરાને દેન પાડવા લઈ ગયા. એ બધું કામ પણ એટલી જ બાહોશીથી લેવાયું. ધનો જ્યારે સૂનમૂન હૈયે દીકરાની બળતી ચિતા સામે ડોળા ફાડીને એકલો બેઠો હતો, ત્યારે બાકીના જ્ઞાતિજનો મરનારની ઉમ્મર વિષે ચર્ચા કરતા હતા. સહુનો નિર્ણય એવો થયો કે ત્રીસ વર્ષના જુવાનની વાંસે કારજ તો ન કરાય: ગોરણીઓ અને છોકરાં જમે.

પાંચમે દિવસે કેશુની માંદી વહુના છેલ્લા છડા અને ચૂંક વેચીને આકોલા પહોંચવાના પૈસા જોગવ્યા. તાવભરી પત્નીને ગાડામાં નાખીને જ્યારે એ સ્ટેશન જવા નીકળ્યો, ત્યારે ગામ-પરગામથી ભેગા થયેલા પચાસ બ્રાહ્મણોએ એના ગાડાની પાછળ દોડીદોડીને "હે સાળા ઓટીવાળ ! સાળાએ કુળ બોળ્યું ! સાળાની પાસે બામણને દેવા પૈસા નો‘તા ત્યારે કારજ શીદ કર્યું બાપનું ? જખ મારવા ? સાલાની બાયડી રસ્તામાં અંતરિયાળ જ રે‘જો !" એવાંએવાં બ્રહ્માસ્ત્રો છોડ્યાં.

ગામે પણ એ જ વાત કરી: "મૂરખે આટલા સારુ થઈને કર્યા-કારવ્યા ઉપર પાણી ફેરવ્યું."

બબલા શેઠનું વેવિશાળ તો વચ્ચેથી કોઈ બીજો જ ઝડપી ગયો, એટલે વિમુડી બિચારી ઠેકાણે ન પડી શકી.

એક મહિનો જવા દઈને પછી પીતાંબર ભાઈજીએ કંકુમાને કહેવરાવ્યું કે "મારા છોકરાઓને સંકડાશ પડે છે. નાનેરાની વહુ આણું વાળીને આવી ગયાં છે. એટલે કંકુવહુને કહો કે ત્યાંથી ફેરવી નાખે. આપણા એકઢાળિયામાં ઓરડી છે ત્યાં રહેવા આવી જાય."

થોડાક દિવસ પછી પીતાંબર ભાઈજીની ગાય વિયાણી, પણ વાછડી મૂએલી અવતરી. દીકરીઓનાં નાનાં છોકરાં માંદાં પડવા લાગ્યાં. વધુ શંકાનું કારણ તો ત્યારે પડ્યું, જ્યારે દીકરીનો ભાણો તાવમાં પડ્યો.

ખૂણો પાળતી ઘરડી વિધવા અમસ્તીયે ઘર-આંગણામાં આઠેય પહોર ને સાઠેય ઘડી કોને ગમે ? ઉપરાંત પાછો સહુને વહેમ ભરાયો કે કંકુમાનાં પગલાં સારાં નથી.

એક દિવસ કંકુમાએ કારજના ખર્ચનો હિસાબ ચોખ્ખો કરવાની વાત ઉચ્ચારી, એથી પણ ભાઈજીને ઓછું આવ્યું.

ટૂંકામાં, કંકુમાને એકઢાળિયાવાળી ઓરડી ખાલી કરવી પડી. નજીકમાં કોળી-ખેડૂતોનો પા હતો, ત્યાં ઊકા પટેલે એક ખોરડું કાઢી આપીને પોતાના જૂના ભાઈબંધ માધાભાઈનો મીઠો સંબંધ જીવતો કર્યો. ઉકા પટેલ ખેડૂત હતા, એટલે વનસ્પતિના જૂના, સુકાઈ ગયેલા રોપાને પણ ગોતીગોતી પાણી સીંચીને પાછો કોળાવવાનો એનો સ્વભાવ પડી ગયેલો. કંકુમા ને એનાં બે-તણ બાળકો પણ ઉકા પટેલની નજરે થોરની વાડ્યમાં રઝળતા પડેલા આંબાના નાના રોપ જેવા લાગતાં.

ન્યાતમાં ગિલા થવા લાગી કે, ડોશી જુવાન દીકરીઓને લઈને હલકા વરણમાં રહેવા ગયાં ! કેશુ ઉપર કાગળ પણ લખાયો કે, કંકુમાએ ખૂણો પાળવાનું મેલીને સીમમાં જઈ ખડની ભારીઓ તાણવા માંડી છે, એ કાંઈ કુળની રીત કહેવાય !

કંકુમા બિચારાં હજુય બાતમી મેળવતાં હતાં કે કેશુના બાપને ઓશીકેથી નાણાંની વિગતની ચોપડી કોણ ચોરી ગયો !