લખાણ પર જાઓ

મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૨૦. દરિયા પરી

વિકિસ્રોતમાંથી
← ૧૯. ગરાસ માટે મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
૨૦ .દરિયા પરી
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય-જીવન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


દરિયા પરી


"હિ, બહેન, વાવટા ઉપર તો બાનો ભરેલો રૂમાલ જ ચડાવશું. આજના શણગારમાં તો એનાં જ સંભારણાં હોય."

"મારી પેટીમાં બાએ પરોવેલો એક પડદો પડ્યો છે: આપણાં નામોની ભાત પાડેલો. એ લઈ આવું?"

"લઈ આવ જલદી. પણ જલદી જલદી, હો ! પેલી આવી પહોંચશે."

ઘરમાં બન્ને બહેનો તોરણ સારુ, ખીલીઓ સારુ ને હથોડી સારુ દોડાદોડી કરે છે. ઘરને શણગારી રહી છે. કોઈની બીક લાગતી હોય તેમ હાંફળીહાંફળી થાય છે. નાની બહેન પડદો લઈને આવી પહોંચી.

"હવે... નિસરણી?"

"નિસરણી શોધવાનો વખત નથી. લે, ચડી જા - મારા ખભા પર." એમ કહીને મોટી બહેને એક પગ વાળી પગથિયું બનાવ્યું. નાની ઊંચે ચડીને ડગમગ થતી ઘરનાં બારણાંની ઉપર બારસાખે તોરણ ચોડવાની ખીલીઓ મારવા લાગી. બન્નેનાં સુંવાળાં શરીર પર પરસેવો નીતરી ગયો. વાળ અને વસ્ત્રો વીખરાઈ ગયાં.

"કાં, તોફાની છોકરીઓ ! શું થાય છે !" એમ કહેતાં દાક્તર પરસાળે ચડ્યા. બન્ને દીકરીઓ દોડીને બાપુને હાથે બાઝી પડી. દાક્તરની ઉમ્મર ચાલીસેક વર્ષની હશે. કદાવર, ગૌરવરણા બદન પર હમણાં હમણાં શોષાઈને થોડી કરચલીઓ પડી છે. પ્રેમ-ઝરતી ઝીણી આંખો છે. આંખો જાણે ઓરડામાં બે પુત્રીઓ ઉપરાંત કોઈને શોધી રહી હોય તેવી સહેજ વિહ્વળ છે.

"કાં, બેટા!" બન્નેના ખભે હાથ મૂકીને દાક્તરે પૂછ્યું: "આ શું સર્કસ માંડ્યું છે! તમને આવડી મોટી છોકરીઓને બા વળી શાની આટલી યાદ-"

ઓચિંતા સાવધાન બનીને એણે જીભ કચરી; ધીરે અવાજે પૂછ્યું: "ઘરમાં કોઈ છે નહિ ને? જલદેવી છે અંદર?"

"ના, બાપુજી, એ તો - નવી બા તો - દરિયે નહાવા ગયાં છે. જુઓ તો, બાપુજી! અમે કેવી શોભા કરી છે! આ બધાં જ તોરણ ને પડદા બાના હાથનાં જ કરેલાં. પેલો ચંદરવો-"

"હા, એ તો તું પેટમાં હતી ત્યારે બાએ ભરેલો." દાક્તરને યાદ આવ્યું.

"અમે એ વાવટા પર ચડાવશું."

"વાહ! સરસ છે. પણ...બેટા, મને આ વરસોવરસ ઊજવવું નથી ગમતું. બધું ફરી સાંભરી આવે છે."

"બાને સંભારવું તમને નથી ગમતું, બાપુ?"

"નથી ગમતું - કેમકે નથી સહેવાતું." દાક્તરનું ગળું સહેજ ઝલાયું. એણે ખોંખારો ખાધો. "ને પાછું આ બધું ઘરમાં કંઈ સહુને ગમે એવું થોડું છે? કોઈને નારાજ કરવાથી ઊલટું ઘરમાં ગમગીની -"

"પણ આપણે બાની જન્મગાંઠની વાત કરશું જ નહિ, બાપુ ! આજે અમારા જૂના માસ્તર સાહેબ આવે છે ખરા ને, તેના સ્વાગતની શોભા કહીને ચલાવશું."

"હાં,બરાબર." કંઈક યાદ આવ્યું હોય તેમ પિતાએ ઉમેર્યું: "એને પણ એ સ્વાગત મીઠું લાગશે. બરાબર છે, નાનીની વાત બરાબર છે. તું ભારી દુત્તી છોકરી છે,હો ! મારા બંને ખાપરા-કોડિયા ભારી ખેપાન છે!" એમ કહીને એ માતાવિહોણી દીકરીઓની હડપચીઓ પોતાના બન્ને હાથે પકડીને બન્નેનાં મોં સાથે દાક્તર પોતાની આંખો મસળવા લાગ્યા. દસ વર્ષ પહેલાંની પોતાની સહચરી આજે જાણે ઘરમાં ફરીવાર સજીવન બનીને આવી જણાઈ. સોળ અને તેર વર્ષનાં બેઉ નમાયાં બાળકો બાપુના લાડમાં જનેતાના લાડલડામણનું સુખ પીવા લાગ્યાં. ત્રણેય જણાં જાણે કે નમાયાં હતાં. ત્રણેયને જાણે તે ઘડીએ એ અદીઠ જનેતા એકસામટાં ગોદમાં સંઘરતી ઊભી હતી.

એ ખાડીનું બંદર હતું. મોટો દરિયો ત્યાંથી થોડે દૂર હતો. દરિયાની દિશામાં બન્ને બાજુએ ઊંચા, કાળા ખડકની હારોએ, ધરતીની બે ભુજાઓએ જાણે કે સમુદ્રને પોતાના આલિંગનમાં લીધો હોય તેવી રીતે, એક બીજ-આકારની ખાડી રચી કાઢી હતી. દાક્તરના બેઠા ઘાટના, નાના, ઘાટીલા બંગલાની આસપાસ મોટું ચોગાન વીંટાયું હતું. દીવાલોની બહાર ખાડીનો રસ્તો હતો. રસ્તો નહાવાના ઘાટ પર લઈ જતો હતો. આ પહાડી શહેરના સમુદ્રનું પાણી અનેક રોગોને મટાડતું હોવાથી દેશ-દેશાવરનાં ઘણાં આજાર સ્ત્રી-પુરુષો આવતાં, અને સ્નાન કરી સાજાં થતાં. દરિયાનાં નીલાં પાણી અને ભૂખરાં વાદળની ભોંય વચ્ચે અબોલ ઊભેલી ખડકમાળા સવારે સોનાંના દેવળો જેવી જણાતી, ને સાંજે કોઈ પ્રલયમાં ગરક બની ગએલા પહાડોનાં પ્રેતો બેઠાં હોય તેવી લાગતી. ધીકતી પ્રેક્ટીસવાળા દાક્તર શહેરના દેવદૂત ગણાતા. ખડકમાળને છેક છેડે રહેતા ગરીબ ખારવાઓ અને 'ઢેઢિયા', 'શિયાળિયા' વગેરે નામના ટાપુઓમાં રહેતા માછીમારો વારંવાર હોડી લઈને દાક્તર સાહેબને દર્દીઓને જોવા તેડી જતા. આજે એવી જ એક 'વિઝિટ'માંથી દાક્તર પાછા આવેલ હતા.

ચોગાનના દરવાજામાં કોઈનાં પગલાંનો સંચાર થયો, અને દાક્તર એ તરફ વળ્યા. "ઓહો, માસ્તર સાહેબ! આવી પહોંચ્યા!" એમ કહી એ પગથિયાં સુધી જઈ મહેમાનને હાથ ઝાલી અંદર લાવ્યા. "છોકરીઓ, આ તમારા માસ્તર સાહેબ. મળો તો ખરી!" એમ કહીને એણે અંદરના ઓરડામાં ચાલી ગયેલી દીકરીઓને સાદ કર્યો. થોડી વાર પહેલાંની તોફાની બાળકો જેવી દીકરીઓ લપાતી લપાતી બહાર આવી, અને મહેમાનને નમસ્કાર કર્યા.

"બહેનો તો બહુ મોટી થઈ ગઈ!" એવા મહેમાનના ઉદ્ગારના જવાબમાં દાક્તરે કહ્યું: "ના રે ના, મારાં બચોળિયાં હજુ તો એવાં ને એવાં નાનાં જ છે. આવો આવો, આંહી લતા-મંડપમાં બેસીએ. ત્યાં પરસાળમાં બહુ ગરમી છે. તમે ઠીક આવ્યા, હો માસ્તર! મારે તમારી બહુ જરૂર હતી. આંહી ખૂણામાં પડ્યા છીએ, એટલે કોઈ કોઈ વાર સહેજ એકલવાયા જેવું લાગે છે."

"ત્યારે હવે અહીં ક્યાં સુધી પડ્યા રહેવું છે? ખાડીની બહાર નહિ નીકળો? અહીં જ જિંદગી કાઢશો?"

"જિંદગી તો અહીં જ નીકળવાની હવે. અહીં જન્મ્યા, અહીં ઊછર્યા, જે ચાલી ગઈ તેની સાથે સુખનો સંસાર અહીં ગાળ્યો - ને નવી આવી છે તેની સાથે પણ કિલ્લોલ કરું છું. ભાગ્યદેવીની એકંદરે કૃપા છે અહીં."

"નવાં તો...જલદેવી ને?"

"હા, મારી જલદેવી. હમણાં આવશે. દરિયે નહાવા ગઈ છે. ભલી રોજની સવાર, ને ભલો એનો દરિયો. એને તો હંમેશાં દરિયામાં ઝબોળાયે જ જંપ વળે. ગમે તે ઋતુ હોય, પણ દરિયામાં ખાબક્યા સિવાય એક દહાડોય ખાલી નહિ."

"બીમારી છે કંઈ?"

"ના ના, બીમારી તો ખાસ ન કહેવાય. પણ કેટલાંક વર્ષોથી સહેજ ઉત્પાતિયો જીવ રહે છે ખરો. મને કશી ગમ નથી પડતી. પણ દરિયામાં ખાબકવું એ એનો એક જ આનંદ છે."

"એ હું જાણું છું. નાનપણથી જ અમારા ગામમાં એ એની ટેવ હતી."

"ઓહો! તમે એના બાપના ગામમાં શિક્ષક હતા ત્યારના જાણતા હશો, ખરું? બસ, એ બાલ્યાવસ્થાની દરિયા પરની એની પ્રીતિએ જ એના મન પર ઊંડી અસર કરી છે. રોજ ઊઠીને દરિયો. અંદર, બસ, પડી જ રહે. અહીંના લોકો બિચારાં થોડાં સમજે છે! એ બધાંએ તો નવીનું નામ દરિયાપરી પાડ્યું છે ! પણ તમે હવે આવ્યા છો, ને એના બાળપણની જૂની વાતો યાદ કરાવશો, એટલે એને સુખ થશે; એની ગમગીની થોડી ઊડશે." દાક્તરનું મોં દીન બની ગયું.

"એમ? એવું માનવાનું કશું કારણ?" મહેમાન સહેજ ચમક્યા.

"કારણ છે, છે." સાંભળીને મહેમાનનો ચહેરો વધુ ઝંખવાયો.

એ વખતે "લો! તમે આવી પહોંચ્યા!" એવો રૂપાની ઘંટડી-શો મીઠો કંઠ સંભળાયો, અને મોટી આછી શાલમાં લપેટાએલા દેહવાળી નવી પત્ની અંદર આવી. એના ખભા પર ઢળકતા વાળની લટો હજુ નીતરતી હતી.

"આવો, પધારો, જલદેવી! હું પાછો આવી ગયો છું." એમ કહી કોમળ પગલે દાક્તર સામા જઈ પોતાની નવીને અંદર લીધી. બાવીસેક વર્ષની એની જુવાની હશે. દરિયાઈ સૌંદર્યભર્યા કુંભ-શો એનો દેહ હતો. સમુદ્ર પોતાનાં પ્યારાં હોય તેને પોતાને નીલે રંગે રંગે છે. એવી, સમુદ્ર-સ્નાન કરી કરીને શામળી પડેલી આ તરુણીની ચામડી એક વેળા ચળકાટ મારતી હશે. અત્યારે તો નિસ્તેજ હતી.

"તમે આજ ઢેઢિયા બેટમાં વિઝિટે ગયા હતા ને? સારું થયું કે સાજાનરવા પહોંચી ગયા. મારો જીવ ક્યારનો બળતો હતો." બોલતી બોલતી એ ભીંજાયેલી લટો ઝાપટવા લાગી.

"અરે, પણ આ મહેમાનને તો ઓળખ! જળની દેવી પૃથ્વીનાં પરિચિતોનેય ભૂલવા લાગી!"

જલદેવીએ પરોણાને નિહાળ્યો. ઓળખવામાં એકાદ પળ વધુ થઈ. "ઓહો! માસ્તર સાહેબ! અહીં ક્યારે આવ્યા?"

"હમણાં જ." પરોણો મીટ માંડીને આ જૂના પ્રિયજન સામે તાકી રહ્યો.

"કાં, જલદેવી!" દાક્તરે પૂછ્યું: "આજે તો દરિયાનું પાણી ચોખ્ખું ને શીતળ હતું ના?"

"ચોખ્ખું! અહીંની તમારી ખાડીનું પાણી કે'દહાડે વળી ચોખ્ખું અને શીતળ હતું! હંમેશા તાતું-તાતું અને જીવ વગરનું. ખરેખર, દાક્તર, અહીંની ખાડીનું પાણી માંદું છે."

"માંદું!" માસ્તર સાહેબને એ વિશેષણ વિચિત્ર લાગ્યું.

દાક્તર હસી પડ્યા: "જલદેવી! અમારા જગ-જાણીતા આરોગ્યજળને તેં પણ ભલું વિશેષણ લગાડ્યું! ઠીક ઠીક; જો, જલદેવી, મારે જરા કામ છે. હું દવાખાને જાઉં છું. તું આપણા અતિથિને થોડી વાર સંભાળજે."

દાક્તરને એવું કશું જ જરૂરી કામ નહોતું. એના અંતરમાં આજે પ્રસન્નતા હતી. જલદેવી તરફ સૂર્યના છેલ્લા કિરણની કુમાશે ઝલકાતી એક કરુણાભરી દૃષ્ટિ ફેરવીને એ ચાલતો થયો. મનમાં સુખ હતું કે, જલદેવી આટલાં વર્ષોથી જેને સારુ ઝૂરે છે તે મિત્રના એકલ-મેળાપમાંથી એને શાતા મળશે.

બે જણાં એકલાં પડ્યાં. જલદેવી કહે: "આ મારો લતા-મંડપ. દાક્તરે મારા સારુ પોતાને હાથે જ રોપેલો છે."

"તમે અહીં જ બેસો છો?" પરોણાએ પ્રારંભ કર્યો.

"હા, લગભગ આખો દિવસ અહીં જ ગાળું છું."

"દીકરીઓ?"

"દીકરીઓ પરસાળમાં બેસે છે. દાક્તર ઘડીક મારી કને, તો ઘડીક દીકરીઓ કને બેસે છે."

"કેમ એકલવાયાં રહો છો?"

"સહુને શાંતિ રહે છે. એકલતાની એકલતા, અને વળી સમાગમ પણ સહેજે નજીકમાં જ."

અતિથિની આંખો પીગળતી હતી. એને જૂના પ્રસંગો સાંભર્યા: "છેલ્લે આપણે મોતીનગરમાં મળેલાં, ખરું?"

"હા, દસ વર્ષ ઉપર."

"મેં કદી આ નહોતું કલ્પેલું."

"શું?"

"- કે તમે દાક્તરને પરણશો."

"ના, તે વેળા તો આ છોકરીઓની બા હયાત હતી ખરી ને?"

"તેમ ન હોત તો પણ તમે દાક્તરની સાથે જીવન જોડો એ કલ્પના જ થઈ શકતી નથી."

"કેમ? દાક્તર સાહેબ તો બાપડા બહુ ભલા, ભદ્રિક અને ખાનદાન છે. મારા પર બહુ મમતા રાખે છે."

"પણ છતાં એનું જીવન અને તમારું જીવન કેટલાં જુદાં છે! મેળ મળી શકે જ નહિ. આ શી રીતે બન્યું?"

"કંઈ નહિ. એ વાત જ ન ઉખેળીએ. ગઈ ગુજરી!"

"તમે એને મારી વાત કરી છે ખરી-મારી મૂર્ખાઈની?...મારું તમારી પ્રત્યેનું છેલ્લું બેવકૂફ પગલું-માગણી કરવાનું?"

"ના ના; પણ એ જાણે છે કે જગતમાં તમે એક જ મારા સાચા અને પરમ મિત્ર છે."

"ત્યારે આજે જીભ ખોલીને એક વાત પૂછું? તમે શા સારુ મને તરછોડ્યો?"

"માસ્તર, મારે જ તમને આજે એક વાત કહેવી છે. મેં જેને મૃત્યુ સુધી સંઘરી રાખવા ધારેલું તેને આજ તમારી પાસે ઠાલવવા માગું છું. એટલું જ કહું છું કે એ સમયે મારાથી તમને ‘ના’ સિવાય બીજો જવાબ આપી શકાય તેવું નહોતું."

"હા." અતિથિએ નિઃશ્વાસ નાખ્યો: "તમારા દિલમાં મારે માટે મિત્રતા સિવાય બીજું કશું જ નહોતું, તે હું જાણું છું."

"એટલું જ નહિ," જલદેવીએ ખડકની શિખરમાળાને ભેદી નાખે તેવી નજર ચોંટાડીનેએ ખડકોની પાછળ પડેલા અસીમ મહાસાગર ઉપર જોવા પ્રયત્ન કર્યો: "માસ્તર સાહેબ, તમે જાણતા નહોતા કે મારું અંતર ને મારો આત્મા તે વખતે બીજાને અપાઈ ચૂક્યાં હતાં!"

"તે વખતે? હોય નહિ. દાક્તરને તો તે વખતે તમે ઓળખતાં પણ ક્યાં હતાં?"

"દાક્તરની વાત હું નથી કરતી." જલદેવીનું હાસ્ય દરિયાની રૂપેરી માછલીના ઝલકાટ જેવું દેખાયું.

"પણ ત્યાં મોતીનગરમાં તો કોઈ એવો જુવાન નહોતો!"

"સાચું. પણ મારી તો એક અજબ ઘેલછા હતી: ન મનાય તેવી ઘેલછા." હજુ એની આંખો સાગરને શોધી રહી હતી. સાગરની આડે પહાડો હતા, ઝાડી હતી.

"તમે મને આખી વાત નહિ કહો? કહો, એક વાર કહી નાખો."

"એ આખી વાત અકળ અને અગમ છે. હું કેમ કરીને કહું?"

"મને પોતાને જ સમજાતું નથી, કે એ શું થઈ ગયું. પણ હું બંધાઈ ગઈ હતી, વચને બંધાઈ ગઈ હતી. મારો કોલ-એ કોલની વાત મેં દાક્તરને પણ નથી કરી. કહ્યું છે એટલું જ કે તે વેળા હું બીજાને કોલ દઈ ચૂકી હતી. વધુ કશું નહિ. તમને હું શું કહું? ગાંડપણ - એ બધું ગાંડપણ જ હતું. તમે મને ચસ્કેલી જ ગણશો."

"મને જરૂર કહો. હું કશું નહિ કહું."

અચાનક દરિયા ઉપર બંધાઈ રહેલા જલદેવીના દૃષ્ટિદોરને જાણે કે છેદી નાખતો એક જુવાન ચોગાનમાં આવતો હતો. માંદલા જેવો તોયે મધુર એનો ચહેરો હતો. હાથમાં ફૂલના હારતોરા હતા.

"જય જય જલદેવી!" કહીને જુવાને નમસ્કાર કર્યા.

"જય જય! કાં, બહેનોની પાસે આવ્યા છો ને? બહેનો અંદર હશે, હો!"

"નહિ, હું બહેનો પાસે તો સવારે જ ગયો હતો. અત્યારે તો તમારી પાસે જ આવેલો છું."

"હાં હાં! કેમ?"

"કલાકાર તરફની આ ભેટ ધરવા; તમારી જન્મગાંઠને પ્રભાતે."

"મારી જન્મગાંઠ?" જલદેવી અચંબો પામી. "કોણે કહ્યું?"

"સવારમાં બહેનોએ જ કહ્યું કે આજે બાની જન્મગાંઠ છે. માટે આ શણગાર -"

"હાં હાં, બાની જન્મગાંઠ! હવે હું સમજી. ઠીક ઠીક. કંઈ નહિ. બરાબર છે. લાવો લાવો ફૂલ. બહુ ઉપકાર થયો, હો!" બે-ચાર એકસામટી ઊર્મિઓનું વલોણું ચાલતું હોય એવી મહેનતે જલદેવીએ સુખનો ભાવ ધારણ કર્યો. "બેસો બેસો, કલાકાર! શી કલાને સાધવા માગો છો હવે!"

"શિલ્પીની કલાનેઃ મુલાયમ માટીમાં આકારો પ્રગટાવવાની કલાને. મનુષ્યની આંગળીનાં ટેરવાં લળી લળીને હોંકારો આપે એવી માટીના હ્રદયમાં હું મારા અનુભવો આંકીશ. અત્યારે જ મારી નજરમાં એક સાચું અનુભવેલું દૃશ્ય રમે છે. એને હું જીવતું કરીશ."

"એવું વળી શું છે?" જલદેવીએ મરક મરક થતા હોઠે, કલાકારને રીઝવતી પોતાની આંગળીઓની આસપાસ એક મોટી લટ વીંટાળી લટોમાં ગૂંચળાં પાડ્યાં.

"એ મારી ભવ્ય કૃતિ બનશે. એક દરિયાપરીને હું ખડક પાસે તરફડતી બતાવીશ; ઝૂરતી ને સ્વપ્ન જોતી બતાવીશ."

"દરિયાપરીને?" જલદેવી એના અર્ધઘેનમાંથી, સ્વપ્નાવસ્થામાંથી સફાળી જાગી ઊઠી. "શું દરિયાપરી? ઝૂરતી?"

"હા, કિનારે ધગધગતી રેતીમાં ઊભેલા એક કૂબામાં ઝૂરતી. જોજો, હું એને સ્વપ્નમાં હૂબહૂ ઝૂરતી બતાવીશ. દરિયાપરી એટલે એક ખલાસીની સ્ત્રી. ખલાસી દેશાવર ગયેલો; પાછળથી બાઈ એને બેવફા બની. બીજાને પ્યાર દીધો. ખલાસી દરિયામાં ડૂબી મૂઓ છે; પણ એ ઝૂરતી દરિયાપરીની પાસે, એની પથારી આગળ, એ ડૂબેલો ખલાસી અધરાતે આવીને ઊભો છે એવું હું ગોઠવવા માગું છું. દરિયામાંથી નીકળીને આવ્યો હોય એ રીતે એનાં કપડાં પણ ભીનાં, નીતરતાં બતાવીશ."

"ડૂબેલો ખલાસી? અધરાતે આવે છે?" જલદેવીની આંખોની કીકીઓ જાણે ઊલટી બનીને બહારને બદલે અંદર જોઈ રહી હતી.

"હા, વૈર લેવા સારુ ઘેર આવે છે. પણ એને હું સંપૂર્ણ સજીવન નહિ બતાવું. ફક્ત ઓળો બનાવીને ગોઠવીશ. તમને મારી આ કલ્પના પાયા વિનાની લાગે છે? નહિ, એ તો મારા અનુભવની વાત છે. હું મારી માટીમાં અસત્ય દોરવા નથી માગતો."

"મરેલો માણસ પાછો આવે એ તમારા અનુભવની વાત?" મહેમાને પૂછ્યું.

જલદેવીનું કૌતુક ભયાનક બનતું હતું. એ બોલી કે, "બરાબર. હું આખો બનાવ જીવતોજાગતો જોઈ શકું છું. મને એ આખી વાત કહો."

"હા, હું એક જહાજમાં જાપાન ગયેલો. જાવા ટાપુના એક બંદરે નાંગરેલું અમારું જહાજ વળતી સફરે ઊપડ્યું ત્યારે અમારા જહાજનો ટંડેલ બીમારીને બિછાને એ બંદરની ઇસ્પિતાલમાં જ રહી ગયો. તેને બદલે ત્યાં વસતા એક લંકાવાસીને લેવામાં આવ્યો."

"લંકાના વાસીને?" કોઈ સમજતું નહોતું કે જલદેવી આવી વાતમાં આશ્ચર્ય શા માટે બતાવી રહી છે. પણ એની ગરદન તો પસીને ટપકવા લાગી હતી.

"હા, રસ્તામાં એ જહાજની ઓરડીમાં એકલો જ બેઠો હતો. તૂતક પરના ટોળામાં એ નહોતો આવતો. તૃષાતુર જેમ પાણી ગટગટાવે તેમ એ આપણા દેશની ભાષા ભણી રહ્યો હતો. એક દિવસ એ નાખુદા પાસેથી જૂનાં છાપાંનો થોકડો લાવીને આપણું છાપું વાંચે છે. ઓચિંતો એ ચીસ પાડી ઊઠ્યોઃ આપણી બોલીમાં પોકાર્યું કે, 'હાય! હાય ! પરણી ગઈ ! મને કોલ દીધા પછી બીજાને પરણી ગઈ? ફિકર નહિ. હું આવું છું. તને લેવા આવું છું. નહિ છોડું.' આટલું બોલીને એણે એ છાપાની કાપલીના ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તો અમારું જહાજ દરિયામાં ડૂબ્યું. મેં માન્યું કે એ ડૂબી મૂઓ હશે. પણ પછી મને ખબર પડ્યા છે કે એ જીવતો નીકળ્યો. એ જીવે છે. કોઈ દિવસ એ બેવફાઈનો બદલો લેવા આવી પહોંચશે. આ બનાવમાંથી મેં કલ્પના પકડી છે. મારી પ્યારી માટી એને એક દિવસ સજીવન કરી બતાવશે. જોજો, વાટ જોજોઃ હસી ન કાઢતા. એ કૃતિ તો દેશભરમાં નામના કાઢશે. હા-હા-હા-હા, લો ત્યારે હવે હું જઈશ, હો!" હસીને એ ક્ષીણ દેહ ઊભો થયો.

"એક પલ ઊભા રહો. આવું ક્યારે બન્યું? કેટલો વખત થયો એ કન્યાને?" જલદેવીએ ગાલે આંગળી ઠેરવીને પૂછ્યું.

"બરાબર સાડાત્રણ વરસ. નથી મનાતું? કાંઈ નહિ. લો ત્યારે, જય જય."

કલાકાર ચેટક કરીને ચાલ્યો ગયો તે વેળા જલદેવી પરસેવે રેબઝેબ હતી. અકળામણ થતી હોય તેમ એ ઊઠી. "અહીં બહુ ગરમી છે" એમ કહી એ લતા મંડપની બહાર જઈ લાંબા શ્વાસ લેવા લાગી. દરિયાકાંઠાની સવારની શીતળ હવાનાં લહેરિયાં એનાં ફેફસાંને જાણે ઓછાં પડતાં હતાં. બન્ને જણાં ફરીવાર એકલાં પડ્યાં.

મહેમાન મિત્રે જલદેવીના મોં પર ગભરાટ જોયો. પણ એ આખી વાત સમજ્યો નહોતો. એણે આશ્વાસન આપવા માંડ્યું: "દેવી, તમારું દિલ એ વાતથી દુભાયું છેઃ ખરું? પણ એથી વધુની ધારણાય તમે શી રીતે રાખી શકો?"

"ધારણા?" જલદેવીના અંતર-તાર જુદી જ દિશામાં સંધાયા હતા: "ડૂબી મૂએલો માનવી એ રીતે પૃથ્વી પર પાછો આવે એવી ધારણા?"

"ઓહો, તમે પેલા પાગલ કલાકારની દરિયાઈ પરીકથાનો વિચાર કરો છો?"

"માસ્તર સાહેબ, છેક જ એ એક પાગલની પરીકથા નથી."

"હાં-હાં, ત્યારે તો એ મૂએલા ખલાસીની વાતે તમને ગભરાવ્યાં છે! સમજેલો કે ઘરનાં લોકોએ આજનો ઉત્સવ તમારાથી ગુપ્ત રાખ્યો તેથી - તમારા પતિ અને બાળકો એ જૂની સ્મૃતિની દુનિયામાં જીવે છે, અને તમને એમાં દાખલ કરતાં નથી, તેથી-તમે દુભાયાં હશો."

"ના રે ના, પતિના ઉપર મારી એકલીનો જ કબજો માગવાનો મને શો હક્ક હોઈ શકે? એમ તો એ બાપડાંને બધાંને હું પણ મારી સૃષ્ટિની બહાર રાખીને જ જીવી રહી છું ના?"

"ત્યારે શું તમને દાક્તર ઉપર ખરો પ્રેમ નથી?" અતિથિનો અવાજ ધીરો પડી ગયો.

"પ્રેમ તો અપાર છે. મારો પ્રાણ ઠાલવીને એને ચાહતાં શીખી છું. એટલે જ આ બધું આટલું ભયાનક - આટલું અગમ્ય અને અકલ્પ્ય - થઈ પડ્યું છે ના?"

"દેવી! તમે મને આજે તો તમારું દર્દ કહી નાખો."

"ના, આજે નહિ. કોઈ બીજે દિવસે વાત."

અંદરથી નાની દીકરીએ સામું જોયા વિના નીચે મોંએ જ સાદ પાડ્યો: "બા, બાપુજી આવી ગયા છે. તમને અને માસ્તર સાહેબને અંદર આવવા કહે છે."

બન્ને અંદર ચાલ્યાં. કપડાં ઉતારીને ઝૂલતા પાયજામા તથા પહેરણમાં શોભતા દાક્તર સામા આવ્યા: "બસ, હવે હું પરવારીને જ આવ્યો છું. હવે તમારી સેવામાં ખડે પગે હાજર છું, જલદેવી!"

"રહો, હું આવી!" એમ કહેતી જલદેવી પાછી લતામંડપમાં દોડી; ફૂલહાર ને તોરો લઈ પાછી આવી. નાની પુત્રી હર્ષે પોકારી ઊઠી: "ઓહો! અત્યારમાં આવાં સુંદર ફૂલ ક્યાંથી!"

બા કહે: "આપણા પેલા કલાકાર ભાઈ આપી ગયા." હસીને ઉમેર્યું: "આજે તો જન્મગાંઠ ખરી ને!"

દીકરીઓનાં મોં ઝંખવાણાં પડી ગયાં. મોટીએ નાની સામે નજર કરી. એ નજર બોલતી હતી કે, 'સવારે તેં જ ઉતાવળી બનીને કલાકારને સાચું કહી નાખ્યું હતું'.

આખી વાતને એટલેથી જ કાપી નાખવા પ્રયત્ન કરતા દાક્તર બોલ્યા: "હાં - એ તો કાંઈ નહિ - લો, ચાલો હવે."

"નહિ." જલદેવીએ કહ્યું: "ચાલો, છોકરીઓ, હું પણ તમારાં સહુનાં ફૂલોની સાથે બાને માટે આ મારી ભેટ ધરીશ." એમ કહી માયાળુ પગલે એ પરસાળમાં ગઈ. મેજ પર ફૂલ-છલકતો થાળ હતો. તેમાં પોતાના તરફથી હારતોરા ધર્યા.

દાક્તરની આંખોમાંથી આંસુ દડી પડ્યાં. બન્ને દીકરીઓ બીજા ઓરડામાં ચાલી ગઈ. મોટી બોલી: "બાપડીનું અંતર ભોળું છે, હો!"

"છે ભોળું!" નાનીએ અંગૂઠો દેખાડ્યો: "બાપુજીને નચાવવાના બધા ચાળા! અત્યાર સુધી લતામંડપમાં માસ્તર સાથે બેસીને એકલી કોણ જાણે શીય વાતો કરતી હતી! બાપુ આવે એટલે બધી વાચાળતા કોણ જાણે ક્યાં મરી જાય છે. માયલા ભેદની -"

"ચૂપ, ચૂપ! તું પાપમાં પડે છે, ગાંડી!"

"પાપ તો પાપ. બાકી, આપણે ને એને શું? એ આપણા માયલું માનવી જ નથી. એની ને આપણી દુનિયા જ જુદી છે. બાપાજી કોણ જાણે ક્યા પાપે એને આ ઘરમાં ઘસડી લાવ્યા છે. જોજે, એક દિવસ આપણી નજર સામે જ એ ગાંડી થઈ જવાની. એની મા પણ ગાંડી થઈને જ મરેલી."

"ભલી થઈને તું ચૂપ થા. બાપુજીને ખાતર તું જીભ બંધ રાખ."

"બળ્યું!"

[૨]

ખડકોની ધાર ઉપર એક નાની પગથી બંધાએલી છે. એ પગથી ઊંચેથી ધીરે ધીરે ઢોળાવ પકડીને તળેટીમાં સમુદ્ર તીરે ઊતરતી જાય છે. તળેટીમાં આરામ-ભવનો, સંગીતાલયો ને 'બૅન્ડ-સ્ટેન્ડો' બંધાયાં છે. હાથમાં હાથ પરોવીને પરદેશી પ્રવાસીઓનાં જોડલાં પગથી પર ચાલ્યાં જ આવે છે. એ પ્રવાહ તૂટતો જ નથી. વાયરામાં રંગરંગનાં વસ્ત્રો લહેરાઈ રહ્યાં છે, સંધ્યાકાળનો સૂર્ય દરિયામાં ઊતરતો ઊતરતો એ ખડકોનાં શિખરોને, ખાડીને, હારબંધ ઊભેલા ગુલમોરનાં ઝાડોને અને માળા તરફ ઊડી આવતાં પક્ષીઓને પોતાની આંખની છેલ્લી ગમગીનીમાં રંગતો જાય છે. આખરી શોભામાં હંમેશાં જે ઉદાસી જે રહેલી છે, તે નથી હસવા દેતી કે નથી પ્રાણ ઠાલવીને રડવા પણ દેતી.

દાક્તરે પત્નીને કહ્યું: "જોયાં! છોકરાં તો બંન્ને માસ્તરની અને કલાકાર ભાઈની સાથે દોટાદોટ ચાલ્યાં જાય છે, આપણે છેટું પડી ગયું."

"આપણે અહીં જ બેસીએ." જલદેવી બોલી.

"અહીં બાંકડો અલાયદો છે."

"ના, અહીં ખડકના પથ્થરો પર બેસવું જ ઠીક પડશે."

"આખરે દરિયાનો જીવ ખરો ને! પાણી ભાવે, ને પથ્થર ભાવેઃ ખરું?"

"ખરું. આવો, અહીં બેસીએ. મીઠી એકાંત છે."

"હા. ને આજ થોડી વાતો કરી નાખીએ."

"વાતો વળી શાની?"

"પહેલાં તારી, ને પછી આપણી બન્નેની, વહાલી દેવી! હવે આપણું ગાડું આમ નહિ જ ચાલે એમ મને ખાતરી થઈ છે."

"તો હવે શું કરશું?"

"પરસ્પર પૂર્ણ વિશ્વાસનું, ખુલ્લા દિલનું, અગાઉના જેવું સહજીવન."

"હા! હા!" જલદેવીએ નિઃશ્વાસ મૂક્યો: "ઘણુંયે ઇચ્છું છું કે એમ બને. પણ હવે તો એ અશક્ય જ બની ગયું."

"હું એ સમજું છું. તારા કેટલાક ઉદ્ગારો પરથી -"

"ના ના, તમે નથી સમજતા - કશું જ નહિ."

"જલદેવી! હું સમજું છું. તારા જેવી નિખાલસ દિલની જુવાન સ્ત્રીને માટે બીજવરની પત્ની બનવામાં હ્રદયનો મેળ ન જ મળી શકે."

"શાથી એમ માન્યું?"

"મને મનમાં એમ થયા જ કર્યું છે. આજે એ વધુ સ્પષ્ટ બન્યું. મરનાર સ્ત્રીના ઉત્સવમાં હું ભળ્યો તે તને ન ગમ્યું. પણ હું શું કરું? માણસ પોતાના ભૂતકાળને એમ સહેલાઈથી નથી ભૂંસી શકતો - હું તો નહિ જ ભૂંસી શકું."

"હું સમજું છું: ન જ ભૂંસી શકાય."

"તમને એમ લાગ્યા કરે છે, દેવી, કે મારું હ્રદય મરનારની ને તારી વચ્ચે વહેંચાયેલું છેઃ જાણે છોકરીઓની બા હજુય મારા જીવનમાં અંતરીક્ષે રહીને રસ લઈ રહી છે. એટલે તું મારી સાથે છેલ્લાં અઢી વર્ષથી દેહસંબંધ નથી રાખી શકતીઃ ખરું?"

શાંતિ સાચવીને જલદેવી પથ્થર પરથી ઊઠી બોલીઃ "ત્યારે શું તમે મારા અંતરમાંનું બધું જ આરપાર જોઈ લીધું છે એમ તમને લાગે છે?"

"આજે તો છેક તળિયા સુધી જોવાઈ ગયું."

"ના ના, દાક્તર! તમે બધું જ નથી જોઈ શક્યા."

"હું જાણું છું કે હજુ બાકી છે."

"બાકી છે એ જાણો છો?"

"હા. તને આ સ્થળ, આ વાતાવરણ, આ દુનિયા જ અસહ્ય થઈ પડ્યાં છે. આ ડુંગરા જાણે તારી છાતી પર ચડી તને છૂંદી રહ્યા છે. આ ખાડી, આ હવા - આ બધું તને સાંકડું દેખાય છે. ઊંચે આકાશ પણ જાણે કે તારે જોઈએ તેટલું પૂરું પહોળું નથી. હવામાંયે જાણે તારા શ્વાસ ગૂંગળાય છે."

"સાચું છે. દિવસ ને રાત, શિયાળો અને ઉનાળો - એ બધાંનો ભાર મને ચગદે છે. મને જાણે દરિયો બોલાવ્યા કરે છે."

"માટે જ મેં નક્કી કર્યું છે કે દરિયાનું બિચારું બીમાર બાળ પાછું પોતાને દરિયાઇ ઘેર જવાનો સમય પામે."

"એટલે તમે શું કહો છો?"

"કહું છું એમ, કે આપણે અહીંનો વસવાટ છોડીને ક્યાંઈક દરિયામાં, કોઈ તારું હૈયું ઠરીને બેસે એવા દરિયાઈ સ્થાને, રહેવા જાશું. ત્યાંના સ્થળફેરથી તને શાતા વળશે. તારું શરીર આરામ પામીને નવું લોહી મેળવશે. મેં એ ચોક્કસ કર્યું છે. અહીંનો વહેવાર હું સંકેલવા પણ મંડી ગયો છું."

"તમે ધરતીના જીવઃ તમારું મારી સાથે શું થશે? ના ના, હું તમારા જીવતરનો નાશ કેમ કરું?"

"નાશ નહિ થાય. તારી સાથે હું ગમે ત્યાં - ઉત્તર ધ્રુવમાં પણ - સુખ પામીશ. વળી, તને - મારાથી અત્યારે લાખો જોજન દૂર પડી ગયેલીને - હું પાછો મારા હૈયા સુધી લાવી શકીશ. તને ખોવાયેલીને હું ફરી પ્રાપ્ત કરીશ."

ધીરે રહીને નમેલાં પોપચાં પ્રયત્નપૂર્વક ઊંચાં કરીને, એક વાર પતિની સામે નિહાળી લઈ જલદેવી નિષ્પ્રાણ સ્વરે બોલી: "મને પાછી મેળવવાનું - અરેરે! તમારાથી એ નહિ થઈ શકે. એ જ વાત મારા હ્રદયને ચીરી રહી છે. તમને મારે હવે આજ તો સીધેસીધી બધી વાત કહી નાખવી જ જોઈએ. બધું મોઘમ રહેવાથી ગોટાળો વધે છે, ને મારે ખાતર તમારું સત્યાનાશ નીકળવા બેઠું છે."

"તારે જે કહેવું હોય તે કહી દે."

"અહીં પાસે આવો; બેસો."

"બોલો, ચાલો."

"તમે તે દિવસે મારા બાપુને ઘેર આવીને મારી માગણી કરી. તમારો આગલો સંસાર સુખી હોવાથી નિખાલસ વાતો કરી. એ બધું યાદ છે?"

"શબ્દેશબ્દ યાદ છે. મારો આગલો સંસાર સાચેસાચ બહુ -"

"નાના, એ મુદ્દો મારી વાતનો નથી. પણ મેં તમને કહેલું કે, મારા પૂર્વસંસારમાં પણ એક પ્રેમપ્રસંગ કંઈક જીવન-જોડાણ - જેવું હતું, એ યાદ છે?"

"જીવનના જોડાણ જેવું? હશે. પણ અત્યારે એ વાતને ઉખેળવાની શી જરૂર છે? હું એ નામનું પણ અનુમાન કરી શકું છું. માસ્તર -"

"ત્યારે એ નામ સાચું નથી. તમે ભૂલ્યા છો. માસ્તર તો ફક્ત મારા માયાળુ મિત્ર જ હતા."

"માસ્તર નહિ? બીજો કોઈ?" દાક્તરની વ્યાકુળતામાં ભોંઠામણ તેમ જ નિરાશા દેખાતાં હતાં. "દેવી! માસ્તર તારા જૂના બંધુજન હોવાથી એનો ફરી મેળાપ તને ખીલતી બનાવશે એ આશાએ તો મેં એને અહીં તેડાવ્યા છે."

જે પતિને પોતે ચાહી ન શકતી, તેના દિલની આવી ઉદારતા દેખીને જલદેવી અંદરથી ચિરાઈ ગઈ.

"ત્યારે બીજો કોણ? ત્યાં એવો કોઈ જુવાન તો નહોતો."

"એવો કોઈ ત્યાં નહોતો, ખરું; પણ અમારા ગામને ખોળે જાપાન તરફનું એક મોટું જહાજ પડેલું મરામત માટે એ યાદ છે? એનો સિંહાલી ટંડેલ યાદ છે? મારું પહેલું વેવિશાળ એની સાથે થયું હતું."

"તું આ શું કહે છે, દેવી! એ અજાણ્યા પરદેશીની સાથે તારું વેવિશાળ? એની સાથે તારો પરિચય ક્યાંથી? એકબીજાનાં જીવનની ઓળખાણ ક્યાંથી?"

"કશું જ નહિ. બધું નજીવું. પરિચય ટૂંકો. દરિયે હું ફરવા જતી, ને અમે બેઉ વાતો કરતાં. હું એટલું જ જાણી શકેલી કે એ અસલ લંકાનો વતની, પણ નાનપણથી જ દરિયાઇ સફરે ગયેલો: દેશવિદેશ દીઠેલા. બીજી ઝીણી માહિતીમાં અમે ઊતર્યા નહોતાં. વાતો કરતાં, પણ માત્ર દરિયાનાં જળચરોની, દેવમાછલીઓની, જળઘોડાની, નાગકન્યાની, જળ-કૂકડીઓની, ભયંકર ટાપુઓની, ભાતભાતના સૂર્યાસ્તોની, વાંવાઝોડાંની, ડૂબતાં વહાણોની. સાંભળી સાંભળીને હું એને નિહાળતી. દરિયો અને એ બેઉ એકાકાર બનેલા દેખાતા. મને એ જળદેવતા જણાતો. એની આંખો - હા, એની આંખો - મને મારી ઇચ્છા જાણે ખેંચ્યા કરતી. અમે એક દિવસ એકાંતે મળ્યાં. એણે પોતાની ચાવીઓના ઝૂડાની વાળી કાઢીને મારી આંગળીઓમાંથી કાઢી. બન્ને વીંટીઓને પેલી વાળીમાં પરોવીને મને કહ્યું કે, 'જો, આ દરિયાની સાક્ષીએ આપણે બેઉ જોડાઈએ છીએ'. એટલું કહીને એણે ખૂબ જોરથી એ વીંટીઓ પરોવેલી વાળીનો ઘા કર્યો. દરિયાનું પાણી પાતાળ જેટલું ઊંડું હશે ત્યાં એ વીંટીઓ જઈ પડી અને ડૂબી ગઈ." એટલી કથાને અંતે જલદેવીની મીટ પાછી દરિયા પર મંડાઈ.

"તેં શા સારુ આવું કરવા દીધું, દેવી?"

"કોણ જાણે. મને ખબર નથી. પણ સારું થયું કે એ ચાલ્યો ગયો. પછી મને ભાન આવ્યું. એ બધી મૂર્ખાઈ પર હું હસી પડી. મેં એને કાગળ લખ્યો કે, તારે ને મારે કંઈ નથી. લાંબે દહાડે એનો કાગળ આવ્યો. એ કાગળમાં મારા વિષે કશો ઇશારો જ ન મળે: જાણે સંબંધ તૂટ્યો જ નથી! એક જ વાત લખેલી - ઠરેલે અક્ષરે, સમતાથી લખેલી કે, 'હું પાછો તને લેવા આવવાનો જ છું. મારી વાટ જોજે'. મેં ફરીને લખ્યું - વધુ મક્કમ શબ્દે લખ્યું - કે, તારે-મારે કાંઈ નથી'. પણ એનો જવાબ તો એ-નો એ જ: 'આવું છું. વાટ જોજે.' એક રુમસામથી, એક જંગમ બેટથી, ત્રીજો ચીનથીઃ એમ ત્રણ કાગળો મળ્યા."

"તારા ઉપર શું આ રખડુ પરદેશીએ જાદુ છાંટ્યું?"

"ઓહો! ભયંકર માણસ, દાક્તર! બહુ ભયંકર."

"તો, દેવી, હવે એ વાતને વીસરી જા. હવાફેરથી તને આરામ મળી જવાનો."

"ના ના, આરામ હવે મળશે નહિ. એ આશા રાખશો નહિ. હું એને મારા અંતર પરથી ઉખેડી શકતી નથી. આંહીં કે બીજે ક્યાંય - એ વશીકરણ અતિ ભયંકર ને અકળ છે."

"પણ હવે તો એ વાતને વર્ષો વીતી ગયાં. હવે શું છે?"

"સાચું. હું લગભગ ભૂલી ગઈ હતી. પણ એક દિવસ, ત્રણ વર્ષ પહેલાં એક દિવસ જાણે ઓચિંતો એ મારી સામે આવીને સદેહે ઊભો રહ્યો - બરાબર જ્યારે મારે બાળક અવતરવાનો સમય નજીક હતો ત્યારે જ."

દાક્તર ઘડી ઘડીમાં આવેશ બતાવે તેવા છીછરા નહોતા પણ એની ગંભીરતા તે ઘડીએ ખૂટી ગઈ: "દેવી! હવે મને ઘણું ઘણું સમજાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી તમે મારી પથારી તજી છે, શરીરસંબંધ છોડ્યો છે અને પરપુરુષની સ્મૃતિમાં જ પડી જઈ પારકાની માળા જપી પોતાનાને અવગણ્યો છે!"

"દાક્તર! ઓ વહાલા!" પોતે બેઠેલી તે પથ્થરને ઉખેડી નાખવા મથતી હોય એમ હાથ દબાવીને એ બોલી ઊઠીઃ "એવું ન બોલો. તમારા સિવાય મેં બીજા કોઈની કાળજી નથી કરી."

"ત્યારે શા સારુ મારી સાથેનો પતિ-પત્ની સંબંધ તેં બંધ પાડ્યો છે?"

"એ વાત ભયંકર છે - ન ઉચ્ચારી શકાય તેવી ભયંકર છે. શું કહું? છોકરો મરી ગયો તેની આંખોનો ભેદ તમને યાદ છે? એ ગેબી આંખો -"

"દેવી! એ તો કેવળ તારી ધગેલી કલ્પના જ છે. એવું કશું એ બાળકની આંખોમાં નહોતું. સાધારણ બાળકોના જેવી જ એની આંખો હતી."

"ના, દાક્તર, છોકરાની આંખો દરિયાના રંગપલટાની સાથે રંગો બદલતી હતી. ખાડી જ્યારે સૂર્યના તાપમાં ચળકતી પડી હોય, ત્યારે એની આંખોમાં પીળો કનકવર્ણો ઝલકાટ ઊઠતો. દરિયો જ્યારે તોફાને ચડતો ત્યારે એની આંખો ડોળાઈને ઘૂમાઘૂમ કરતી."

"હશે; પણ તેથી આપણને શું? એ બાપડો તો ચાલ્યો ગયો છે!"

"દાક્તર! નજીક આવો. વધુ કહું." પોતે પાસે જઈને પતિને ધીરે સાદે કહ્યું: "એવી જ આંખો મેં અગાઉ દીઠેલી છે."

"ક્યાં? ક્યારે? કોની?"

"મારા બાપુને ગામ, રોહિણી ટાપુ ઉપર, દસ વર્ષ પૂર્વે. એ જ પરદેશીની આંખો." "દેવી!" દાક્તરનું દિલ વલોવાઈ જતું હતું.

"હવે તમને સમજાશે કે શા માટે મારાથી તમારી સાથે સ્ત્રી-સંબંધ ન રાખી શકાયો: શા માટે હું ભયથી ત્રાસતી દૂર ને દૂર ભાગતી રહી. ફરીવાર એ આંખો મારાથી જોઈ ન શકાત."

[૩]

દાક્તરના ખુલ્લા, બહોળા મકાનને જાણે એક અદૃશ્ય દીવાલ વીંટળી વળી હતી. સુખનાં અજવાળાં એ દીવાલની બહાર ઊભાં ઊભાં અંદર આવવા છલંગો મારી રહ્યાં હતાં. ઘરમાં ચાર જણાં હતાં; પણ પ્રેતો વસતાં હોય એવું ભૂતિયું ઘર બન્યું હતું. હસમુખા ચહેરાઓ અરધું હસી હસીને પાછા કરમાઈ જતા. ગૂંગળાટ જાણે મુક્ત શ્વાસને રૂંધતો હતો. બન્ને દીકરીઓ માબાપનાં શૂન્ય, અગમ્ય મોંઢા જોઈને એકાદ નાના સ્મિતની રાહ જોતી.

*

આજે સંધ્યા છે. ઘરથી થોડે વધુ આઘે - પણ ખાડીની ઊલટી જ બાજુમાં - મોટાં ઝાડોનાં ઝાંખરાં નીચે મોટી પુત્રી અને માસ્તર ઊભાં છે. મોટી બોલે છે કે, "હું ક્યાં જાઉં? શી રીતે છૂટું, માસ્તર સાહેબ! બાપુજીનું શું થાય? નવી બા એની સંભાળ નહિ લઈ શકે. એને ધ્યાન નથી. એ તો ભૂલી પડેલી ગાય છે. બાપુ બિચારા પોતાની આસપાસ આનંદી ચહેરા જોવા ઉત્સુક રહે છે. હું અહીં નહિ હોઉં ત્યારે એ કોના ચહેરા સામે જોઈ આંખો ઠારશે? નવી બાની ગમગીની બાપુને ભરખી જશે."

"પણ અહીં તો દેશ-વિદેશો ભેગા થાય છે; આવો સપ્તરંગી સમુદાય મળે છે. એનાથી શા સારુ તમે તરતાં ને તરતાં રહો છો?"

"દુનિયા સાથે અમારે જાણે કશી સ્નેહગાંઠ જ નથી રહી. અહીંથી ભાગી છૂટવાનું મન થાય છે."

એ જ વખતે દૂરથી,

દરિયાના બેટમાં રહેતી,
પ્રભુજીનું નામ લેતી હું દરિયાની માછલી.
મને બારણે કાઢવી નો'તી: હું દરિયાની માછલી.

- એવું ગીત ગાતી ગાતી નવી બા ખડકોમાં ફરીને ચાલી આવે છે. એના આખા શરીરમાં તરવરાટ છે. કોઈ અકળ કારણસર ઉત્તેજીત થઈ હોય તેમ એ આવીને બોલી ઊઠી: "વાહ! અહીં સરસ છે, હો!"

"બેસો ને, જલદેવી!" માસ્તરે કહ્યું.

"ના ના, બેસવું તો નથી જ. ઊભવાનું ને દોડવાનું મન થાય છે. દરિયામાં દૂર પેલું ક્યું જહાજ દેખાય છે, ભલા?"

"ઉત્તર દેશનું જહાજ લાગે છે." પુત્રી બોલી.

"બોયા પાસે થઈને ત્યાં મછવા ઊભા છે તે ઠેકાણે અડધો કલાક રોકાશે. પછી પેલી બાજુ થઈને ખાડીમાં આવશે."

"અહીં રોકાશે?"

"હા, ખાડીમાં કિનારે એક જ દિવસ નાંગરશે."

"ને પાછું કાલે ચાલ્યું જશે, ખરું? અસીમ મહાસાગરની સફરે નીકળી પડશે. આહા! એ બધા મુસાફરોની સાથે જઈ શકાતું હોત! અસીમ સાગરમાં પૃથ્વી દેખાય જ નહિ. કેવું સુખ!"

"તમે કદી મોટી સફર કરી જ નથી શું?"

"ના રે ના, ખાડીમાં જ ફર્યા છીએ." પુત્રીએ નિ:શ્વાસ નાખીને કહ્યું: "આપણાં પનારાં જ સૂકી પૃથ્વી સાથે પડ્યાં, ત્યાં બીજું શું થાય!"

માસ્તરે કહ્યું: "ગમે તેમ તોય પૃથ્વી આપણું ખરું વતન છે, આપણી માતા છે."

"ના ના." જલદેવી બોલી ઊઠી: "મને તો લાગે છે કે લોકો જો પહેલેથી જ જળ ઉપર - અરે, જળની અંદર જળચરોની માફક - રહેતાં હોત તો વધુ સુખી થાત અને સારાં થાત. મને એમ થાય છે કે મનુષ્યો ધરતીને ટેવાઈ પડ્યાં છે, પરંતુ એનાં ઊંડાં અંતરમાં તો ઉદાસી અને છુટકારાની ઝંખના જ ભરી છે. જમીન સાથે જાણે સહુને જકડાઈ રહેવું પડે છે."

"એમ તો ન હોય. માણસો એવાં ઉદાસ ક્યાં દેખાય છે, જલદેવી? મોટે ભાગે તો, ઊલટાં, સહુ દુઃખને વીસરી જઈ લહેર ઉડાવે છે."

"એ લહેર મને તો આવતા દોહ્યલા દિવસોની એંધાણી જ લાગે છેઃ દૂર દૂર ચાલ્યાં આવતાં તોફાનનાં વાદળાં જેમ આ ચળકતી પડેલી ખાડી ઉપર થોડી વાર મધુરો વાદળી રંગ છવરાવે છે, ને થોડી વાર પછી એકાએક બધું કેવું કાળુંઘોર!"

"જલદેવી, તમે કેમ ગમગીન બની ગયાં! હજુ હમણાં તો તમે હસતાં રમતાં હતાં."

"કંઈ નહિ, કંઈ નહિ. એ તો જરા મારું ગાંડપણ છે." એમ કહીને જલદેવી ચારેય બાજુ ચકળવકળ જુએ છે: "દાક્તર ક્યાં ગયા? મને કહ્યું હતું છતાં હજુ કેમ ન આવ્યા? તમે ઝટ જશો? એને કહેજો કે ઝટ આવે; કેમકે હું હવે એને કલ્પનામાં જોઈ શકતી નથી."

"જોઈ શકતાં નથી?" માસ્તર તાજ્જુબ થયા.

"તમે સમજ્યા નહિ. ઘણી વાર એ જ્યારે મારી પાસે નથી હોતા ત્યારે હું યાદ કરી કરીને મથું છતાં એની મુખમુદ્રા મને યાદ જ ન આવે: જાણે એવું થાય છે કે હું એને ખોઈ બેઠી. એ દશા મને અસહ્ય થઈ પડે છે. ભલા થઈને ઝટ જાઓ ને!"

જલદેવી ઝાડની ડાળી ઝાલીને વ્યાકુળ ચિત્તે ઊભી રહી. માસ્તર ગયા તેની પાછળ "માસ્તર સાહેબ, હું તમને રસ્તો બતાવું..." એમ કહેતી, નવી બાથી ફાળ ખાતી મોટી બહેન પણ ચાલી ગઈ. નવી બાની સાથે એ ઝાંખરાં નીચે એકલાં ઊભાં રહેવામાં એને ભય હતો.

એકલી ઊભી ઊભી જલદેવી જાણે પોતે પોતાની સાથે ગુપ્ત વાતો કરતી હોય તેમ ગણગણતી હતી. એ સમયે ચોગાનની જાળીની બહાર ઝાડનાં સૂકાં પાંદડાં સળવળ્યાં. એક મુસાફર હાથમાં નાની બૅગ લઈને જાળીની બહાર ઊભો રહ્યો. જાળીની નજીક આવ્યો. અંદર ડોકાઈને બાગમાં નજર કરી. ઓચિંતી એણે જલદેવીને દીઠી. સ્થિર બની ગયો. નજર ચોડીને જલદેવીને નિહાળી રહ્યો. ધીરે સાદે બોલ્યો: "દરિયાપરી!"

ઝબકેલી જલદેવીએ ચોંકીને પછવાડે જોયું. પરદેશીને દીઠો. દેખતાં જ જાણે ઓળખાણ પડી હોય તેમ બોલી ઊઠી: "ઓ પ્યારા! આખરે તમે આવી પહોંચ્યા!"

"હા, આખરે આવી પહોંચ્યો છું, દરિયાપરી!" દરિયાના વમળમાંથી ઊઠે તેવો એનો આર્તસ્વર આવ્યો. એનું ડોકું હલ્યું.

એક પલમાં તો જલદેવી બદલી ગઈ. અવાજ ફાટી જાય એવી ચીસ પાડીને બોલી: "તમે કોણ છો? શા માટે અહીં આવ્યા છો? કોને શોધો છો?"

"હું ધારું છું કે તમને જ." ઠંડોગાર અવાજ મળ્યો. એ બે આંખોની મીટ અચલ હતી.

જલદેવી ધ્રુજી ઊઠી. પરદેશીની સામે તાકી રહી, ને પાગલની પેઠે બોલી ઊઠી કે, "એ જ આંખો!"

"આખરે ઓળખાણ પડવા માંડી ને! મેં તો તને એકદમ ઓળખી કાઢી, મારી દરિયાપરી!"

"તમે મારી સામે શા માટે તાકી રહ્યા છો? ડોળા ન કાઢો. હું હમણાં ચીસ પાડીને લોકોને બોલાવીશ."

"ચૂપ! દરિયાપરી! હું તને કશી જ ઇજા નથી કરવાનો: તું ગભરા નહિ."

જલદેવી પોતાના હાથ આંખો પર ઢાંકીને બોલી: "ભલા થઈને મારી સામે એમ તાકી ન રહો."

તારની વાડ ઉપર પોતાનું મોં ટેકવીને પરદેશી બોલ્યો: "દરિયાપરી! હું આ ઉત્તર દેશના જહાજમાં આવ્યો છું."

જલદેવીએ છાની એક દૃષ્ટિ નાખીને પૂછ્યું: "તમારે મારી સાથે શું છે?"

"મેં તને કોલ દીધેલો ને, કે હું વહેલો વહેલો આવી પહોંચીશ!"

"નહિ, અહીં હવે કદી ન આવશો. તમારી અને મારી વચ્ચે હવે શું છે તે? બધું જ સમાપ્ત થઈ ગયું છે, એ તો તમને ખબર છે."

જાણે કે એ જવાબને સાંભળ્યો જ ન હોય તેમ મુસાફર એ-ના એ ઠરેલા અવાજે બોલ્યો: "મારે આવવું તો હતું ક્યારનુંય; પણ આથી વહેલું ન બની શક્યું. ખેર! આખરે આવી તો પહોંચ્યો છું ને!"

"શા માટે? શા માટે? શા માટે તમે અહીં આવ્યા?"

"તને તેડી જવા માટે."

"મને તેડી જવા માટે? તમે જાણો તો છો, કે હું પરણી ગયેલી છું."

"જાણું છું."

"તે છતાં મને તેડી જવા આવ્યા છો?"

"બેશક, બેશક!"

"ઓ પ્રભુ! ઓહ! ત્રાસ!" એવું લવતી જલદેવીએ બે હાથ વચ્ચે માથું દબાવી દીધું.

"દરિયાપરી! તારે મારી સાથે નથી આવવું?"

"ના, ના, ના! કદી નહિ આવું-નહિ આવી શકું. મારામાં હિંમત નથી."

મુસાફર તારની વાડ ટપીને અંદર આવ્યો. નજીક જતાં જતાં કહ્યું: "દરિયાપરી! હું જાઉં તે પહેલાં તને એક વાત કહી દઉં."

એને નજીક આવતો દેખીને જલદેવી પોકારી ઊઠી: "દૂર રહેજો. પાસે ન આવતા. મને અડકતા નહિ. હું કહું છું કે મને અડકતા નહિ."

તોયે પ્રવાસી મક્કમ પગલે ધીરે ધીરે નજીક આવ્યો. બોલ્યો: "દરિયાપરી! તું શા સારુ મારાથી આટલી ગભરાય છે?"

"મારી સામે એમ આંખો રાખીને તમે ન તાકી રહો." એટલું બોલીને એ આંખોમાં કોઈ કાળ ભાળતી હોય એમ જલદેવીએ પોતાની આંખો આડે હાથ દાબી દીધો. "તું ગભરા નહિ: બી નહિ."

"દેવી! તારે બહુ રાહ જોવી પડી, ખરું?" એવો અવાજ દેતા દાક્તર કમાનની બાજુથી ચાલ્યા આવ્યા. હજુ એણે મુસાફરને દીઠો નહોતો. જલદેવી દોડીને દાક્તરને બાઝી પડી: "ઓ દાક્તર! મને આનાથી બચાવો!"

એણે આંગળી ચીંધાડી. મુસાફરની આકૃતિ અચલ ઊભી હતી. "કોનાથી? આનાથી?... કોણ છો તમે? શા માટે મારા બાગમાં દાખલ થયા છો?"

મુસાફરે જલદેવીની સામે આંગળી કરીને કહ્યું: "હું તો એમની સાથે વાત કરવા માગું છું."

"મારી સ્ત્રી સાથે શી વાતો કરવી છે તમારે?... તું એને ઓળખે છે, જલદેવી?"

"દાક્તર! એ પોતે જ પેલો - મેં કહ્યું હતું તે - મનુષ્ય છે."

"હાં હાં, પણ તમારે મારી પત્નીની સાથે શી નિસ્બત છે હવે? તમે જાણો છો ને, કે વર્ષોથી એ મને પરણી ચૂકી છે?"

"હા, મેં એ ત્રણ વર્ષ પર જ જાણ્યું."

"તમે શી રીતે જાણ્યું?" જલદેવીથી વચ્ચે પુછાઈ ગયું.

"જહાજમાં જૂનાં છાપાં વાંચતાં તમારા એ લગ્નની વાત જાણી."

"લગ્ન! હા, લગ્ન!" જલદેવીથી બોલી જવાયું.

"દરિયાપરી!" પ્રવાસીએ દાક્તરના અસ્તિત્વની પરવા કર્યા વિના જલદેવીને સંબોધન કર્યું: "મને અજબ લાગેલું. હું તાજુબ થયેલો; કેમકે પેલી બે વીંટીઓ - દરિયાપરી! એ પણ શું લગ્ન નહોતું!"

"ઓહ!" જલદેવીએ ચહેરો ઢાંક્યો.

"આટલી ધૃષ્ટતા કરનાર કોણ છે તું?" દાક્તરની આંખો લાલ બની. પણ પ્રવાસીએ એના તરફ નજર ન કરતાં જલદેવીને જ પૂછ્યું: "એ તું ભૂલી ગઈ શું?"

દાક્તરથી ન રહેવાયું. એણે પ્રવાસીની નજીક જઈ ઉગ્રતાથી કહ્યું: "તારે જે વાત કરવી હોય તે મારી સાથે કરવાની છે. બોલ, શા સારુ તું મારી સ્ત્રીની પાછળ પડ્યો છે?"

પ્રવાસીનો ઉચ્ચાર એક જ હતો: "મેં દરિયાપરીને વચન દીધેલું કે હું જેમ બનશે તેમ જલદી આવીશ; ને એણે પણ મને કોલ આપેલો કે પોતે મારી વાટ જોશે."

"તું શા માટે મારી સ્ત્રીને તુંકારે બોલાવી રહ્યો છે? અહીં અમારા સમાજમાં પારકાની સ્ત્રી સાથે એવી તોછડાઈની છૂટ નથી."

"હું એ બરાબર જાણું છું. પણ પ્રથમ દરજ્જે તો એ મારી જ છે."

"તારી? હજુ -"

જલદેવી દાક્તરની પછવાડે લપાઈ ગઈ; છુપાઈને બોલી: "એ મને નહિ છોડે - કદી નહિ છોડે."

દાક્તર: "તારી! એ તારી છે?"

વિદેશી: "તમને એણે મારી ને એની બે વીંટીઓની વાત નથી કરી?"

દાક્તર: "પણ એથી શું? એ વાતની તો સમાપ્તિ ક્યારની થઈ ચૂકી છે. તને એણે લખી પણ નાખ્યું હતું, એ તું જાણે છે."

પ્રવાસી: "પણ એણે અને મેં બંનેએ કોલ કીધા હતા કે અમારી એ વીંટીઓની વિધિને સાચા લગ્નની વિધિ જ સમજવી." જલદેવી વચ્ચે બોલી ઊઠી: "પણ મારે એ નથી ગણવી. હું કહું છું કે મારે એ કશું જ નથી જાણવું. મારી સામે એમ ન જોઈ રહો. હું નથી આવવાની - નથી જ આવવાની."

પોતાની ખીજમાં થોડો તિરસ્કાર અને ઠેકડી ઉમેરીને દાક્તરે કહ્યું: "આવી છોકરવાદી દાવે તું અહીં તારો હક્ક સાબિત કરવા આવ્યો છે? તારું ભેજું ઠેકાણે છે કે નહિ?"

"સાચી વાત. તમે કહો છો એ અર્થમાં તો મારે 'હક્ક' જેવું કશું ન જ હોઈ શકે."

"એટલે?" દાક્તર તપ્યા: "એટલે શું તું એને જોરાવરીથી લઈ જવા માગે છે?"

"ના. એમ કરવાથી શો લાભ? જો દરિયાપરી મારી સાથે આવવા ચાહતી હોય, તો તેણે મુક્ત મનથી જ આવવાનું છે."

"મુક્ત મનથી?" જલદેવી ચમકીને બોલી ઊઠી.

"ને તને હજુ વિશ્વાસ છે, એમ ને?"

"મુક્ત મનથી!" જલદેવી જાણે કોઈ મંત્ર રટતી હતી.

દાક્તર: "નાદાન! તારી અક્કલ ઠેકાણે નથી લાગતી. જા, તારે રસ્તે ચાલ્યો જા. તારી સાથે અમારે કશી જ નિસ્બત નથી."

પ્રવાસીનું તો આ બધી ઠેકડી કે ધમકી સામે લક્ષ જ નહોતું. પોતાના ધ્યાનમાં એ અવિચલ ઊભો હતો. એણે ખિસ્સામાંથી ઘડીયાળ કાઢીને જોયું. પછી થોડો જલદેવીની નજીક આવ્યો, ને બોલ્યો: "દરિયાપરી! મારે જહાજ પર જવાનો સમય થયો છે. મેં મારી ફરજ બજાવી છે: મેં તને આપેલો કોલ પાળ્યો છે. એટલે તારે હવે કાલની સાંજ સુધીમાં વિચાર કરી રાખવાનો છે."

"અહીં કશો વિચારબિચાર કરવાનો છે જ નહિ." દાક્તર ફરીવાર તપ્યા.

એની સામે નજર કર્યા વગર વિદેશીએ જલદેવીને કહ્યું: "અત્યારે તો હું જહાજની સાથે ખાડીમાં જાઉં છું. કાલે રાતે હું અહીં આવીને તને શોધીશ. તું અહીં બાગમાં જ ઊભી રહેજે; કારણ કે મારે તારી એકલીની સાથે જ છેલ્લી પતાવટ કરવી છે. સમજી, દરિયાપરી? અત્યારે તો હું રજા લઉં છું; પણ જોજે, હો, ભૂલતી નહિ: કાલે રાતે-"

"નહિ નહિ." જલદેવી વિનવણીના સ્વરે બોલી: "કાલે ન આવશો - અહીં કદી પણ ન આવશો."

એ જવાબની અવગણના કરીને પ્રવાસી જાણે પોતાનું આગલું વાક્ય પૂરું કરતો હોય તે રીતે બોલ્યો: "અને એ વખતે જો તારી ઇચ્છા મારી સાથે મહાસાગરે આવવાની હોય -"

"ઓહ! મારી સામે એમ ન તાકો." જલદેવી વચમાં જ બોલી ઊઠી.

વિદેશીએ અધૂરું વાક્ય આગળ ચલાવ્યું: "તો તું ઊપડવાને માટે તૈયાર રહેજે."

દાક્તરે જલદેવીને કહ્યું: "તમે ઘરમાં જાઓ."

"મારાથી નથી જવાતું: મારા પગ નથી ઊપડતા."

પ્રવાસીએ ઉમેર્યું: "યાદ રાખજે, દરિયાપરી! કે કાલે જો તું મારી સાથે નહિ આવે, તો પછી બધી વાતનો અંત સમજવો."

"અંત!" જલદેવીએ ધ્રુજતાં ધ્રુજતાં એની સામું જોયું. "સદાને માટે અંત?"

ડોકું ધુણાવીને વિદેશીએ કહ્યું કે, "હા; પછી તો, દરિયાપરી, કોઈથી એ નિર્ણય નહિ ફરી શકે. હું ફરી કદાપિ આ ધરતી પર પગ નહિ મૂકું. તું ફરી કદી મને મળી શકશે નહિ, ને મારા સમાચાર પણ તને પહોંચશે નહિ. પછી તો મને તારા પૂરતો તું મરી ગયેલો જ માનજે. માટે જે કરવું હોય તેનો શાંતિથી વિચાર કરજે. રજા લઉં છું."

એમ કહીને એ વાડ પાસે ગયો. ઠેકીને બીજી બાજુ ઊતરી ગયો. થોડી વાર સ્થિર ઊભો રહ્યો. છેલ્લું વાક્ય બોલ્યો: "દરિયાપરી! કાલે સાંજે સફર માટે તૈયાર રહેજે. હું તને તેડવા આવીશ."

ધીરે પગલે, શાંતિથી, કોઈની દહેશત વિના દરિયાકાંઠાની પગથી ઉપર એ પ્રવાસી ચાલ્યો ગયો. જલદેવીની નજર થોડી વાર સુધી એની પાછળ પાછળ ચાલી ગઈ. પછી જાણે સ્વગત બોલતી હોય તેમ એણે ઉચ્ચાર્યું: "મુક્ત મનથી! એણે કહ્યું, જોયું? એણે કહ્યું કે જો મારે આવવું હોય તો મુક્ત મનથી આવવું."

દાક્તર બોલ્યા: "દેવી! તું શાંત પડ. હવે શું છે? ખુદ તારા જ મોંએથી એણે સાંભળી લીધું કે એને ને તારે કશી નિસ્બત નથી. આટલેથી જ આખી વાત ખલ્લાસ થઈ જાય છે."

"ત્યારે...કાં તો કાલે, નહિ તો પછી સદાને માટે ખલ્લાસ. એ જહાજમાં મહાસાગરે નીકળી જશે પછી -!"

"પછી કશું નહિ, દેવી! આપણે છૂટ્યાં!"

"પણ કાલે એ આવશે તો?"

"તો તને એ મળી જ ન શકે એવું હું કરવાનો: હું એને પોલીસના હાથમાં સોંપાવીશ."

"નહિ નહિ, દાક્તર! એવું ન કરશો. હું એને પૃથ્વીનો કેદી નહિ બનાવું. એ તો છે અસીમ સમુદ્રનો જીવ: એને હું કેદી નહિ કરાવું."

"જલદેવી! હાય! ઓ જલદેવી! તને શું થઈ રહ્યું છે?"

"દાક્તર! મને મારા પોતાના મનનાં ભૂતોથી બચાવો."

"જલદેવી! આની પાછળ શું છે? કાંઈક છે ખરું?"

"છે, છે: ખેંચાણ છે, પ્રલોભન છે."

"હજુયે પ્રલોભન રહ્યું છે?"

"હા, એ માનવી જાણે કે સાક્ષાત્ દરિયો છે."

[૪]

એ આખી રાત દાક્તરે જાગતા ગાળી. એની દાક્તરી વિદ્યાએ જલદેવીનો રોગ જોઈને હાથ ધોઈ નાખ્યા. આખી રાત જલદેવી શાંત પડી હતી. પણ એ શાંતિના અતલતલમાં તોફાન હતું. એનો તલસ્પર્શ અશક્ય હતો. જલદેવી સમુદ્રની સૃષ્ટિનું પ્રાણી હોવાની એને ખાતરી થઈ. સમુદ્રના જીવો સમુદ્ર જેવું જ જીવન જીવે છે: સમુદ્રમાં ભરતી-ઓટ સમાન જ એ જીવાત્માઓની ઊર્મિઓના જુવાળ ચડે-ઊતરે છે. એવાં સમુદ્રવાસી પ્રાણીઓ કે માનવીઓ ધરતી પર ન ઊતરી શકે. એનાં મૂળ પૃથ્વીમાં ન બાઝે. મેં મોટી ભૂલ કરી. જલદેવીને ધરતી પર આણીને મેં પાપ કર્યું. હું માત્ર એના પરના પ્રેમને કારણે બીજું કશું જ વિચારી ન શક્યો. હું મારી ને એની વચ્ચેનું વયનું અંતર પણ ન વિચારી શક્યો. એને અહીં લાવ્યા પછી પણ મેં મારા સંસ્કારોનો વિકાસ ન આપ્યો: એ હતી તેવી જ મને વહાલી લાગી. આજ એ દરિયાનું જળચર જ રહી, ને હવે માછલી જેવી ઝૂરે છે. એનો પ્રાણ પેલા પ્રવાસીની પાછળ ધસે છે. એના અંતરમાં છૂપું વશીકરણ તોફાન મચાવી એને ચીસો પડાવે છે. શું કરું? એને જવા દઉં? તો મારું, એનું સહુનું શું થશે?

બીજે દિવસે જલદેવીએ પહેલી જ તકે કહ્યું કે, "આજે તમે ક્યાંય ટાપુમાં વિઝિટે ન જતા, હો કે!"

"ભલે, તું આજે નહાવા નથી ગઈ?"

"ના, આજે તો નહાવાનો સવાલ જ નથી. પણ, દાક્તર, આવો; આપણે ફરીને વાતો કરી કાઢીએ, બધું અધૂરું જ રહ્યું છે."

બેઉ ઘરમાં જ બેઠાં. જલદેવીએ વાત ઉપાડી: "આપણું દુર્ભાગ્ય હતું કે બીજાં કોઈ નહિ ને આપણે બે સંસારમાં જોડાયાં."

"એમ કેમ કહે છે?"

"સાચું જ કહું છું. એ જોડાણમાંથી - એટલે કે જે રીતે એ જોડાણ થયું તેમાંથી - વિષવૃક્ષ જ ઊગ્યું."

"બસ, તને એમ જ લાગે છે?"

"જુઓ, હવે આપણે એકબીજાંને ક્યાં સુધી છેતરશું? હવે તો સત્ય ન છુપાવીએ. સાચી વાત તો એ જ છે, કે તમે ત્યાં મારા પિતાને ઘેર આવ્યા અને મને વેચાતી લીધી."

"વેચાતી લીધી? વેચાતી?"

"હા; ને હું પણ તમારાથી ચડિયાતી નહોતી. મેં પણ સાટું કબૂલ્યું: મારી જાત વેચી."

"જલદેવી! આટલે સુધી કહી નાખવાની તારી છાતી ચાલી શકે છે? સાટું?"

"ત્યારે એને બીજું શું કહેશો? તમારાથી તમારા ઘરની શૂન્યતા - એકલતા - સહેવાતી નહોતી, ને તમે કોઈ સ્ત્રીની શોધમાં હતા: ખરું?"

"ખેર! તને ઠીક પડે તેમ કહે."

"તમે મને બે-ચાર વાર મળ્યા, વાતો કરી અને પછી મારી માગણી કરી. એથી વધુ મારી શી તપાસ તમે કરી હતી, ભલા? મને તમે ક્યાં પૂરી પિછાની હતી?"

"વારુ!"

"હું પણ અનાથ હતી. દિશાશૂન્ય હતી. એકલી ને અટૂલી હતી. મને પણ એકલતા ખાઈ જતી હતી. તમે આવ્યા. મને જિંદગીભર ભરણપોષણ આપવા વચન દીધું -"

"જલદેવી! મેં શું તારા ભરણપોષણની જ વાત વિચારી હતી? એથી ઊંચું કંઈ જ નહિ?"

"એથી ઊંચું ઘણું ઘણું. તેમ છતાં મારે એ નહોતું સ્વીકારવું જોઈતું - કોઈ પણ લોભે નહિ. મારે મારી જાતને નહોતી વેચવી જોઈતી - કોઈ પણ કિંમતે નહિ. એથી તો મારા મનની મુક્ત પસંદગીની હલકામાં હલકી મજૂરી અથવા ચીંથરેહાલ ગરીબી બહેતર હતી."

"ત્યારે શું આપણે સગજીવનમાં ગાળેલાં આ પાંચ-છ વર્ષનો કાળ તારે મન દુઃખમય જ નીવડ્યો ને?"

"ના, એવું ન માનતા, દાક્તર! મને તો તમે જીવ સાટે સાચવી છે. મને સુખી કરવા સારુ મનુષ્ય મથી શકે તેટલા તમે મથી છૂટ્યા છો; પરંતુ ખરી વાત એ છે કે મેં તમારા ઘરમાં મુક્ત મનથી પગ નથી દીધો."

"મુક્ત મનથી નહિ? હાં હાં, ગઈ કાલ સાંજના તારા એ શબ્દો મને સાંભરે છે."

"બસ, એ શબ્દોએ મારી જીવન-સમસ્યાને સ્પષ્ટ કરી આપી છે. હવે હું ગોટાળાની બહાર નીકળી ગઈ છું. હવે હું જોઈ શકું છું."

"શું?"

"કે આપણું ભેળાં રહેવું એ ખરેખરું લગ્ન નથી."

દિલમાં દાઝો પડતી હોય, એક પછી એક અંગારા ચંપાતા હોય, તેવી વેદના પામતા દાક્તર બોલ્યા: "હા, હવે આપણે જ જીવન જીવીએ છીએ તે ખરું લગ્ન નથી."

"હવેનું - અને અગાઉ પણ એમ જ. પ્રથમ પગરણથી માંડીને અત્યાર સુધી કદી જ એ સાચું લગ્નજીવન નહોતું. મારું પહેલાનું એ લગ્ન પરિપૂર્ણ અને સાચું લગ્ન બની શક્યું હોત."

"પહેલાનું એટલે ક્યું?"

"મારું - એની સાથેનું."

"હું તારું કહેવું જરીકે સમજી શકતો નથી."

"ઓહ! દાક્તર! હવે આપણે પરસ્પરને છેતરવાનું છોડી દઈએ. પોતાની જાતની છેતરપિંડી પણ હવે ન ઘટે."

"એટલે તારે શું કહેવું છે?"

"કહેવી છે એક જ વાત - કે મુક્ત મનથી આપેલો કોલ પણ લગ્નની ગાંઠ જેટલો જ બંધનરૂપ છે."

"પણ તું શું -"

"હું માગું છું, દાક્તર, કે મને મુક્ત કરોઃ મારો છુટકારો કરો!"

"જલદેવી! જલદેવી!"

"હા, છુટકારો માગું છું. ને કહી રાખું છું કે સરવાળે તો આપણાં બન્નેનાં જે રીતે જોડાણ થયાં છે તેને પરિણામે એ જ સ્થિતિ આવીને ઊભી જ રહેવાની."

પોતાની વેદનાને દબાવવા મથતા દાક્તરથી એટલું જ બોલાયું: "આખરે શું આ સ્થિતિ આવી પહોંચી, દેવી! હું તને ન જીતી શક્યો. પૂરેપૂરી ન જ પામી શક્યો."

"ઓ દાક્તર! તમને ચાહવાનું જો મારાથી બની શક્યું હોત, તો કેટલી આનંદ-ભેર હું તમને ચાહત! પણ હું બરાબર જાણું છું: એ કદી જ નહિ બની શકે."

"ત્યારે શું તું છૂટાછેડા માગે છે? કાયદેસરનો સંપૂર્ણ છૂટકારો?"

"તમે મને હજુયે ન ઓળખી ન શક્યા, દાક્તર! એ કાયદાની વિધિઓની મને જરીકે પરવા નથી. એ બધી ઉપલક બાબતોની શી જરૂર છે? હું તો એટલું જ માગું છું કે આપણે એકબીજાંને મુક્ત મનથી અરસપરસ છૂટા કરવાં."

"અને પછી? આપણાં બન્નેનાં જીવનની શી ગતિ થશે તેનો તેં વિચાર કર્યો છે, દેવી?" દાક્તરે પોતાના બંને હાથમાં પોતાના માથાના વાળ જકડી લીધા.

"એની કશી ફિકર નથી. ગમે તે થાઓ. ફક્ત એક વાર મને મુક્ત કરો: મારી સ્વતંત્રતા મને પાછી આપો - આજે ને આજે જ આપો. આજે એ આવશે, અને મારે એની સામે પરિપૂર્ણ મુક્ત માનવી તરીકે ઊભાં રહેવું છે. હું બીજાની બૈરી છું એ વાતની ઓથ લઈને મારે એને ના પાડવી નથી. એને તો મારે મુક્ત અને છેલ્લો નિશ્ચય કહેવો છે. મુક્ત દિલે મારે પસંદગી કરવી છે: કાં તો એને પાછો ચાલ્યો જવા કહેવું છે, ને કાં એની સાથે મારે ચાલી નીકળવાનું છે."

"એની સાથે? એ પરદેશીને પૂરો ઓળખ્યા વિના તું તારી આખી જિંદગી સોંપી દઈશ?"

"તમને પણ મેં ક્યાં પૂરા ઓળખ્યા હતા! ને છતાં તમારા હાથમાંય મેં મારી આખી જિંદગી સોંપી હતી ને?"

"પણ, દેવી, તે વખતે તો તારા ભવિષ્યનો તને ઝાંખો ઝાંખોયે ખ્યાલ હતો. ને આ માણસ તો કોણ છે, ક્યાંનો છે એ કશું જ તું નથી જાણતી." "નથી જાણતી તેથી જ એ ભયાનક છે. ભયાનક છે માટે જ મને ખેંચી રહેલ છે. એ અગમ્ય છે તેથી જ તેમાં ઝંપલાવવા હું તલખી રહી છું. મને એ જાણે હાથ ઝાલીને અતલમાં ઘસડી જાય છે."

"દેવી! હવે મને ગમ પડે છે. તું દરિયાની સાથે એકાકાર બની ગઈ છે. તું પણ ભયંકર છે: મને ખેંચે છે ને ધક્કો મારે છે; મને તરફડાવે છે ને ડરાવે છે."

"માટે જ મને રજા આપો. આપણે મિત્રો તરીકે છૂટાં પડીશું. મને તમારાં તમામ બંધનોમાંથી, હ્રદયની તમામ ગ્રંથિઓમાંથી મોકળી કરો."

"દેવી! તને વીનવીને કહું છું કે આજે એક દિવસ આપણે ભેળાં રહીએ, હું ને તું બન્ને શાંતિથી વિચાર કરીએ. તને હું એમ કેમ છોડું? મને હક્ક નથી? તારી રક્ષા કરવી એ મારી ફરજ છે. તારી રક્ષાનો એ મારો હક્ક અને મારો ધર્મ બજાવવો જ રહ્યો."

"મારી રક્ષા!" જલદેવી હસી પડી. "શું કોઈ બહારના શત્રુથી મને રક્ષવાનો સવાલ છે? ભય મારા ભીતરમાંથી ઊઠેલ છે. અંતઃકરણના ઊંડાણે એ ભયંકર લાલચ સળગી ઊઠી છે. તમે મને શી રીતે રક્ષવાના હતા?"

"એ લાલચ સામે શું તું લડીશ નહિ?"

"હા, મારી ઇચ્છા હોત તો હું લડત; પરંતુ મને એમ જ થયા કરે છે કે જાણે હું એની છું. હું એની સામે ટક્કર લેવા માગતી નથી. દાક્તર, મને ઝટ મોકળી કરો."

"તું એને ચાલ્યો જવા દેઃ એ ભયંકર આફત તારા માથા પરથી ઊતરી જવા દે. પછી હું તને મુક્ત કરીશ. પછી તને ફાવે તે માર્ગે તું જજે."

"ના, ના, કાલે તો બહુ મોડું પડી જાય."

"દેવી! બીજું તો કંઇ નહિ, પણ આ બચ્ચાંની દયા ખાઈને આજે બંધ રહે."

એ વખતે બન્ને દીકરીઓ ફરતીફરતી બાપુ પાસે આવે છે. માથી જાણે ભય પામતી હોય તેમ બંને એની સામે દૃષ્ટિ સુધ્ધાં કરતી નથી.

"બાપુ!" મોટી બોલી: "અમે બેઉ ગોઠવણ કરીએ છીએઃ આજે રાત્રે અમારે ખાડીના બંદર પર જવાનું છે."

"અમે બંને પણ ગોઠવણ કરીએ છીએ, બચ્ચાં!" દાક્તરે કહ્યું: "જલદેવી જાય છે. દરિયાની માછલી દરિયે જાય છે - એને પિયર રહેવા માટે."

"હેં બા! સાચી વાત, નવી બા?" કહેતી નાની પુત્રી જલદેવી તરફ ધસીને એને બાઝી પડવા ગઈ. ઓચિંતી જાણે આગ દેખીને ડરી ગઈ હોય તેમ ઊભી રહી. "તમે અમને અહીં છોડીને જાઓ છો, બા?"

એને ઉશ્કેરાયેલી દેખીને જલદેવીએ પૂછ્યું: "કેમ નાની, શું થાય છે તને?"

"ના... કંઈ નહિ, બા! તમે એકલાં જ જશો? બાપુ પણ જાય છે?"

"ના, બેટા; હું તો ત્યાં વારંવાર આંટોફેરો જતો રહીશ." નાની પુત્રી એકાએક મોં ફેરવીને ધીરે ધીરે ચાલી ગઈ. જલદેવીએ પૂછ્યું: "નાનીને શું થયું? એ કેમ ચમકી ગઈ છે?"

"તમે નથી જોતાં, બા, કે નાની દિવસ-રાત શાને માટે તલખતી ઘરમાં ઘૂમી રહી છે?" મોટીએ કહ્યું.

"તલખતી?"

"હા, તમે આ ઘરમાં આવ્યાં ત્યારથી જ તલખતી ફરે છે."

"હોય નહિ શા સારુ?"

"તમારા મોંના એક મીઠા બોલ સારુ." મોટી પુત્રીનું મોં પણ આંસુ છુપાવવા માટે ફરી ગયું.

"હાશ! હાશ!" જલદેવીએ નિઃશ્વાસ ઠાલવ્યો: "આ ઘરમાં જ મને ઠરી બેસવાનું એકાદ ઠેકાણું સાંપડ્યું હોત!"

[૫]

સંધ્યાનો છેલ્લો પહોર હાંફતો હાંફતો દરિયાપાર ઊતરી ગયો. જલદેવીના ભાગ્ય-નિર્માણની છેલ્લી ઘડી ચાલી આવતી હતી. અડધો કલાક જ બાકી હતો. પણ આખરી નિર્ણય પહેલાંનો એ અડધો કલાક હતો: લોહી નિચોવી લે તેવી એ થોડી પળો હતી.

પતિના ઘરમાંથી ઊખડી જવામાં પોતાને કશી જ વેદના નથી એવું જલદેવીનું માનવું હતું. એના જીવનના ઝાડને મૂળિયું જ ત્યાં બાઝ્યું નહોતું. એક ઓરડો, એક કબાટ, એક ટ્રંક કે એક બૅગ પણ એવી નહોતી કે જેને એ પોતાની કહી શકે. એના મમત્વને બાંધનાર કોઈ દોરી ત્યાં નહોતી. ઘર છોડતી વેળા ત્રણ પહેર્યાં વસ્ત્રો ઉપરાંત એક બચકી પણ એને લેવાની નહોતી. એક ચાવી પણ કોંઈને સોંપી જવાની નહોતી.

અને પતિ જબરજસ્તીથી રાખશે તો? હા, પતિએ છેલ્લા પછાડા મારતાં ધીરજ હારીને એમ પણ કહી નાખેલું કે, "હું તને ઘરમાંથી નહિ જવા દઉં!" તોયે શું? જોરાવરીથી એ જલદેવીના દેહને ઘરમાં રૂંધી શકશે કદાચ; પણ જલદેવીના મૂક અંતઃકરણના નિર્ણયને, એની પસંદગીને, એના પ્યારને કોણ બાંધવાનું હતું!

પતિએ ઘણી ઘણી ફોસલાવી કે, "તને કાલથી જ સઘળું સ્વાતંત્ર્ય આપું. તને ફાવે તે જીવન સ્વીકાર. તારું પોતાનું જીવતર પાછું વહેવા દે." પણ એનું પોતાનું જીવતર ક્યું? એ તો જે દિવસ જલદેવી દાક્તરને પરણવાની હા પાડી બેઠી હતી તે દિવસથી જ એ જીવતર કોઈ અકળ વાવાઝોડામાં ઘસડાઈ ગયું હતું; કેમ કે એણે જેને રાહ જોવાનો કોલ આપ્યો હતો, તેને જ તે દિવસે તજ્યો હતો. એ જ માનવી પોતાના કોલ પ્રમાણે બંધાઈ રહીને આજે એને સાચું જીવન જીવવાની ફરી એક તક આપવા આવતો હતો.

એ આવી પહોંચ્યો. જાહાજનો પહેલો પાવો વાગ્યો ને એનાં પગલાં બોલ્યાં, ગઈકાલે જ્યાં ઊભાં રહેવા કહેલું ત્યાં જ જલદેવી ઊભી હતી. પતિ પણ છેલ્લા પછાડા મારતો ને ચિરાઈ જતો ઊભો હતો. વાડ્યના સળિયા ઉપર ડોકું કાઢીને વિદેશી ઊભો રહ્યો. બોલ્યો: "દરિયાપરી! તૈયાર છો ને?"

દાક્તર વચ્ચે બોલી ઊઠ્યા: "તમે જુઓ છો કે એ તૈયાર નથી."

"ના, ના, હું એનાં ટ્રંક-પેટી કે પ્રવાસના પોશાક માટે નથી પૂછતો. એને જે જોઈએ તે બધું જ મેં જહાજ પર તૈયાર રાખ્યું છે. હું તો માત્ર એટલું જ પૂછું છું, દરિયાપરી, કે તમે મારી સાથે આવવા તૈયાર છો ને?"

"ઓ...ઓ!" જલદેવીએ ચીસ પાડી: "મને ન લોભાવો! ન ઘસડી જાઓ!"

"જો, દરિયાપરી!" જહાજ પરથી વાગતી ઝાલરને ઉદ્દેશી પરદેશીએ કહ્યું: "જો, આ પહેલો ઘંટ બજી ગયો. જહાજ પર ચડવાનો એ પહેલો ઘંટ. હવે હા કે ના કહી દે." જલદેવી હાથ મસળે છે: "જીવતરમાં, બસ છેલ્લી જ વારની પસંદગી કરવાની છે? પછી ફરી વાર શું કદી જ નહિ ફેરવી શકાય?"

"કદી જ નહિ. ને અડધા કલાક પછી તો અતિ મોડું થઈ ગયું હશે."

તીણી નજર ચોડીને જલદેવીએ પૂછ્યું: "આટલી દૃઢતાથી તમે શા સારુ મને જકડી રહ્યા છો?"

"કેમકે આપણે બન્ને એકીસાથે જડાયાં છીએ."

"સોગંદ લીધા હતા તેટલા કારણે શું?"

"નહિ, સોગંદ કોઈને ન બાંધી શકે: ન સ્ત્રીને ન પુરુષને. હું તો તને વળગી રહ્યો છું; કેમકે મારાથી બીજું કશું બની શકતું નથી: હું છુટકારો પામી શકતો નથી."

ધ્રુજતે કંઠે જલદેવી બોલી: "તમે વહેલા કેમ ન આવ્યા?"

પરદેશી તાર ઠેકીને અંદર ગયો. તરત જલદેવી હટી ગઈ. પતિની પાસે ભરાઈ ગઈ. પૂછ્યું: "તમારે શું જોઇએ છે?"

"મારે જે જોઈએ છે તે જ હું તારા અંતરમાંથી સાંભળી રહ્યો છું. અંતે તું મારી જ બનશે."

દાક્તરે ધૈર્ય ગુમાવ્યું. એ આગળ ધસ્યા. બોલ્યા: "મારી સ્ત્રીને કશું પસંદ કરવાપણું રહેતું નથી. હું પોતે જ પસંદગી કરવા અને એને રક્ષવા અહીં ઊભો છું. તું ચાલ્યો જા. ફરીને કદી આવતો ના. નહિ તો - તું જાણે છે ને કે તારા શિર પર કાળ ભમી રહેલ છે?"

"ઓ વહાલા દાક્તર!" જલદેવી બોલી ઊઠી: "નહિ નહિ, એ નહિ, હો!"

પરદેશીએ પૂછ્યું: "તમે શું કરશો?"

"હું તને કેદ કરાવીશ."

"હું પણ એ સારુ તૈયાર જ રહું છું. એટલા સારુ તો -" પોતાની છાતી પરના અંદરના ગજવમાંથી એણે રિવૉલ્વર કાઢી: "એટલા સારુ તો મેં આ સાથે જ રાખી છે."

દોડીને જલદેવી દાક્તરની આડે ઊભી રહી: "નહિ હો! એને ન મારશો. એ કરતાં તો મને જ ઠાર કરો!"

"ન એને કે ન તમને, દરિયાપરી! આ મોત તો મારા પોતાના સારુ જ છે; કેમ કે હું સ્વતંત્ર માનવી તરીકે જ જીવવા અથવા મરવા માગું છું."

જલદેવીનાં અધબીડ્યાં હ્રદયદ્વાર પૂરેપૂરાં ઊઘડી ગયાં. માતાને દેખી ખીલો ઉખેડી નાખવાનું જોર કરતા વાછરુની માફક એણે છેલ્લો તરફરાટ અનુભવ્યો. પતિ તરફ જોઈ એણે કહ્યું: "સાંભળો, દાક્તર, સ્પષ્ટ સાંભળી લેજો. તમે તમારા સત્તાબળથી ને લાગવગથી મને જકડી રાખી શકો તેમ છો. ને એ જ તમારો વિચાર છે, તો સુખેથી રાખો; પરંતુ મારા દિલને મારા તમામ વિચારોને, મારી આકાંક્ષાઓને, મારી વેદનાઓને - તમે નહિ બાંધી શકો. એ બધાં તો ધસી રહ્યાં છે એક અગમ દુનિયામાં, કે જે દુનિયામાં જીવવા મારું નિર્માણ હતું, ને જે દુનિયામાંથી તમે મને રોકીને અહીં કેદ પૂરી છે."

"જલદેવી!" દાક્તરનાં કડકાઈ અને રોષ નીતરી ગયાં. એ દીન વદને બોલ્યો: "દેવી! હું તને મારી પાસેથી ધીરે ધીરે સરી જતી જોઉં છું. એ અકળ, અગમ, અસીમ અને અપ્રાપ્ય સંસારની ઝંખના તને આખરે ઘોર અંધારી કો રાત્રિમાં ઉતારી દેશે."

"હું પણ એ સમજું છું. એ કાળપંખીની કાળી, નિઃસ્તબ્ધ પાંખો મારા ઉપર ફફડી રહી છે."

"હું તને ઉગારી શકું તેમ નથી. બચવાની બારી રહી નથી, એટલે હવે છેવટે હું આપણા બંધો છોડી નાખું છું: તને મોકળી કરું છું. હવે તું સંપૂર્ણ સ્વતંત્રતાથી પસંદગી કરી શકશે."

"સાચોસાચ!" જલદેવીએ થંભી જઈને પૂછ્યું: "શું તમે સાચોસાચ કહો છો? ખરા અંતરથી કહો છો?"

"હા હા, ચિરાતા અંતરના ઊંડામાં ઊંડા ખૂણામાંથી ચીસ પાડીને કહું છું, કે તું બંધનમુક્ત છે."

"સાચે જ, દાક્તર! સાચોસાચ તમે મને મુક્ત થવા દેશો? મને ચાહે ત્યાં જવા દેશો?"

"હા, કારણ કે હું તને પ્રાણતુલ્ય ચાહું છું."

"હું તમારા અંતરની આટલી બધી નજીક આવી ગઈ, એમ? તમે મને હ્રદયની છેક ગોદમાં લઈ લીધી?"

"આટલાં વર્ષો સાથે રહ્યાં તેને લીધે."

"ને હું શું આ વાત સમજી ન શકી?"

"કારણ કે તારું દિલ બીજે દોડી રહ્યું હતું. ને હવે તો તું મારાથી - મારાં સ્વજનોથી - સહુથી સંપૂર્ણ સ્વતંત્ર છે, દેવી! તું સુખેથી મુક્ત મનથી પસંદગી કરી લે. તારી પાંખો જ્યાં લઈ જાય ત્યાં ઊડી જા. તારી સ્વતંત્રતા અને તારી જવાબદારી પર તું નિર્ણય કરજે."

"મારી સ્વતંત્રતા અને મારી જવાબદારી!"

જલદેવીની મનોદશામાં આ સ્વતંત્રતાની નવપ્રાપ્તિથી નવો પલટો આવ્યો. નવા અવતારની લહરી વાઈ ગઈ. જે દીવાલો વટાવીને એ મૂંઝાયેલો પ્રાણ મહાસાગરે ઊડી જવા માગતો હતો, તે દીવાલો અદૃશ્ય બની. પંખીનું પિંજર તૂટી ગયું. આસપાસ જીવનની નિઃસીમ વિશાલતા દીઠી. એનો આત્મા બોલી ઊઠ્યો: "દાક્તર! વહાલા! બધું જાણે બદલી જાય છે."

જહાજની ઝાલર ફરીવાર ગુંજી ઊઠી. ભૂરા વાળ અને વાદળી આંખોવાળો વિદેશી અનિમેષ નેત્રે ઊભો હતો. તેણે કહ્યું: "દરિયાપરી, સાંભળો છો? છેલ્લો ઘંટ વાગી ચૂક્યો. ચાલો!"

એરણ પર હથોડો પડે એવી મક્કમ વાણી કાઢીને જલદેવી એ વિદેશી પ્રિયતમની સામે સ્થિર દૃષ્ટિએ બોલી: "આ બધી વાત પછી તો હું કદી તમારી સાથે નહિ આવું."

"નહિ આવો?"

"ના, ના..." કહેતી જલદેવી દાક્તરને બાઝી પડી. "હું તમારાથી અળગી નહિ થાઉં. હવે શા સારુ જાઉં?"

દાક્તર ચકિત બની ગયા. "જલદેવી! દેવી!"

વિદેશીએ છેલ્લી વાર પૂછી જોયું: "બસ, બધું ખતમ થઈ ગયું ને હવે તો?"

"બસ, બધું જ ખતમ -"

"હાં, સમજ્યો: મારી ઇચ્છાના બળ કરતાં વધુ બળવાન કોઈક તત્ત્વ અહીં લાગે છે."

"તમારી ઇચ્છાનો હવે મારા મન પર છાયામાત્ર પણ કાબૂ નથી રહ્યો. તમે મારા મનથી કે'દાડાના મૂએલા માનવી સમાન છો. એ મૂએલનું પ્રેત જાણે કે સમુદ્રેથી ઘેર આવેલું તે આજે પાછું ચાલ્યું જાય છે. હવે મને તમારું ભયંકર ખેંચાણ રહ્યું નથી. તમારું વશીકરણ પૂરું થઈ ગયું."

"તો છેલ્લા પ્રણામ, દરિયાપરી!" વિદેશી વાડ્ય વટાવીને બહાર ઊતરી ગયો. ત્યાંથી બોલ્યો: "આજથી તમે પણ મારા જીવનમાં કોઈ ડુબેલા વહાણ સમ બની રહેશો. ને હું જાણે કે એ વહાણમાંથી ઊગરી આવેલ મુસાફર છું એમ સમજીને જીવન પૂરું કરીશ." એટલું કહીને વિદેશી ચાલી નીકળ્યો.

દાક્તરથી હજુ જાણે કે મનાતું નથી કે શું સાચું છે, "જલદેવી! દરિયાના ભરતી-ઓટ જેવા જ જુવાળ તારા હ્રદયમાં ચડે-ઊતરે છે. આ પલટો ક્યાંથી આવ્યો?"

"પલટો આવ્યા વિના રહે જ કેમ? મુક્ત બનીને, પૂરેપૂરા છુટકારાની દશામાં પસંદગી કરવાની આવી ખરી ને!"

"ત્યારે શું તને એ અગમ સૃષ્ટિ આકર્ષતી નથી?"

"નથી એ આકર્ષતી, કે નથી બિવરાવતી. એના વશીકરણને અધીન જો મારે થવું હોત તો હું ચાલી જાત, એમાં દાખલ થઈ જાત. પણ એનો આધાર મારી પસંદગી ઉપર હતો. માટે જ હું આખરે એને ફેંકી દઈ શકી."

"હવે હું સમજી શક્યો છું, દેવી, કે તારા અંતરમાં આ સમુદ્ર માટેની ઝંખના, આ અજાણ્યા પરદેશી પ્રતિનું ખેંચાણ, આ તલખાટ અને વેદના - બધાં માત્ર સ્વતંત્રતા માટેના જ વધતા જતા પછાડા હતા: બીજું કશું જ નહોતું."

"એ તો હું નથી જાણતી. પણ, ઓ વહાલા દાક્તર, તમે આજે મારા રોગની સાચી પરખ કરી. તમે મારા ખરા વૈદ્ય બન્યા. તમે છેવટનો ઉપચાર કરવાની હિંમત બતાવી."

"હા, છેલ્લામાં છેલ્લી અણીને ટાણે, ખરા સંકટની ઘડીએ અમે દાક્તરો દરેક જાતનું જોખમ ખેડી જાણીએ છીએ. એ તો ઠીક, પણ હવે, દેવી, હવે ફરીવાર શું તું મારી નજીક આવી રહી છે?"

"સાચે જ હું તમારી ગોદમાં આવી પહોંચી છું, આવી શકું છું; કેમકે હવે તો મુક્ત બનીને, મારી જવાબદારી સમજીને આવી છું."

"જલદેવી! મારી દેવી!" પત્નીના મુખની સુધાને તૃષાતુરની પેઠે પી રહેલી એની દૃષ્ટિ કોઈ જલચરની લાંબી ડોકની માફક લંબાઈ ગઈ હતી: "સાચે જ શું હવે આપણે પરિપૂર્ણપણે એકબીજાંને સારુ જીવી શકશું? પરસ્પર, એક અણુયે જગ્યા અન્ય કોઈને માટે ન રહે એવી રીતે જીવનને ભરચક કરી લેશું?"

"ચોક્કસ, ભૂતકાળનાં સંભારણાં પણ આપણાં બન્નેનાં સજીવન રહેશે. તે આપણાં સંતાનોને -"

"આપણાં! ખરેખર શું તું એને આપણાં કહી શકે છે?"

"હું એને મારાં કરી લઈશ, એનાં દિલ જીતી લઈશ."

"હવે શું બોલી શકાય!" એટલું કહીને દાક્તરે સ્ત્રીના હાથ પોતાની આંખે અડકાયા. ત્યાં તો ફરતી ફરતી દીકરીઓ માસ્તર સાહેબની સાથે આવી પહોંચી. તેઓના વાર્તાલાપમાંથી ગળાઈને તૂટક શબ્દો આવતા હતા કે, "બસ, આ વર્ષે તો આ વિદેશી જહાજની છેલ્લી સફર છે. ઉનાળાનો આપણો આનંદ ઊડી જશે. બા પણ પિયર ચાલ્યાં જશે."

"ના ના, બચ્ચાંઓ!" દાક્તરે હર્ષ-ગદ્ગદિત બની સંભળાવ્યું: "હવે અમે વિચાર બદલ્યો છે. બા હવે નથી જવાની; અહીં જ રહેશે."

"સાચેસાચ શું, બા!" કહેતી નાની પુત્રી, વાત્સલ્ય-ઝૂરતા હરણ-બાળ જેવી, નવી બાના મોં સામે તાકી રહી. "તમે અહીં અમારી સાથે જ રહેશો, બા?"

"હા, બેટા, તમે મને રાખશો તો હું રહીશ."

"જો તો! કેવું પૂછે છે બા! તમે રાખશો તો!" નાની પુત્રી હસતા હોઠ ઉપરથી આંસુની ધારા વહી જતી હતી.

"આ તો આશ્ચર્યની વાત!" માસ્તર સાહેબ જોઈ રહ્યા.

જલદેવીએ હસીને કહ્યું: "માસ્તર સાહેબ! એ તો એવું છે કે એક વાર પૃથ્વીને તીરે ફેંકાઈ ગયા પછી જળનો જીવ જળમાં પાછો પહોંચી શકતો નથી. દરિયાની માછલી હોય તો તરફડી મરે છે, પણ માનવી હોય તો ધરતીમાં ઘર કરી ધીરે ધીરે પૃથ્વીના જીવનને ટેવાઈ જાય છે - જો સ્વતંત્ર મનથી નક્કી કરે તો."

"ને - જો પોતાના શિર પર જવાબદારી લઈને કરે તો." દાક્તરે હસતાં હસતાં ઉમેર્યું.

"સાચું કહ્યું." એટલું કહી જલદેવીએ સ્વામીનો હાથ ઝાલ્યો. દીકરીઓ બાના પડખામાં લપાઈ ગઈ. બધાં ઘરમાં ચાલ્યાં.

પરદેશી જહાજ નિઃસ્તબ્ધ ગતિથી મોટા દરિયા તરફ ચાલ્યું જતું હતું. સૂતેલા સમુદ્રજળ જાગતાં હતાં. આસમાની આંખોવાળો વિદેશી વિચારિ રહ્યો હતો કે આ તારાઓ પણ શું કોઈ ભાંગેલી, ડૂબેલી નૌકામાંથી બચી નીકળેલા મુસાફરો જ હશે!