મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૬. અણકથી વેદના

વિકિસ્રોતમાંથી
← ૫. છાલિયું છાશ મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
૬. અણકથી વેદના
ઝવેરચંદ મેઘાણી
૭. બૂરાઇના દ્વાર પરથી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


અણકથી વેદના


"મારી ઓરત બીમાર છે."

"ઓરતની બીમારીમાં તમે જઈને શું કરવાના હતા ? આપણે તો ઓઝલ-પર્દાવાળા છીએ : સમજો છો ને ?"

"ખુદાવંદ !" એ જુવાન ’લાન્સર’ની સજળ બે આંખો અમલદારની સામે તાકી રહી. વધુ તો નહિ એક અઠવાડિયાની જ રજા એ બે આંખો યાચી રહી હતી.

"જાઓ : ત્રણ દિવસની રજા આપું છું."

"ત્રણ દિવસ ! ગરીબપરવર, સ્ટેશનથી મારું ગામ પચીસ કોસ છેટું છે."

"ત્રણ દિવસ. જિદ ન કરો. રસાલાના મામલા છે."

"પણ આપ નામદાર વિચાર ક-"

"ચૂપ ! ત્રણ દિવસ : ટંચન !"

’ટંચન’ શબ્દ - અને કલ્યાણસંગનું શરીર ટટ્ટાર બન્યું; એનો જમણો હાથ સલામ કરતો લમણા પર અટક્યો.

"રાઈટ - એબાઉટ-ટર્ન !" અને કલ્યાણસંગનાં ચકચકતાં, કાળાં બૂટ ગોળ કૂંડાળું ફરી ગયાં.

"ક્વિક માર્ચ !" એ ફરમાન પડતાં જ જુવાને કદમ ઉપાડ્યા.

"ડિ...સ-મિસ !" એ છેલ્લો આદેશ અને યુવાન કૂચકદમ કરતો ’ઓર્ડરલી’-રૂમમાંથી બહાર નીકળી ગયો.

"તેજાજી : બકલ નંબર 45." એ નામની બૂમ પડતાં બીજો જુવાન ઓર્ડરલી-રૂમમાં દાખલ થયો. બહાર ઊભેલા લશ્કરી સિપાહીઓ અને અમલદારો કલ્યાણસંગના ઊતરી ગયેલા ચહેરા તરફ જોતા રહ્યા. પણ કોઈ કશું પૂછે તે પહેલાં તો સૂરજને તડકે ઝગઝગાટ કરતાં બટન, બકલ, બિલ્લા, ખંભા પરની સાંકળી અને તોતિંગ બૂટવાળો એ જુવાન પોતાની ઓરડી પર ચાલ્યો ગયો. ’ડ્રેસ’ ઉતારીને ’બાંડિસ’ છોડતોછોડતો પણ જાણે એ ચાર જ અવાજો હજુ સાંભળે છે : ટંચન : રાઈટ - એબાઉટ-ટર્ન : ક્વિક માર્ચ : ડિ-સ...મિ-સ !

પણ કલ્યાણસંગ સાત વર્ષોથી રસાલામાં રહ્યો છે. એને આ ચાર શબ્દોની નવાઈ નથી. એવા તો કૈકૈં શબ્દોએ એના દેહ-પ્રાણને યંત્ર સમાન બનાવી મૂકેલ છે. ’પોલો’ રમવામાં એ પોતાના ઘોડા ઉપરથી આવા જ હુકમને પરિણામે સાત વાર પટકાયો છે. બહારવટિયાની પાછળ ’ચાર્જ’ કરવામાં એણે ડુંગરો અને કોતરો ગણકાર્યા નથી. એવી ભયાનક જિંદગીએ તો ઊલટાની આ જુવાનની નસેનસે લાલ મર્દાનગી રેડી છે.

પણ આજે એની નસો ખેંચાય છે; કેમકે પોતાના વતન વાળાકમાંથી એને ઊડતા સમાચાર મળ્યા છે કે એની પરણેતર સુજાનબાને કસુવાવડ થઈ છે. લશ્કરી પોશાક ઉતારતાં ઉતારતાં એના હાથની આંગળીઓ અડકી તો રહી છે ફક્ત નિષ્પ્રાણ બટનોને કે સાંકળીને; પણ એને અનુભવ થાય છે કોઈ સજીવ, સુકોમળ, રોમાંચક સ્પર્શનો - કારણ કે આ પિત્તળનાં બટન-બિલ્લાને અને બૂટને આઠ માસ સુધી સુજાનબાના હાથ સાફ કરી ગયેલા છે. બાર જ મહિના પર પરણેલા એ જુવાનની રજપૂતાણી આ ઓરડાની ખપાટ-જાળી આડાં જે કંતાન બાંધેલાં છે તેની આડશે બેઠીબેઠી નોકરી પરથી આવતા ધણીની વાટ જોતી; અને વેળા ન ખૂટે ત્યારે એ લશ્કરી સિપાહીનો જે કંઈ લોઢાપિત્તળનો સરકારી સામાન પડ્યો હોય તે પોલીસની માટી વતી ઘસ્યા જ કરતી : ઘસીઘસીને અંદર પોતાનું મોં જોતી. એના મનનો સંતોષ એક જ હતો કે ’ઇન્સ્પેક્શન’ને દિવસે કલ્યાણસંગની સાફસૂફી સહુથી વધારે ઝળહળી ઊઠે. ગોળીબારની પરીક્ષામાં પણ દર માસે કલ્યાણસંગે છયે છ કાર્તૂસો ’ગુલજરી’માં જ આંટતો, એનું કારણ સુજાન હતી : રાઇફલની નળીને સુજાનબા કાચની શીશી સમી ચોખ્ખી ને ચકચકતી બનાવતી. બીજું કશું કામ ન હોય ત્યારે કોપરેલના પોતાવાળો ગજ રાઇફલની નળીમાં સુજાન ઘસતી જ બેઠી હોય. ઘરેણાં કરતાં બંદૂક એને વધુ વહાલી હતી....

એટલે જ અત્યારે કલ્યાણસંગને એની ઓરત પલેપલે યાદ આવી. એણે સાદી સુરવાલ ઉપર બાંડિસ કસકસાવીને, અને પોતાના ઘોડાની સારવાર પાડોશીભાઈને ભળાવીને બપોરની ગાડીમાં મુસાફરી આદરી. રાતે દસ વાગ્યે એક નાનકડા જંક્શન પર રેલ્વે અટકી ગઈ. નાની ’બ્રાંચ’ ગાડી તો સવારે ચાલવાની હતી. એની વાટ જોતાં તો કલ્યાણસંગ વળતે દિવસે બપોરે ઘર ભેગો થાય. એણે રાતોરાત પગપાળી મજલ આદરી. હજુ તાજેતરમાં જ બહારવટિયાનો પીછો લેવામાં એને ડુંગરાઓની અંદર ઘોડાની પીઠ પર પાંચ રાતો કાઢવી પડી હતી. લોથપોથ બનેલું શરીર નીંદર માગતું હતું. ચાલતાં ઝોલાં આવતાં હતાં. અક્કેક ઝોલાંની અંદર નાનાં-નાનાં બે-ત્રણ સ્વપ્નાં પણ ઘેરી વળતાં. છતાં કલ્યાણસંગથી બે કલાકનોય વિશ્રામ લેવાય તેવું નહોતું.

એ સમજે છે કે બાપુના તરફથી તો સુજાન મરી જશે તેના સમાચાર પણ ઓરતની રાખ સ્મશાનમાંથી પવન ઉપાડી ગયો હશે તે પછી મળવાના. કદાચ એકનું મૃત્યુ અને બીજી નવી ગરાસણીની પ્રાપ્તિ - એ બન્નેના સમાચાર ભેળા પણ થઈ જશે. અંતરથી કલ્યાણ આ દશા સમજતો હતો; એટલે જ આજની રાત એને પંથમાં વિસામો ન હોય. કસુવાવડ શું અને સુવાવડ શું તેની આ જુવાનને ચોખ્ખી સાન સુધ્ધાં નહોતી. નાનપણમાં ગામની સીમો ખૂંદી આંબાની શાખો ચોરતો; બાર-પંદર વર્ષે નિશાળમાં માસ્તરને સ્લેટ મારી, પાદરમાં ચરતાં કોઈકનાં ટારડાં ઘોડાંને દળી કે લગામ વગર પૂરપાટ દોડાવતો; ને જુવાનીમાં ખભે દસ શેરની બંદૂક નાખી ’ડ્રીલ’ કરી : એટલે સંસારના ઘાટ શા, તેનું ભાન આ રજપૂત જુવાનને નહોતું. પણ એ તો વગર-સમજ્યે જ સુજાનને મળવા ધસ્યો જાય છે : જાણે કોઈ પોતાનું જીવન-ધન ચોરી જનાર ચોરની પાછળ હડી ન કાઢતો હોય એવું કારમું એનું ધસવું છે. ને ખરેખર એ રાત્રિએ કાળની અને કલ્યાણની વચ્ચે એક અગોચર સરત જ દોડાઈ રહી હતી. પણ યમરાજની રાંગમાં પ્રલયવેગી, મસ્ત પાડો હતો; અને કલ્યાણને બે તૂટી પડતા, કટકા થઈ જવા ચાહતા, લથડતા પગ હતા. પચીસ કોસનું અંતર એને અંધારી, ડુંગરિયાળ ભોમ વચ્ચેથી કાપવાનું હતું. રસ્તે આવતાં ગામડાંની ખળાવાડો પાસે એને ફરજિયાત ધીમા પગ ભરવા પડતા; નહિ તો ચોર ગણાઈને ગોળી ખાવાની દહેશત હતી.

સવારે પહેલા પહોરનો તડકો ચડ્યે કલ્યાણસંગ જ્યારે બાપુની ડેલીએ પહોંચ્યો, ત્યારે ઘણા મહેમાનોની ઠઠ જામી હતી. કલ્યાનસંગને ઓચિંતાનો આભમાંથી પડે તેમ આવ્યો દેખી કોઈના મોં પર ઠેકડી તો કોઈના ચહેરામાં તિરસ્કારની રેખાઓ તરવરી ઊઠી. વધારે ઘૃણા અને અચંબો તો સહુને ત્યારે ઊપજ્યાં જ્યારે કલ્યાણસંગે ભોળે ભાવે કહી નાખ્યું કે, "હું તો ત્રણ જ દિવસની રજા લઈ પગપાળો રાતોરાત આવી પહોંચ્યો છું."

"હોય, ભાઈ; અરસપરસના નેહ-સનેહ એવા છે."

"જાણે પ્રવીણ-સાગરનો અવતાર !"

"રાજપૂત-બચ્ચાની આ રીત છે ?"

"કલ્યાણભા ! ભારી વસમો પંથ ખેંચ્યો તમે તો !"

કલ્યાણ એક ખૂણામાં ચોર જેવો બનીને બેસી ગયો. એણે જોયું કે કસુંબા તો ઘૂંટાતા જ જાય છે, ગરણીમાંથી કસુંબલ ગાળમો ટપકી રહેલ છે, કટોરીઓ ભરાઈભરાઈને દાયરામાં ફરે છે, અને થોડાથોડા સમયને અંતરે અંદરને ઓરડેથી વડારણ આવીને ઊભી રહે છે; સમાચાર આપે છે કે "જીજી ! સુજાનબાને તો પાછો તાવ ચડ્યો છે."

થોડી વાર પછી : "જીજી ! ડિલ ટાઢું પડે છે."

વળી થોડી વારે : "ઊંઘે છે પણ ઊંઘમાં લવે છે."

આમ ગોલીની જીભના ખબર પરથી અનુમાન દોરીને એક ઘોડેસ્વાર ઊપડે છે, અને ચાર ગાઉ ઉપર આવેલા ટપ્પાના ગામે રહેતા દાક્તર કનેથી દવાઓ લાવવામાં આવે છે. કલ્યાણસંગ જેને માટે આમ ઝૂરતો-તલસતો દોડ્યો આવ્યો છે, તેનું કલેવર ત્યાં પડ્યું છે ઓરડે. ઓરડાની અને ડેલીની વચ્ચે ફક્ત એક જ સંબંધ-તાંતણો છે : વડારણ. વડારણના પ્રત્યેક આગમન વખતે ધર્મગઢ રાજ્યનો જુવાન લાન્સર કલ્યાણસંગ કાન માંડે છે. સ્ત્રીની માંદગીના સમાચારનો પ્રત્યેક બોલ એના ચહેરા પર અક્કેક છમકો ચોડતો ભાસે છે. પણ એનાથી ખબર પુછાય નહિ : એનાથી ઊર્મિ બતાવાય નહિ. આસપાસનાં ગામોમાંથી સગાંવહાલાંઓનાં કે ઓળખીતાઓનાં બૈરાંનાં માફાળાં ગાડાં અંદર જાય છે... અને બહાર નીકળે છે : એનાં પૈડાં પરની કાંકરી બનીને છૂંદાતો-છૂંદાતો પણ હું અંદર ઓરડે પહોંચવા તૈયાર છું એમ કલ્યાણસંગનું કલેજું બોલી રહ્યું છે; પરંતુ કોની મજાલ છે એ ઓરડે પહોંચવાની ! ક્ષત્રિયોનો મલાજો એમ કેમ તૂટશે !

"કલ્યાણ !" અધરાત ભાંગ્યા પછી દાયરો વીખરાયે રતાંધળા બાપુએ દીકરાને બોલાવ્યો.

"બાપુ !"

"તને કાગળ બે દી‘ પહેલાં જ લખ્યો."

"મને નથી પહોંચ્યો."

"મંદવાડ કાબૂમાં આવ્યો જ નહિ."

"દાક્તરને નહોતા બોલાવ્યા ?"

"દાક્તરને બોલાવ્યે મોટી હો-હો થઈ જાય, અને મહેમાનસેમાનનો પાર ન રહે. એ બીકે અમે બહુ દિ‘ કાઢ્યા. હવે તો સારાંસારાં ખેતરડાં હાથમાંથી છૂટી ગયાં ખરાં ને, એટલે મહેમાનોનો હડચો ઝિલાતો નથી, ભાઈ ! પણ પછી દાક્તરને તેડાવ્યા. એણે વાતચીત સાંભળીને દવાયું તો ઘણી દીધી."

"નાડ્યબાડ્ય ન દેખાડી ?"

"ઓઝલ-પડદાનું કામ : સુજાણે હઠ પકડી કે આડો ચક નાખીનેય દાક્તરના હાથમાં કાંડું ન દઉં. તારાં માએ થરમામીટર મેલીને મોકલેલું ડેલીએ."

"હવે ?"

"હવે તો જો‘છ ને ? દાખડો કરવામાં કાંઈ મણા નથી. મોરલીધર કરે તે ખરી...."

"મારે તો અટાણે પાછું નીકળવું પડશે."

"ઠીક : ખબર દઈ મોકલીશ."

કલ્યાણસંગ ! તારે એક વાર ઓરડે જવાની ઝંખના હતી. તારાં બૂટ, બટન અને બિલ્લા ચકચકિત કરનારીનો ચહેરો છેલ્લી વાર જોવો હતો. ગઢની અંદર પેસનારાં કૂતરાં ને બિલાડાં તારાથી વધારે ભાગ્યવંતાં હતાં. જેણે તારાં પિત્તળ-લોઢાં ઊજળાં કર્યાં હતાં, તેની પાસે જઈ તારે જોવું હતું કે, એનો પાણી પીવાનો કળશો કેવોક માંજેલો છે ? તારે તપાસ કરવી હતી કે, એની પથારીમાં એનું કરિયાવરમાંથી આવેલું ગાદલું પથરાયું છે કે નહિ ? ઓછાડ કેટલા દિવસથી ધોવાયા વગરનો છે ?

એ કશું જ જોવાનો એને હક્ક નહોતો. ભાંગતી રાતે કલ્યાણસંગ પાછો બાંડિસ બાંધીને નીકળી પડ્યો. આખે રસ્તે એને તમ્મર આવતાં હતાં. બાપુનો બોલ એને કાને અથડાતો હતો કે ’જેવી મોરલીધરની મરજી !’

કલ્યાણસંગ લાન્સર બરાબર ત્રીજા દિવસની રાતે રસાલામાં હાજર થઈ અમલદાર સામે ’ટંચન’ બની ઊભો રહ્યો. બટનબિલ્લા જરી ઝાંખાં પડ્યાં છે.

છએક મહિના વીત્યા હશે. એક દિવસને પ્રભાતે ઓર્ડરલીરૂમમાં ફરીવાર પાછો કલ્યાણસંગ ચકચકાટ મારતાં બટન-બિલ્લે ખડો છે; આઠ દિવસની રજા માગે છે.

"એટલા બધા દિવસ શું કરવા છે ?"

"મારા વિવા થવાના છે."

"આઠ દિવસ નહિ મળે; રસાલાના મામલા છે. ચાર દિવસ આપું છું."

"પણ, ખુદાવંદ, મારા બીજી વારના -"

"વધુ વાત નહિ. ટંચન !" કલ્યાણસંગે ચકચકતાં બૂટવાળા પગ ટટ્ટાર કર્યા.

"રાઈટ - એબાઉટ-ટર્ન !" એ ફરી ગયો.

"ક્વિક માર્ચ !" એણે કદમ ઉપાડ્યાં.

"ડિ...સ-મિસ !" એ ઓર્ડરલી રૂમની બહાર નીકળી ગયો. કલ્યાણસંગ લાન્સર ફરીવાર પાછો ઓઝલ-પરદાવાળીને પરણવા ચાલ્યો ગયો.

જીવન કે મૃત્યુના અવાજ જ્યાંથી સંભળાતા નથી, જે પોતે જ મહાન મૃત્યુની એક સોડ સમાન છે એવા એ ઓઝલ-પરદામાં ફરીવાર એક નવી યૌવનાને જીવતી દફનાવી દઈ ત્રણ દિવસે કલ્યાણ પાછો ફર્યો. બરાબર સુજાનના શબને પાછળ મૂકીને જે રાત્રીએ પોતે નીકળ્યો હતો, તેની સ્મૃતિ એને ઘેરી વળી. એને પડખે પડખે જાને કોઈક ચાલી રહેલ છે, એવો એને વારંવાર વહેમ જતો. પણ કોઈ ત્યાં હતું નહિ. પોતે નવા વિવાહનો રસોલ્લાસ પામી શક્યો નહોતો. પોતાની અને નવી રજપૂતાણીની વચ્ચે સદાય એક કોઈ ઓછાયો આવીને ઊભો રહેતો. પોતાના અને નવી પરણેતરના હસ્તમેળાપ થયા ત્યારે એક ત્રીજો હાથ - થરથરી ઉઠાય તેવો ટાઢોબોળ અને લાકડા જેવો કઠોર - એ બન્ને હાથોની હથેળી વચ્ચે જાણે કોઈ પેસાડી રહ્યું હતું. આજ પોતે ચાલ્યો જાય છે ત્યારે પણ કોઈ પર્દેનશીન ઓરત જાણે એક હાથમાં કલ્યાણનાં ચકચકિત બટન-બિલ્લા અને બીજા હાથમાં એક વણમાંજેલ પાણીનું પ્યાલું લઈને એની સામે ચાલી આવે છે, અને કહે છે કે, ’આ મારી મોત વેળા વપરાયેલ પ્યાલો, ને આ મને પાયેલું વાશે પાણી...’

કલ્યાણને શરીરે તે રાતે રેબઝેબ પરસેવો છૂટી ગયો. એને ખાતરી થઈ કે, પોતાની જોડેજોડે કોઈ એક પડછાયો અને એક અવાજ ચાલ્યો આવે છે. એનાથી વારંવાર ચીસ પડાઈ જાય છે કે ’પણ હું શું કરું ! હું શું કરું !’ આ ચીસનો અવાજ નથી નીકળતો : ચીસ અંદર જ સમાય છે. છતાં પોતે જાને આખી દુનિયાને સંભળાવી રહ્યો હોય તેમ પોકારવા મથે છે.

સવાર પડ્યું. કલ્યાણ લોથપોથ થઈ ગયો. દારૂ એ કદી પીતો નહોતો પણ પહેલવહેલું જે ગામ આવ્યું તેના પીઠામાં જઈ એણે એક-બે પ્યાલીઓ પીધી. એ આગળ ચાલ્યો. ક્યાં જાય છે તેનું એને ભાન પણ ન રહ્યું, પરવા પણ ન રહી. એ કોઈ પણ ઉપાયે પેલા અવાજનું અને પડછાયાનું ધ્યાન ચુકાવીને નાસવા માગતો હતો.

રસ્તે આજે મખમલિયા ડુંગરનો જબ્બર મેળો ચાલે છે. રાસડાની ઝૂક બોલે છે. કલ્યાણ રાસડા સાંભળવા ઊભો રહ્યો. થોડી વારે પોતે પણ વચ્ચોવચ્ચ જઈ કૂંડાળે ફરવા લાગ્યો. ’કોઈ ગાંડો ! કોઈ પીધેલો ! કોઈ છાકટો !’ એવી ચીસો પડી, અને રાસડો વિંખાઈ ગયો. ત્યાંથી કલ્યાણ માર ખાતો નીકળ્યો. ફરીવાર એણે દાંત ભીંસીને દારૂ પીધો. પછી ચાલ્યો. ચકડોળ અને ફજેતફાળકા ફરતા હતા. એક બેઠકમાં ઓરતો બેઠીબેઠી ખાલી રહેલી જગ્યામાં બેસવા પુરુષોને બોલાવી રહી હતી.

પાંચ-દસ પુરુષોને ધકાવી, જગ્યા કરી કલ્યાણ એ ખાનામાં ચડી બેઠો. ને પછી એની બધી મરજાદ છૂટી ગઈ. એ ઘૃણિત અવસ્થા જાણે કોઈને પોતે અંતરિક્ષમાં દેખાડી રહેલ હોય તે રીતે બોલવા લાગ્યો : "કેમ ? હજુય નથી સમજવું કે ? હજુ નથી લાજ આવતી ? સારાં ઓઝલ-પરદાવાળાંનું આ કામ છે કે ?"

અને ચકડોળ ઊપડ્યો. બે સ્ત્રીઓના ગળામાં હાથ નાખીને કલ્યાણ રીડિયા કરવા લાગ્યો : "એ જાય ભાગ્યાં ! ઓ જાય ભાગ્યાં ! ઓ...હો...હો...હો... !"

અને એ આકાશ-પાતાળના ફંગોળા ખવરાવી રહેલ ચકડોળમાં કલ્યાણ ઊભો થઈ ગયો. "ઓ જાય ! ઓ જાય ભાગ્યાં ! ઓ જાય !" એવી ઉન્માદભરી કિકિયારી કરીને એણે પોતાના હાથ છોડી દીધા : છેક ઊંચે ચડેલા ખાનામાંથી એણે પડતું મૂક્યું... "ઓ જા...ય !" એવો એક ઉચ્ચાર - અને એનો દેહ પછડાઈને ભોંય પર છૂંદો થઈ ગયો.