મોરબીની વાણિયણ

વિકિસ્રોતમાંથી
મોરબીની વાણિયણ
લોકગીત



મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ... કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ... કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

એ... કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ

હે તારા અંબોડાના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ

એ... કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
હે તારી પાનિયુંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય