યુગ મુબારક

વિકિસ્રોતમાંથી
યુગ મુબારક
બ. ક. ઠાકોર
યુગ મુબારક


શકુનનું સબરસ લ્યો, હાં રે કોઈ સબરસ લ્યો ! ધ્રુવ૦

મંગલ દિન મંગલ ઘડી મંગલ અરુણ સોહાય,
મંગલ કુદરતથી વહી મંગલોર્મિ છલકાય;
એથી મુજ અખેપાત્ર ઊભરાય. શકુનનું૦

'દિન પલટ્યો પલટી ઘડી પલટી હથ્થ કમાન;'
કલિ-રજની-સંધ્યા તણા વિષાદનું એ ગાન,
પરન્તુ આ તો ઊગતો ભાણ. શકુનનું૦

કલિ-જડતા-વિષ ઊતરે, સ્ફુરે પ્રાણ શબ માંહ્ય,
રજની ત્રણ વીતી ગઈ, રક્ત સજીવન થાય;
ફરીથી ઓપે પૌરુષ કાય. શકુનનું૦

તિમિર તણાં પડ ઊપડે, ફોરે અનિલ ઉમંગ,
ગગન દિસે વિકસે ધ્વજો આશા ઝળકિત અંગ;
ભાવિના પૂરી વિધ વિધ રંગ. શકુનનું૦

જલ તૃણ તરુ ખગ વાદળો અનિલઘૂમટ અવકાશ,
પાય પીએ સવિતા તણા રસ જીવન પ્રકાશ;
માનવી ઊઠે ધરી ઉલ્લાસ. શકુનનું૦

દિન પલટ્યો પલટી ઘડી પલટી હથ્થ કમાન,
ઘડપણ જઈ જોબન ચડે રગે રગે મસ્તાન;
ઝડપતું જોબન કાર્ય મહાન. શકુનનું૦


જોબનભરી નરજાતિઓ ઉન્નતિપથ ઊછળન્ત,
બુદ્ધિ હૃદય ચારિત્ર્યનાં વિજયફેન ફરકન્ત;
ઘૂઘવતી હર્ષગભીર મહન્ત. શકુનનું૦

અસલ કુલવ્રત આપણું એ જોબન, એ પન્થ,
રાજયોગ એ, આર્યહોત્ર એ, ફરી કરો જીવન્ત;
નવો મંગલ યુગ વર્તાવન્ત. શકુનનું૦