રસધાર ૩/વેર

વિકિસ્રોતમાંથી
← કલોજી લૂણસરિયો સૌરાષ્ટ્રની રસધાર ૩
3. વેર
ઝવેરચંદ મેઘાણી
પાદપૂર્તિ →


વેર

કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી.

એક વાર સોનરા બાટીએ પોતાના સાળાને ગેાઠ કરવા બોલાવ્યો. વેસૂર ગેલવાને ચાર વરસનો એક દીકરો હતો. નામ પીઠાશ. પીઠાશે બાપુની સાથે ફુઈને ઘેર જવા હઠ લીધી. બાપે પીઠાશને સાથે લીધો. નાના પીઠાશે પોતાના પાળેલા સસલાનેયે સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે 'હુંયે આવું !' બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો. ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો.

કોઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કૂણાં કૂણાં તરણાં ચરતો ખેલતો હતો; નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંઈક આડાઅવળા થયા હશે, એટલે પીઠાશના ફુઆની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું. બધા જમ્યા. સાંજરે જુદા પડવાનો સમય થયો, તે વખતે નાના પીઠાશને એનો સસલો સાંભર્યો. એ કહે : “બાપુ, ભાઈ ક્યાં ?” બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાંનાં પેટમાં હતો; ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય ? પીઠાશે સોનરાને પૂછ્યું:

“ફુઆ, ભાઈ ક્યાં ?”

“ભાઈ વળી કોણ ?”

“અમારો સસલો.” વેસૂર ગેલવે કહ્યું.

“સસલો તો પડ્યો આપણાં પેટમાં !” ફુઆએ વાત સમજાવી.

પીઠાશ રડવા લાગ્યો. વેસૂર ગેલવો ગળગળો થઈ ગયો. એણે કહ્યું : “અરે ભૂંડા, પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો ! અને એની માટી મને ખવરાવી? બનેવી છો એટલે શું કરું ? બીજો હોત તો ભારોભાર લોહી-માંસ વસૂલ કરત.”

સાળો-બનેવી ચડભડ્યા. વેસૂર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનરો બાટી ઘેર ચાલ્યો ગયો. જઈને ઘરવાળીને કહે : “ચારણ્ય તારા ભાઈને મારીને આવ્યો છું.”

“એમાં શું ? એ તો મરદના ખેલ છે.” એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું. પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી.

નાનો પીઠાશ ફુઆની બીકથી ભાગીને પોતાની મા સાથે ચિતોડ[૨]આવ્યો છે; નાનો મટીને જુવાન બન્યો છે. રાણાના રાજદરબારમાં કવિરાજની પદવી પામ્યો છે. ચિતોડના રાજદરબાર એની કવિતા ઉપર, મોરલી ઉપર નાગ ડોલે તેમ, ડોલી રહ્યો છે. તે વખતે માની આંખમાંથી દડ દડ પાણી પડતાં જોયાં.

“ મા, કેમ રોવું આવ્યું ? ” દીકરે પૂછ્યું. “તને સુખી જોઈને હરખનાં આંસુ આવ્યાં, બાપ !”

"ના. માડી ! આ આંસુ હરખનાં નથી, સાચું બોલો.”

”બસ. બાપ, ભૂલી ગયો ? સુખ બધું ભુલાવી દે છે.”

"શું ?"

“તારા બાપનું વેર.”

રાણીની પાસેથી બે રજપૂત લઈને પીઠાશ કાઠિયાવાડ આવ્યો. અરઠીલા ગામને માથે બરાબર અધરાત, કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગેારી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી. એના વલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થાતા હતા.

સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો. બુઢ્ઢો ફુઓ અને બુઢ્ઢી કુઈ એક જ ઓરડામાં સૂતેલાં. પીઠાશને મનમાં થયું : આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે ? અંગૂઠો દાબીને એણે ફોઈને જગાડ્યા. ચારણીએ ભત્રીજાને જોયો, હાથમાં ખડગ જોયું. એાળખ્યો.

“આવી પહોંચ્યો, બાપ !” જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી; ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી. ચારણ ચકિત થઈ ગયો.

“લે, હવે વાટ કોની જુએ છે? લગાવ. એ જ તારા બાપનો મારતલ છે.” ચારણીએ આંગળી ચીંધી.

“કુઈ! તમારો...”

“મારો ચૂડલો? ચિંતા નહિ, બાપ !”

એક જ ઘાએ પીઠાશે પતાવ્યું.

“હવે ? તને ખબર છે બાપ, કે એને માથે કોણ બેઠા છે ? હમીર અને નાગાજણ – બે: મારા બે સાવજ ! એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે, માટે ભાગવા માંડ.”

પીઠાશ ગયો. ચારણી એ ભેંકાર એારડામાં, દીવાને ઝાંખે અજવાળે, ધણીનું લોહી-તરબોળ ધડ-માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી. હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યું, રોવા લાગી. ચારણીનું રોણું તો ઝાડવાંનેય રોવરાવે. સાંભળીને આખો પાડોશ જાગ્યો. ગાયો ભાંભરી. કુતરાં વિલાપ કરવા મંડ્યાં. રડવું સાંભળતાં તો પડખેના ઓરડામાં સૂતેલા બેય દીકરા હમીર અને નાગાજણ – દોડ્યા આવ્યા. બે પહોરનું થીજી ગયેલું લોહી જેઈને નાગાજણ બોલ્યો : “ લે, માડી, હવે સમજાઈ ગયું : હવે ઢોંગ રે'વા દે ! હમીર, આ જામેલું લેાહી જો. આ કાળા કામો કરનારો નક્કી પીઠાશ. અને બાપને માડીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે ! પીઠાશને ભાગવાનો વખત એની ફુઈ વિના બીજુ કોણ આપે ? રંગ છે મા !”

માએ જવાબ દીધો : “દીકરા, એક દી એનો ય બાપ આમ મૂવો'તો, હો ! ત્રણ વરસનો એનો બાળકો તે દી ઉજ્જડ વગડે બાપના મડદા ઉપર પડ્યો પડ્યો, ગાય વન્યાના વાછરુની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા, મારા પેટ? બાપ તો સહુના સરખા. અને હવે બળ હોય તો ચિતોડ ક્યાં આઘુ છે, મારા બાપ?”

રાવળનો વેશ કાઢીને હમીર-નાગાજણ ચિતોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના ચોપડા અને બીજુ રવાજ. પીઠાશના કુળના જ વહીવંચા બનીને આવ્યા છે. પીઠાશની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી બે ભરચક થાળીએા આવે છે. 'ભલ્યે પ્રથીનાથ ! ભલ્યે અન્નદાતા!' કરતા કરતા દુશ્મનો મિષ્ટાન્નો જમે છે. એમ કરતાં તો ઘણા દિવસો ગયા. 'કાલે નામ મંડાવશું' એમ કાલ કાલ કરતાં પીઠાશ પોતાના આ દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે, પણ ચોપડામાં નામ નોંધવા માટે નહિ, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ નથી મળતો. પીઠાશ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે. એકલો ક્યાંય મળતો નથી.

એક દિવસ એવો આવી ગયો : રાતનો બીજો પહોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખેાડલ, બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાશ અને એની જોબનભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર-વહુ સામસામાં સુખ-કિલ્લોલ કરી રહ્યાં છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતા ને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી !

ત્યાં તડ...તડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી. મસ્તી થંભી ગઈ બન્ને હાથમાં ફકત એકેક જ ચૂડી : રાતીચોળ ચૂડી : તે ફૂટી. ચારણી થડકતે હૈયે બોલીઃ “મારા હાથ અડવા નહિ રાખું. અત્યારે જ ચૂડી લાવી આપો.”

“અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવું ?” ચારણ હાંસીમાં બોલ્યો : “એક રાત હાથ અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહિ નાખે !”

“ચારણ ! ચૂડલીની ઠેકડી ન હોય. લાવી આપો.” “લ્યો; માણસ મોકલું.”

“ના; માણસને મણિયારા હોંકારો ન આપે. તમે પોતે જ લઈ આવો."

પીઠાશ ચૂડલી લાવવા ચાલ્યો. બીજા માણસો સૂઈ ગયેલાં. એકલો જ ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા :

“અન્નદાતા ! અટાણે એકલા ? સાથે આવીએ!”

“ભલે, દેવ, ચાલો.”

બન્નેની ભેટમાં કટારી તો હતી. ત્રણે જણા ચાલ્યા. એવે ટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજ્જડ હતો.

પીઠાશ પૂછે છે : “જુઓ છો, દેવ, ચૂડી કેવી ?”

નાગાજણ જવાબ વાળે છે :

ચૂડી ચિત્રોડા, મૂલવતાં મોંઘી પડી,
(હવે) નાખીશ નિત્રોડા, પેલા ભવની પીઠવા!

હે ચિતોડના વાસી બનેલા પીઠાશ, ચૂડી તો તને બહુ મેાંઘી પડી ગઈ, હવે તો આવતા અવતારનાં સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે.

પીઠાશ ચેાંક્યો. આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા. પણ સમજ્યો નહિ; પૂછ્યું :

“દેવ, મરશિયા જેવો દુહો કાં કહ્યો ?”

હમીરે ઉત્તર દીધો : “લ્યો, બાપ, રૂડો દુહો કહીએ."

મેળવતાં મળિયા નહિ, જળ જાંખીર તણાં,
અંગ અરૂડ થયાં, પારે રિયાં પીઠવા !

હે પીઠવા, ઝાંઝવાનાં જળ મેળવવા તો બહુ મહેનત કરી, પણ તે મળ્યાં નહિ, અંગ થાકી ગયાં, અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા. પીઠાશનું લોહી જાણે થંભવા લાગ્યું : કોઈ એાળખીતો સૂર લાગે છે : કાંઈક ઝાંખું ઝાંખું હૈયે ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો :

પથારી પાનંગ તણે, જી છીનકું ચડાય,
(એને)જાય તો ઘડિયું જાય, (પણ) પો'ર નો જાય પીઠવા !

હે પીઠાશ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે એને પછી મરતાં બહુ તો એકાદ-બે ઘડીની વાર લાગે, પછી કાંઈ એક પહોર સુધી એને જીવવાનું ન હોય.

પીઠાશ સમજ્યો કે આ સાદ તો કાળનો. ત્યાં ચેાથો દુહો ચાલ્યો :

સખ, પાલવ, કુંજું સરસ, વેલ્યું, રથ ને વાજ,
રેઢા મેલીને રાજ, (તારે) પાળું, જાવું પીઠવા !

હે પીઠવા, આ સંસારનાં સુખ, વસ્ત્રાભૂષણ, બાગબગીચા, ગાડીઓ અને ઘોડાઓ, અરે, આખું રાજ – આ બધાંને સૂનાં મેલીને તાર પગે ચાલતાં નીકળવું પડશે.

છ છીનકું ચારાય, પાનલ, પથારી તણાં,
જાય તો ઘડિયું જાય, પો'ર નો જાય પીઠવા !

ખાટકી લોકો બકરાંને પાંદડાંની પથારી કરી આપે છે, એ પાંદડાં ચરનારાં બકરાંને બહુ તો ઘડી-બેઘડી જીવવાનું હોય, પહોર સુધી એના પ્રાણ ન રહે.

ચોંકીને પીઠાશ બોલ્યો : “તમે કોણ ?”

બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બેાલ્યા : "ભેરુ !” પીઠાશે એાળખ્યા; હેતને સ્વરે પૂછયું : “પહોંચ્યા, તમે !”

બેય જણાએ કટાર કાઢી; પીઠાશને તો કાંઈ ડરવાનું રહ્યું નથી. એ તો સ્થિર ઊભો રહ્યો, ફક્ત એટલું જ બોલ્યો : “ભાઈ, ચારણ્ય ચૂડીની વાટ જોતી બેસશે; ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું.”

હમીરે નાગાજણની સામે નજર નેાંધી. નાગાજણ કહે : “હવે રામરામ ! અમે તને ઓળખીએ છીએ.”

હમીર બોલ્યો : “ના, ના, નાગાજણ, તું પીઠાશને નથી એાળખતો; જાવા દે.”

“અરે ! હવે જાવા દઈએ ? અને ગયો પીઠાશ પાછો આવે ?”

“હા, હા, પાછો આવે. જાવા દે.”

“ભાઈ, ચીંથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો. ત્યાં એકાંત છે. આંહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ પહોંચું છું.” એમ બોલીને પીઠાશ ઝપાટાભેર ઘેર ગયો, ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો : “લે આ ચૂડી – સવાર સુધી જ તારે પહેરવી પડશે.”

"કેમ ?"

“ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવળ નથી – હમીર અને નાગાજણ છે. તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું. લ્યો, રામરામ ! ઓલ્યા અવતારે મળશું !”

પીઠાશ ચાલ્યો કે તરત ચારણી નીચે ઊતરી ઘોડારમાંથી બે પાણીપંથા ઘેાડા ઉપર સામાન માંડ્યો. બે હાથમાં ઘોડા દોરીને પીઠાશની પાછળ ચાલી. ચીંથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આઘેથી પીઠાશ દેખાયો. હમીરે કહ્યું : “નાગાજણ, પીઠાશ આવ્યો. મરદનાં વચન !”

નાગાજણે હસીને કહ્યું : “પણ જરા આઘેરો તો જો ! પીઠાશ મૂરખો નથી તે એકલો આવે. બીજો આદમી અને બે ઘોડાં ! તારા ને મારા કટકા.”

પીઠાશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે. આવીને એણે તો કહ્યું : “લ્યો, ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો.”

“પીઠાશ ! વિશ્વાસઘાતી ! આ પછવાડે કોણ ?” હમીર બોલ્યો.

ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાશે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઊઠ્યો :

"ચારણ્ય, આ શું સૂઝયું ?”

ચારણી મરક મરક મુખડે બોલી : “ચારણ, આનું નામ કાંઈ વેર કહેવાય ? સાંભરે છે, ચારણ ? તું એના બાપાને મારવા ગ્યો ત્યારે ભેળાં ત્રણ-ત્રણ ઘોડાં હતાં; અને ફુઈએ તને ભાગવા દીધો તે. ને આંહી ! આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે ? હમણાં ખબર પડતાં જ રાણાની સાંઢ્યું છૂટશે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભાગવાને સમો મળ્યો હતો તેમ એમનેય મળવો જોઈએ; માટે આ બે ઘોડાં આણ્યાં છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાએા. વીજળી જેવી ચિતોડની સાંઢ્યુંનેય આ ઘોડા નહિ આંબવા દે.”

પીઠાશ, હમીર અને નાગાજણ : ત્રણે પથ્થરનાં પૂતળાં જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બેાલે ? આવી જોગમાયાની પાસે શું બોલે ? અધરાતનાં ચાંદરડાંનાં અજવાળાં ચારણીના મુખને પખાળી રહ્યાં છે. સદેહ સ્વર્ગમાં વિચરવાની જાણે કે એને વેળા થઈ છે.

બેય જણ કટાર મૂકીને ચારણીનાં ચરણમાં પડી ગયા. પીઠાશને બાથમાં ઘાલીને છાતીએ ભીંસ્યો.

  1. * આજે ત્યાં ગામ નથી પણ માત્ર ઉજ્જડ ટીંબો છે.
  2. * કોઈ કહે છે કે જામનગર.