લખાણ પર જાઓ

રસધાર ૪/'અણનમ માથા'નું કથાગીત

વિકિસ્રોતમાંથી
← માણસિયાનું મૃત્યુગીત સૌરાષ્ટ્રની રસધાર ૪
'અણનમ માથા'નું કથાગીત
ઝવેરચંદ મેઘાણી




પરિશિષ્ટ ૨
'અણનમ માથાં'નું કથાગીત
[જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું 'નિશાણી નામક પ્રાચીન કાવ્ય]

ચૌદ સવંત પાંસઠ સરસ,
પ્રસધ વખાણે પાત્ર,
અણદન વીસળ અવતર્યો,
ચારણ વ્રણ કુળ સાત.

સુપ્રસિદ્ધ સંવત ૧૪૬પમાં ચારણના સાત કુળમાં વીસળનો જન્મ થયો.

નિશાણી ૧

દો કર જોડી શારદા વ્રણવાં વ્રગ વાણી
તું જગજણણી જોગણી પરમહુંત પરાણી
કોયલાપત કતિયાણી રવરજ રવરાણી !
દેવી દૈતવડારણી સાંભળ સરગાણી !
વદિયા હંસાવાહણી દે વેદક વાણી,
વિહળ નરસો વીનવાં, પડ ચાડણ પાણી.

બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો. પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા[] ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઈ દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી ચડાવનાર વીસળ નામના નરા કુળના ચારણને વર્ણવું. 
નિશાણી ર

પ્રમ ડાડો જેરે હેક પખ, પખ બે પાનંગરા,
ગઢા પરઠે નવનગર ચોરાશી શકારા,
વાહણ નિગમ ભડ વગંબે પંખ બે વડવારા,
ચારણ તારણ ખતરિયાં વેદગ વચારા,
ભલા સે ચારણ ભણાં દાતા સવચારા,
તંબર નાગ સવસંતે નરા અધકારા.

જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને જેને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે નગરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે, એવા ક્ષત્રિયને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.

નિશાણી ૩

નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ,
વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ,
સાત દીપ વશ શુધ કળાં ત્રાગે કળ તારણ,
માચે ભારત, ન્રભે મન વડે વેર વડારણ,
તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ.

એ નવે નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છેઃ પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતે દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.

નિશાણી ૪

સરુ સર જેમ માણસર, દણિયર દેવાળાં,
કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં,
જેમ નરમળ ગંગાજળ કોયણ ગરે અઠકળાં,
સાત સમંદ્રાં ખીરસર તવીએ ધ્રુવ તારાં,
રામ રઢાળા રગવંશાં ગોરખ મેંઢાળા,
એમ વરદાય વીહળ વડો ચારણ સકારાં.

સરોવરમાં જેમ માનસરોવર, દેવોમાં જેમ સૂર્યદેવ, નવકુળ નાગમાં જેમ શેષનાગ, પશુપતિઓમાં જેમ ઇંદ્ર, નદીઓમાં ગંગા, આઠ કુળ ગિરિઓમાં જેમ મેરુ (કોયણ), સાત સમુદ્રોમાં જેમ ખીરસાગર, તારાઓમાં જેમ ધ્રુવ, રઘુવંશમાં જેમ રામચંદ્ર, યોગીઓમાં જેમ ગોરખનાથ એમ ચારણોમાં શ્રેષ્ઠ તો ઈશ્વરી વરદાન પામેલો વીસળ ગણાય.

નિશાણી ૫

વડ ચારણ ચવીએ વડો વરદાય વીહળ,
લખણ બત્રીસે લીળઘણ ચિત્ત ધ્રુવ અણચળ,
નરમળ નરહો નવનગ૨, જેડો ગંગાજળ,
ચોરાશી વ્રણ ચકવે વજિયો ડાડાવળ,
આફળ્યો સોઢે આંગમે દો માઝે મેળે દળ,
આગળ રવિયો ધારઇં દિવાણે અણકળ.

એવો ચારણોમાં શ્રેષ્ઠ, વરદાયી વીસળ, બત્રીસલક્ષણો, ઘણો શોભીતો, અચલાયમાન ચિત્તવાળો, નવે નગરના ચારણોમાં નિર્મળ એ નરસો, જેવું નિર્મળ ગંગાજળ, ચોરાસીયે વર્ણમાં જે ‘ડાડાવળો’ કહેવાયો, જે અગાઉ સોઢાઓની સાથે લડેલો.

નિશાણી ૬

શાત્રવ શેન શનાયા, શબળા શરતાણા,
રા’ પંચાળા ઉપરે ચડિયા દિવાણા,
શેષ સળક્કે ભારસું, કોરંભ કચકાણા,
ધર અંબર રવ્ય ધ્રોંખળો ઠાર ચડે અઠ્ઠાણા,
થાનકે વીહળ વાત થે નરહે નરહાણા,
દેવારિયા ડાડાવળે, નરભે નિશાણા.

શત્રુઓએ સૈન્ય સજ્યું. સબળ સુલતાન એ પાંચાળના રાજવી ઉપર ચડ્યો. એની સેનાના ભારથી શેષનાગ સળવળ્યા. કાચબો કચકચી ગયો. ધરતી, આકાશ અને રાત્રિ ધૂંધળાં બન્યાં. વીસળના થાનકમાં વાત થઈ, એટલે એ ડાડાવળે (વીસળે) યુદ્ધનાં નિર્ભય નિશાનો સામે દેખાડ્યાં.

નિશાણી ૭

પાંડવ વેશ પ્રગટિયા હેંથાટે હેંદળ,
અભંગ અશપત ઉપરે બળિયારે સાબળ,

ધોડ કરે ખગ ધૂણિયા કાબળ અણકળ,
બતત પેખે બરબિયો વીરત ડાડાવળ,
વેરિયાં પડ તાણાવિયો વઢવા કજ વીહળ,
નરહો કોઈ ભાજે નૈ ભેળનાં નરા ભળ.

નિશાણી ૮

વિહળ પૂછે વ્રાહ્મણાં સુણ કેસવ કંધાળા,
કણ પગલે સ્ત્રગ પામીએં પશતક નૈયાળા ?
ફૂંડે મરણ જે કરે, ગળે હેમાળાં,
કરવત ભેરવ કરે, શીખળ શખાળાં.
ત્રિયા ત્રંબાસ આપતળ જે અરે હઠાળા,
તે વ૨ દિયાં વીહળા સ્રગ થિયે ભવાળા.

વીસળ (કેશવગરને) પૂછે છે, કે હે બ્રાહ્મણ, સાંભળ. હે શૂરવીર કેશવ, કયે પગલે સ્વર્ગ પમાય એવું કોઈ પુસ્તક નિહાળ્યું છે તેં ? (કેશવ કહે છે :) કૂંડાળે મરણ કરે, હિમાલયમાં ગાત્રો ગાળે, કાશીએ કરવત મુકાવે, ગિરનાર પર ભૈરવજપ ખાય, સિંહની સામે લડી મરે, અબળા, ગાય કે પોતાના ગરાસ માટે જે હઠીલાઓ મરે, તે બધા સ્વર્ગે જાય, હે વરદાયી વીસળ !

નિશાણી ૯

વહળ રાબો, રાબો ધાનરવ, સૂરાં ગર સાજણ,
નાગાજણ, રવિયો, નગડ, મૂળિયો, લખમણ,
રૈયણ, સોયો, તેજરવ, સાધે સાંબસણ,
હઠમલ જોગડો ખીમરવ, મરવા હેક લડણ,
આંબર લાંગો આલગો નરદેવ ન્રભે પણ,
સજડે પાલો વેરસલ કેસરિયા વઢકણ,
વીરત કેસવ વ્રામણું બરંબે બ્રદઘણ,
આડા ઊભા આંબલી રઢમલ માંડે રણ.

એક વીસળ રાબો, બીજો ધાનરવ રાબો, ત્રીજો શુરવીર સાજણગર, ચોથો નાગાજણ, પાંચમ રવિયો, છઠ્ઠો લખમણ, ત્રણે મૂળિયા ચારણ : સાતમો તેજરવ સોયો, સામસામાં બાણ સાંધે તેવો તીરંદાજ; આઠમો ખીમરવ, મરવા માટે એકલો લડનારો; નવમો  આલગો, નિર્ભય મનવાળો; પાલો અને વેરસલ, જે બંને કેસરિયા કહેવાતા, અને બારમો કેશવગર બ્રાહ્મણ, જેને ઘણાં ઘણાં બિરુદો હતાં. તે બધાએ આંબરડી ગામની આડે ઊભા રહીને રણસંગ્રામ માંડ્યો.

નિશાણી ૧૦

ચાળ બંધે ચલ્લિયા લૂંવડ હઠાળા,
સાહંદા એ યારસું મુકલ મેહમંદા,
ખદાબદ ખેસખણ કરણ કહંદા,
જાવદા રેમાનજા વ્રત રોજ ૨હંદા,
પરિત્રિ-નંદા પરામખ વેરાગ વેહંદા,
ગાત્ર ગેહંદા ગજ્જણ લંક મેહંદા,
સગળા હંદા સારખા દરશણ દેહંદા.

ચાળ બાંધીને એ લૂંવડ જાતના બારે હઠીલા ચારણો ચાલ્યા. સામે મુગલો અને મોહમેદો છે, જેઓ સાદા રહેમાનનાં વ્રત રહેનાર છે, પરસ્ત્રીના ભોગી છે, પરાઙ્‌મુખ છે, વૈરાગ્યવિહીન છે, હાથી જેવા અંગોવાળા ગઝનીઓ છે, લંકાના યોદ્ધા જેવા છે : એવા તમામ સરખાં યવનોએ દેખાવ દીધો.

નિશાણી ૧૧

મીર બચારા ત્રમખ્ખી જકે સ્ત્રવભ્રંખી,
કુંચ કુંવારી મોંયરખી મુંગલ અશમખ્ખી,
ધેધિંગર ધોમચખી જેરી વાણ વલંખી,
વાણ વલંખી વાત જે સરતાણ અસંખી,
તાણે ટંક અઢાર કી એહડા તીર નખી,
તે વરદાય વિહળાસું વેધે વધંખી.

તામસી, સર્વભક્ષી, મોં પર દાઢી રાખનાર, અશ્વ જેવા મોંવાળા મુગલો; ધીંગા અને ધોમચખ આંખોવાળા, જેની વાણી વસમી છે એવા અસંખ્ય સુલતાનો : અઢાર આયુધ બાંધનારા, તીર રાખનારા, એવા તમામ વીસળની સામે લડવા આવ્યા.

નિશાણી ૧૨

સવાણી સનાયા ભારથ અબંગા,
મેરે બગતરા પાખરાં એહણાં લોહ અંગા,



હાથોડા રાંગાહળા ઝળંબા ઝંગા,
કંધ વ્રજ મેળાહકા સર ટોપ સચંગા,
જેડ લોહ જંજરિયા દીપે દોઅંગા,
જાણ કે મારગ મળિયા મલતાણ મલંગા.

નિશાણી ૧૩

દોહ કડે ખગ દાબિયા વામંગ કટારા,
હે હયડે હાથ ક૨ પટા બે ધારા,
એડા નાખેડા અસે નાળે નળિયારા,
વઢવા કાજ ડાડાવળે કાબલ કંધારા,
ખાન અતંગા વંકડા હુવા હુવા હોહોકારા,
હેમર સા હણાયા હડા લાખ કંકડારા.

કમ્મરની બન્ને બાજુ બબ્બે તલવારો દાબી, ડાબી ભેટમાં કટાર નાખી, બેધારા પટા સજ્યા. હોહોકાર થયો. ઘોડા હણહણવા લાગ્યા.
નિશાણી ૧૪

હે જલંગા હંસલા કમંધ મકરાણી,
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,
ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,
જાય શશંગી ઝોપિયા સજકિયા પતશાણી,
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,
સવરે વજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

જલંગા ઘોડા, હંસલા ઘોડા, મારવાડી, અરબ્બી, ક્યાડા રંગના, માંકડા રંગના અને ખોરાસાની ઘોડા : ગિરિવર ઉપર ચડી જાય તેવી જાંઘોવાળા; પાણીપંથા; તે સહુની ઉપર પાદશાહી પલાણો માંડ્યાં છે જેવા રેવંતો (ઘોડા) છે, તેવા જ એના રાવતો (અશ્વપાળો) છે. મખમલનાં પલાણ માંડ્યાં છે એવા ઘોડા ઉપર પઠાણો ચડ્યા છે.
નિશાણી ૧૫

વીહળ માઝી વંકડા છત્રયત છોગાળા,
કળગર જેડા કેશવા નર જે નેઠાળા,
કેસરિયા બે આલગો ભાણેજ શખાળા,
ત૨કા અણશું આપતલ મચવે મેતાળા,
અભંગ ઘાયે આવિયા વાયે ૨કમાળા.


નિશાણી ૧૬

ધરે નતાળાં વાદ્યળાં બાંધે ખગાળાં,
સખ નપારાં સેહણાં રોશાળ રઢાળાં,
કુંત ધબક્કે વીજળાં વજે ત્રંબાળાં,
બાણ વછૂટે સાવળાં ગાજે હથનાળાં,
રત વરશાળાં વાદળાં જાણે કે સખરાળાં,
વડવેધ વશધરા વડાં ભોપાળાં.

નતાળ (તાળ વિનાનાં નગારા) વાગ્યાં, તલવારો બંધાણી, ભાલાં, ત્રંબાળ વાગ્યાં, બાણો વછૂટ્યાં, હાથનાળો (બંદૂકો) ગાજી.
નિશાણી ૧૭

સીંગણ છૂટે ભારસું હથનાળ વછટ્ટે,
સાબળ ફૂટે સોંસરા, સૂરા સભટ્ટે
વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે
ત્રુટે ઝંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

ગલોલીઓ જોરથી છૂટવા લાગી. હાથનાળો વછૂટવા લાગી. સોંસરવી વીંધાવા લાગી. શૂરવીરોનાં હૈયાં વચ્ચે જખમો પ્રગટવા લાગ્યાં.

રજિયતમલ કે રતનશી આગળ એમ અખે,
જે ખૂની પતશાવરા સો નરહો રખે,
અશપત ગજપત ઉપરે દજડો શંક દખે,
સવણે વેઅણસે સાંભળે કાબલ વધંખે,
વિહળ કેમ વેણીએ ખાંગા કેમ પખે,
કેમ સૂરત મંગળી દળમળ અસંખે,
ચોટાળો કરમણ સરસ ભારી ગ્રંથ ભખે.

[આ કાવ્યના કેટલાએક અર્થો સૂઝી શક્યા નથી.]
  1. **કોયલો ડુંગર પોરબંદર તાબે મિયાણી બંદર નજીક દરિયાઈ ટાપુ છે.