લખાણ પર જાઓ

રસધાર ૪/અણનમ માથાં

વિકિસ્રોતમાંથી
← નિવેદન સૌરાષ્ટ્રની રસધાર ૪
અણનમ માથાં
ઝવેરચંદ મેઘાણી
હોથલ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




અણનમ માથાં

સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા હતા.

બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઈબંધનું જૂથ. બારે અંતર એકબીજાને આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો. બાર બોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.

સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામડાંનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ : જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે : જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે : દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે: એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ્ચારી :

"ભાઈ ધાનરવ ! ભાઈ સાજણ ! ભાઈ નાગાજણ ! રવિયા ! લખમણ ! તેજરવ ! ખીમરવ ! આલગા ! પાલા ! વેરસલ ! અને કેશવગર ! સાંભળો.”

"બોલો, વીહળભા !” એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા.  “સાંભળો, ભાઈ ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઈ મેલી છે. આપણને શાસ્તરની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્તર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે – વાંસા-મૌર્ય નહિ. છે કબૂલ ?”

“વીહળભા ! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વીહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતાપોતાની તલવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે, જીવવું ને મરવું એક જ સંગાથે.”

ડાલા ડાલાં જેવડાં બારે માથા ઉપર બાર ઝગારા મારતાં ખડગ મંડાયાં. અને બારેનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે 'જીવવું-મરવું બારેયને એકસંગાથે – ઘડી એકનુંય છેટું ન પાડવું.'

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવો. મોતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઈને આનંદે ચડ્યા છે. વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છે. કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડાં હાંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો આંબરડીના ચોરામાં ઈશ્વરનાં ભજન-આરતી સંભાળે છે.

બીજી બાજુ શો બનાવ બન્યો?

અમદાવાદની કચેરીમાં જઈને વીસળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે, “અરે, હે પાદશાહ સલામત ! તેં સારાય સોરઠ દેશને કંડે કર્યો, મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુગટ ઝુકાવે, પણ તારી પાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.” “કોણ છે, એવો બેમાથાળો, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ?” પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું.

“આંબરડી સુંદરીનાં સાત સાજણ ગામનો ધણી વીસળ . જાતનો ચારણ છે.”

'લા હોલ વલ્લાહ ! યા ખુદા તાલા ! યા પાક પરવરદિગાર !' — એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવાવાળા, અક્કેક ઘેટો હજમ કરવાવાળા, અક્કેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપબખ્તર પહેરવાવાળા મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની જોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા.

“શું, સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે? એની પાસે કેટલી ફોજ ?”

“ફોજ-બોજ કાંઈ નહિ, અલ્લાના ફિરસ્તા ! એક પોતે ને અગિયાર એના ભાઈબંધો. પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. પાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.”

સડડડડ ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રૂંવાડાં બેઠાં થઈ ગયાં. ફોજને હંકારવા હુકમ દીધો. અલ્લાનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ પર આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે, “બોલાવો વીસળ રાબાને.”

એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખંભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો — એવા દેવતાઈ રૂપવાળો વીસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજનાં કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે, નવરંગીલી દશે દિશાઓના ચાકળાચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળ નાખતી ધરતી દેવીના યજ્ઞ-કુંડ જેવી સડસડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે ! એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વીસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે :

જ્યોતિ પ્રળંબા,જગદમ્બા, આદ્ય અંબા ઈસરી,
વદન ઝળંબા, ચંદ બંબા, તેજ તમ્બા તું ખરી,
હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ ૨મ્મણી.

જીય રાસ આવડ રમ્મણી,
જીય રાસ આવડ રમ્મણી.

ભેરવે હલ્લાં, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,
હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયું,
ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમમ ગમમમ આભનો ઘુમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણિના કટકા કરવાનું મન હોય એવાં જોર કરીને બેય ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વીસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિનાં આરાધન ઉપાડે છે :

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,
ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,
નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,
રવરાય રવેચીએ, જગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.

દેવી વક્કળ વેસીએ ઇસવરી,
માડી વક્કળ વેસીએ ઇસવરી.

મેઘમાળા ગાજી હોય એવો બુલાવો ખાઈને મોરલા મલ્હાર ગાવા લાગે છે. વિસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે. એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે, “વીહળભા ! પાતશા તમારે પાદર આજ પરોણા થઈને ઊતરેલ છે.”

“પાતશાની તો પરવા નથી, પણ પરોણો એટલે જ પાતશા.” એમ બોલીને ચારણ સાંતીડે ધોંસરું નાખી, બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી, કડબ નીરી, કોઈ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાહને મળવા ચાલ્યો.

“વીસળભા, સંભાળજો ! ચાડી પહોંચી છે.” બજારના માણસોએ શિખામણ સંભળાવી.

“હું તે બેમાંથી કોને સંભાળું, ભાઈ ? પાતશાને કે ચૌદ લોકની જગજનનીને ?”

એટલે જવાબ વાળીને વીસળ ગઢવી સુલતાનના તંબૂમાં દાખલ થયા. સિત્તેરખાં અને બોતેરખાં ઉમરાવ પણ જ્યાં અદબ ભીડી, શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે, ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે, રજેભર્યે લૂગડે, અણથડકી છાતીએ, ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામા આવીને એક હાથે આડી તલવાર ઝાલીને બીજે હાથે સલામ દીધી, એનું માથું અણનમ રહ્યું.

“વીસળ ગઢવી !” સુલતાને નાખોરાં કુલાવીને પડકારો કર્યો. “સલામ કોની કરી?”

“સલામ તો કરી આ શક્તિની – અમારી તલવારની, ભણેં, પાતશા!” વીસળે ઠંડે કલેજે જવાબ વાળ્યો.

“સોરઠના હાકેમને નથી નમતા?”

“ના, મોળા બાપ! જોગમાયા વન્યા અવરાહીં કમણેહીં આ હાથની સલામું નોય કે આ માથાની નમણ્યું; બાકી, તોળી આવરદા માતાજી ક્રોડ વરસની કરે !”

“કેમ નથી નમતા ?” “કાણા સારુ નમાં? માણહ માણહહીં કેવાનો નમે? હાથ જોડવા લાયક તો એક અલ્લા અને દુજી આદ્યશક્તિ : એક બાપ અને દૂજી માવડી; આપણ સંધા તો ભાઈયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા ! નમીએં નહિ. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં. તો પછેં, બોલ્ય પાતશા, કાણા સારુ નમાં ?”

ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડ્યો :

“કાં સલામ દે, કાં લડાઈ લે.”

“હા ! હા! હા! હા!” હસીને વીસળભા બોલ્યો : “લડાઈ તો લિયાં, અબ ઘડી લિયાં. મરણના ભે તો માથે રાખ્યા નસેં. પણ પાતશા ! મોળો એક વેણ રાખો.”

“ક્યા હૈ ?”

“ભણેં પાતશા, તોળી પાસેં દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસદારઃ તોળા પાસે તોપું, બંધૂકું, નાળ્યું-ઝંઝાળ્યું, અને અમણી પાસે અક્કેક ખડગ: ભણેં લડાઈ લિયાં; પણ દારૂગોળો નહિ; આડહથિયારે. તોળા સૈકડામોઢે લડવૈયા; અમું બાર ભાઈબંધ : આવી જા. અમણા હાથ જોતો જા, અણનમ માથાં લેને કીમ કવળાસે જવાય ઈ જોતો જા !”

સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર-ભાલાં જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.

“રંગ વીસળભા ! લડાઈ લેને આદો ! રંગ વીસળભા ! પાતશાની આગળ અણનમ રૈ'ને આદો !” એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ એ સામી બજારે દોટ દીધી, વીસળને બાથમાં લઈ લીધો. દસ ને એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામાં અબીલગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે.

મોરલા જેવા બાર ભાઈબંધોનાં મોતનાં પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે, “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીરપુરષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા ! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાને ઈલાજ બતાવો ?”

“ઈલાજ છે, ખુદાવંદ,” વજીર બેલ્યો, “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ, એને આપણે સંભળાવી દેશું કે, અમને તેં પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”

સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારે ભાઈબંધો સગાંવહાલાંને જીવ્યા-મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વીસળભા ! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વીસળે ભારથમાં પારોઠનાં [] પગલાં ભર્યાં કહેવાશે, હો !”

“પારોઠનાં પગલાં ! વીહળો ભરશે?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાં : “ધાનરવ ભા ! નાગાજણ ભા ! રવિયા ! લખમણ ! ખીમરવ ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી


  1. ૧. પીઠનાં
છાતીએ બાર નીકળીએ.”

પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દેદારોને દેખ્યા. “અલ્લાહ ! અલ્લાહ ! અલ્લાહ ! ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ?”

એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો :

વિહળ પૂછે વ્રાહ્મણા, સુણ કેસવ કંધાળા,
કણ પગલે સ્રગ પામીએ, પશતક નયાળા ?

અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ. હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય ? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તેં નિહાળ્યું છે?

આ અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળભા ! —

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,
કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં.
ત્રિયા, ત્રંબાસ, આપતળ, જે મરે હઠાળા,
તે વર દિયાં વીહળા, સ્રગ થિયે ભવાળા.

વીહળભા, કાં તો માણસ કૂંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવજપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વીહળ !

સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈ કુંડાળું કાઢ્યું. “જુવાનો !” વીસળે વાણીનો ટંકાર કર્યો, “જુવાનો ! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યા એટલા કેડામાંથી ‘કૂંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો ! આજ ભાઈબંધીનાં પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એકસંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબૂલ છે?”

“રૂડું વેણ ભણ્ર્યું, વીહળભા !” દસે જણાએ લલકાર દીધો.

“આકળા થાઓ મા, ભાઈ, સાંભળો ! કૂંડાળે આવવું તે ખરું, પણ પોતાપોતાનાં હથિયાર પડિયાર, ફેંટાફાળિયાં અને કાયાની પરજેપરજ નોખાં થઈ ગયાં હોય તેયે વણીને સાથે આણવાં. બોલો, બનશે?”

“વીહળભા !” ભાઈબંધો ગરજ્યા, “ચંદરસૂરજની સાખે માથે ખડગ મેલીને વ્રત લીધાં છે. આ કેસરિયા વાઘા પહેર્યા છે. આ કંકુના થાપા લીધા છે અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી? અમે તે તારા ઓછાયા, બાપ ! વાંસોવાંસ ડગલાં દીધે આવશું.”

“જુઓ, ભાઈ ! અત્યારે આજ સાંજરે આપણામાંથી આંહીં જે કૂંડાળા બહાર, એ ઈશ્વરને આંગણેય કુંડાળા બહાર; વીસરશો મા.”

દસે જણાએ માથાં નમાવ્યાં.

“અરે, પણ આપણો તેજરવભા ક્યાં?”

“તેજરવ પરગામ ગયો છે.”

“આ.. હા ! તેજર રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળા થાશું.”

અગિયારે જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા-મૂઆના રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી.

સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વીસળ બોલ્યો : “ભાઈ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે. એને માથે ઘા ન હોય, હો કે ! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાના હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જેવા દેજો, હો!”

“હા, ભાઈ !”

માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજૂડી રબારણ હાલી આવે છે. આવીને એણે કુંડાળા ઢૂકડો ગોળો ઉતાર્યો. “વીહળ આપા ! આ પાણી !”

“માંજૂડી, બેટા, રંગ તને ! ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે, બેટા!”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી !’ – ‘જે ચંડી, જે જોગણી !’ની હાકલ દીધી. દોટ કાઢી. અગિયારે જણા પગપાળા. અને સામે —

હે જલંગા હંસલા કમંધ મકરાણી,
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,
ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,
જાણ શશંગી ઝોપીઆ સજાકયા પતાશાણી,
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,
સવરે વજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, કયાડા, માંકડા, અરબી, ખોરાસાની — એવા જાતજાતના પાણી પંથા અને પહાડને વીંધે એવી જાંઘોવાળા ઘોડાને માથે મખમલનાં પલાણ માંડીને પઠાણો ઊતર્યા. ઝાકઝીક : ઝાકઝીક : ઝાકઝીક : સામસામી તલવારોની તાળીઓ પાડવા મંડી. એક એક ભાઈબંધ સો સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે, ‘યા અલ્લાહ ! યા અલ્લાહ ! ઈમાનને ખાતર ઈન્સાન કેવી જિગરથી મરી રહ્યો છે !’

“વાહ, કેશવગર ! વાહ બાવાજી ! વાહ, બ્રાહ્મણ, તારી વીરતા !” એવા ધન્યવાદ દેતો દેતો વીસળજી રાબો કેશવગરનું ધીંગાણું નીરખે છે.

શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે, આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે.

“વીહળભા !” વીસળના નાનેરા ભાઈ લખમણે સાદ દીધો: “વીહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતુક આવ્યાં તે મને તારા મેઢાનો મીઠો સુખન નહિ ! વિહળ, કેશવગરને ભલકારા દઈ રિયા છો, પણ આમ તો નજર માંડો !”

ડોક ફેરવીને જ્યાં વીસળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તલવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતાં જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વીસળની છાતી ફાટફાટ થઈ રહી.

“એ બાપ, લખમણ, તું તો રામનો ભાઈ, તને ભલકારા ન હોય. તું શૂરવીરાઈ દાખવ એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો : માગણ ઊઠીને આંતરડાંની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઈ કહેવાય, મારા લખમણ જતિ !”

સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા ! આડહથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથે માથું આ અગિયારે જણા બાજરાનાં ડૂંડાંની જેમ લણી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો ! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર તે હડુડુડડુ ! હમમમમમ ! ધડ ! ધડ ! ધડ!—

સીંગણ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,
સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે
વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,
ત્રુટે ગુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતશાહી ફોજની ગલેલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવા ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતરના ગરબા બનીને અગિયાર ભાઈબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યા. કોઈ એક પગે ઠેકાતો આવે છે, કોઈ આંતરડાં ઉપાડતો ચાલ્યા આવે છે, કોઈ ઘડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાને કટકે કટકે ઉપાડીને કુંડાળે પહોંચ્યા, પછી વીસળે છેલ્લી વાર મંત્ર ભણ્યો, “ભાઈબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”

સહુ બેઠા. લોહીનો ગારો કરી સહુએ અક્કેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદાં ઓશીકાં કર્યા અને સામસામાં રામરામ કરી, અગિયારે જણા પડખોપડખ પોઢ્યા.

ટોયલી ભરી ભરીને માંજૂડી રબારણ અગિયારે મોતના વટેમાર્ગુઓને પાણી પાય છે, પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે, ત્યાં તો અગિયારેની ઓળખાણ કરવા સુલતાન પોતાના કૂકડિયા ચારણને લઈને કૂંડાળે આવ્યો. આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે, “આ કોણ? આ કોણ?”

અને ભાલાની અણી અડાડી અડાડીને કૂકડિયો ઓળખાણ દેતો જાય છે કે, “આ વીસળ ! આ ધાનરવ ! આ લખમણ.”

“મારા પીટ્યા !” માંજૂડીએ કાળવચન કહ્યું, “તને વાગે મારા વાશિયાંગનાં ભાલાં ! મારા સૂતેલા સાવઝને શીદ જગાડછ ? જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવ’વું તું ને?”*[]

માંજૂડીની આંખમાં આંસુ આવ્યાં. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.

ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભાળી. એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એક સામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે ! તેજારવ આપા ! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પડો.”

“એ ભાઈ, મને રોકો મા. તે દી છોડિયું છબે નો’તી રમી, પણ મરદોએ કાંડાં બાંધ્યાં હતાં.”

છૂટીને તેજરવ દોડ્યો, છલંગ મારીને તેજારવ સોયા એ અગિયારે ભાઈબંધની ચિતા સામે ઊભીને બોલ્યો :

“વીહળભા, તમુ હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણે હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું


  1. * અને રબારણની વાણી સાચી પડી. વીસળને દીકરો વાશિયાંગ, જે આ યુદ્ધને ટાણે પારણામાં હીંચકતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભરબજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો.
પાડી દીધું? પણ હે અગ્નિદેવતા ! મારો ફેર ભાંગી નાખજો. જે હો, અમરાપરીના ઓરડામાં વીહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય.”

એટલું બોલીને અગિયાર ભાઈબંધની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું. હાથમાં માળા લીધી. બળતી ઝાળની વચ્ચે બેસીને ‘હર ! હર ! હર !’ના જાપ જપતા મણકા ફેરવવા લાગ્યો. આખીયે કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

[દુહો]

 

તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં,
સોયે મરણ સટે, વીસળસું વાચા બંધલ.

તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.

અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

[આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કુંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મો’બતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા' છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચેરાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુઓની તલવારની ધાર બાંધી જાણ એમ મનાય છે.

આ ઘટનાની સાક્ષી પૂરતું ‘નિશાણી’ નામે ઓળખાતું એક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય પુસ્તકને અંતે પરિશિષ્ટમાં આપ્યું છે. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]