રસિયા પાટણ શહેરને પાદર

વિકિસ્રોતમાંથી
રસિયા પાટણ શહેરને પાદર
લોકગીત



રસિયા પાટણ શહેરને પાદર

રસિયા પાટણ શહેરને પાદર
પારસ પીપળો રે લોલ
રસિયા તીયાં રે બંધાવો
હાલણ હીંચકો રે લોલ

રસિયા તીયાં રે હીંચકીએ
આપણ બેઉ જણાં રે લોલ
રસિયા હીંચકડો તૂટ્યો ને
પડિયા બેઉ જણાં રે લોલ

રસિયા અમને રે વાગ્યું ને
તમને ઘણી ખમ્મા રે લોલ
રસિયા રીંસે ભરતી બોલું કે
તમને ઘણી ખમ્મા રે લોલ

રસિયા તમને તે પરણાવું
વાણિયણ વેવલી રે લોલ
રસિયા પાણીની ભરનારી
વાણિયણ વેવલી રે લોલ

રસિયા તમને તે પરણાવું
ગામ ગરાસણી રે લોલ
રસિયા ચાકળડે બેસનારી
ગામ ગરાસણી રે લોલ

રસિયા કિયો તો પરણાવું
નાગર ભ્રામણી રે લોલ
રસિયા રસોઈની કરનારી
નાગર ભ્રામણી રે લોલ


રસિયા પાટણ શહેરને પાદર
વાણીડાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી તે વોરો રે
નવરંગ ચૂંદડી રે લોલ
રસિયા ચૂંદલડી ઓઢ્યાના
અમને કોડ ઘણા રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર
મણિયારાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી તે ઊતરાવો
નવરંગ ચૂડલો રે લોલ
રસિયા ચૂડલડો પહેર્યાની
અમને હોંશ ઘણી રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર
સોનીડાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી તે ઘડાવો
ઝાલ ઝૂમણાં રે લોલ
રસિયા ઝાલ ઝૂમણાં પેર્યાની
અમને ખંત ઘણી રે લોલ

રસિયા પીપળિયાની ડાળે
બાંધ્યો હીંચકો રે લોલ
રસિયા ઈ હીંચકડે ઝૂલીએ
આપણ બેઉ જણાં રે લોલ